હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ : …. મગર હમ તુમ્હારે રહેંગે – અંક ૪

હેમંત કુમારની જન્મ શતાબ્દીનાં વર્ષમાં હેમંત કુમારનાં સંગીત જીવનની યાત્રા – (જ.: ૧૬ જૂન, ૧૯૨૦ । અ.: ૨૬ સપ્ટેમ્બર ૧૯૮૯) – શ્રી એન વેન્ક્ટરામન તેમના સોંગ્સ ઑફ યોર પરના લેખ Hemantayanમાં કરાવી રહ્યા છે. પહેલા ભાગમાં તેમની સાથે આપણે હેમંત કુમારની સંગીતજીવનની ૧૯૬૦ સુધીની સફર આપણે ત્રણ અંકોમાં

કરી છે -.

૧૯૫૨માં હિંદી ફિલ્મોમાં સંગીતકાર તરીકે પદાર્પણ કર્યા પછી ૧૯૫૪નું વર્ષ હેમંત કુમારની કારકીર્દીનું વાણિજ્યિક માપદંડે ખુબ જ સફળ રહ્યું હતું. તે પછી ૧૯૬૦ સુધી પાર્શ્વગાયક તરીકે અને સંગીતકાર તરીકે તેમનું સ્થાન સ્થિર થઈ ચુક્યું હતું.

હવે Hemantayanના બીજા ભાગમાં શ્રી એન વેન્કટરામન હેમંત કુમારની જીવનસફરની ૧૯૬૦ પછીની સફર રજૂ કરે છે. તેમની મુંબઈની હિંદી ફિલ્મોની અને કોલકત્તા ની બંગાળી ફિલ્મોની કારકીર્દી સમાંતરે ચાલતી રહી , પણ બન્ને સફરોમાં બનતી ઘટનાઓ તેમજ બન્ને સફરોની ગતિની કક્ષા અને સ્તર સાવ જ અલગ રહ્યાં. આપણે આ સફરને, હિંદી ફિલ્મોને સાંકળતા બે અંક અને બંગાળી ફિલ્મોને સાંકળતા ૧ એક એમ, ત્રણ અંકમાં પુરી કરીશું.

અંક ૪ – હેંમંત કુમાર – ૧૯૬૦ પછી – હિંદી ફિલ્મોના નિર્માતા અને સંગીતકારની બેવડી ભૂમિકામાં  – કહી દીપ જલે કહીં દિલ

એન. વેન્કટરામન

અનુવાદ – અશોક વૈષ્ણવ

૧૯૫૪માં હિંદી ફિલ્મોમાં સંગીતકાર તરીકેની સફળતાએ હેમંત કુમાર માટે હિંદી ફિલ્મો અને બંગાળી ફિલ્મો એમ બે પશ્ચિમ અને પૂર્વમાં વસતી બે અલગ દુનિયાઓનાં દ્વાર ખોલી નાખ્યાં. બન્ને શહેરમાં તેમણે હાથ પર લીધેલ કામો પુરા કરવાં હવે મોડી રાતની વિમાની સફરોની વાટે તેઓ દોડા લગાવતા હતા. આ પરિસ્થિતિની એક સીધી અસર હિંદી ફિલ્મોમાં તેમની ગાયક અને સંગીતકાર તરીકેની ઉપલબ્ધતા પર પડી. 

‘૫૦નો દાયકો પુરો થયો ત્યાં સુધી હેમંત કુમારને હિંદી ફિલ્મોમાં સંગીત નિદર્શનનું કામ નિયમિત રીતે મળતું જરૂર રહ્યું, પણ પેલી ‘૫૪ જેવી સફળતા નહોતી મળતી જેને કારણે પ્રથમ હરોળમાં ‘સફળ’ સંગીતકાર તરીકે નામ કાયમ બની જાય. હેમંત કુમારને પૂર્ણ સમય માટે કોલકત્ત્તા વસી જવાની ઈચ્ચા થતી, પરંતુ તેમનું કુટુંબ હવે એ માટે તૈયાર નહોતું. હેમંત કુમાર કુટુંબની અપેક્ષાઓનો અનાદર પણ નહોતા કરવા માગતા. આમ સંગીતકાર તરીકે કામના સંતોષકારક પ્રવાહની આછીપાતળી ઉપલબ્ધીને કારણે હેમંત કુમારનું મન પોતાની જ ફિલ્મો નિર્માણ કરવા તરફ ઢળવા લાગ્યું. ૧૯૫૯માં તેમણે નિર્માણ કરેલી બંગાળી ફિલ્મ ‘નીલ આકાશેર નીચે ‘ (વાદળી આકાશ હેઠળ)ની સફળતાની તાજી યાદોએ તેમની હિંદી ફિલ્મ નિર્માણની આશાને પ્રજ્વલિત કરવાનું કામ કર્યું.

