સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ…..ઇન્ટરલેકનથી બર્લિન કે મૂડીવાદથી સામ્યવાદ?

દર્શા કિકાણી

(૨૨ જૂન ૨૦૧૯)

આજે પાછાં ઝુરીક જવાનું હતું. સ્વિત્ઝરલેન્ડની ટુરની સમાપ્તિ અને ઈસ્ટ યુરોપની ટુરનો આરંભ થવાનો હતો. મોટા ભાગનાં મિત્રો ઈસ્ટ યુરોપની ટુરમાં જોડાવાનાં હતાં. વળી નવું ગ્રુપ પણ સામેલ થવાનું હતું. કલાકનો સમય હતો એટલે નાસ્તો કર્યા બાદ અમે ઇન્ટરલેકનમાં સવારે ચાલવા નીકળ્યાં. જે રાજમાર્ગ સાંજે જોયો હતો તે સવારે એકદમ જુદો લાગતો હતો! અહીં સવારે પણ પ્રવાસીઓનું ખરીદીનું જોર પૂર-બહારમાં ખીલ્યું હતું. અમને રસ ઓછો હતો એટલે અમે સરસ લાંબો વોક લીધો અને ઇન્ટરલેકનની સવારની મઝા માણી. સમય થતાં બસ આવી અને અમે  સમયસર પાછાં ઝુરીક પહોંચ્યાં. ઝુરીકની એક આગવી જ પ્રતિભા છે, મસ્તી છે. અઠવાડિયું સ્વિત્ઝરલેન્ડ ફરીને પાછાં જઈ રહ્યાં હતાં તે વાતનું દુઃખ હતું તો આગળની સફરનો ઉત્સાહ પણ હતો.  સ્વિત્ઝરલેન્ડ દુનિયાનો સૌથી સમૃદ્ધ દેશ છે. લોકશાહી અને મૂડીવાદ બંને વિચારધારા અહીં છલકાતી જોવા મળે છે. તો હવે પછીનો પ્રવાસ સામ્યવાદ વિચારધારાથી પ્રભાવિત દેશોનો છે. કુદરતી સૌન્દર્ય તો અદભુત છે પણ ત્યાંનો ઈતિહાસ હજી વીતેલાં વર્ષોની ખાનાખરાબીની હાજરી પુરાવે છે.

ઝુરીકનું એરપોર્ટ અમારું જાણીતું હતું એટલે ચેક-ઈનની પ્રક્રિયા એકદમ સરળ રીતે પતી ગઈ. ત્રણ કલાકમાં અમે જર્મની દેશની રાજધાની બર્લિન પહોંચી ગયાં. બપોરનું ભોજન ફ્લાઇટમાં લઈ લીધું હતું એટલે એરપોર્ટથી સીધાં જ ગાઈડેડ સીટી-ટુરમાં જવાનું હતું. બર્લિનનું એરપોર્ટ શહેરથી લગભગ ૨૨ કી.મિ. દૂર છે. આ ટુરના મેનેજર પણ અમારા જુના અને જાણીતા  મિલિન્દભાઈ જ છે, પણ દરેક શહેરમાં ત્યાંના સ્થાનિક ગાઈડ પણ અમારી સાથે આખો દિવસ રહે તેવી વ્યવસ્થા કરી છે. સ્થાનિક ગાઈડનો ઘણો લાભ રહે:  સ્થાનિક ભાષા, ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિની સાથે સાથે પ્રવાસીઓની દૈનિક જરૂરિયાત પણ તેઓ સમજે અને તરત તેનું નિવારણ કરે!

