‘શોલે’ની સૃષ્ટિ : જાસૂસ કે ચુગલીખોર?

(આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.)

જાસૂસ કે ચુગલીખોર?  

બીરેન કોઠારી

“એય, ઈધર આ.”
ઈશ્વરલાલે આજુબાજુ જોયું. કોઈ દેખાયું નહીં. નક્કી એ કોટપાટલૂનવાળા સાહેબ પોતાને જ બોલાવતા હતા. અસ્ત્રો તેણે બાજુ પર મૂક્યો અને સાહેબ પાસે ગયો. સલામ ભરીને ઉભો રહી ગયો.

“શું નામ તારું?”
“ઈ…ઈ…ઈશ્વર.”

“ઈશ્વરીયા, સાંભળ. આ ગામમાં તારી ન્યાતનું બીજું કોઈ નથી. એક તું જ છો. બધા બાલદાઢી કરાવવા તારી પાસે જ આવે છે. ખરું ને?”
“હા, સાહેબ.”

“એ લોકો સાથે તું જાતજાતની વાતો પણ કરે છે. બરાબર?”
“હા, સાહેબ. તમે ના પાડશો તો કાલથી બંધ કરી દઈશ. આજથી, અરે અબ ઘડીથી બંધ. બસ, સાહેબ?”

“ચૂપ મર, ગધેડા. તને બંધ કરવાનું કોણે કહ્યું? તારે વધારે વાતો કરવાની, કરાવવાની, કઢાવવાની.”
“એ તો કરું જ છું, સાહેબ!”
“હા. પણ પછી દર અઠવાડિયે તું શહેરમાં આવે ત્યારે એ વાતો મને કહેવાની. મને ખબર પડી છે કે અહીં અમુક જણા સરકાર વિરુદ્ધ કાવતરાં કરી રહ્યા છે. તારે પૂછી પૂછીને વાત કઢાવતા રહેવાનું. સમજ્યો?”

“સમજી ગયો, સાહેબ! હવે સાહેબ, આપ પધાર્યા છો તો આવો ને દાઢી બનાવી દઉં આપની.”
“ના. એ તો હું શહેરમાં કરાવી લઈશ. મારે મોડું થાય છે.”

ઈશ્વરલાલે એ રીતે સાહેબ સુધી ‘વાતો’ પહોંચાડવા માંડી. બહુ જલદી તે સાહેબના વફાદાર બની ગયા. ગામના ચારેક જુવાનિયાઓએ જેલના સળિયા ગણવા પડ્યા. જો કે, એ લોકોને મન હજી કોયડો હતો કે પોતે તારના થાંભલા ઉખાડવાના છે એ વાત પોલિસને ખબર શી રીતે પડી ગઈ?

**** **** ****

હરિરામ જુવાન હતો ત્યારથી પોતાના પિતાજીની આ બધી કામગીરી જોતો. હજી તે ભણતો હતો. શાળા છૂટ્યા પછી દુકાને બેસતો થયેલો. એ જોઈને શાળામાં તેનો એક સહાધ્યાયી રસૂલ તેને બહુ ચીડવતો. કહેતો: ‘હરિરામને ત્યાં વાળ કપાવવા કે દાઢી કરાવવા ન જવાય. કાં તો એ ગળે ટૂંપો દેશે કે પછી અસ્ત્રાથી ગળું કાપી નાખશે.’ હરિરામ આ મજાકને હસી નાખતો. એકાદ બે વાર શહેર જવાનું બન્યું ત્યારે પિતાજી સાથે સાહેબની ઑફિસે પણ હરિરામ ગયેલો. સાહેબનો દબદબો જોઈને એને થયેલું કે આ ઓફિસમાં કામ કરવા મળે તો કેટલું સારું? પણ એ ક્યાં બનવાનું હતું? ઈશ્વરલાલનું અવસાન થયું. હરિરામે શાળા છોડી દેવી પડી અને દુકાન સંભાળી લેવી પડી.