એ સમયે એમનો સંપર્ક બીરેન નાગ સાથે થયો, જેમને પણ હિંદી ફિલ્મનું દિગ્દર્શન કરવાની પ્રબળ ઈચ્છા હતી. બીરેન નાગ મૂળે કલા નિર્દેશક હતા. ગુરુ દત્તની ‘સી આઈ ડી’ (૧૯૫૬), ‘પ્યાસા ‘(૧૯૫૭) અને ‘ચૌદહવી કા ચાંદ’ (૧૯૬૦) તેમજ  દેવ આનંદની ‘નૌ દો ગ્યારહ’ (૧૯૫૭), ‘કાલા પાની’ (૧૯૫૯) જેવી ફિલ્મોનાં કલા નિર્દેશનની જવાબદારી તેમણે સફળતાપૂર્વક સંભાળી હતી. ‘ચૌદહવી કા ચાંદ’ માટે તો તેમને શ્રેષ્ઠ કલા નિર્દેશનનો ઍવોર્ડ પણ મળ્યો હતો.

હેમંત કુમાર અને બીરેન નાગે બંગાળી ફિલ્મ જિઘાંગ્સા /জিঘাংসা (૧૯૫૧) (કત્લેચ્છા)ને હિંદીમાં બનાવવાનું નક્કી કર્યું. ‘જિઘાંગ્સા’ હેમંત કુમારે ૧૯૫૨માં મુબઇ આવ્યા પહેલાં  સંગૈતબધ્ધ કરેલ સૌથી છેલ્લી ફિલ્મ હતી. તેનો કલા વિભાગ બીરેન નાગે જ સંભાળ્યો હતો. આર્થર કોનન ડોયલની ‘ધ હાઉન્ડ ઑફ બાસ્કરવિલેસ‘ આ ફિલ્મની કથાની મૂળ પ્રેરણાનો સ્ત્રોત હતો, જેના પરથી અગ્રેજીમાં એ જ નામની ફિલ્મ પણ બની ચુકી હતી. હેમંત કુમારે ૧૯૫૪માં સંગીતબધ્ધ કરેલ ‘કશ્તી’ના વાર્તા લેખક ધ્રુવા ચેટર્જીને ફિલ્મની પટકથા લખવાનું સોંપવાનું નક્કી થયું. ધુવા ચેટર્જીને ૧૯૫૯માં ‘ચિરાગ કહાં રોશની કહાં ‘ માટે વાર્તા લેખક તરીકેનો ઍવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મના નાયક તરીકે હિંદી પર્દા પર નવા ચહેરા બિશ્વજીતનો પરિચય થયો. બિશ્વજીત બંગાળી રંગમંચ પરના અનુભવી કલાકાર હતા. તેમણે થોડી બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યૂં હતું. મુખ્ય નાયિકા તરીકે કોઈ જાણીતી અભિનેત્રીની પસંદ વિશે વિચારતાં વહીદા રહેમાન પર પસંદગીનો કળશ ઢોળાયો. બીરેન નાગે વહીદાજી સાથે ‘સી આઈ ડી’, ‘પ્યાસા’ અને ‘ચૌદહવીકા ચાંદ’માં કામ પણ કર્યું હતું.

એ દરમ્યાન હેમંત કુમાર ગુરુ દત્તના આગ્રહથી તેમની ફિલ્મ ‘સાહિબ બીબી ઔર ગુલામ’નાં સંગીતમાં પણ વ્યસ્ત હતા. અહીં તેમનો શકીલ બદાયુની સાથેનો પરિચય ગાઢ થયો. શકીલ બદાયુનીએ લખેલ ‘શબાબ’ (૧૯૫૪) અને ‘ગંગા જમુના’માં નૌશાદનાં સંગીતમાં હેમંત કુમારે ગાયેલાં ત્રણ માત્ર ગીતો ગાવાનો  સંબંધ તો હતો. શકીલ બદાયુની અને હેમંત કુમારની જોડીએ રચેલ, લતા મંગેશકરનાં સ્વરમાં ગવાયેલ ત્રણ અને હેમંત કુમારનાં સ્વરમાં ગવાયેલ બે સૉલૉ ગીતો સહિતનાં, ‘બીસ સાલ બાદ’નાં પાંચે પાંચ ગીતો ખુબ લોકપ્રિય થયાં. ફિલ્મમાં રહસ્યને ઘુંટતાં ‘થીમ સોંગ’ ‘કહીં દીપ જલે કહીં દિલ‘ને તો શ્રેષ્ઠ ગાયિકા (લતા મંગેશકર) અને શ્રેષ્ઠ ગીતકાર (શકીલ બદાયુની) માટેના ફિલ્મફેર ઍવોર્ડ પણ મળ્યા. હેમંત કુમારની પણ શ્રેષ્ઠ સંગીતકાર તરીકે વરણી તો થઈ હતી, પણ છેલ્લે ઍવોર્ડ ‘પ્રોફેસર’ (શંકર જયકિશન)ને ફાળે ગયો.

