સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ…..ટોપ ઓફ યુરોપ

દર્શા કિકાણી

૨૧ જૂન ૨૦૧૯)

બીજી સવાર તો સામાન્ય જ હતી પણ દિવસ બહુ સરસ ગયો. હોટલનો રૂમ બરાબર ન હતો પણ નાસ્તો ચાલે તેવો હતો. નાસ્તો કર્યો ત્યાં તો બસ આવી ગઈ અને અમે  યુંગફ્રાઉ (આવો ઉચ્ચાર થાય છે!) (JUNGFRAUJOCH) જવા નીકળ્યાં. JUNGFRAUJOCH સ્ટેશનનું નામ છે અને JUNGFRAU પર્વતનું નામ છે. આપણે માટે તો બંને એક જ! યુંગફ્રાઉ એટલે સ્વિત્ઝરલેન્ડના  પ્રવાસે આવનાર દરેકનું સ્વપ્ન. યુંગફ્રાઉ એટલે તેમની ભાષામાં યંગ લેડી, યુવાન સ્ત્રી! બર્નીઝ અલ્પ્સમાં આવેલ બે શિખરો વચ્ચેની ૩૪૬૬ મીટર ઊંચી ચટ્ટાન! ઇન્ટરલેકનથી યુંગફ્રાઉ જવા ટ્રેનમાં જ મુસાફરી કરવી પડે. બસ અમને રેલ્વે સ્ટેશન સુધી લઈ આવી. બે વાર ટ્રેન બદલી ઉપર પહોંચતાં કુલ સવા બે થી અઢી કલાક લાગે. યુરોપમાં આવેલી આ ઊંચામાં ઊંચી રેલ્વે લાઈન છે જેને બનાવતાં લગભગ ૧૬ વર્ષ લાગ્યાં હતાં, જે TOP OF EUROPE  ‘ટોપ ઓફ યુરોપ’ના નામે ઓળખાય છે અને યુંગફ્રાઉ સૌથી ઊંચું રેલ્વે સ્ટેશન છે. આ રેલ્વે પાસે પોતાની ફાયર બ્રિગેડ સર્વિસ છે. પોતાનું હાઇડ્રોપાવર સ્ટેશન પણ છે! આ જ રેલ્વે લાઈન પર ઊંચામાં ઊંચું પોસ્ટ બોક્સ અને  ઊંચામાં ઊંચી ચોકલેટની દુકાન તથા ઊંચામાં ઊંચી ઘડિયાળની દુકાન પણ છે! યુંગફ્રાઉની  આ આખી યાત્રાને યાદગાર બનાવવા નાટ્યાત્મક રૂપ આપવામાં આવ્યું છે. સ્ટેશન પર અમારો દરેકનો નવો ‘યુંગફ્રાઉ રેલ્વે પાસપોર્ટ’ બનાવવામાં આવ્યો! અને ‘ટોપ ઓફ યુરોપ’ નામની ટ્રેનમાં મુસાફરી કરી છે તેનું સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું!

રેલ્વે સ્ટેશન અદભુત હતું. ટ્રેનની મુસાફરી બે ભાગમાં હતી. અને ટ્રેન બદલવા ૧૦ મિનિટનો સમય મળે છે જે પૂરતો છે. પહેલી મુસાફરીમાં સુંદર નાનાં નાનાં ગામ જોતાં જોતાં અમે એક ટનલમાં થઈ નીકળ્યાં. બીજા ભાગની મુસાફરી ફક્ત ૯.૩ કી.મિ.ની હતી પણ તે એકદમ અવર્ણનીય અને અવિસ્મરણીય  હતી. ચારે બાજુ હિમાચ્છાદિત પર્વતો અને ગ્લેશિઅર જ દેખાય. કુલ બે-અઢી કલાકની આ રેલ્વે મુસાફરી મનને અભિભૂત કરી દે તેવી હતી. માત્ર ટ્રેનની મુસાફરી કરવા પણ અહીં આવવું જોઈએ! કદાચ આગળ ન પણ ગયાં હોત તો ચાલે! મન તો ગીત ગીતું જ હોય : યહ કૌન ચિત્રકાર હૈ!

