ફિર દેખો યારોં : જેણે મૂકી લાજ, એમનું ઘણું મોટું રાજ

બીરેન કોઠારી

‘હું પ્રચંડ આંચકો અને વેદના અનુભવું છું. આ દેશની પ્રત્યેક મહિલા, પુરુષ અને દરેક સંવેદનશીલ વ્યક્તિની હું દિલથી માફી માગું છું…મને પ્રચંડ આંચકો લાગ્યો છે અને હું માત્ર એટલું જ કહી શકું એમ છું કે તેના વતી હું માફી માગું છું.’ આવાં માફીવચનો બળાત્કારની દુર્ઘટના સંદર્ભે જેણે ઉચ્ચારેલાં એ વ્યક્તિ આરોપીનાં સગાંવહાલાં કે તેને સાથ આપનારમાંથી કોઈ નહોતી. એ કોણ હતી એ જાણતાં અગાઉ શેના સંદર્ભે તેમણે આ કહ્યું એ જોઈએ.

2012માં દિલ્હીમાં નિર્ભયાકાંડ થયું એ પછી તે અંગે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારી મહિલાઓ અંગે એક સાંસદે એક સ્થાનિક ટી.વી.ચેનલને કહેલું, ‘રેલીમાં વિદ્યાર્થીઓને નામે આવતા લોકોમાં સુંદર મહિલાઓ હોય છે. ‘ડેન્ટેડ એન્ડ પેઇન્ટેડ વિમેન’નું આ આંદોલન છે. ‘ડેન્ટેડ એન્ડ પેઇન્ટેડ’ એટલે મેકઅપ થકી પોતાના ચહેરા પરના ખાડા અને કરચલીઓ ઢાંકતી સંપન્ન વર્ગની મહિલાઓ. તેમણે વધુમાં કહેલું, ‘આ મહિલાઓ ટી.વી. પર ઈન્‍ટરવ્યૂ આપતી ફરે છે અને પોતાનાં સંતાનોનો દેખાડો કરતી રહે છે. દિલ્હીમાં ગુલાબી ક્રાંતિ જેવું કંઈક થઈ રહ્યું છે, જેને નક્કર વાસ્તવિકતાઓ સાથે ભાગ્યે જ કશો સંબંધ છે.’ આમ કહેનાર હતા પશ્ચિમ બંગાળના જંગીપુર મતક્ષેત્રમાંથી ચૂંટાયેલા કૉંગ્રેસ પક્ષના સાંસદ અભિજીત મુખરજી. તેમના પિતાજી પ્રણવ મુખરજી ત્યારે દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિના હોદ્દે બિરાજમાન હતા. અભિજીત મુખરજીની આ ટીપ્પણીને પગલે વ્યાપક આક્રોશ ફાટી નીકળ્યો. અભિજીતનાં બહેન, જાણીતાં કથક નૃત્યાંગના અને પછી કૉંગ્રેસ પક્ષનાં સભ્ય એવાં શર્મિષ્ઠા મુખરજીએ પોતાના ભાઈની આવી ટીપ્પણી બદલ શરમિંદગી વ્યક્ત કરી હતી અને લેખના આરંભે જણાવેલા શબ્દોમાં સહુ કોઈની માફી માગી હતી. રાષ્ટ્રપતિના પુત્ર હોવા છતાં અભિજીતે પોતાની ટીપ્પણી પાછી ખેંચવી પડી હતી અને માફી વ્યક્ત કરી હતી.

એ પછી આઠ વરસ વીત્યાં. આ સમયગાળામાં દેશે ઘણો વિકાસ કર્યો છે. ના, બળાત્કારની ઘટનાઓ ઘટી કે ઓછી થઈ નથી. અને એ મામલે કોઈ પણ પક્ષની સરકારને ભાગ્યે જ જવાબદાર ઠેરવી શકાય. બળાત્કારના આરોપીઓ અને ગુનેગારો સામે લેવાતાં પગલાં બાબતે સરકારને જવાબદાર અવશ્ય ઠેરવી શકાય. બળાત્કારનો એક ગુનો બહાર આવે તેને પગલે અન્યત્ર થયેલા આવા ગુનાઓ પણ પ્રકાશમાં આવવા લાગે છે. એ સાથે જ રાજકારણ રમાવાનું શરૂ થઈ જાય છે. બળાત્કારનો ભોગ બનનાર મહિલા ચાહે કોઈ પણ વર્ણ યા ધર્મની હોય, તેના પર આચરવામાં આવેલા દુષ્કૃત્ય અને તેને પગલે તેણે ભોગવવી પડતી પીડામાં કશો ફરક પડતો નથી. ફરક પડે છે તેની પર આચરવામાં આવેલા દુષ્કૃત્ય પછી આરોપીઓ પર પગલાં લેવાની ઝડપમાં, ઈચ્છાશક્તિમાં કે પદ્ધતિમાં.