બેક઼રાર કર કે હમેં યું ન જાઈએ – ગીતકાર: શકીલ બદાયુની

https://youtu.be/B26yajmfCm8

‘બીસ સાલ બાદ’નું શુટીંગ ૫ ફેબ્રુઆરી ૧૯૬૦થી શરૂ થવાનું હતું તેના ત્રણ જ દિવસ પહેલાં હેમંત કુમારનાં માતાજી કિરણબાલાના અવસાનના સમાચારે હેમંત કુમારનાં જીવનમાં એક ભુકંપ લાવી દીધો. બધી વિધિઓ પુરી કરવાની દોડધામની સાથે ‘બીસ સાલ બાદ’નું કામ પણ આગળ વદહતું ગયું.  ૧૯૬૨માં ફિલ્મ રજૂ થઈ અને ટિકિટબારી પર ખુબ સફળ રહી. બીરેન નાગની પણ શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેની ફિલ્મફેર એવોર્ડની પસંદગી યાદીમાં વરણી પણ થઈ.

તે પછીથી ઉત્તમ કુમારને લઈને નિર્માણ કરવા ધારેલ ‘શર્મિલી’માટે ઉત્તમ કુમારની ના થઈ એટલે હેમંત કુમારની ટીમે ડાફ્ને ડૂ મૌરિયરની પ્રસિધ્ધ રહસ્ય કથા –રેબેક્કા‘ પરથી બીજી ફિલ્મ બનાવવા પર પસંદગી ઉતારી, ૧૯૪૦માં આલ્ફ્રેડ હિચકૉક આ જ નામથી અવિસ્મરણીય ફિલ્મ બનાવી ચુક્યા હતા. આ ફિલ્મ ૧૯૬૪માં ‘કોહરા‘ શીર્ષકથી રજૂ થઈ  કૈફી આઝમી લખેલ લતા મંગેશકરનાં સ્વરમાં ગવાયેલ બે  અને હેમંત કુમારનાઅ સ્વરમાં ગવાયેલ બે સૉલો ગીતો લોકપ્રિય પણ થયાં

યે નયન ડરે ડરે યે જામ ભરે ભરે – ગીતકાર: કૈફી આઝમી

‘કોહરા’ને વિવેચકો અને સુજ્ઞ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો, પણ ટિકિટબારી પરની વ્યાપક સફળતાની દૃષ્ટિએ તો ફિલ્મ ‘પીટાઈ જ ગઈ’. બીરેન નાગ તો આ અસફળતાથી સન્ન જ થઈ ગયા. હેમંત કુમારને પણ આર્થિક ફટકો તો પડ્યો, પણ તેઓ થોડા સમયમાં પાછા બેઠા થઈ શક્યા.

એ જ સમયે વેસ્ટ ઇન્ડીઝની કન્સર્ટ યાત્રાએ હેમંત કુમારને આર્થિક બાબતે ઘણી રાહ્ત આપી. હેમંત કુમારે બીરેન નાગને પણ આ સફરમાં જોડવાનું આમંત્રણ આપ્યું હતું, પણ બીરેન નાગ એટલા નિરાશ થઈ ગયા હતા કે તેમને જાણે  બધો જ રસ ઉડી ગયો હતો. આ સફરના અંત ભાગમાં હેમંત કુમારને સમાચાર મળ્યા કે બીરેન ના્ગની તબીયત બહુ લથડી ગઈ છે.હેમંત કુમાર મુંબઈ પાછા પહોંચ્યા ત્યાં સુધીમાં તો  બીરેન નાગને કલકત્તા મેડીકલ કૉલેજ અને હોસ્પિટલમાં દાખલ કરાઈ ચુકાયા હતા, જ્યાં તેમનું અવસાન થયું. બીરેન નાગ હેમંત કુમારથી બે વર્ષ નાના હતા બીરેન નાગના જવાથી હેમંત કુમારને ફિલ્મ નિર્માતા તરીકે બહુ મોટો ફટકો પડ્યો.

