સમયચક્ર : એક એવું ઘાસ જેણે વિશ્વની ભૂખ મટાડી

માનવ પ્રજાતિના વિકાસમાં અગ્નિ, ચક્ર અને ખેતીની શોધ અતિ મહત્વની ગણાય છે. ખેતીની શોધ આપણા આદિ પૂર્વજો દ્વારા થઈ છે. જેનો કોઈ ચોક્કસ કાળક્રમ નથી. પરંતુ હજારો વર્ષો પહેલાં થયેલી બીજની શોધો અને સંવર્ધન થકી આજે વિવિધ અનાજ જગતમાં અસ્તિત્વ ધરાવે છે. મકાઈ, ઘઉં અને ચોખા આ ત્રણ અનાજ પૈકી વિશ્વમાં ખાદ્યપૂર્તિ તરીકે મકાઈ પછી ઘઉં બીજો ક્રમ ધરાવે છે. વર્તમાન જગતનો ભાગ્યેજ કોઈ એવો માણસ હશે જેણે ઘઉંનો સ્વાદ ચાખ્યો ન હોય. જગતની ભૂખ મટાડનાર ઘઉંનું એક સત્ય એ પણ છે કે તેમા રહેલા ગ્લૂટેન નામના તત્વને કારણે વિશ્વના ૦.૭૫ ટકા લોકો પેટ અને સ્થૂળતાની બિમારીથી પીડાય છે.

માવજી મહેશ્વરી

વર્તમાન ભારત જ નહીં, વિશ્વના મોટાભાગના દેશોમાં આજે અનાજની અછત એટલી નથી જેટલી આજથી સો વર્ષ પહેલાં હતી. તે સમયે ભુખનો અર્થ જુદો થતો હતો. સમગ્ર વિશ્વે જુદાજુદા સમયે ભયંકર ભુખમરો વેઠ્યો છે. તેમ છતાં ખેતીની ક્રાંતિનો એક ઈતિહાસ છે, જેમાં મુખ્ય ઘઉં છે. તેને અવગણી શકાય તેમ નથી. વિશ્વમાં એક અનાજ તરીકે ઘઉંનો ઈતિહાસ પણ અતિ ભવ્ય છે. જે આપણને હજારો  વર્ષ પાછળ લઈ જાય છે. ઘઉંનું વૈજ્ઞાનુક નામ Triticum છે. મધ્યપૂર્વનું લેવાંત ક્ષેત્ર  ઘઉંનું મૂળ વતન ગણાય છે. કોઈને આશ્ચર્ય પણ થાય તેમ છતાં વાસ્તવિક રીતે ઘઉં એક પ્રકારનું ઘાસ છે.  જેના બીજ  આજે દુનિયાભરમાં અનાજ તરીકે વવાય છે અને ખવાય છે. હજારો વર્ષ પહેલા કુદરતી અવસ્થામાં ઊગતા ઘઉંના બી ખોરાક તરીકે ખવાતા. જેને જંગલી ઘઉં કહેવાતા. ઘઉંની પહેલી કાયદેસરની ખેતી દક્ષિણ તુર્કી અને સીરિયાના પહાડી વિસ્તારમાં થઈ હોવાનું મનાય છે.  ભારતમાં સિંધૂ ઘાટીમાં રહેતી પ્રજા ખોરાકમાં ઘઉંનો ઉપયોગ કરતી હોવાનું પુરાતત્વવિદોનો મત છે. પ્રાગ ઐતિહાસિક કાળમાં  તુર્કી, મિસર અને યુનાનમાં ઘઉંની ખેતી થતી હોવાના પ્રમાણો છે.

