સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. વોર્સો, આબેહૂબ જીર્ણોદ્ધાર

દર્શા કિકાણી

(૨૩ જૂન ૨૦૧૯)

સવારે વહેલાં જ નાસ્તો કરી અમે બર્લિનથી વોર્સો (WARSAW) (પોલેન્ડ) જવા નીકળ્યાં. આ બંને શહેરો વચ્ચેનું રોડથી અંતર ૫૭૫ કી.મિ. છે. રસ્તા અને વાહનો સારા હોવાથી અમે પાંચ કલાકમાં બર્લિનથી વોર્સો આવી પહોંચ્યાં. બંને દેશના (જર્મની અને પોલેન્ડ) સુંદર અને સમૃદ્ધ ગ્રામ્ય વિસ્તારોને અમે મન ભરીને માણ્યા. કૌન ચિત્રકાર હૈ….?  લાંબી અને રસપ્રદ સફર બાદ શહેરની બહાર થોડી ખાણી-પીણી કરવા એક સ્ટોર પાસે બસ ઊભી રહી. અહીંથી લઈ ગયેલ નાસ્તાની સાથે સ્ટોરમાં મળતી  કૉફી અને તાજાં ફળો લઈ અમે પેટ પૂજા કરી.અને પછી સીધી શહેરની સાઈટ સીઇંગ ટુર લીધી.

વોર્સો શહેર પોલેન્ડની રાજધાની છે. રિપબ્લિક ઓફ પોલેન્ડ દેશનું કાયદેસરનું નામ છે. દેશની વસ્તી લગભગ ચાર કરોડની છે. પોલેન્ડ દેશ સદીઓથી  પૂર્વ અને પશ્ચિમ યુરોપના દેશો વચ્ચેનો સેતુ બની રહ્યો હતો. તેની  ઉત્તરે બાલ્ટિક સમુદ્ર આવ્યો છે. તો ચારે બાજુ રશિયા, લીથુઆનીઆ, બેલારુસ, ઉક્રેન, સ્લોવાકિયા,ઝેક રિપબ્લિક અને જર્મની જેવા દેશો આવેલા છે. યહૂદીઓના ગઢ ગણતા પોલેન્ડે બીજા વિશ્વયુદ્ધમાં ભયંકર ખાનાખરાબી જોઈ છે અને યહૂદી લોકોએ હોલોકાસ્ટના રૂપમાં અનેક જુલ્મો સહન કર્યા છે. દેશમાં હજી પણ વર્ષો જૂનાં પ્રાચીન મકાનો અને શેરીઓ સાથેનાં અનેક ગામો જોવાં મળે છે. છેલ્લા દશકામાં પરિવર્તન આવ્યું છે અને ઔદ્યોગિક વિકાસ પણ થયો છે. શહેરોમાં જૂની સંસ્કૃતિની સાથેસાથે બહુમાળી મકાનો, ટ્રાફિકવાળા રસ્તાઓ, મોલ વગેરે પણ દેખાય છે. યુરોપિયન અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સ્વાગત થાય છે અને તેમની સગવડ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું થઈ રહ્યું છે.

વોર્સો દેશનું સૌથી મોટું શહેર છે. બીજા વિશ્વયુદ્ધમાં આ શહેર લગભગ નાશ પામ્યું હતું.  શહેરનો જૂનો ભાગ જે બીજા વિશ્વયુદ્ધમાં નાશ પામ્યો હતો તેને જૂના નકશાઓ અને ચિત્રો પરથી ફરી આબેહૂબ રીસ્ટોર કરવામાં આવ્યો છે. જૂના ભવ્ય મહેલો, જૂની ગલીઓ, પ્રાચીન મકાનો, જૂની-પુરાણી દુકાનો, જૂના ચોક … ત્યાં ફરીએ તો જાણે ઇતિહાસમાં આંટો મારતાં હોઈએ તેવું લાગે. UNESCO દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે જાહેર આ શહેર પ્રાચીન શહેરને કેવી રીતે આબેહૂબ રીસ્ટોર કરી શકાય તેના નમૂના રૂપ છે. મકાનો, મહેલો, ગલીઓ વગેરે બીજા વિશ્વયુદ્ધ પહેલાં, બીજા વિશ્વયુદ્ધમાં નાશ પામ્યા બાદ અને રીસ્ટોર થયાં પછી હવે કેવાં દેખાય છે તેનાં ચિત્રો અને કાર્ડ્સ ઠેરઠેર વેચાતાં હતાં.