સ્ટેશનથી સીધા મેઈન હોલમાં નીકળાય. દેશ-દેશાવરથી આવતાં પ્રવાસીઓ જોવાલાયક સ્થળો શોધવા માટે અટવાય નહીં એટલે સરસ સગવડ કરી છે.  ‘TOUR’ લખેલ ચિન્હને તમે અનુસરો એટલે બધાં જ સ્થળોએ એક પછી એક જવાય. વેકેશનને કારણે ભીડ તો ઘણી હતી. કહેવાય છે કે વેકેશનમાં ૭૦-૭૫ દેશમાંથી લોકો અહીં આવે છે. લાઈનમાં વારો આવે તો જ આગળ જવાય. પણ શિસ્ત જબરી, એટલે રાહ જોવામાં વાંધો આવે નહીં.

સૌથી પહેલી આવે ગીફ્ટ શોપ. ત્યાંથી આગળ વધીએ એટલે યુંગફ્રાઉની ચાર મિનિટની નાની ફિલ્મ જોવા મળે. ચાર મિનિટમાં તો આ જગ્યાનો આખો ચિતાર મળી જાય. આગળ ચાલો એટલે એક લિફ્ટમાં (નંબર આવે પછી) માત્ર અડધી મિનિટમાં તમે પહોંચી જાવ  સ્પિંક્ષ ટેરેસ (SPHINX TERRACE) પર. મોટો ગુંબજ અને સાથે વેધશાળા. ઓબ્સર્વેટરી અને વ્યુઇન્ગ પોઈન્ટ પરથી ૩૬૦ ડીગ્રીએ સુંદર ગ્લેશિઅર દેખાય. ચારે બાજુનાં હિમાચ્છાદિત પર્વતો અને શિખરો તો ખરા જ. ચોખ્ખો દિવસ હોય તો ફ્રાંસ અને જર્મનીનાં જંગલો પણ દેખાય!

આગલું સ્ટોપ આવ્યું સ્નો ફન! મોટા પ્લેટફોર્મ પર સ્નોનું મોટું મેદાન એટલે કે ગ્લેશિઅર હતું. ૨૫૦ મીટર દૂર સ્ટીલના કેબલથી ઝીપ લાઈન બનાવી હતી, આપણી લક્ષ્મણ-રેખા જેવી! તેની અંદર રમવું, દોડવું, ધમાલ કરવું સુરક્ષિત હતું. સેંકડો પ્રવાસીઓ મઝા-મસ્તી કરતાં હતાં. મેદાનની વચ્ચે એક ડંડા પર સ્વિત્ઝરલેન્ડનો ધ્વજ લહેરાતો હતો અને બધાં પ્રવાસીઓ  ત્યાં ફોટા પડાવવા માટે લાંબી લાઈનમાં ઊભા હતાં. વળી ઘણાં લોકો સ્નોના બોલ બનાવી એકબીજા પર નાંખી રમતાં  હતાં. અમે પણ તે રમતમાં થોડી વાર જોડાયાં. સ્નો હાથમાં લઈ રમીએ એટલે થોડી વારમાં હાથ ખોટા પડી જાય. હાથ વળે પણ નહીં અને ઠંડી પણ લાગે નહીં! અમે પણ સ્વિત્ઝરલેન્ડના ધ્વજ સાથે ફોટા  પડાવ્યા. ઘણાં બધાં યુવાનો સ્લેજ લઈ સ્નો પર ફરતાં હતાં અને પવનની સાથે દોડતાં હતાં. થોડે દૂર સ્કીઈંગ માટેની સગવડ પણ  હતી અને ઘણાં યુવાનો ત્યાં સ્કીઈંગ કરતાં હતાં. અમારી પાસે તો એટલી બહાદુરી હતી નહીં અને સમય પણ હતો નહીં.