ઘઊં એક એવું અનાજ છે જેની આજે અનેક પ્રજાતિઓ વિકસિત કરાઈ છે. વિશ્વમાં આવેલી હરિત ક્રાંતિની પાછળ એક અદભૂત કહાણી છે. જેને કારણે આજે અનાજની અછત દૂર થઈ શકી છે. બીજા વિશ્વયુધ્ધની સમાપ્તિ પછી વિજયી બનેલી અમેરિકી સેના જાપાન પહોંચી ત્યારે તેમની સાથે કૃષિશાસ્ત્રી એસ. સિસિલ સેલ્મન પણ હતા. એ વાત પર મંથન થતું હતુ કે જાપાનને  ફરીથી બેઠું કઈ રીતે કરી શકાય. સેલ્મનનું ધ્યાન કૃષિ ઉપર હતું. તેમને જાપાનમાંથી નોરિન નામની ઘઉંની એક જાત મળી. જેનો દાણો મોટો હતો. સેલ્મેને એ જાતને વધુ સંશોધન માટે અમેરિકા મોકલ્યો. તેર વર્ષના પ્રયોગો બાદ ૧૯૫૯માં ગેન્સ નામની એક જાત તૈયાર થઈ. અમેરિકાના અન્ય કૃષિ વૈજ્ઞાનિક નોરમન બોરલિંગે તેને મેક્સિકન ઘઉંની સારામાં સારી જાત સાથે સંકરણ કરી એક નવી જાત પેદા કરી. આ તરફ ભારતમાં અનાજની ભયંકર અછત હતી. અનાજનું ઉત્પાદન વધારવા સરકાર ચિંતિત હતી. ભારતને બોરલોગ અને તેમણે વિકસાવેલા ઘઉંની જાણ થઈ. ભારત સરકારે એ જાત મગાવી  અને પૂંસાના એક નાનકડા ખેતરમાં તેને વાવવામાં આવ્યા. જ્યારે ઘઉં ઉપર ફાલ આવ્યો ત્યારે સરકાર અને વૈજ્ઞાનિકો દંગ રહી ગયા. ભારતનું હવામાન અને જમીન એ ઘઉંને અદભૂત રીતે માફક આવ્યા હતા. ભારતમાં ૧૯૬૫ની સરકારમાં તે વખતે સી સુબ્રમણ્યમ કૃષિમંત્રી હતા. તેમણે નવી જાતના મેક્સિકન ઘઉંના અઢાર હજાર ટન બીજ આયાત કર્યા. ભારતના કૃષિક્ષેત્રમાં જરુરી સુધારા કરાવ્યા. કૃષિવિજ્ઞાન કેન્દ્રો  દ્વારા ખેડૂતોને ઘઉંની નવી જાત વિશે માહિતી આપવામાં આવી. એટલું જ નહીં સરકારે ખરીદીના ભાવની ખાત્રી આપી. અનાજ સાચવવા ગોદામો બનાવવામાં આવ્યા. ખેડૂતોને વધુ અનાજ ઉત્પન કરવા સહાય યોજનાઓ બની. એનું પરિણામ એ આવ્યું કે વીસ વર્ષમાં જ ભારતના અનાજના કોઠારો છલકવા લાગ્યા હતા. એ તત્કાલિન ભારત સરકારની દૂરંદેશીનું પરિણામ છે. ભારતમાં અનાજની અછત દૂર કરવામાં એક અન્ય વ્યક્તિનું મહત્વનું યોગદાન ભુલી શકાય તેમ નથી. તે છે વનસ્પતિ વિજ્ઞાની એમ. એસ. સ્વામીનાથન. જેઓ ભારતની હરિત ક્રાંતિના પાયાના પથ્થર કહેવાય છે.

ઘઉંના દાણા સીધે સીધા  ખાઈ શકાતા નથી. તેને દળીને લોટ બનાવવો પડે છે. તે પછીની પ્રક્રિયા પણ ઘણી લાંબી છે. એટલે જ વિશ્વમાં ભારતીય રોટલી ( Indian bread )નું અલગ સ્થાન છે. ઘઉંનું એક આશ્ચર્ય એ પણ છે કે મોટાભાગના અનાજના છોડ પશુઓને ખોરાક તરીકે આપી શકાય છે.  પરંતુ ઘઉંના છોડ બહુ જ અલ્પ માત્રામાં પશુઓને ખોરાક તરીકે કામ આવે છે. ઘઉંની બે મૂળ પ્રજાતિ છે નરમ ઘઉં અને કઠોર ઘઉં. ખાવા માટે નરમ ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં ચીનનો પ્રથમ ક્રમ છે જ્યારે બીજા ક્રમે ભારતમાં ઘઉં વવાય છે. ઘઉંનો પાક બે ઋતુમાં લેવાય છે. શિયાળામાં અને વસંતઋતુમાં. ભારતના અમુક વિસ્તારોમાં ચોમાસામાં પણ ઘઉં વવાય છે. જેને છાસિયા ઘઉં કહેવાય છે. ગુજરાતના પાટણ જિલ્લાના અમુક વિસ્તારોમાં ચોમાસામાં ખેડૂતો ઘઉં વાવે છે. ઘઉંની જાતનું વર્ગીકરણ તેના રંગની રીતે પણ થાય છે. રાતા ઘઉં અને આછારાતા ઘઉં, રાતા ઘઉં ગુણવત્તામાં સારા હોય છે જ્યારે આછા રાતા ઘઉંમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોય છે. આજની તારીખે પણ સૌથી વધુ પ્રયોગો ઘઉં ઉપર થાય છે. જુદા જુદા દેશો પોતાના હવામાન અને જમીનના પ્રકાર મુજબ ઘઉંની નવી જાતો વિકસાવે છે. ભારતમાં સૌથી વધુ ઘઉં પકવતા પ્રદેશોમાં પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક હરિયાણા રાજસ્થાન ઉત્તરપ્રદેશ અને બિહાર મુખ્ય છે. ગુણવતા અને કદની રીતે ભારતમાં જુદી જુદી જાતના ઘઉં વવાય છે. જેમાં વજિયા, પૂંસા, બંસી, પૂનમિયા, અર્જુન, પ્રતાપ, શેરા, રાજ, માલવિકા, બસંતી, મોતી, માલેશ્વરી, રાજલક્ષ્મી, વિદિશા રાજેશ્વરી, સ્વપ્નીલ, નરેન્દ્ર, ભવાની, ગોમતી, લાલ બહાદૂર, માલવીય રત્નમ, ટુકડી, દાઉદખાની, જુનાગઢી, સરબતી, સોનારા, કલ્યાણ સોના, સોનાલિકા અને મુક્તા જેવી જાતો પ્રમુખ છે. ભારતમાં સૌથી ઉંચી જાતના ઘઉં ગુજરાતના ભાલ પ્રદેશ અને મધ્યપ્રદેશના માળવામાં થાય છે.

ઘઉંમાં કાર્બોદિત અને પ્રોટીન મુખ્ય તત્વો છે. ઘઉં ખાધા પછી લાંબા સમય સુધી તે ધીરે ધીરે શક્તિ આપ્યા કરે છે. ઘઉંના જ્વારાનો રસ પણ ઉપયોગી ગણાય છે. ઘઉંમાંથી અમુક જાતનો દારુ પણ બનાવાય છે. ઘઉંના મોટાભાગના પોષક તત્વો તેની ઉપરની છાલમાં હોય છે.  અત્યંત ઝીણું પીસતી યાંત્રિક ઘંટીમાં દળાતા ઘઉંના લોટમાંથી થોડા અંશે પોષક તત્વો નાશ પામે છે. આજે જ્યારે અનેક જાતના ખોરાક બજારમાં ઉપલબ્ધ છે ત્યારે પણ ઘઉંનો દબદબો અકબંધ છે. ભારતમાં ઘઉંના લાડૂ અને શીરો ખાનારા લોકોનો શોખ પણ અકબંધ છે. પરંતુ છેલ્લાં પચાસ વર્ષોમાં હરિત ક્રાંતિની અસર એટલી પ્રબળ દેખાઈ રહી છે કે હવે  વિકસીત કે વિકાસશીલ દેશોમાં કોઈ નાગરિકનું ભુખમરાથી મૃત્યુ થાય તો સરકાર ઉપર પસ્તાળ પડે છે. પરંતુ એ બધુ રાતોરાત નથી થયું. અનેક લોકોની મહેનતનું પરિણામ છે. વર્તમાન જગતમાં ખોરાકીય વિવિધતા એટલી વધી રહી છે કે અનાજ અને બી સંબંધી બાબતો ગૌણ બની રહી છે. હવે ખેતી અને તેની સંલગ્ન બાબતો જીવન સાથે સંવેદનશીલતાથી જોડાયેલી હોવા છતાં દૂર થતી જાય છે. મૂડીવાદી અર્થતંત્રે જમીન, અનાજ અને તેની દિવ્યતા સાથે જોડાયેલી બાબતોને હાંસિયામાં ધકેલી દીધી છે. ખેતરમાં વાવેલાં અનાજના અંકૂરો ફૂટવાનો અને ધાન્યથી લચી પડેલાં ખેતરનો આનંદ ફક્ત એ લોકો પુરતો જ રહ્યો છે જેઓ વાસ્તવિક રીતે જમીન સાથે જોડાયેલા છે. સૌ જાણે છે કે એક કોળિયો અનાજ આપણે પ્રયોગશાળામાં પેદા કરી શકતા નથી. તેમ છતાં ગ્રાહક અને વેપારી વચ્ચેના આપ-લેની ઊભી થયેલી સંસ્કૃતિમાં અનાજ અર્થ ખોઈ બેઠું છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ સાંદર્ભિક ચિત્ર Nothing Says ‘Hip’ Like Ancient Wheat -Author: Natalie Jacewicz  પરથી સાભાર લીધેલ છે. ચિત્રના પ્રકાશાનધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Author: admin

1 thought on “સમયચક્ર : એક એવું ઘાસ જેણે વિશ્વની ભૂખ મટાડી

  1. ભાલ પ્રદેશના ઘઊંની વિશેષતા એ છે કે એ ચોમાસા પછી નવારાત્રિ લગભગ વાવવામાં આવે છે અને બહારથી કોઈ પાણી પાવામાંં આવતું નથી પરંતુ જમીનમાંના ભેજથી જ એનું પોષણ થાય છે, આ દાણો કઠણ હોય છે એટલે તેને કાઠા ઘંઉં કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.