બસમાં બેસી અમે પહેલાં તો આખા શહેરનું વિહંગાવલોકન કર્યું. લોકલ ગાઈડ માહિતી આપતા હતા પણ બહુ મજા આવતી ન હતી. પણ રસ્તા પરનું એકએક સ્મારક વાંચેલી માહિતીને આધારે અને સાથેની ચોપડીઓ પરથી ઓળખી શકાતું હતું. ચાર કી.મિ. લાંબા આ રોયલ રૂટ પર આવેલ ગ્રાન્ડ થીએટર અને ઓપેરા હાઉસ સુંદર દેખાતાં હતાં. શહીદોની સમાધિ, ઘેટો સ્મારક અને વોર્સો યુનિવર્સીટીને પણ અમે બહારથી જોયાં. સરસ ટાઉન હોલ અને ગોથિક સ્ટાઈલનું સુંદર કેથેડ્રલ પણ જોયું.

શહેરના જૂના ભાગમાં વિસ્તુલા નદીને (VISTULA RIVER) કિનારે રોયલ કેસલ (ROYAL CASTLE) એટલે કે મહેલ પાસે બસ ઊભી રહી. બધાં નીચે ઉતર્યા અને ચાલતાં ચાલતાં અનેક વાયકાઓ સાંભળતાં સાંભળતાં ધીમે ધીમે અદભુત નગરી જોવા લાગ્યાં. વર્ષો પહેલાનો રાજમહેલ પછી પાર્લીઆમેન્ટ તરીકે વપરાતો અને હવે ત્યાં પ્રાચીન વસ્તુઓનું મ્યુઝિયમ બનાવ્યું છે. મહેલના ચોકમાં ( CASTLE SQUARE ) ફોટો-સ્ટોપ બનાવ્યું છે ત્યાં ફોટા પણ પડ્યા. નજીકમાં જ વિજય સ્તંભ હતો. વળી કિલ્લાઓ અને દેવળો પણ હતાં. ત્યાં પણ ફોટા પડ્યા. ખબર નહીં કેમ પણ રાજમહેલ અને તેની આસપાસની ભવ્યતા અને અમીરીમાં સામાન્ય માણસની ગરીબી સતત ડોકિયા કરતી હતી.

સમય હતો એટલે બસમાં પાછાં અમે શહીદોની સમાધિના દર્શન કરવા ગયાં. શહીદો ગમે તે દેશના હોય, વંદનને યોગ્ય જ હોય! રાજમાર્ગ પરથી જ પ્રવેશ કરાય તે રીતે સરસ સમાધિ બનાવી હતી. બહાર મીણબત્તીઓ સળગાવી હતી અને ફૂલોથી શણગાર કર્યો હતો. અંદર મોટો હોલ હતો. એક પછી એક પ્રવાસી શાંતિથી હોલમાં જઈ તેમની શહાદતને નમન કરી શકે તેવી વ્યવસ્થા કરી હતી. સમાધિની પાછળ મોટો બગીચો ઋતુ પ્રમાણેનાં રંગીન ફૂલોથી ભરેલો હતો. અમે ત્યાં થોડીવાર બેઠાં.  શહીદોની સમાધિ કાયમ કરુણા અને દયા તો ક્યારેક દુઃખનું ભારી વતાવરણ સર્જે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ જ હોય! રાજમાર્ગ પર, સમાધિ પાસે, બગીચામાં, જૂના શહેરમાં લોકો સાથે કે અમારા ગાઈડ સાથે યહૂદીઓ, તેમની સાથેના દુર્વ્યવહાર કે  ઘેટોની  વાત કરવાનો અમે પ્રયત્ન કર્યો પણ કોઈએ અમને સરખો જવાબ આપ્યો નહીં. ‘મુંબઈ મસાલા’ નામની ભારતીય રેસ્ટોરાંમાં  સરસ સ્વાદિષ્ટ  રાત્રી-ભોજન લીધું. નવાં મિત્રો સાથે સારી ઓળખાણ થઈ ગઈ છે. અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાથી કુલ સાત યુગલો અને અમે આઠ યુગલો મળી ૩૦-૩૨ પ્રવાસીઓનું સરસ ગ્રુપ થઈ ગયું છે. આખા ગ્રુપમાં જૈન ભોજન લેનાર અમે ચાર જ જણ છીએ પણ અમારી સગવડ બહુ સારી સચવાય છે. જમીને રાતવાસો કરવા પાછાં હોટલ પર ગયાં. હોટલ અને રૂમો તથા બીજી સગવડો સારી છે.  ઈસ્ટ-યુરોપની ટુરમાં રાત્રી-ભોજન અને હોટલની વ્યવસ્થા સ્વિસ ટુર કરતાં ઘણી સારી છે.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: admin

