ઇસ દુનિયા કા ઉલ્ટા ચરખા, ઉલ્ટે તાનેબાને રે… – કિશોર કુમારે ગાયેલાં અનિલ બિશ્વાસનાં ગીતો

મૌલિકા દેરાસરી

‘અવાજ ઊંચેરા માનવી’, યાને કે કિશોરકુમારના અલગ અલગ સંગીતકારો સાથેના ગીતોની સફર કરી રહ્યા છીએ આપણે. આજની સફરના હમસફર સંગીતકાર છે, અનિલ વિશ્વાસ.

૭ જુલાઈ, ૧૯૧૪ના દિવસે ત્યારના પૂર્વ બંગાળ અને અત્યારના બાંગ્લાદેશમાં આવેલા વારિસાલમાં જન્મેલા અનિલ વિશ્વાસને હંમેશાં એક દુર્લભ સંગીતકાર તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે ખયાલ, ઠુમરી, દાદરા, વૈષ્ણવ સંકિર્તન, રવિન્દ્ર સંગીત તેમજ લોકસંગીતનું પણ જ્ઞાન મેળવ્યું હતું. સ્વતંત્રતા અભિયાનમાં પોતાની કવિતાઓ દ્વારા અનિલ વિશ્વાસે જનતામાં જાગૃતિ પેદા કરવાનું કામ પણ કર્યું હતું.

ફિલ્મ સંગીતના પ્રારંભિક રચયિતાઓમાં તેમને ખૂબ આદર સાથે યાદ કરવામાં આવે છે, જેમણે પ્રથમ વખત ઓર્કેસ્ટ્રેશન પર આધારીત ગીતોની સાથે કોરસ ગીતોને જોડવાનું શરૂ કર્યું હતું.

પશ્ચિમનાં હવાઇયન ગિટાર, ટ્રમ્પેટ, મેન્ડોલીન જેવા વાદ્યો સાથે અનિલદાએ એક સંપૂર્ણપણે નવા પ્રકારનું આધુનિક સંગીત આપ્યું.

સંગીતકાર અનિલ વિશ્વાસ સાથે કિશોર કુમારનો સાથ બે ફિલ્મો પૂરતો સીમિત રહ્યો હતો. આ બે ફિલ્મોમાં પણ કેટલાંક યાદગાર ગીતો આ જોડીએ આપ્યાં.

સંગીતકાર રોશન સાથેના એક ગીતના રિહર્સલ દરમ્યાન અનિલ વિશ્વાસની કિશોરકુમાર સાથે થોડી મુલાકાતો થઈ. પહેલા તો કિશોરદા અનિલ વિશ્વાસ સાથે ખાસ ભળ્યા નહિ, કેમ કે એક તો એક તો અનિલદા વરિષ્ઠ હતા અને એમના મનમાં અનિલદાની છાપ શાસ્ત્રીય સંગીતમાં ધીર ગંભીર ગીતો આપતા વ્યક્તિની હતી.પણ… અનિલ વિશ્વાસ કિશોરકુમારને પસંદ કરતા હતા. કિશોરદાના અવાજની ગહેરાઈએ તેમને પ્રભાવિત કર્યા હતા. અનિલદાએ કિશોરકુમારને ફરેબ ફિલ્મના ગીતો ગાવા માટે આમંત્રણ આપ્યું. કિશોરકુમાર ના પાડી શકે એમ તો હતા નહીં. કિશોરકુમારે ગીતો તો સાંભળ્યા, પણ પછી કહી દીધું કે આ બહુ કઠિન રચનાઓ છે. હું ગાઈ નહીં શકું. અનિલ વિશ્વાસે આને એક ચેલેન્જ તરીકે લેવાનું કહ્યું. અને ચેલેન્જની વાત હોય તો કિશોરદા ઝાલ્યા રહે ખરા! કિશોરકુમારે સ્વીકારી તો લીધી પણ ખરી પરીક્ષા ત્યારે થઈ, જ્યારે અનિલદાએ હાથથી લખેલા નોટેશન અને એમાં કરેલા સુધારા ઉકેલવાની વાત આવી. કિશોરકુમાર આ સમજી શક્યા નહિ. પણ…. અનિલદા તંત મૂકે એમ ન હતા. એમણે સૂચવ્યું કે પોતે ગાઈને બતાવશે એ રીતે કિશોરદાએ ગાવાનું.

