સમયચક્ર : ગાંધીજી, આવનારી પેઢીના રોલમોડેલ

માવજી મહેશ્વરી

આ લખવા બેઠો છું ત્યારે મેં જ્યાં એકડો ઘૂંટ્યો તે ભોજાય ગામનું બાલમંદીર યાદ આવે છે. એ વખતે  મને ખબર ન્હોતી કે બધા છોકરા અંદર અને હું એક જ બહાર શા માટે બેઠો છું. બાલમંદીરની બહારની લોબીમાં લાકડાના સુંવાળા થાંભલાને પીઠ ટેકવીને હું અંદર જોયા કરતો. બાલમંદિરમાં ભણાવતા પાનબાઈ નામના જૈન મહિલા જે ખુરશી પર બેસતા, બરાબર તે ખુરશીની ઉપર એક છબી ટીંગાયેલી રહેતી. એ છબીમાં મરક મરક થતો બોડા માથાવાળો, એક વૃધ્ધ મને શા માટે ગમતો તેની મને તે વખતે ખબર ન્હોતી. મને એમ કે એ ‘પાનબાઈબેન’ના પિતાજી કે દાદા હશે. એક દિવસ એ ગુણિયલ બહેને મારો હાથ પકડી સાવ અંદર તો નહીં પણ બારણા પાસે બેસાડ્યો. પછી તેમણે એ છબી ઉતારી અમને કચ્છીભાષામાં પૂછ્યુ હતું.      “આંકે ખબર આય હી કેર ઐં ?” (તમને ખબર છે આ કોણ છે ?) અમને કોઈને ખબર ન્હોતી કે એ છબી કોની છે. મારી જેમ બીજાઓએ પણ ગામના જ કોઈ વૃધ્ધ હશે એવું માનેલું. પછી પાનબાઈબેને એ છબી વિશે કહેલું તે આજે અક્ષરશ: યાદ છે. મારો ગાંધીજીનો એ પહેલો પરિચય હતો. આજે જો ભારત ઉપરાંત અન્ય દેશોના બાળકોને પણ ગાંધીજીની છબી બતાવીને પૂછવામાં આવે તો કદાચ જુદી જુદી ભાષાઓ બોલતા બાળકોનો જવાબ સરખો જ હોઈ શકે. કે આ ગાંધીજી છે. આ સ્થિતિ જ સાબિત કરી દે છે કે, ગાંધીજી કોણ હતા અને લોકો શા માટે તેમને યાદ કરે છે.

મને લાગે છે કે, ગાંધીજી વિશે બે આખી પેઢી એક જ પ્રકારંનો સિમિત વિચાર લઈને ચાલી ગઈ. એમના ચિત્તમાં ગાંધીજી માત્ર ભારતની આઝાદીના લડવૈયા અને વધીને અસ્પૃશ્યોના હામી હતા. એવું એક ચિત્ર કાયમી રહ્યું હતું. તે પછીની પેઢી પણ છેક હવે સમજી રહી છે કે ગાંધીજી માત્ર ભારતની સ્વતંત્રતતાના આગેવાન ન્હોતા. એ બીજું  ઘણું બધું હતા. જ્યારે ગાંધીજીના વૈશ્વિક મુલ્યાંકનો ભારતીય લોકો સામે આવી રહ્યા છે ત્યારે આપણને સમજાય છે કે, ગાંધીજીને આપણે સમજીએ છીએ કે ધારીએ છીએ તેવા એ ન્હોતા. મને લાગે છે કે ગાંધીજી એવા સમયે આવ્યા જે સમય પુરી દુનિયા માટે સંક્રમણનો ગાળો હતો. વિશ્વ યાંત્રિક તકનિકી તરફ આગળ વધી ચૂક્યું હતું, વળી એ સમયમાં જ ભારત આઝાદ થયું. તે પછી સ્વતંત્ર ભારત ગાંધીજીને સમજવાની શરુઆત કરે કે ભારતનું બંધારણ અમલમાં આવે તે પહેલા ગાંધીજી ચાલ્યા ગયા. એક પ્રચંડ વિચારનો તેજપૂંજ તિવ્રગતિથી પસાર થઈ ગયું અને તેના અજવાળામાં જે દશ્યો જેને દેખાયાં તે દેખાયા. દેશને પાટે ચડાવવાની મથામણ, યુધ્ધો, ગરીબી, રોગચાળાઓ સામે ઝુઝતો આઝાદી પછીનો ભારત દેશ પાસે ગાંધીને મુલવાવનો વખત નહોતો. પચાસ વર્ષ પછી છેક હવે, નવેસરથી ભારતમાં થઈ ગયેલા મહામાનવ વિશે વૈશ્વિક ચર્ચા થઈ રહી છે. જે અત્યંત સારી નિશાની છે.

