ફિર દેખો યારોં : આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતી એ

બીરેન કોઠારી

પ્રાદેશિક ભાષાના માધ્યમવાળી કોઈ શાળા બંધ થાય એ હવે સમાચાર નથી રહ્યા. આમ છતાં, તાજેતરમાં આવા એક સમાચાર ધ્યાન ખેંચનારા બની રહ્યા. એ મુજબ, અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી તમિલ માધ્યમ ધરાવતી એક માત્ર શાળાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધીનાં ધોરણો ધરાવતી આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વરસોવરસ ઘટતી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં તે 84થી ઉત્તરોત્તર ઘટીને 31 વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત થઈ ગઈ હતી. તેને પરિણામે શાળાના સંચાલક મંડળે આ શાળા બંધ કરવાનો નિર્ણય લીધો. તમિલ માધ્યમવાળી અન્ય શાળા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં હતી. તમિલ માધ્યમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓ મુખ્યત્વે વિસ્થાપિત મજૂરોનાં સંતાનો છે.

આ સમાચાર જાણીને તમિલનાડુના મુખ્ય પ્રધાન ઈ.કે.પાલનીસ્વામીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. આ શાળાનો ખર્ચ તમિલનાડુ સરકાર દ્વારા ઉઠાવવાની તૈયારી પણ તેમણે દેખાડી છે. ગુજરાતમાં લઘુમતિ એવા તમિલભાષીઓના ભાવિના રક્ષણ માટે તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાનને અપીલ કરી છે. મળતા સમાચાર મુજબ આ શાળાના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમની શાળામાં ખસેડવામાં આવશે. એવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે કે અત્યાર સુધી તમિલ માધ્યમમાં ભણેલા આ બાળકો હવે સીધેસીધા અંગ્રેજી માધ્યમમાં જશે તો અનુકૂલન સાધતાં તેમને ઘણી તકલીફ થશે. 

તમિલનાડુના મુખ્યમંત્રીને કોણ કહે કે તમિલ માધ્યમની શાળાની વાત છોડો, ગુજરાતમાં તો ગુજરાતી માધ્યમની કેટલીય શાળાઓ વરસોવરસ બંધ થઈ રહી છે અને કોઈના પેટનું પાણી પણ હાલતું નથી.

અખબાર ‘ડી.એન.એ.’ના એક અહેવાલ મુજબ, 2014-15થી લઈને છેલ્લા પાંચ વરસમાં અમદાવાદમાં ગુજરાતી માધ્યમની 60 શાળાઓ બંધ કરવામાં આવી છે અને આ આંકડો દર વરસે વધતો રહ્યો છે. એક સમયે મુંબઈમાં પણ ગુજરાતી માધ્યમની અનેક શાળાઓ કાર્યરત હતી. ગુજરાતમાં ગુજરાતી માધ્યમની શાળાઓની આ સ્થિતિ હોય તો મુંબઈની સ્થિતિ શી હશે એની કલ્પના કરવી અઘરી નથી! અલબત્ત, આ પરિસ્થિતિ માટે સત્તાતંત્રને એક હદથી વધુ જવાબદાર ઠેરવી શકાય એમ નથી. પ્રજાની માનસિકતા અને માતૃભાષા પ્રત્યેનો તેનો અભિગમ કેવો છે એની પર આખો આધાર છે. ગુજરાતીના લેખકો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના અંગ્રેજીને હાસ્યાસ્પદ ઠેરવવાની તક ભાગ્યે જ છોડતા હશે. તેની સામે માતૃભાષા અંગેની જાગૃતિ માટે તેમણે કોઈ પ્રયત્ન કર્યા હોય એવું જવલ્લે જાણવા મળશે. મોટા ભાગના ગુજરાતી લેખકો જાણે કે ગુજરાતીમાં લખીને માતૃભાષા પર ઉપકાર કરી રહ્યા હોય એવું તેમનું વલણ હોય છે. કેમ જાણે, તેમની પાસે લેખિત અભિવ્યક્તિ માટે ભાષાના આઠ-દસ વિકલ્પ હોય અને તેમણે ગુજરાતી પર પસંદગીનો કળશ ન ઢોળ્યો હોય!