સૌથી બોલકાં એવાં સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર શરૂઆત ‘આરોપીને ફાંસીએ લટકાવી દેવા’ની માગણીથી વિરોધના સૂરનો આરંભ થાય છે, જે ‘હેશટેગ’ કે ‘ડીપી’ (ડિસ્પ્લે પિક્ચર)નો રંગ બદલવાની ઝુંબેશ થકી આગળ વધે છે, અને છેલ્લે ‘ફલાણું થયું ત્યારે ઢીકણા ક્યાં હતા?’ની સવાલબાજી સાથે તેનો અંત આવે છે. નેતાઓને, જવાબદાર અધિકારીઓને પૂછવાના સવાલ આ જાગ્રત નાગરિકો છેવટે પોતે માની લીધેલી ‘લેફ્ટ’, ‘લીબરલ’, ‘સંઘી’, ‘જમણેરી’, ‘સેક્યુલર’, ‘પસંદીદા મૌન જાળવનારી’..વગેરે જેવી જમાતો તરફ હવામાં ફંગોળીને જાગૃતિ દર્શાવે છે. ફલાણા રાજ્યમાં અમુક પક્ષનું શાસન હતું ત્યાં આટલા ગુના થયા ત્યારે કેમ કોઈ બોલ્યું નહીં, આમ થયું ત્યારે ચૂપ રહેનારા તેમ થાય ત્યારે કેમ રાડારાડી કરી મૂકે છે- જેવા સવાલોનાં તીર હવામાં ઉડતાં રહે છે. એમ લાગે કે રાજકારણીઓએ પોતાના કાર્યનું જાણે કે ‘આઉટસોર્સિંગ’ નાગરિકોને ન કરી દીધું હોય! રેલ્વે યાર્ડમાં નજરે પડતા અસંખ્ય પાટાઓની જેમ, દેશના કે રાજ્યના રંગમંચ પર અનેક ઘટનાઓ એ રીતે સમાંતરે ભજવાતી રહે છે કે જાણે તેમને એકબીજા સાથે કશો સંબંધ ન હોય.

આવી દુર્ઘટના પછી રાજકારણીઓ જે ટીપ્પણીઓ જાહેરમાં, શરમ નેવે મૂકીને કરતા ફરે છે, એ જોયા પછી કદાચ અભિજીત મુખરજીની ટીપ્પણી પ્રમાણમાં સભ્ય જણાય તો નવાઈ નહીં. ઘણા નાગરિકો આ રાજકારણીઓને પણ ટપે એવી ટીપ્પણીઓ જાહેરમાં કરે છે અને પોતે જાગ્રત નાગરિક હોવાનું ગૌરવ અનુભવે છે.

આ બધા છતાં વિવિધ રાજ્યોમાં મહિલાઓ પર થતા બળાત્કારની ઘટનાઓ સતત બનતી રહે છે. તેની અધમતા દરેક તબક્કે નવું તળિયું શોધતી રહે છે. એ અધમતા આરોપીઓની હોઈ શકે, સત્તાતંત્રની હોઈ શકે યા પ્રસાર માધ્યમોની પણ હોઈ શકે.

આ બધા ઘોંઘાટમાં મૂળભૂત માનવીય અધિકારોની તતૂડી શી રીતે સંભળાય? સત્તાતંત્રને જવાબદેહ બનાવી શકાય, ન્યાયપ્રક્રિયા ચુસ્ત બનાવી શકાય અને કાનૂન તથા વ્યવસ્થામાં નાગરિકોનો વિશ્વાસ ઉભો થાય એવું વાતાવરણ કેમ પેદા ન કરી શકાય? વક્રતા કેવી છે એ જુઓ. રાજકારણમાં પડેલાઓ પક્ષીય વફાદારીને ભાગ્યે જ મહત્ત્વ આપતા જોવા મળે છે. ‘સૈદ્ધાંતિક મતભેદો’નું કારણ આગળ ધરીને, પોતાના લાભ ખાતર પક્ષ બદલતાં તેમને નથી વાર લાગતી કે નથી સંકોચ થતો. હવે તો આવા નેતાઓના ‘બજારભાવ’ પણ જાણવા મળે છે, અને તેની શરમ સુદ્ધાં નીકળી ગઈ છે. તેમની સરખામણીએ એક સરેરાશ નાગરિક ભાગ્યે જ કોઈ પક્ષ વિશેના પોતાના મત અંગે ફેરવિચાર કરે છે.

ગુનેગારોને તત્કાળ ‘જાહેરમાં ફાંસી’ આપવાની માગણી જોરશોરથી કરનારા નાગરિકોને બિચારાઓને ખબર નથી કે એવી પ્રથા દેશમાં અમલી બને તો ક્યારેક તેમનો પોતાનો ભોગ પણ લેવાઈ જાય. એમ થઈ શકે એ માટે તેમણે કોઈ ગંભીર ગુનો કરવો કે એવા કોઈ ગુનામાં તેમની દૂરદૂર સુધી સંડોવણી હોવી જરૂરી નથી. તેઓ સાવેસાવ નિર્દોષ હોય તો પણ આ નોબત માત્ર એટલા જ કારણથી આવી શકે કે ફાંસીના ગાળિયાનું માપ તેમના ગળામાં બંધબેસતું હોય! કવિ દલપતરામની કવિતા સર્વકાલીન હોઈ શકે છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૮-૧૦-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.