
દર્શા કિકાણી
(૨૪ જૂન ૨૦૧૯)
આજે અમે વોર્સોથી પોલેન્ડની જૂની રાજધાની ક્રેકો( KRAKOW) જવાનાં હતાં. ક્રેકો દક્ષિણ પોલેન્ડની સરહદ નજીક આવેલું છે. બંને શહેર વચ્ચે લગભગ ૩૦૦ કી.મિ.નું અંતર છે, એટલે રોજ કરતાં ટૂંકો રસ્તો આજે કાપવાનો હતો. નાસ્તો કરીને ૮.૩૦ વાગે અમે બસ-સવારી માટે તૈયાર થઈ ગયાં હતાં. મસ્તી કરતાં કરતાં અમે બસમાં ચડ્યાં. રોજ ખુશ ખુશ દેખાતા ડ્રાઈવર આદમભાઈ આજે સ્વસ્થ લાગતા ન હતા. બધાં બસમાં બેસી ગયાં પછી મિલિન્દભાઈએ બહુ દુઃખદ સમાચાર આપ્યા. ગામડે રહેતાં આદમનાં પૂજ્ય માતુશ્રી અવસાન પામ્યાં હતાં. અમે સૌએ બસ ઉપડતા પહેલાં દિવંગત આત્માની સદગતી માટે પ્રાર્થના કરી અને બે મીનીટનું મૌન રાખ્યું. ગીતાના મંત્રોચાર કર્યા. ઈરાએ ‘મંગલ મંદિર છોડો’ ભજન ગાઈ બધાંની આંખમાં આંસુ લાવી દીધાં. ભજન, મંત્રો અને મૌન એટલે શું અને તેનું મહત્ત્વ શું એ રાજેશે આદમને વિસ્તારથી સમજાવ્યું અને પ્રેમથી દિલાસો આપ્યો, જેથી આદમ થોડા સ્વસ્થ થયા. ગમે તે ઉંમરે માતાનું અવસાન તો દુઃખદાયક જ હોય. આદમની માનસિક સંતુલન રાખવાની કુશળતા ઘણી સારી હતી. વોર્સોથી ક્રેકો લઈ જવા માટે બદલીના ડ્રાઈવરની આટલી ઓછી નોટિસથી સગવડ કરવી મુશ્કેલ હતી, એટલે આદમે જ બસ હાથમાં લીધી. દોઢેક કલાક બાદ ગોઠવણ કર્યા મુજબ બદલીના ડ્રાઈવર રસ્તામાં ભેગા થયા અને આદમે પોતાના ગામ જવા વિદાય લીધી. કામ પ્રત્યે કેવી જવાબદારી અને કેવું સમર્પણ!
રોજની જેમ જ રસ્તામાં મોટા કાફે પાસે ડ્રાઈવરે બસ ઊભી રાખી. ઘરનો નાસ્તો, ત્યાંની કૉફી અને તાજાં ફળોનું જમણ કર્યું. શાળાનાં મિત્રોની જેમ આ રીતના બપોરના જમણમાં બહુ મઝા આવે છે અને મુસાફરીમાં અનુકૂળતા પણ રહે છે. ક્રેકો પહોંચતા જ લોકલ ગાઈડ મળી ગયા. તેમણે એક બહુ રસપ્રદ લોક્વાયાકાથી શરૂઆત કરી. શહેરનું નામ ક્રેકો કેવીરીતે પડ્યું? વર્ષો પહેલાં એક રાક્ષસ (DEMON) રોજ સીમમાં આવી ચરતા પશુઓનો સંહાર કરી જતો. ગામ લોકો ત્રાહી ત્રાહી પોકારી ગયાં હતાં પણ રાક્ષસથી ગામ લોકોને કોણ છુટકારો અપાવે? એક વાર ક્રેકો નામે એક શૂરવીર આવ્યો અને તેણે રાક્ષસ સામે બાથ ભીડી અને રાક્ષસને મારી નાખ્યો. તેના નામની યાદમાં ગામનું અને આગળ જતાં શહેરનું નામ ક્રેકો પડ્યું. આપણે ભારતમાં અને ખાસ તો સૌરાષ્ટ્રમાં આવી લુંટારુઓની કેટલી બધી વાયકાઓ સાંભળી છે! માણસો બધે સરખાં!