હજારો વર્ષની માનવ જીવનની ભવ્ય સંસ્કૃતિ ધરાવતો મધ્ય યુરોપમાં આવેલ આ દેશ બંને વિશ્વયુદ્ધ પછી જે રીતે ઊભો થઈ ગયો છે તે જોઈ આનંદ થાય. વસ્તુઓની ઉત્કૃષ્ટતા અને ગુણવત્તા માટે પંકાતો આ દેશ રાજકીય રીતે પણ સમૃદ્ધ છે. લગભગ ૮ કરોડની વસ્તીવાળો આ દેશ સામ્યવાદ (SOCIALISM) અને મૂડીવાદ (CAPITALISM) વચ્ચેની લીંક સમાન છે. સંગીત અને કળાનું કેન્દ્ર હોવાની સાથે સાથે તે વિજ્ઞાન, મિડિયા અને નવી ટેકનોલોજીનું હબ પણ છે.  અત્યારે આ દેશ પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને ખુલ્લા હાથે આવકારે છે. બર્લિન શહેર અમને એકદમ સામાન્ય મેટ્રો શહેર જેવું લાગ્યું. કોઈ ઝગમગાટ નહીં, કોઈ રોશની નહીં, કોઈ તડકભડક નહીં! આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને રહેવું ફાવે તેવું સુરક્ષિત અને કરકસરથી રહેવાય તેવું શહેર છે.  

શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં થઈ જગમશહૂર વોલ ઓફ બર્લિન પહોંચતાં સુધીમાં અમે શહેરનાં ઘણાં સ્મારકો અને જોવાલાયક સ્થળો દૂરથી જોયાં. અમે જોયેલ સ્થળોનાં નામ બોલતાં જીભનો લોચો વળી જાય! અંગ્રેજી નામ સાથે ગુજરાતીમાં લખ્યું છે, ક્ષતિ હોય તો માફ કરશો. :

સીટી સેન્ટરની પશ્ચિમે આવેલ ભવ્ય બ્રાનડેનબર્ગ ગેટ (BRANDENBURG GATE) :  ૧૮મી  સદીમાં નીઓ ક્લાસિકલ સ્ટાઈલમાં બનેલ સુંદર ગેટ બર્લિન શહેરની ઓળખ બની ગયું છે.

બુલેવર્ડ (UNTER DEN LINDED BOULEVARD),

વિશાળ પાર્લિયામેન્ટ બિલ્ડીંગ,(GERMAN PARLIAMENT BUILDING), આ બિલ્ડીંગનો   કાચનો વિશાળ ડોમ જોવા જેવો છે, ડોમ પરથી આખા શહેરનું વિહંગાવલોકન કરી શકાય છે અને પાર્લિયામેન્ટ સેશન ચાલુ હોય ત્યારે તે પણ જોઈ શકાય છે.

વિજયની ગાથા ગાતો ભવ્ય વિજય સ્તંભ,VICTORY COLUMN,

સંગીત અને નૃત્યની સંસ્કૃતિક ઓળખ સમાન સ્ટેટ ઓપેરા, STATE OPERA,

શહેરના આધુનિક હાર્દ સમું પ્લાઝા POTSDAMER PLATZ AREA….. બસ ધીમે ધીમે ચાલતી હતી, એક પછી એક નવું નવું જોવાલાયક સ્થળ આવતું જતું હતું અને ગાઈડ ઘણી બધી રસપ્રદ માહિતી આપી રહ્યા હતા. દોઢ-બે કલાકમાં તો શહેરનું વિહંગાવલોકન થઈ ગયું!

