ટાઈટલ મ્યુઝીક (૪૩) – મિર્ઝા સાહિબાં (૧૯૪૭)

બીરેન કોઠારી

દેશના વિભાજન પછી ગાયિકા-અભિનેત્રી નૂરજહાં પાકિસ્તાન જઈને વસ્યાં, પણ તેમનાં ગાયેલાં ગીતો આપણી પાસે જ રહ્યાં. એ સમયે એવા ગુણી સંગીતકારો હતા કે જેમણે નૂરજહાંના કંઠની ખૂબીઓનો ભરપૂર ઉપયોગ કર્યો. આવા એક સંગીતકાર એટલે પં. અમરનાથ. સંગીતક્ષેત્રે તેમના બે ભાઈઓએ પણ આગવો મુકામ હાંસલ કર્યો. એ બન્ને ભાઈઓ હતા હુસ્નલાલ અને ભગતરામ, જે હિન્‍દી ફિલ્મોની પહેલવહેલી સંગીતકાર જોડી હતી. 

પં. અમરનાથનું નામ પડે એટલે ફિલ્મસંગીતપ્રેમીઓને તરત જ ‘મિરઝા સાહીબાં’ ફિલ્મ યાદ આવે. તેમણે માત્ર ૧૭  ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું. 1947માં રજૂઆત પામેલી આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં નૂરજહાં અને ત્રિલોક કપૂર હતા. ફિલ્મનાં કુલ દસ ગીતો હતાં, જેમાંના છ ગીતોમાં નૂરજહાંનો સ્વર હતો. એ છ ગીતો – ‘હાય રે ઉડ ઉડ જાયે’ તેમજ ‘ઋત રંગીલી આઈ, ચાંદની છાઈ’ (બન્ને ગીતો જોહરા અને શમશાદ સાથે), ‘હાથ સીને પે રખ દો કરાર આ જાયે’ (દુર્રાની સાથે), ‘તુમ આંખોં સે દૂર હો, હુઈ નીંદ આંખો સે દૂર’ (દુર્રાની સાથે) અને ‘ક્યા યહી તેરા પ્યાર હૈ’ તેમજ ‘આજા તુઝે અફસાના જુદાઈ કા સુનાયેં’ (એકલગીત). આ સિવાયનાં ચાર ગીતો હતાં ‘સુનો મેરી સરકાર, જવાની ક્યા કહતી હૈ’ (જોહરા, શમશાદ), આજ મિયાંજી કો ચઢ આયે બુખાર તો બડા મજા આયે’ (શમશાદ), ‘સામને ગલી મેં મેરા ઘર હૈ’ અને ‘ખાયેગી ઠોકરેં યે જવાની કહાં કહાં’ (દુર્રાની). 

ગીતો કમર જલાલાબાદી અને અઝીઝ કશ્મીરીએ લખ્યાં હતાં.

આ તમામ ગીતો યૂ ટ્યૂબ પર આસાનીથી ઉપલબ્ધ છે. તેની વિશેષતા એ છે કે તેમાં પંજાબી સંગીતની આગવી મુદ્રા છે, પણ તે માત્ર તાલ અને ઠેકા આધારીત નથી, માધુર્યથી ભરપૂર ગીતો છે. આ ગીતો એક વાર સાંભળીએ તો દિવસ આખો તે હોઠે આવ્યા જ કરે એવો તેનો જાદુ છે. 

                  

મૂળ તો માસ્ટર ગુલામ હૈદરે શરૂ કરેલી ઠેકાવાળી પરંપરાને શ્યામસુંદર, વિનોદ, હુસ્નલાલ-ભગતરામ સહિત અનેક પંજાબી સંગીતકારોએ સફળતાપૂર્વક આગળ વધારી હતી. 

આ ફિલ્મના નિર્દેશક કે. અમરનાથ હતા, જેમણે અનેક સફળ ફિલ્મોનું નિર્માણ- દિગ્દર્શન કર્યું હતું. (તેમની વિશેષ માહિતી તેમની દીકરી મંજુ અમરનાથ દાસ દ્વારા નિર્મિત વેબસાઈટ http://k-amarnath-movie-producer-director.com/ પર જોઈ શકાશે.) 

‘મિરઝા સાહીબાં’નાં ગીતો જેવો જ સંગીતમય જાદુ તેના ટાઈટલ મ્યુઝીકમાં છે. 2.00 સુધી ચાલતી આ ટ્રેકમાં સ્ટ્રીંગ ઓરકેસ્ટ્રાની કમાલ સાંભળવા મળે છે, જે અસલમાં ગુલામ હૈદરે આરંભી હતી. (નૌશાદની આરંભિક ફિલ્મોમાં તેની પ્રબળ અસર સાંભળવા મળે છે.) પંજાબી શૈલીની અસર ધરાવતું, પાશ્ચાત્ય શૈલીનું આ સંગીત ગજબ આકર્ષણ ધરાવે છે. 
આ ટાઈટલ વાંચતાં એ પણ ખ્યાલ આવે છે કે હજી તેમાં કલાકારોનાં નામનો ક્રમ બરાબર ગોઠવાયો નથી, જે આગળ જતાં મોટે ભાગે એક ચોક્કસ પ્રણાલિને અનુસરતો થયો.

(અહીં એ નોંધ જરૂરી છે કે આ નામની કુલ ચાર ફિલ્મો ભારતમાં બની, જે ૧૯૩૩, ૧૯૩૫, ૧૯૪૭ અને ૧૯૫૭ માં રજૂઆત પામી. આ ઉપરાંત ‘મિરઝ્યા’ (૨૦૧૬) અને ‘મિરઝા જુલીયટ’ (૨૦૧૭) પણ આ જ મૂળ કથાનું પુન: તથા આધુનિક કથન હતું.


(તસવીરો નેટ પરથી અને લીન્‍ક યૂ ટ્યૂબ પરથી સાભાર)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

1 thought on “ટાઈટલ મ્યુઝીક (૪૩) – મિર્ઝા સાહિબાં (૧૯૪૭)

  1. આ ફિલ્મનાં બે જ ગીતોનો પરિચય હતો. અન્ય શાંતિથી સાંભળીશ. ટાઈટલ સંગીતના કેટલાક ટુકડાઓ તો ભલભલા વાદકને કસોટીએ ચડાવે એવા સ્ફૂર્તિલા છે.

Leave a Reply

Your email address will not be published.