બસ થોડી જ આગળ જઈ ઊભી રહી ગઈ. જૂના શહેર કોટ-વિસ્તારમાં વાહનો લઈ જવાની મંજુરી નથી. આજની ૭-૮ કી.મિ.ની આખી યાત્રા પગપાળા જ કરવાની હતી! જૂની રાજધાનીનું ક્રેકો શહેર UNESCO WORLD CULTURAL HERITAGE ની યાદીમાં પ્રથમ સ્થાને આવે છે. કહેવાય છે કે ૧૫મી અને ૧૬મી સદીમાં આ શહેરનો સૂરજ સોને તપતો હતો. સમૃદ્ધિ અને સંસ્કૃતિની રેલમછેલ હતી. કુદરતી સુંદરતાની સાથે સાથે ભવ્ય રાજમહેલો અને કલાત્મક દેવળો પણ ઘણાં બન્યાં હતાં. વિસ્તુલા (VISTULA) નદીને કાંઠે વાવેલ (WAWEL) ટેકરીઓની આસપાસ ૭મી સદીમાં બનેલ આ શહેર વિદ્યા, કળા અને વેપારનું ધામ હતું. આજે પણ યુરોપનાં સુંદર શહેરોમાંનું એક ગણાય છે. જો કે ૧૯૮૯ સુધી અહીં રશિયાની સત્તા હતી. કહેવાય છે કે ક્રેકોમાં રહેતાં યહૂદીઓ શહેરની ચડતી અને પડતી બંને માટે જવાબદાર છે. ક્રેકો શહેરમાં જ યહૂદીઓ માટે બીજો કોટ વિસ્તાર બનાવવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓ પર કરવામાં આવેલ અમાનવીય અત્યાચારે શહેરને નામોશી અપાવી છે. ક્રેકો અત્યારે તો ગ્લોબલ સીટી ગણાય છે અને યુરોપનું સંસ્કૃતિ-ધામ ગણાય છે.
બસમાંથી ઊતરી પદયાત્રા શરુ કરી. વાવેલ ટેકરી પાસે જ રોયલ કેસલ (ROYAL CASTEL) એટલે કે રાજમહેલથી શરૂઆત કરી. લાંબો કોટ સુંદર અને અદભૂત હતો! મહેલનું મ્યુઝિયમ પણ બહુ માહિતીસભર અને સુંદર છે. જોવા જાઓ તો આખો દિવસ નીકળી જાય તેવું સુંદર અને ભવ્ય. પાસે જ બારોક સ્ટાઈલમાં બનાવેલ વાવેલ કેથેડ્રલ ભવ્ય દેખાતું હતું. નજીકમાં જ એક મધ્યકાલીન સરસ દેવળ પણ હતું. થોડા સમય માટે તો તમે જાણે મધ્યકાલીન યુગમાં આવી ગયાં હો તેવું લાગે! બહુ બધાં સ્મારકો અને જોવાલાયક સ્થળો એકદમ જ પાસેપાસે આવેલ હતાં. એક જુઓ અને બીજું ભૂલો! દેવળો અને મહેલો જોતાં જોતાં નજર દૂર કરી તો….
અમે એક મોટા સીટી સ્ક્વેર અથવા મેઈન માર્કેટ સ્ક્વેર એટલે ગામના ચોકમાં આવી લાગ્યાં. કેટલો વિશાળ ચોક! ૪૦,૦૦૦ ચો.મિ.નો આ ચોક યુરોપનો મોટામાં મોટો ચોક છે. ચારે બાજુએ કાફે, રેસ્ટોરાં, દુકાનો, હોટલે વગેરે આવેલાં છે. વાહન-વ્યવહારની પરવાનગી નથી તો પણ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની ખાસ્સી ભીડ છે. ચોકમાં જ ટાઉન હોલ ટાવર તરીકે ઓળખતાં મકાન પાસે એક મોટું સુંદર શિલ્પ છે- ફક્ત કરુણ ચહેરો, અને તે પણ આડો પડેલો! સત્તા ગુમાવ્યા પછી માણસની શું દશા થાય તે દર્શાવતું શિલ્પ હશે, કદાચ! અમે ટાઉન હોલ ટાવર પર ચઢીને પણ આજુબાજુનો નજરો જોઈ લીધો! અને ચોકની મધ્યમાં આવ્યું છે ક્લોથ હોલ તરીકે જાણીતું સ્મારક. પણ ચોકના કિનારે ઊભા ઊભા દેખાતું સેન્ટ મેરીનું ગોથિક સ્ટાઈલનું વાદળી સીલીંગ વાળું દેવળ બહુ મનોરમ્ય લાગે છે. દર કલાકે થતાં ઘંટારવને જોવા-સાંભળવા મોટી મેદની ઉમટી આવે છે. અમે પણ ભીડમાં ભળી ગયાં! જો કે નામ મોટાં અને દર્શન ખોટાં જેવું લાગે!