વોલ ઓફ બર્લિન (WALL OF BERLIN) પાસે આવી બસ ઊભી રહી. ફક્ત દસ ફૂટ ઊંચી આ જર્જરિત દિવાલ (હવે તો ફક્ત નજીવો ભાગ સ્મારક તરીકે રહ્યો છે) ક્યારેક (૧૯૯૦ પહેલાં) એક મોટા શહેરને બે વિભાગમાં (કે બે દેશમાં? કે બે સંસ્કૃતિમાં?) વહેંચતી હશે તે જાણીને કે જોઈને નવાઈ લાગે!  દિવાલ કેમ બનાવવી પડી, બર્લિન શહેરને કેમ બે ભાગમાં વહેંચી નાખવું પડ્યું, ALLIED FORCES Vs RUSSIA નું શું સમીકરણ હતું વગેરે વાતો  ત્યાં ઊભા ઊભા જ જાણી! પૂર્વ અને પશ્ચિમ જર્મનીને લગતી, લોકોની જીવનસરણીને લગતી, લોકોનાં જીવનધોરણને લગતી અનેક વાયકાઓ સાંભળી. સામ્યવાદની અસર હેઠળ પૂર્વ જર્મનીના બર્લિનમાં મકાનો બિલકુલ સાદા, ચોરસ, બાલ્કની વિનાનાં, કોઈ પણ ડેકોરેશન વગરનાં, ભાડાં ઓછાં, પગાર ઓછાં, બ્રાન્ડેડ વસ્તુઓની અછત વગેરે. પશ્ચિમ જર્મનીના બર્લિનમાં મકાનો ડીઝાઈન વળાં, સુંદર, ડેકોરેશન કરેલાં,  ભાડાં વધુ, પગાર વધારે, બ્રાન્ડેડ વસ્તુઓની છત. એટલે ઘણાં યુવાનો પૂર્વ જર્મનીના બર્લિનમાં રહે અને પશ્ચિમ જર્મનીના બર્લિનમાં કામ કરે. ખેર! હવે તો બધું બદલાઈ ગયું છે. હવે તો બધે જ પૈસાની બોલબાલા છે!

અત્યારે બર્લિનની રહી-સહી દિવાલ પર સરસ સકારાત્મક પોસ્ટરો લગાડ્યાં છે. ઘણાં પ્રવાસીઓ બહુ રસથી જોતાં જોતાં ફોટા પાડતાં હતાં. પોણો કી.મિ. ચાલ્યાં હોઈશું ત્યાં વર્ષો પહેલાં પૂર્વ અને પશ્ચિમ બર્લિનમાં આવન-જાવાન માટે વપરાતું  જાણીતું ચેક પોઈન્ટ ચાર્લી (CHECK POINT CHARLIE) આવ્યું. આમ તો બહુ સામાન્ય ચેક પોઈન્ટ પણ ઐતિહાસિક મહત્ત્વ ઘણું. અને તેને જ કારણે આજે તો તે પ્રવાસીઓના લીસ્ટમાં પહેલું જ હોય!

બર્લિન સ્ટોરી મ્યુઝિયમ બહુ જાણીતું છે. અમને તે જોવાનું બહુ મન હતું. અહીંથી અમે તે મ્યુઝિયમ જોવા નીકળ્યાં. આજે શહેરમાં યહૂદીઓનો કોઈ તહેવાર હતો. ઠેરઠેર યહૂદી યુવાનો ટોળે વળેલા જોવા મળતા હતા. ત્રણ માળના સામાન્ય દેખાતા બિલ્ડીંગમાં આવેલ મ્યુઝિયમની બહાર મોટું મેદાન હતું. અહીં પણ યહૂદી યુવાનો સ્ટેજ બનાવી જાતજાતના દેખાવો કરી રહ્યાં હતાં. અમારા કમનસીબે આ દેખાવોને કારણે બર્લિન સ્ટોરી મ્યુઝિયમ તો બંધ રાખવામાં આવ્યું હતું! પણ  મ્યુઝિયમની બહાર તથા યહૂદી યુવાનો સાથે  ફોટા લીધા. જર્મનીમાં યહૂદીઓના ઇતિહાસનું સરસ મ્યુઝિયમ (JEWISH MUSEUM, BERLIN) જોયું. મ્યુઝિયમનો  અમુક ભાગ સારસંભાળ માટે બંધ હતો. મ્યુઝિયમની બહાર સુંદર બગીચો હતો. બગીચાની બહાર સૂર્યાસ્ત જોતાં જોતાં સાથે લાવેલ નાસ્તાના ફાકા માર્યા! અમારી સાથે નવાં જોડાયેલ પ્રવાસીઓનો પરિચય કર્યો. નવાં મિત્રો મળ્યાં! વધુ મિત્રો, વધુ આનંદ!