એ સમજી લેવું જરૂરી છે કે કોઈ પણ ભાષા અન્ય ભાષાની દુશ્મન ન હોઈ શકે. એટલે કે ભાષાની પસંદગી કરવાની આવે ત્યારે એકના ભોગે બીજી ભાષા પસંદ કરવાની જરૂર નથી. બે ભાષાઓ સમાંતરે આવડી જ શકે છે. પોતાના સંતાનને અંગ્રેજી આવડે છે એના કરતાં તેમને ગુજરાતી નથી આવડતી એ બાબતનું ગૌરવ ઘણા બધાં ગુજરાતી માવતરો લેતાં હોય છે. ભલે ખોટેખોટું, પણ એ અંગ્રેજી બોલવું જોઈએ. સાચું ગુજરાતી કોઈ સંતાન બોલે તો ઘણાં માવતરો શરમ સુદ્ધાં અનુભવે છે. આવા વાતાવરણમાં સરકાર ભાગ્યે જ કશું કરી શકે.

ભાષાશુદ્ધિ માટેની ઉદાસીનતા આપણો સ્થાયી ભાવ છે. ભાષાશુદ્ધિ કેવળ સાચી જોડણી પૂરતી મર્યાદિત નથી હોતી. શબ્દોને યોગ્ય રીતે પ્રયોજવા અગત્યના છે. હવે તો ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકોમાં પણ ભાષાશુદ્ધિ બાબતે ગુનાહિત કહી શકાય બેદરકારી રાખવામાં આવી રહી છે. પાઠ્યપુસ્તકોની આ હાલત હોય તો અખબારો, જાહેરખબર, પરિપત્ર કે એવી અન્ય બાબતોએ ભાષાશુદ્ધિનો આગ્રહ કોણ રાખે અને શા માટે રાખે?

ગુજરાતીઓનો અંગ્રેજીપ્રેમ જોતાં એવો પણ એક પ્રવાહ ચાલી રહ્યો છે કે ગુજરાતી લિપિમાં લાંબાં લાંબાં અંગ્રેજી વાક્યો પરાણે ઘૂસાડવા. કદાચ ગુજરાતીઓને અંગ્રેજી બાબતે પ્રશિક્ષિત કરવાનું આ ગુપ્ત અભિયાન હોઈ શકે. સહજભાવે આવતા અંગ્રેજી શબ્દો બરાબર છે, પણ અંગ્રેજીનાં આખાં ને આખાં વાક્યો મૂકાય એ બિલકુલ અસ્વાભાવિક લાગે. બીજી તરફ ભાષા એટલે જોડણી એમ માનનારા ઝનૂની ભાષાવિ‍દોની સંખ્યા ઓછી નથી. ગુજરાતી ફિલ્મોમાં બોલાતી ગુજરાતીનો મુદ્દો વળી અલગ ચર્ચા માગી લે એવો છે. ફિલ્મના વાતાવરણને અનુરૂપ સહજ ગણાય એવી ગુજરાતી હજી પડદે સાંભળવા ઓછી મળે છે. પડદે બોલાતી ગુજરાતી ખરેખર શહેરી છે કે ગ્રામ્ય એ જુદી વાત છે, પણ મોટે ભાગે તે કૃત્રિમ, અસહજ અને હાસ્યાસ્પદ જરૂર હોય છે. ભાષાના મામલે સરકાર બહુ બહુ તો કાનૂન લાવી શકે, પણ ભાષા કંઈ કાનૂન થકી ગ્રહણ કરવાની ચીજ નથી. તેના માટેનું વાજબી ગૌરવ જે તે ભાષીને પોતાને અંદરથી ઉગવું જોઈએ. પોતાની ભાષાને અન્ય ભાષાથી ચડિયાતી કે ઉતરતી બતાવીને મિથ્યા ગૌરવ લેવાની જરૂર નથી. તમિલનાડુના મુખ્ય પ્રધાન ગુજરાતના મુખ્ય પ્રધાનને પત્ર લખીને ગુજરાતમાં બંધ થઈ રહેલી એક તમિલ માધ્યમની શાળાને ચાલુ રખાવવા વિનંતી કરે અને તેનો ખર્ચ ઉઠાવવાની દરખાસ્ત મૂકે એ તેમની ઉપરછલ્લી તો ઉપરછલ્લી, પણ નિસ્બત સૂચવે છે. ગુજરાતમાંની ગુજરાતી માધ્યમની શાળાઓ માટે આપણે થોડીઘણી નિસ્બત રાખીએ તો સાચું ભાષાગૌરવ ગણાય.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧-૧૦-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.