મંજૂષા – ૩૯ :: કુટુંબ: ઇશ્વરની સૌથી ઉત્તમ કલાકૃતિ

વીનેશ અંતાણી

કુટુંબ શબ્દ છે બહુ નાનો, પરંતુ એના અર્થ અપાર છે. દરેક વ્યક્તિને એના પરિવારમાં થયેલા અનુભવ પ્રમાણે એના અર્થ બદલાતા રહેશે. તેમ છત‍ાં કુટુંબનો અર્થ સમજાવવાની કોશિશ કરતી દરેક વ્યક્તિ માટે એક વાત સામાન્ય જ રહેશે કે એનું કુટુંબ એની જિંદગીનું કેન્દ્રબિંદુ છે. મોટા ભાગના લોકો તેઓ ગમે તે ધર્મ, સંપ્રદાય, વિચારધારા, સભ્યતા, વાતાવરણમાં ઉછર્યા હોય તો પણ કુટુંબના અર્થ વિશે એમના પ્રતિભાવમાં ઘણું સામ્ય જોવા મળશે. કોઈ કહેશે: ‘મારા માટે કુટુંબનો અર્થ છે મારા પરિવારના સભ્યો, જેઓ કોઈ પણ પરિસ્થિતિમાં મારી પડખે ઊભાં રહેશે એવી મને ગળાં સુધી ખાતરી છે. માતાપિતાને અનેક વાર નિરાશ કર્યાં હોય, છતાં સંતાનો પરથી એમનો ભરોસો ડગતો નથી.’ એક યુવતી કહે છે: ‘હું જાણું છું કે મારું કુટુંબ પરફેક્ટ નથી. અમે ઘણી વાર ઝઘડ્યાં છીએ. તેમ છતાં અમે એક છીએ. મારાં માતાપિતાએ સંતાનોને સંપૂર્ણ મોકળાશ આપી છે. તેઓ જાણે છે કે અમે ભૂલ કરીશું તો માર્ગદર્શન મેળવવા એમની પાસે જ જઈશું.’ કુટુંબ માનવજીવનનું આરંભબિંદુ હોય છે, જ્યાંથી બધા જ પ્રકારના સંબંધની શરૂઆત થાય છે. કુટુંબનાં સભ્યોમાં અરસપરસ બિનશરતી પ્રેમ કુટુંબ ભાવનાની મુખ્ય શરત છે.

         કેટલાય લોકોને એમણે જીવનમાં અલગ અલગ પરિસ્થિતિમાં વેઠેલાં અસહનીય કષ્ટોમાંથી કુટુંબનું મહત્ત્વ સમજાયું હોય છે. ઈથિયોપિયાના એક યુવાન મોસેસ આઈડરિસ અને એનું કુટુંબ દસ વર્ષ રેફ્યુજી કેમ્પમાં રહ્યાં, પછી એમને અમેરિકામાં કાયદેસર આશરો મળ્યો. તે દરમિયાન એણે પિતા ગુમાવી દીધા હતા. મોસેસ કહે છે કે રેફ્યુજી કેમ્પમાંથી નવા દેશમાં આવ્યા પછી સાવ અલગ જીવનવ્યવસ્થાની વચ્ચે રહેવું આસાન નથી. તમને કામ કરવાની, રહેવાની બધી સુવિધા મળે, પણ લોકોની નજરે તમે રેફ્યુજી જ હો છો. એવા સંજોગોમાં કુટુંબ માટે એક થઈને રહેવું અનિવાર્ય થઈ પડે છે. એની માતાએ રેફ્યુજી કેમ્પમાં અનેક પડકારોની વચ્ચે પરિવારને સાચવ્યો હતો. અમેરિકા આવ્યા પછી માતાએ વિધિસર અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું, શાળામાં શિક્ષિકાની નોકરી કરી. દારુણ ગરીબીમાં સંતાનોને ભણાવ્યાં. એ સંતાનોને ભારપૂર્વક કહેતી કે વતનમાંથી ઊખડ્યા પછી જીવવાલાયક જીવન ઊભું કરવા માટે સૌએ સાથે મળીને પરિવારનો પાયો ફરી મજબૂત કરવા કઠોર સંઘર્ષ કરવો પડશે. કદાચ એ સંઘર્ષ રેફ્યુજી કેમ્પમાં થયેલા અનુભવોથી વધારે કપરો હશે.