હવે તો હરિરામનો પણ પરિવાર થયો. છોકરાં મોટા થયાં. હરિરામના પોતાના વાળ ખરવા લાગ્યા હતા. ગામમાં બીજી બે ચાર દુકાનો થઈ હતી. છતાં પોતાની દુકાન બસસ્ટેન્‍ડ પાસે હોવાથી વાંધો આવતો ન હતો. બસ અહીં અડધો કલાક રોકાતી. તેને લઈને ઘણા મુસાફરો બાલ કે દાઢી કરાવતા. એક વાર બસને પંક્ચર પડ્યું. પંક્ચર પડે એટલે કલાક સાચો. બસમાંથી મુસાફરો ઉતર્યા અને આમતેમ ટહેલવા લાગ્યા. કોઈક ચાની કીટલીએ ગયા, તો કોઈક પાનને ગલ્લે. બે-ત્રણ જણ હરિરામની દુકાન તરફ આવ્યા. એમાંનો એક કહે, ‘વાળ કાપવાના છે. સહેજ ટૂંકા કરજો.” અવાજ હરિરામને પરિચીત લાગ્યો. તેમણે અરીસામાં જોયું. ઓહો! આ તો રસૂલ. આટલાં વરસો પછી પણ રસૂલને તે ઓળખી ગયો. હજી રસૂલને ઓળખાણ પડી લાગતી નહોતી. રસૂલ ખાલી ખુરશી પર ગોઠવાયો. હરિરામને ગમ્મત સૂઝી. તેણે રસૂલના ગળા ફરતે કપડું વીંટાળ્યું. સહેજ કચકચાવીને બાંધ્યું. રસૂલનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ કંઈક બોલે એ પહેલાં પાછળ ઉભેલા હરિરામે અસ્ત્રો રસૂલને ગળે ધર્યો અને બોલ્યો, ‘બોલ રસૂલિયા! ટૂંપો દઉં કે પછી ગળું કાપું?’ આ સંવાદ કાને પડતાં જ રસૂલને ઓળખાણ પડી ગઈ. આશ્ચર્યનો માર્યો તે બોલ્યો, ‘અરે હરિરામ, તું?’ બોલતાંની સાથે તે ગરદન ફેરવીને પાછું જોવા ગયો. હજી કોઈ કંઈ સમજે એ પહેલાં જ હરિરામે ધરેલા અસ્ત્રે રસૂલના ગળાની ધોરી નસ કાપી નાખી. આખું કપડું લાલ લાલ થઈ ગયું. રસૂલની ગરદન ઢળી પડી. પછી તો શું? હોહા થઈ ગઈ. ‘હરિરામે ખૂન કર્યું’નો હોબાળો થયો. પોલિસ બોલાવવામાં આવી. હરિરામને પકડીને લઈ ગયા. કેસ ચાલ્યો. બહુ બધી મુદતો પછી હરિરામને જનમટીપ પડી.

જેલમાં તેનો કેદી નંબર 31 હતો. તેની ચાલચલગત સારી હતી એટલે તેની આવડતને ધ્યાને લઈને કેદીઓને દાઢી કરી આપવાનું કામ તેને સોંપવામાં આવ્યું. બહુ ઝડપથી તે કેદીઓમાં ‘હરિરામ નાઈ’ તરીકે જાણીતો બની ગયો. જેલમાં રહ્યે રહ્યે હરિરામને પિતાજી બહુ યાદ આવતા. પિતાજી કરતા એમ તેણે પણ કેદીઓ વચ્ચે થતી ગુસપુસ જેલરસાહેબ સુધી પહોંચાડવા માંડી. જેલરની બદલી થાય એટલે જૂના જેલર જેલની સાથે સાથે હરિરામનો ચાર્જ પણ નવા જેલરને આપતા. લગભગ બધા જેલરોએ તેને મોંએ ચડાવી રાખેલો. એક નવા નવા આવેલા, પોતાને અંગ્રેજોના જમાનાના જેલર ગણાવતા, હીટલર કટ મૂછો અને એવી જ હેરસ્ટાઈલ ધરાવતા જેલરે તો હરિરામને જાસૂસનો જ દરજ્જો આપી દીધો. કેદીઓને દબડાવતા તે કહેતા: ‘હમારે જાસૂસ ઈસ જેલ મેં ચારોં તરફ ફૈલે હુએ હૈ. ઘડી ઘડી કી રિપોર્ટ હમકો મિલતી રહતી હૈ.’ જો કે, જેલમાં નવા આવેલા 15 અને 20 નંબરના બે રીઢા બદમાશ જય અને વીરુએ હરિરામની આ આદતનો પોતાના લાભમાં બરાબર ઉપયોગ કર્યો.

