ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૮

– ચિરાગ પટેલ

उ.७.४.७ (१०९०)
उंभे यदिन्द्र रोदसी आपप्राथोषा इव। महान्तं त्वा महीनाँ सम्राजं चर्षणीनाम्।
देवी जनित्र्यजीजनद्भद्रा जनित्र्यजीजनत्॥
(मांधाता यौवनाश्व)

હે ઇન્દ્ર! ઉષા જેમ દ્યુલોક અને ભૂલોકને પ્રકાશથી ભરી દે છે, તેમ આપ પણ બંનેને ભરી દો છો. આપ મહાનતાથી યુક્ત, મનુષ્યોના અધિપતિ છો. ઉત્પાદિકા દેવી સર્વેને ઉત્પન્ન કરે છે. કલ્યાણકારિણી ઉત્પાદિકા ઉત્પન્ન કરે છે.

उ.७.४.८ (१०९१)

दीर्घँ ह्यंङ्कुशं यथा शक्तिं बिभर्षि मन्तुमः।
पूर्वेण मघवन्पदा वयामजो यथा यमः।
देवी जनित्र्यजीजनद्भद्रा जनित्र्यजीजनत्॥
(मांधाता यौवनाश्व, गोधा ऋषिका)

હે જ્ઞાની ઇન્દ્ર! મહા શસ્ત્રધારી આપ શક્તિ સામર્થ્ય ધારણ કરો છો. જેમ બકરો આગલા પગ વડે અન્ન નિયંત્રીત કરે છે, તેમ આપ સમર્થ દુષ્ટોને નિયંત્રીત કરો છો. ઉત્પાદિકા દેવી સર્વેને ઉત્પન્ન કરે છે. કલ્યાણકારિણી ઉત્પાદિકા ઉત્પન્ન કરે છે.

उ.७.४.९ (१०९२)
अव स्म दुर्हणायतो मर्त्तस्य तनुहि स्थिरम्।
अधस्पदं तमीं कृधि यो अस्माँ अभिदासति।
देवी जनित्र्यजीजनद्भद्रा जनित्र्यजीजनत्॥
(मांधाता यौवनाश्व)

હે ઇન્દ્ર! જે અમને પરતંત્ર કરનાર છે, એ દુષ્કર્મી શત્રુઓને પગ તળે કચરી નાખો. ઉત્પાદિકા દેવી સર્વેને ઉત્પન્ન કરે છે. કલ્યાણકારિણી ઉત્પાદિકા ઉત્પન્ન કરે છે.

ઉપરના ત્રણેય શ્લોકોમાં સર્વેને જન્મ આપનારી દેવીનો ઉલ્લેખ છે. અમુક ભાષાંતરમાં “દેવી”ને અદિતી, કે જેઓ દેવોની માતા છે, તરીકે ઓળખાવ્યા છે. આપણે ઉત્પાદિકા દેવી અને કલ્યાણકારિણી ઉત્પાદિકા વિશેષણોને એક સંદર્ભમાં જોઈએ તો એવું જણાય છે કે, અહીં ઋષિ માંધાતા યૌવનશ્વ જડ-ચેતન, સ્થાવર-જંગમ, મનુષ્ય, દેવો, ઇન્દ્ર, એમ સર્વેની જનક એવી દેવી કે શક્તિનો ઉલ્લેખ કરી રહ્યા છે. વેદોમાં પ્રાકૃતિક તત્વોની ઉપાસનાનું મહત્વ છે જે આપણાં જીવન કે ચૈતન્યને આભારી છે. દેવીપૂજા પણ આ શક્તિની પૂજાનું જ દ્યોતક છે અને વેદકાળમાં પણ દેવીપૂજા અસ્તિત્વમાં હશે એમ જણાય છે.

उ.८.१.३ (१११८)
स योजत उरुगायस्य जूतिं वृथा क्रीडन्तं मिमते न गावः।
परीणसं कृणुते तिग्मशृङ्गो दिवा हरिर्ददृशे नक्तमृज्रः॥
(वृषगण वासिष्ठ)

રમતમાં સહજરૂપે એ સોમ પ્રશંસનીય ગતિ પ્રાપ્ત કરે છે, જેને અન્ય દ્વારા માપી શકાય નહીં. તેમનો મહાન તેજસ્વી પ્રકાશ દિવસે લીલી આભાવાળો અને રાત્રે ઉજ્જવળ આભાવાળો હોય છે.

ઋષિ સોમની ગતિ વિષે આ શ્લોકમાં જણાવે છે. એવો કોઈ પ્રાકૃતિક પદાર્થ કે પ્રાકૃતિક ઘટના જેની ગતિ માપી ના શકાય, એ શું હોઇ શકે? પ્રકાશ! પ્રકાશની ગતિ આધુનિક યંત્રો વિના માપી શકાય નહીં. પહેલા પણ એવા શ્લોક આપણે જોયા છે જેમાં સોમ પ્રકાશ કે ફોટોન હોય એવું જણાયું છે. આ શ્લોકનો પૂર્વાર્ધ પણ એ નિર્દેશ કરે છે. ઉત્તરાર્ધમાં સોમના રંગ ગુણધર્મ અંગે ઋષિ જણાવે છે. સોમ વનસ્પતિ રૂપે લીલા રંગનો હોય છે. પરતું, રાત્રે એ કેવી રીતે ઉજ્જવળ આભાવાળો હોઇ શકે?

उ.८.१.६ (११२१)
राजानो न प्रशस्तिभिः सोमासो गोभिरञ्जते।
यज्ञो न सप्त धातृभिः॥
(असित काश्यप/देवल)

પ્રશંસિત રાજા તથા સાત યાજકો દ્વારા જે રીતે યજ્ઞ પ્રતિષ્ઠિત થાય છે. એ રીતે ગાયના ઘી વગેરેથી આ સોમ સંસ્કારયુક્ત બને છે.

उ.८.१.१० (११२५)
समीचीनास आशत होतारः सप्तजानयः।
पदमेकस्य पिप्रतः॥
(असित काश्यप/देवल)

ઉત્કૃષ્ટ જાતિના એકમાત્ર સોમને સંપૂર્ણ કરતાં સાત યાજ્ઞિક યજ્ઞ કર્મ માટે ઉપસ્થિત થાય છે.

ઉપરોક્ત બે શ્લોકમાં સાત યાજકોનો ઉલ્લેખ છે. સાતનો અંક હોવો ભારતમાં સામવેદ કાળમાં પ્રવર્તમાન દશાંશ પદ્ધતિનો નિર્દેશ કરે છે. સાત યાજકો એટલે આપણે સાત ઋષિઓ ગણી શકીએ. પરંતુ, 1127 માં શ્લોકમાં સાત યાજ્ઞિક સોમને સંપૂર્ણ કરે એવું કહેવાયું છે. અહી પણ ફોટોન કે સૂર્યપ્રકાશ એવા સોમનો ઉલ્લેખ છે જે સાત રંગોના સમન્વયથી બને છે.


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *