લુત્ફ-એ-શેર : મણકો #૨૦

ભગવાન થાવરાણી

ઉર્દૂ શાયરોના નામો બાબતે એક રસપ્રદ બાબત એ કે માત્ર નામ પરથી તમે કોઈ શાયરના મઝહબની કલ્પના ન કરી શકો ! એ યોગ્ય પણ છે. કવિતાને ધર્મ સાથે લેવા-દેવા પણ શી ? જૂઓ :

અર્શ મલસિયાની હિંદૂ છે તો અર્શ સિદ્દીકી મુસલમાન, શીન કાફ નિઝામ હિંદૂ છે તો નિઝામ રામપૂરી મુસ્લિમ, ફરહત અહેસાસ અને ફરહત શહેઝાદ ઇસ્લામ ધર્મ પાળે છે તો ફરહત કાનપૂરી હિંદૂ ! આવા અનેક બીજા ઉદાહરણો પણ આપી શકાય.

વાત કરીએ અર્શ મલસિયાની સાહેબની. એમનું અસલી નામ બાલમુકુંદ. એમના પિતા જોશ મલસિયાની (પંડિત લાભૂરામ) પણ મોટા ગજાના શાયર. અર્શ સાહેબની એક ગઝલની શરુઆત (મત્લા) આમ છે :

કભી ઈસ મકાં સે ગુઝર ગયા કભી ઉસ મકાં સે ગુઝર ગયા
તિરે આસ્તાં કી તલાશ મેં મૈં હર આસ્તાં સે ગુઝર ગયા

પરંતુ એ ગઝલનો આ શેર જુઓ :

કભી તેરા દર કભી દર-બ-દર કભી અર્શ પર કભી ફર્શ પર
ગમે – આશિકી તેરા શુક્રિયા મૈં કહાં – કહાં સે ગુઝર ગયા ..

આશિકીના ગમ માણસને ક્યાં – ક્યાં લઈ જાય છે ! ક્યારેક માશુકના ઘરે તો ક્યારેક અહીં – તહીં ભટકવા માટે, ક્યારેક એ જમીન પર પટકે છે તો વળી ક્યારેક આસમાનની બુલંદીઓ લગી પહોંચાડે છે.

પણ આખરે તો આજીવન એ પ્રેમરૂપી રાહબરના શુક્રગુઝાર રહેવું પડે જેની મહેરબાનીથી કોણ જાણે ક્યાં – ક્યાં પહોંચે છે માણસ ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.