કિશોરકુમારે મન લગાવીને ગાયું અને અનિલ વિશ્વાસનો વિશ્વાસ પણ જીતી લીધો. આમ આપણને મળ્યા ૧૯૫૩માં આવેલી ફરેબ ફિલ્મના ગીતો.. કિશોરકુમાર મુખ્ય કલાકાર તરીકે પણ હતા આ ફિલ્મમાં. એમની સાથે હતા શકુન્તલાદેવી અને લલિતા પવાર.

મજરૂહ સુલતાનપુરી રચિત ગીતોને સંગીતબદ્ધ કર્યા હતા અનિલ વિશ્વાસે.

બે આંખોમાં જ્યારે સુખ દુઃખનો આખો સંસાર વસે છે, ક્યારેક ખાર તો ક્યારેક ગુલઝાર સજે છે, ત્યારે રચાય છે આ ગીત:

જ્યારે જિંદગી રિસાય છે અને ચોતરફ ઉદાસી છવાય છે, ત્યારે દિલની ગહરાઈઓમાંથી દર્દ પ્રગટે છે, જે અવાજમાં ઉતરે ત્યારે મળે છે આપણને આ ગીત: કિશોરદાએ ગાયેલું આ ગીત લોકપ્રિય થયેલું. કિશોરકુમાર અવાજમાં ફક્ત મસ્તી જ નથી, પારાવાર દર્દ પણ પ્રગટી શકે છે એ સાંભળી શકાય છે આ ગીતમાં.

મુહબ્બતની વસ્તીની રચના કરવી હોય તો કેવી જગ્યાએ રચાય? એવી જગ્યા પર, કે જે ધરતી અને આકાશથી દૂર હોય.

બે દિલોનું ત્યાં સર્જાય મિલન અને શબ્દો લતા મંગશકર અને કિશોરકુમારના અવાજમાં ઉતરી આવે.

ફરેબ ફિલ્મનું આ યુગલ ગીત ખાસ્સું વખણાયું.

હવે વાત કરીએ ૧૯૫૬ની. આ વર્ષમાં કિશોરકુમાર અને માલા સિન્હા અભિનીત ફિલ્મ આવી: પૈસા હી પૈસા.

અહીં પણ મજરુહ સુલતાનપુરીએ પોતાની કલમનો રંગ બતાવ્યો હતો.

આ ફિલ્મના ગીતો માટે જ્યારે અનિલ વિશ્વાસ કિશોરદા પાસે આવ્યા ત્યારે કિશોરદાએ સ્પષ્ટ કહી દીધું કે, આવી કઠિન રચનાઓમાં મને અજમાવશો નહીં. આવાં ગીતો બીજા ગાયકો પાસે જ ગવડાવો!

અનિલ વિશ્વાસે મન્નાડે સાથે પણ રિહર્સલ કર્યું અને કેટલાંક ગીતો મુહમ્મદ રફી સાથે રેકોર્ડ કર્યા. આ બધાં ગીતો હળવા મિજાજના હાસ્ય ગીતો હતાં. કિશોરકુમાર  ફિલ્મના સેટ પર આ ગીતોને મોટે મોટેથી અભિનય સાથે ગાતા. ફિલ્મના શૂટિંગ દરમ્યાન એક વખત એવું બન્યું કે, એક ગીતના ફિલ્માંકન વખતે દિગ્દર્શક મહેરિશ દ્વારા કિશોરકુમારને ફક્ત મોટેથી ગાઈને અભિનય કરવાનું કહેવામાં આવેલું. અનિલ વિશ્વાસે જ્યારે કિશોરકુમારને આ રીતે ગાતા જોયા ત્યારે તેઓ અચંબિત થઈ ગયા. કારણકે, કિશોરદાએ ગાતી વખતે પોતાની આદત પ્રમાણે અસલ ગીતમાં કેટલાંક સુધારાવધારા કરી નાખ્યા હતા. આ ગીત તો પહેલેથી જ રફીસાહેબના અવાજમાં રેકોર્ડ થઈ ચુક્યું હતું. અનિલદાએ એ ગીત બીજીવાર કિશોરકુમારના અવાજમાં પણ રેકોર્ડ કરાવ્યું, એ બધાં જ સુધારાવધારા સાથે; કે જે કિશોરકુમારે સેટ પર પોતાની આગવી વિશિષ્ટતા ઉમેરીને કર્યા હતા. અને આમ આપણને મળ્યા એ ગીતના બે વર્ઝન. એક મુહમ્મદ રફીના અવાજમાં.

અને બીજું કિશોરદાની રચનાત્મકતા ઉમેરીને…

આ સાથે ફિલ્મના અન્ય ગીતોમાં પણ કિશોરકુમારનો અવાજ ઉમેરાયો.