(હરિરામના પાત્રમાં કેશ્ટો મુખરજી)

બબ્બે વાર તેમણે હરિરામને કાને પડે એ રીતે ખોટેખોટી અફવા ફેલાવી. પહેલી અફવા જેલમાં સુરંગ ખોદાઈ હોવાની હતી. 15 નંબરના કેદી જય અને 20 નંબરના કેદી વીરુએ જોયું કે હરિરામ 11 નંબરના કેદીની દાઢી બનાવી રહ્યો હતો. એ કેદીએ હરિરામને પોતાની મૂછો પણ મૂંડી નાખવા જણાવ્યું. જય અને વીરુએ મોકો સાધીને અંદરોઅંદર ગુપ્ત વાત કરતા હોય એવો દેખાવ કર્યો અને ‘બધી તૈયારીઓ થઈ ચૂકી છે’ એમ જણાવ્યું. આ સાંભળીને હરિરામે સીધી જેલર પાસે દોટ મૂકી. પેલા કેદીની અડધી મૂંડેલી મૂછ પણ પૂરી ન મૂંડી. જેલરને ચેતવતાં કહ્યું, ‘સા’બ, હોશિયાર રહીએ. જેલ મેં સુરંગ આનેવાલી હૈ.’

બીજા દિવસે જો કે, જેલરે ભોંઠા પડવાનો, બલ્કે હાસ્યાસ્પદ ઠરવાનો વારો આવ્યો.  એક ટોપલા નીચે ઢંકાયેલો, લોઢાનો તપાવેલો સળિયો પકડતાં તે દાઝ્યા.

જય અને વીરુએ બીજી વખત પણ હરિરામનો ઉપયોગ કર્યો. તેને આવતો ભાળીને બન્નેએ ‘પિસ્તોલ જેલ મેં આ ચૂકા હૈ’ની વાત ગુસપુસ સ્વરે કરવા માંડી. હરિરામ આ સાંભળીને થાંભલાની આડશે ઉભો રહી ગયો. વાત પતી કે તેણે સીધી જેલરને આ બાતમી પહોંચાડી. જેલરે સૌ કેદીઓને હારબંધ ઉભા રાખીને તલાશી લેવા માંડી ત્યારે કેદી વીરુએ જેલરની પીઠ પર પિસ્તોલની નાળ અડકાડી. પિસ્તોલની અણીએ બન્ને કેદીઓ જેલરને તેમની ઑફિસમાં દોરી ગયા. ત્યાંથી પોતાનો સામાન કઢાવી, પોતાનાં અસલ કપડાં પહેરીને પિસ્તોલની અણીએ જ જેલર પાસે મુખ્ય દરવાજો ખોલાવ્યો. આમ, જેલ તોડ્યા વિના, જેલના દરવાજામાંથી જ બન્ને છટકી ગયા. મુખ્ય દરવાજાની ડોકાબારીમાંથી જેનું નાળચું તેમણે જેલરને અડકાડેલું એ પદાર્થ તે અંદર ફેંકતા જાય છે, ત્યારે જેલરને સમજાય છે કે એ પિસ્તોલ નહોતી, પણ લાકડાનો ટુકડો હતો. હરિરામની બાતમી આમ બીજી વાર ખોટી પડે છે, અને જય તથા વીરુ હરિરામનો ઉપયોગ કરી લે છે.

ઉપરી સમક્ષ ચાડીચુગલી કરનારા પોતાના જ સાથીદાર માટે ‘હરિરામ નાઈ’ શબ્દપ્રયોગ ઘણે ઠેકાણે વપરાવા લાગ્યો છે.

પૂરક નોંધ:

  1. હરિરામ નાઈનું પાત્ર ફિલ્મમાં કેશ્ટો મુખરજીએ ભજવ્યું હતું.
  2. દસેક વર્ષ અગાઉ ભોપાલની જેલમાં ‘ખબરી’ને નીમવાની વાત ચાલી ત્યારે એક અગ્રણી અખબારનું શિર્ષક હતું: Sholay’s ‘Hariram Nai’ becomes role model for jails.(‘શોલે’ના હરિરામ નાઈ જેલના રોલમોડેલ બને છે.)
  3. ફિલ્મની કથાનો ઈશ્વરલાલવાળો પૂર્વાર્ધ ‘વેબગુર્જરી’ પર પિયૂષભાઈ પંડ્યાની શ્રેણી ‘ગુજરે હૈ હમ કહાં કહાં સે’ની એક કડી ‘ત્રિપુટી’ પરથી પ્રેરિત છે.  

(તસવીર અને લીન્ક અનુક્રમે નેટ અને યૂ ટ્યૂબ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

1 thought on “‘શોલે’ની સૃષ્ટિ : જાસૂસ કે ચુગલીખોર?

Leave a Reply

Your email address will not be published.