10 thoughts on “સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. વોર્સો, આબેહૂબ જીર્ણોદ્ધાર

 1. દર્શા, માત્ર ચાર કરોડની વસ્તી ધરાવતા પોલેન્ડ દેશની લાક્ષણિકતાનું વર્ણન પ્રભાવિત કરી ગયું. આભાર.

  1. “રાજમહેલ ની ભવ્યતા અને અમીરી માં સામાન્ય માણસ ની ગરીબી સતત ડોકીયા કરતી હતી”….. જેવું એકજ વાક્ય દેશ અને નગરનો ઈતિહાસ અને વર્તમાન ની વાસ્તવિકતા સમજાવવાનું સામર્થ્ય ધરાવે છે – જે આ પ્રવાસ વર્ણન ની ખૂબી છે

 2. Thanks, Shobha! Our idea about East Europe was different before visiting these places. It absolutely changed when we saw lots of history filled with fun, food and frolic!

 3. “રાજમહેલ ની ભવ્યતા અને અમીરી માં સામાન્ય માણસ ની ગરીબી સતત ડોકીયા કરતી હતી” એ હૃદય માં તાર ની જેમ ઉતરી ગયુ. શહીદો નો નિર્દેશ અને વિશ્વયુદ્ધો માં સર્જાયેલી ખાનાખરાબી ને પુનઃ નિર્માણ નો ઈતિહાસ પણ દર્દ ની દાસ્તાન છે. શાળા ના શિક્ષક શ્રી રમણભાઈ ઈતિહાસ ભણાવતા ત્યારે આ ચિતાર રજુ કર્યા હોવાની સ્મૃતિ તાજી થઈ. “તેમની સાથેના દુર્વ્યવહાર કે ઘેટોની વાત કરવાનો અમે પ્રયત્ન કર્યો પણ કોઈએ અમને સરખો જવાબ આપ્યો નહીં” માં શાયદ પોતાના દેશ ની કોઈ નકારાત્મક કોઈ પ્રવાસી પાસે શાને છતી કરવી એ ભાવના નો અહેસાસ થાય છે.
  સંજોગોને આધીન અમારે ઝુરિચ થી પરત ભારત આવ્યા માં અમે કંઈક અઘરું રાખ્યું એવો અહેસાસ થયો.
  અભિનંદન

  1. Thanks, Dilipbhai! We really missed you every day! And you missed visiting such beautiful places with dear friends! There is always a next time…..!

  2. ખરેખર વોરસો વિશ્વયુદ્ધ પછી નું જીર્ણોધ્ધાર કરી પાછું વિશ્વ ને જુની જાહોજલાલી દેખાડવાનું સવિસ્તાર‌ વર્ણન વાંચવા ની મજા આવી.

Leave a Reply

Your email address will not be published.