પ્રેમને આમ તો ઈશ્વરીય દેન કહેવાય છે, પણ પ્રેમમાં જ્યારે ચોટ લાગે છે ત્યારે વિચારતાં કરી દે છે આપણને કે, પ્રેમ કર્યો કે જખ મારી! દુનિયાને ફરિયાદ કરે છે કિશોરકુમાર આ ગીતમાં…

દિલ જ્યારે પ્રેમ માંગે અને દર્દ મળે ત્યારે મુહબ્બત નામની આ લાગણીને ફરિયાદ કરવાનું મન થાય છે, કે અય મુહબ્બત યે તુને ક્યા કર દિયા!

મુહમ્મદ રફી સાથેના કિશોરદાના બહુ જૂજ ગીતોમાનું એક ગીત છે આ, સાથે આશા ભોંસલેએ પણ પોતાનો સ્વર પૂરાવ્યો છે.

નગદ નારાયણના જંતર મંતર ઉપર કિશોરકુમારે મજાના ગીતો ગાયાં છે. એવા ગીતોમાં એક ઓર ગીતનો ઉમેરો થયો છે, જેમાં પૈસાની ખનકના જોરે નાચતી દુનિયા બખૂબી દર્શાવી છે.

આ ગીત કિશોરદા ઉપર જ ફિલ્માવવામાં આવ્યું છે, જેને જોવાની પણ મજા છે.

હવેના આ ગીતમાં પ્રેમનો લાડુ અને અરમાનોનો શીરો પિરસાયો છે, એવા બ્રહ્મજ્ઞાન સાથે કે; જેનું પેટ ખાલી હોય એ પ્રેમથી પણ ખાલી હોય! આ ગીતમાં સ્વર છે કિશોરકુમાર અને મુહમ્મદ રફીનો.

તકદીર બદલવાની તરકીબ જ્યારે કોઈ પાંજરામાં પૂરાયેલું પક્ષી બતાવે, અને માણસો પણ જ્યારે પોતાની શક્તિઓને બદલે આવી યુક્તિઓ પર ભરોસો કરે ત્યારે કહેવું પડે કે દુનિયાનો ચરખો ઉલ્ટો જ ચાલે છે. કિશોરકુમારના અવાજમાં આ છે, દુનિયાના ઉલ્ટા તાણાવાણા.

બસ એક તુમ બિન કલ ના પડે, તન છોડ મન કહીં ચલ ના પડે..

આશા ભોંસલે, લતા મંગેશકર અને કિશોરકુમારની ત્રિપુટીએ સ્વર આપ્યો છે આ ગીતમાં.

પૈસા અને લાડુ બંને પર આ ફિલ્મમાં અલગ અલગ ગીતો છે. પૈસાના જોરે નાચતી દુનિયા પર વેધક કટાક્ષ પણ છે. સોનાના લાડુથી પેટ નથી ભરાતું. તોય દુનિયા પ્રેમને તો કાંકરા પત્થર સમ ગણે છે, ને પૈસાને પૂજે છે. ફરી એકવાર આશા ભોંસલે, લતા મંગેશકર અને કિશોરકુમારની ત્રિપુટીએ ધૂમ મચાવી છે આ ગીતમાં.

પૃથ્વીના ગોળા પર બેસીને ગાતા કિશોરદાને જોવાનું પણ ચૂકાય એમ નથી.

અનિલ વિશ્વાસના કહેવા પ્રમાણે કિશોરકુમારમાં સૂર અને તાલની સમજ અદ્વિતીય હતી. તેઓ અત્યંત ઝડપથી સૂર પકડતા. તેમનો અવાજ અનોખો તો હતો જ, ઉપરાંત અવાજ થકી કિશોરદા અલગ અલગ ભાવોની અભિવ્યક્તિ પણ ખૂબ પ્રભાવશાળી રીતે કરી શકતા.

તો, રીતે મળ્યાં આપણને એવાં અજબગજબ ગીતો કે જેની ધૂન અનિલ વિશ્વાસે બનાવી અને અનિલદાએ મૂકેલા વિશ્વાસને કિશોરદાએ પોતાના અવાજથી મુઠ્ઠી ઊંચેરો બનાવ્યો.


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

Author: admin

1 thought on “ઇસ દુનિયા કા ઉલ્ટા ચરખા, ઉલ્ટે તાનેબાને રે… – કિશોર કુમારે ગાયેલાં અનિલ બિશ્વાસનાં ગીતો

  1. લેખ બહુ જ ગમ્યો. બધા ગીતો તો હજુ સાંભળ્યા નથી, પણ કોમેન્ટ તો કરી જ દઉં છુ.

Leave a Reply

Your email address will not be published.