         આફ્રિકાના કોન્ગોની એક મહિલા ફરહાનો પતિ મૃત્યુ પામ્યો પછી બે નાનાં સંતાનો અને પોતાનું ભરણપોષણ કરવા એ એણે એના ગામમાં નાના પાયે હોટલ શરૂ કરી. એક દિવસ કેટલાક દુષ્ટ લોકોએ એના પર બળાત્કાર કર્યો. એ સંતાનોને લઈને ગામ છોડીને મહામુશીબતે દૂરના શહેરમાં જઈ ઘરકામ કરવા લાગી. નવમા મહિને બળાત્કારના પરિણામે એક દીકરાને જન્મ આપ્યો. થોડા સમય પછી ગરીબ ફરાહના પરિવારમાં વિચિત્ર કારણસર નવા સભ્યનું આગમન થયું. એણે એના ઘર પાસે પડેલું કોઈનું નવજાત શિશુ જોયું. ફરાહમાં રહેલી માતા દ્રવી ઊઠી. એ અસહ્ય ગરીબીમાં પણ એ બાળકને પોતાનાં બીજાં સંતાનોની સાથે ઉછેરીને મોટું કર્યું. ફરાહ કહે છે: ‘આ મારું કુટુંબ છે, હું મારાં સંતાનોને ભણાવીગણાવી સુખી કરવા માટે બધું જ કરી છૂટવા તૈયાર છું. અત્યારે હું એમની સારસંભાળ રાખું છું, મોટાં થઈને એ લોકો મારી સંભાળ લેશે.’

         યુક્રેનની સિતેર વર્ષની મહિલા નેલીના પરિવારમાં બે જ જણ છે – એ પોતે અને એનો ચાલીસ વર્ષનો અંધ અને અપંગ દીકરો ઈગોર. નેલીએ પેટે પાટા બાંધીને દીકરાનાં નવ ઓપરેશન કરાવ્યાં છે. કોઈ ફાયદો થવાની શક્યતા નથી, છતાં એણે આશા છોડી નથી. કહે છે: ‘અમારા કુટુંબમાં ભલે અમે બે જ જણ છીએ, પણ ઈગોર મારી સાથે, મારા ‘કુટુંબ’માં છે, એ વાત શું મોટી નથી? હું જીવીશ ત્યાં સુધી એની સંભાળ રાખીશ.’ અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઘાતકી હુમલામાં અસદની પત્ની મરી ગઈ. એ ત્રણ સંતાનોને લઈને ભાગતો હતો ત્યાં એના પર થયેલા બીજા હુમલામાં એના પગ અને હાથ પર ગંભીર ઈજા થઈ. હવે એ ફરીથી ઘર ઊભું કરવા કાળી મજૂરી કરી રહ્યો છે. કહે છે: ‘મારે મારા કુટુંબને કોઈ પણ સંજોગોમાં સલામતી આપવાની છે. હું બધું જ કરીશ. મારી બે દીકરીઓને સુખી ઘરમાં પરણાવીશ, દીકરાને ભણાવીશ. એ લોકો મારો પરિવાર છે, ખુદાએ મને એમના માટે જીવતો રાખ્યો છે.’

દરેક પરિવારને મજબૂત ટીમવર્કની જરૂર પડે છે. પરિવારમાં એકતા, સલામતી આપવાનું કમિટમેન્ટ અને એકબીજાનાં સપનાં સાકાર કરવા માટે બધું કરી છૂટવાની ભાવના વગેરે કોઈ પણ પરિવારનો આદર્શ હોવો જોઈએ. કોઈ પણ સમાજમાં કુટુંબ નાનું, પરંતુ ખૂબ મહત્ત્વનું, એકમ હોય છે. કુટુંબમાંથી વિખૂટો પડી ગયેલો માણસ દોરી તૂટી જવાથી વેરવિખેર થઈ ગયેલાં મોતી જેવો હોય છે. કોઈએ કહ્યું છે કે ભગવાનની સૌથી ઉત્તમ કલાકૃતિ કુટુંબ છે.


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: admin

3 thoughts on “મંજૂષા – ૩૯ :: કુટુંબ: ઇશ્વરની સૌથી ઉત્તમ કલાકૃતિ

 1. બહુ જ સરસ લેખ . ટૂટી ગયેલા સંયુક્ત કુટુંબ જ નહીં પણ તૂટું તૂટું કરી રહેલા ન્યુલિયર કુટુંબો માટે પણ દીવાદાંડી જેવો લેખ,
  મારા બ્લોગ પર એનો ઉલ્લેખ કર્યો –

  https://gadyasoor.wordpress.com/2020/10/05/family/

 2. કહેવા માં આવે છે કે:

  Best Friend, Boy Friend, Girl Friend એ દરેક શબ્દ નો અંત end. માં આવે છે.

  પરંતુ

  Family શબ્દ નો અંત ILY માં આવે છે. એટલે I Love You

Leave a Reply

Your email address will not be published.