મેઈન માર્કેટ સ્ક્વેરથી ચાલીને અમે ફ્લોરીન્સકા સ્ટ્રીટ (FLORINSKA સ્ટ્રીટ) ગયાં. માત્ર દુકાનો, બુટીક અને રેસ્ટોરાંથી પ્રવાસીઓનું મનોરંજન થાય એવી જગ્યા હતી. આ ગલીને સમાંતર જૂનાં મકાનો વાળી બીજી સરસ ગલી એટલે (KANONICZA STREET) કાનોનીક્ઝા સ્ટ્રીટ.આંટો મારવો ગમે તેવી ગલી! લોકોની ભીડમાં અમે પણ સામેલ થઈ ગયાં. અમે બધાં ચાલી ચાલીને હવે થાક્યાં હતાં. શહેર બહારના વિસ્તારની સીટી ટુર હવે તો બસમાં બેસીને જ થાય તેમ હતું!
બસમાં બેઠાં બેઠાં જ અમે અહીંની યુનિવર્સીટી જોઈ. ઘણાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હવે ઉચ્ચ શિક્ષણ માટે અહીં આવતાં થયાં છે. શહેરના બહારના વિસ્તારમાં સરસ બગીચાઓ બનાવ્યા છે. આ વિસ્તાર તો મોડર્ન લાગે છે. સ્થાપત્ય પણ સાંપ્રત લાગે છે. આગળ જતાં કાઝીમીર્ઝ (KAZIMIERZ) નામે ઓળખાતો વિસ્તાર જે યહૂદીઓના ઘેટો તરીકે જાણીતો હતો તે અમે બસમાંથી જ જોયો. હવે તો દુકાનો અને રેસ્ટોરાંઓ સાથે આ વિસ્તાર વેપારી વિસ્તાર બની ગયો છે. રસ્તા પરથી જ અમે યહૂદીઓનું મંદિર એટલે સાઇનેગોગ અને યહૂદીઓનું કબ્રસ્તાન પણ જોયાં. આજે તો સમય બદલાઈ ગયો છે. શાંતિ અને પ્રગતિ અહીં પણ દેખાય છે. પણ યહૂદીઓ પર જયારે અમાનુષી અત્યાચાર થયો હશે ત્યારે આ પ્રદેશની શું સ્થિતિ હશે તે તો આપણા માટે કલ્પવું પણ મુશ્કેલ છે.
દરેક ગામમાં મોટો માર્કેટ સ્ક્વેર, રસ્તા પર તથા સ્ક્વેરમાં અસંખ્ય કાફે અને અનેક મ્યુઝિયમ એટલે યુરોપિયન સંસ્કૃતિના અવિભાજ્ય અંગ! આ ત્રણે વસ્તુઓ ક્રેકોમાં અને ત્યાંની સંસ્કૃતિમાં આગળ પડતી દેખાય છે અને એટલે જ આજે તો ક્રેકો ગ્લોબલ સીટી બની પ્રવાસીઓને આમંત્રે છે! આ શહેરમાં શાંતિથી ૫-૭ દિવસ ગાળી શકાય અને મહેલો, મ્યુઝિયમો તથા બીજાં સુંદર અને કલાત્મક સ્મારકો વધુ વિગતે માણી શકાય. બીજી વાર ચોક્કસ આવીશું એવી જાતને ખાતરી આપી અમે ભારતીય રેસ્ટોરાંમાં દાખલ થયાં. અહીં પણ સ્વાદિષ્ટ દેશી ખાણું મળ્યું. દરેક દેશમાં અને મોટાં શહેરોમાં હવે ભારતીય ભોજન મેળવવું સહેલું બન્યું છે તે હકીકત વાંચકોના ધ્યાન પર લાવવા જ હું રાતના સ્વાદિષ્ટ ભોજનનો ઉલ્લેખ કરું છું.