વળી પાછાં બસમાં ગોઠવાયાં. રાત્રે બર્લિન શહેર જુદું લાગતું હતું. દિવસે ઝાંખું લાગતું શહેર રાતના રોશનીથી ઓપતું હતું. ૧૫-૨૦ મીનીટની બસ સાવરી પછી અમે એક ભારતીય રેસ્ટોરાં પાસે આવી લાગ્યાં. અહીં પણ ઘણાં ધોળિયાઓ ભારતીય ભોજન પ્રેમથી જામી રહ્યાં હતાં. ભીડ હતી પણ બહુ સ્વાદિષ્ટ દેશી  જમણ બધાં શાંતિથી જમ્યાં. આજનો દિવસ બહુ ધમાલમાં ગયો. ઇન્ટરલેકનની સવાર, ઝુરીકની બપોર અને બર્લિનનો દિવસ! કેટલું બધું જોયું! અને કેટલું બધું જોવાનું રહી ગયું! વાતવાતમાં જ મિલિન્દભાઈએ ચેતવી દીધા કે હવે તો રોજ આવો જ કાર્યક્રમ રહેશે : સવારે વહેલાં ૩-૪ કલાકની મુસાફરી, પછી આખો દિવસ જોવાલાયક સ્થળોની મુલાકાત અને રાત્રે જમણ બાદ આરામ! થાક લાગશે તે નહીં ચાલે!

બર્લિન શહેરની બહાર એક સરસ હોટલમાં રાતવાસો કરવાનો હતો. રૂમ મળી જતાં સામાન મૂક્યો અને અમે તો પાછાં રખડવા તૈયાર! હું અને રાજેશ હોટલના સ્ટાફને પૂછીને ચાલવા નીકળ્યાં. માણસોની બિલકુલ ભીડ વગરનો સરસ રસ્તો હતો, કદાચ રાજમાર્ગ હતો. બસોની અને વાહનોની અવરજવર ઘણી હતી. એકાદ કી.મિ. ચાલ્યાં ત્યાં તો ટ્રામનું સ્ટેશન આવ્યું. અમે પંદરેક મિનીટ સ્ટેશને બેઠાં. ટ્રામમાં જતાં-આવતાં શહેરીઓને જોતાંજોતાં! ઘણી સ્ત્રીઓ એકલી મુસાફરી કરતી હતી. ઘેર પહોંચવાની ઉતાવળ અને હાથમાં રહેલ શાકભાજી કે ઘરવપરાશની વસ્તુઓની થેલી જોઈ લાગતું હતું કે કદાચ નોકરી પરથી ઘેર પછી આવતી હશે. કોઈ પણ દેશ હોય કે કોઈ પણ શહેર હોય, કામ કરતી ગૃહિણીઓના સમય પરની ડિમાન્ડ કાયમ સરખી જ રહેવાની!  રસ્તો ક્રોસ કરી અમે સામેની બાજુથી ચાલતાં ચાલતાં પાછાં હોટલ પહોંચી ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: admin

13 thoughts on “સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ…..ઇન્ટરલેકનથી બર્લિન કે મૂડીવાદથી સામ્યવાદ?

 1. બર્લિન શહેર વિશેની માહિતી ખૂબ રસપ્રદ લાગી. ખૂબ ખૂબ આભાર.

 2. દરેક આરંભ નો અંત નિશ્ચિત હોય છે. Interlaken થી નીકળતા મિશ્રિત લાગણીઓ હતી. Dream that we had seen a year back, to celebrate fiftieth anniversary of friendship in style, was accomplished. All of us were very happy. You have captured the moment very well. Thank you!

  1. Yes, it was a dream celebration! That too, in style! East Europe tour was a new beginning with a larger group, new friends, new company ! Kudos!👌👌

 3. Very well described. A memorable way of celebration of the Golden Jubilee of our friendship…..and your description takes care of friends like us who could not join the tour…
  Well done
  Keep it up

 4. Description of Berlin is very apt. It is confluence of two different cultures now of capitalism n communalism.
  One day was too short.

  1. Very true, Kushbhai! Even a week will not suffice… Very nice city, lots of monuments to visit and enjoy… Next time,we will take care!

Leave a Reply

Your email address will not be published.