મને આ મહાન કહેવાતા દેશમાં એક ખાસિયત દેખાઈ છે. જ્યારે જ્યારે કોઈ નવો વિચાર પ્રગટ્યો છે ત્યારે ત્યારે લોકોએ તેને ખભે ઉંચકી ફેરવ્યો છે. વિચારધારાની વાહ વાહ કરવામાં આવી છે.પણ એ વિચારધારાના પ્રણેતાની વિદાય સાથે કાં તો એ વિચારધારા ક્ષીણ થઈ જાય છે અથવા તેનું સ્વરૂપ બદલી જાય છે. પછી બદલાયેલું સ્વરૂપ ક્યારેકતો મૂળ વ્યક્તિ સાથે જ બંધબેસતું હોતું નથી. ગાંધીજીની બાબતમાં મોટાભાગે એવું જ બન્યું છે. ગાંધીજીની પુજા શરુ થઈ ગઈ. ગાંધીજન એને કહેવાય જે ખાદી પહેરે અને રેંટિયો કાંતે ! આવો એક વણલખ્યો નિયમ ગાંધીજીની વિચારધારા સાચવતી સંસ્થાઓએ બનાવી નાખ્યો. પરિણામે ગાંધીજી અને તેના વિચારને કેટલું નુકશાન થયું તેનો સર્વે થવાનો તો બાકી છે. કારણ કે આઝાદી પછીના ચાર દાયકામાં બદલાતી ટેક્નોલોજી અને રોજગારીના બદલાયેલા સ્વરૂપોમાં ગાંધી વિચાર બંધબેસતો ન હોય તેવી એક છાપ ઉભી થઈ. પરિણામે આઝાદી પછી જન્મેલા યુવાનોએ કદી ગાંધી વિચારને ઉંડાણ પુર્વક તપાસવાની મહેનત જ ન કરી. ગાંધીજી ભારતીયોથી જ દૂર ચાલ્યા ગયા હોય તેવું બન્યું. અહીં આડવાત લેખે પણ રીચાર્ડ એટનબરોનો આભાર માનવો જોઈએ કે તેમણે ફીચર ફિલ્મ દ્વારા ગાંધીજીને નવેસરથી ભારતીયો સામે મૂક્યા. કદાચ ત્યારથી જ નવી પેઢી ગાંધીજે સમજવા ઉત્સુક બની હતી.

ગાંધીજી વિશેની ગેરસમજો જેટલી ભારતમાં પ્રવર્તે છે તેટલી બહાર નથી. અને તેનું કારણ તેમના વિશે જે દસ્તાવેજી કરણ થયું તે પુરતું ન્હોતું. ઉપરાંત તેમના જીવનાના એવા પ્રસંગો જે સામાન્ય માણસને તો ખરું જ પણ યંત્રો વચ્ચે જીવતા માણસને પણ વિચારવા  ફરજ પાડે તેવું થયું નહીં. જે વખતે ભારત હજુ શિક્ષણના અજવાળાંથી દૂર હતું, તે વખતે ‘ સત્યના પ્રયોગો ‘ તો બધાં ક્યાંથી વાંચવાના હતા ? તે સમયે ગાંધીવિચાર પર ઉભેલી સંસ્થાઓએ જે કંઈ કરવાનું હતું તે આ સંસ્થાઓ હવે કરી રહી છે. મને મુરબ્બી નારાયણભાઈ દેસાઈ અને ડૉ. યોગેન્દ્ર પારેખનો ગાંધીકથાનો વિચાર બહુ જ ગમી ગયો છે. એ પ્રયાસ જ નવી પેઢીને ગાંધીજીનો સાક્ષાત્કાર કરાવશે. હું જ્યારે જીન્સની પેન્ટ ઉપર ખાદીનો ઝભ્ભો પહેરેલા કોઈ તરવરિયા યુવાનને જોઉં છું ત્યારે મને વિજ્ઞાન અને અધ્યાત્મનો સુમેળ થયેલો હોય તેવું લાગે છે. મારી દષ્ટિએ ગાંધીજીએ પોતાના જીવનમાં પોતાના પુરતા આગ્રહો જરુર રાખ્યા હતા પણ તેમના વિચારોમાં હઠાગ્રહ તો ન્હોતો જ. તેમની મૂર્તિપૂજામાં હઠાગ્રહ ક્યાંથી આવ્યો તે પણ તપાસવાનો મુદ્દો છે.

ગાંધીજીને વ્યક્તિ તરીકે જ્યારે જ્યારે મુલવવામાં આવ્યા છે ત્યારે પરસ્પર વિરોધી હોય તેવા બે વિચાર સપાટી પર આવ્યા છે. મને લાગે છે ગાંધીજીને હવે વ્યક્તિ તરીકે મુલવવાનું બંધ થવું જોઈએ. ગાંધી એક વિચાર હતા. મૂળ ભારતીય અધ્યાત્મના પાયા પર ઉભેલો વિચાર. એવો વિચાર જે બે ચાર સદીઓ પછી પ્રગટતો હોય છે. આત્માની માઈથોલોજી બહુધા ભારતીય અને તેમાંય હિન્દુઓમાં પ્રવર્તે છે. એજ મૂળ તત્વ ગાંધી વિચારની ચિનગારી છે. રેંટિયો અને ખાદી કંઈ ગાંધી નથી. એ હવે ગાંધી વિચારના પ્રતિક જરુર હોઈ શકે. અને એવું જ થવું ઘટે. ગાંધીજી વિશે નવેસરથી વિચારવાનું શરુ થઈ ગયું છે. ભારતમાં જ નહીં, અન્ય દેશોની પ્રજા પણ ગાંધીજીને સમજવાની મથામણ કરી રહી છે ત્યારે એકવીસમી સદીના ત્રીજા દાયકાના અંતે ભારતમાં ગાંધીજીનું શું ચિત્ર હોઈ શકે તેની રૂપરેખા ઘડી કાઢવાનો સમય બિલકુલ આવી ગયો છે. અને તે થશે જ તે. હવેની પેઢી જીવન મુલ્યોની બાબતમાં સજાગ છે, અને મુલ્યનીષ્ઠ જીવનના રોલ મોડેલ તરીકી ગાંધીજી સિવાય કોઈને મૂકી શકાય તેમ નથી.  એ સમય  આવશે, જરુર આવશે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. ચિત્રના પ્રકાશાનધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.