બધાં થાકેલાં હતાં. બસમાં ફટાફટ બેસી ગયાં. હોટલ પર જઈ સામાન ગોઠવી લંબાવી દઈએ તેટલી જ વાર! પણ મિલિન્દભાઈએ વળી એક ખોટા સમાચાર આપ્યા. આજે આખો દિવસ જેની ભયાનક વાતો સાંભળી હતી તે નાઝીઓએ ૧૯૪૦માં બનાવેલ ઓશ્વીચ કેમ્પ (AUSCHWITZ – BIRKENAU CONCENTRATION AND EXTERMINATION CAMP) જોવા આવતી કાલે અમારે જવાનું હતું. કોઈ પણ કારણસર તે પ્રોગ્રામ કેન્સલ કરવો પડે તેમ હતું. ઘણાં લોકો આ સમાચારથી એકદમ હતાશ થઈ ગયાં. બે યુગલ તો ખાસ આ કેમ્પ જોવા જ આ ટુરમાં જોડાયાં હતાં. તેમણે ખૂબ વિરોધ કર્યો. જાતે ટેક્ષી કરીને પણ જો જઈ શકાય તો તેમ કરવાની તેમની ઉત્કટ ઈચ્છા વ્યક્ત કરી. મામલો ગરમાઈ ગયો. ઈસ્ટ યુરોપની ટુરમાં પહેલી વાર અસંતોષ અને વિરોધનું વાતાવરણ ફેલાયું. ભારે હૃદયે બધાં હોટલ પર જઈ સૂઈ ગયાં. રોજની જેમ આ હોટલ પણ સરસ હતી. ફક્ત રાતવાસો કરવાનો હોય છતાં વ્યવસ્થા સારી હોય એટલે આનંદ થાય.





સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
Wonderful description and pictures! I have been to Karkow and Auschwitz! Sorry you missed the concentration camp!
Nice job, as always!
Amrish
Thanks, Amrishbhai! Krakow is a beautiful city and we thoroughly enjoyed the visit!
ખૂબ સુંદર વર્ણન.
Thanks, Bipinbhai! Keep reading and keep enjoying!
Wonderful description of Krakow city. Thanks for your detailed description for people like me.
Thanks, Nalini, for joining and enjoying my virtual tour!
Beautiful n vivid description, includes all small details, amazing- as if we are traveling with the author..!!
Thanks, Kushbhai! Keep reading and keep enjoying!
Well described. Enjoyed reading and touring the place, virtually.
Thanks, Bharatbhai! Keep reading and keep enjoying! Join us again for the virtual tour on Friday! 😂😌🙂
સુંદર, મનમોહક ચિત્રો અને ક્રેકો શહેર વિશેની ઐતિહાસિક માહિતી પ્રભાવિત કરી ગઈ. ખૂબ સરસ રજૂઆત.
Thanks, Shobha! Keep reading and keep enjoying the virtual tour! 😀👍
Krakow visit was indeed memorable. Worth spending at least a week there. For the group, the most important reason is the missed visit to Auschwitz. Thank you so much for such vivid description!
Thanks, Raja! 👍👍
Yes, we need to visit Krakow again!
સામાન્ય રીતે પ્રવાસીઓ યુરોપ ની ટુર ના પ્લાનિંગ માં પોલેન્ડ ને પ્રાધાન્ય નથી આપતા પરંતુ ક્રેકો નું વર્ણન વાંચીને આ સુંદર અને ઐતિહાસિક શહેર જોવાની ઉત્કંઠા બેવડાઈ ગઈ
Thanks, Ketanbhai! Yes, when you plan for East Europe tour, please include Krakow and stay minimum 4days. Each city is so beautiful 🤩 that even a month will be short for East Europe!
મજા આવી ગઈ.પાછા જવાનું વિચારો ત્યારે અમને જાણ કરશો તો અમે પણ શક્ય હોય તો જોડાઈ જઈશું
So beautifully documented 💞