અમે ચાલ્યાં આગલા સ્ટોપ પર. નામ હતું આલ્પાઈન સેન્સેશન! વર્ષો પહેલાં યુંગફ્રાઉ રેલ્વે બની ત્યારથી શરુ કરી અત્યાર સુધીના ઘણા બધા સુંદર અને રંગીન ફોટાનું પ્રદર્શન અને તે પણ ગોળ ફરતા સબ-વેમાં! સ્નોની ટનલમાં અને  ઝળહળતા પ્રકાશમાં બનાવેલ અદભૂત  અને અકલ્પ્ય પ્રદર્શન! યુંગફ્રાઉ વિસ્તારમાં ભૂતકાળ અને વર્તમાનમાં પ્રવાસન પ્રવૃત્તિને સહકાર અને ઉત્તેજન આપવા કરવામાં આવેલ પ્રયત્નોની ઝાંખી બહુ સુંદર રીતે આલેખવામાં આવી હતી. આવા વિકટ વિસ્તારમાં રેલ્વે લાઈન નાંખી હશે તે વખતે પણ ત્યારના કર્તાહર્તા લોકોએ એ વાતનું ધ્યાન રાખ્યું હશે કે આખા વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિ બહુ અગત્યની છે. તેમની અગમચેતીને કારણે જ અત્યારે લાખો પ્રવાસીઓને આ ઝાંખી જોવાનો અને માણવાનો લહાવો મળે છે. પહેલા હોલમાં LITTLE DREAMS OF SWITZERLAND નું પ્રદર્શન હતું. પછી યુંગફ્રાઉ વિસ્તારનો ટાઈમ ટ્રાવેલ દર્શાવ્યો હતો. ત્યારબાદ યુંગફ્રાઉ રેલવેનો ઈતિહાસ અને કામદારોને શ્રદ્ધાંજલિ આપતાં ચિત્રો હતાં. પછીના બે હોલમાં પણ સુંદર ફોટાઓ અને ચિત્રોનું પ્રદર્શન  હતું.

મનમાં હજી તો આ ચિત્રો અને ફોટાઓનું પ્રદર્શન જ લહેરાતું હતું ત્યાં તો અમે પહોંચી ગયાં ICE PALACE એટલે કે બરફના મહેલમાં! મેટરહોર્નમાં જોયું હતું એવું જ મનોહર પ્રદર્શન હતું બરફની મૂર્તિઓનું, બરફનાં પુતળાંઓનું. લગભગ ૧૦૦૦ ચો.મિ. માં ફેલાયેલ આ બરફના મહેલમાં ફૂલોની, પશુ-પક્ષીઓની, દેવ-દેવીઓની અસંખ્ય શિલ્પકૃતિઓ સજાવી છે. આટલાં બધાં પ્રવાસીઓની અવરજવરને કારણે બરફની શિલ્પકૃતિઓને સાચવવા ત્યાનું તાપમાન નિયંત્રણમાં રાખવા આયોજકોને ઘણી મહેનત કરાવી પડે છે.

પાછાં વળવાનો સમય થઈ ગયો હતો. બરફના મહેલની પાસે જ મોટી મન-લુભાવન  દુકાન હતી. અનેક જાતના બ્રાન્ડેડ વસ્ત્રો, વસ્તુઓ, ઘડિયાળો, ચશ્માં, ચોકલેટ વગેરે મળતું હતું. સરસ રીતે ગોઠવેલી વસ્તુઓ જોઈ પ્રવાસીઓનું મન લલચાવવાનું કામ આફલાતુન રીતે થતું હતું. અમારી પાસે સમય, પૈસા અને બેગમાં જગ્યા બધું જ માર્યાદિત હતું એટલે ખરીદીમાં અમે થોડાં ઢીલાં જ પડતાં!

વળતી ટ્રેન મુસાફરી પણ એકદમ મનમોહક હતી. અઢી કલાક સ્વર્ગના એક વિભાગમાં ફરી અમે પાછાં  ઇન્ટરલેકન આવી ગયાં. થાકી ગયાં હતાં એટલે જમીને સૂઈ ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: admin

18 thoughts on “સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ…..ટોપ ઓફ યુરોપ

  1. મનમોહક ચિત્રો સાથે ખૂબ અગત્યની માહિતી પૂરી પાડતો લેખ!

 1. Jungfraujoch is one of the most popular destinations in Europe/Switzerland. Even the journey is the destination. It was nice to recap this visit… Reminded of the time we spent on the street at Interlaken, enjoying Swiss Beer and Fondeau.

 2. You make the place come alive with your words…💞 Thanks for the tour till I take the real one😊

 3. Nicely written, as always Darsha.
  We visited the place years back.
  Your writing makes it alive, as if we are in the journey right away.
  Keep sharing.

Leave a Reply

Your email address will not be published.