હેમંત કુમારે હવે બંગાળી ફિલ્મ ‘રેક્તા પલાશ’ (જામી ગયેલ લોહી)પરથી ‘ફરાર‘નું નિર્માણ કરવાનું નક્કી કર્યું. ‘રેક્તા પલાશ’ના દિગ્દર્શક પિનાકી  મુખર્જીને જ ‘ફરાર’નાં દિગ્દર્શનની જવાબદારી સોંપવામાં આવી. બંગાળના જાણીતા અભિનેતા અનિલ ચેટર્જીની મુખ્ય ભૂમિકા સાથેની ‘ફરાર’ પણ એક રહસ્ય થ્રિલર હતી.

લોગ પીતે હૈં લડખડાતે હૈ, દિલ સે દુનિયા કા ગમ મિટાતે હૈ – ગીતકાર: કૈફી આઝમી

ત્રણ લાગલગાટ રહસ્ય ફિલ્મો પછી હવે હેમંત કુમારે કોમૅડી ફિલ્મ પર પોતાની નજર સ્થિર કરી. આ વખતે તેમણે દિગ્દર્શન હૃષિકેશ મુખર્જીને સોંપ્યું. પાંચ મિત્રોની બીવી અને મકાનની શોધની કથા વણી લેતી ‘બીવી ઔર મકાન‘ (૧૯૬૬)માં બિશ્વજીત, મહેમૂદ, કેશ્ટો મુખર્જી, કલ્પના જેવાં કલાકારો હતા.

સાવન મેં બરખા સતાયે, પલ પલ છીન છીન બરસે – ગીતકાર: ગુલઝાર

હેમંત કુમારની જ સંગીતબધ્ધ કરેલી બંગાળી ફિલ્મ મોનીહર (૧૯૬૬)નાં ગીત આષાર્હ શ્રાબન માને ના (ગાયિકા: લતા મંગેશકર)નું લગભગ શબ્દશઃ હિદી રૂપાંતર અહીં કરાયું છે.

એ પછીની ફિલ્મ ‘મઝલી દીદી‘ (૧૯૬૭) હેમંત કુમારનાં નિર્માણ ગૃહ ‘ગીતાંજલી પિક્ચર્સ’ હેઠળ બની ન હતી, પણ ફિલ્મમાં હેમંત કુમારનું મોટે પાયે નાણાંકીય રોકાણ હતું. હેમંત કુમારની કંપનીમાં જ કામ કરતા હેમંત કુમારના સાળા ગોપાલ મુખર્જી અને હેમંત કુમારના કૌટુંબીક મિત્ર કોચી સરકારે મળીને આ ફિલ્મ બનાવી હતી. ફિલ્મની મુખ્ય ભૂમિકા ભજવવા માટે મીના કુમારીની સંમતિ મળતાં, સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની બંગાળી વાર્તા ‘મેજદીદી’ની વાર્તા પર આધારીત આ ફિલ્મનું  હૃષિકેશ મુખર્જીને ફિલ્મનું દિગ્દર્શન સોંપવામાં આવ્યું . ‘મજલી દીદી’ રજુ થઈ તેના થોડા જ સમયમાં પહેલાં દક્ષિણના નિર્માતા જ્યુપિટર ફિલ્મ્સની ‘છોટા ભાઈ’ પણ રિલીઝ થઈ હતી. ‘છોટા ભાઈ’ સરતચંદ્રની ‘રામેર સુમતિ’ પર અધારિત હતી. બન્ને ફિલ્મોના અંતમાં સમાનતા પણ હતી. આવાં  કારણોસર ‘મજલી દીદી’ પણ ટિકિટ બારી પર સફળ ન રહી.

ઉમરિયા બીન ખેવક કી નૈયા – ગીતકાર: નીરજ

આ બધી ફિલ્મોને ટિકિટ બારી પર મળેલા ઠંડા પ્રતિસાદ છતાં પણ હેમંત કુમારનાં મન પરથી ફિલ્મ નિર્માણની રઢ ઓછી નહોતી થઈ. હવે તેમણે ૧૯૬૩ની બંગાળી ફિલ્મ ‘પાલાતક’ (ભાગેડુ) પર પોતાની પસંદ ઉતારી. ‘પાલાતક’  વ્હી. શાંતારામનાં નિર્માણ ગૃહ રાજકમલ કલામંદિર દ્વારા બનેલી ફિલ્મ હતી. પ્રખ્યાત બંગાળી કવિ અને લેખક મનોજ બાસુની વાર્તા  ‘આંગ્તી ચેટુજ્જેર ભાઈ’ (આંટી ચેટર્જીનો ભાઈ)પરથી બનેલી બંગાળી ગ્રામીણ સમાજની પૃષ્ઠભૂની વાર્તા છે. ફિલ્મનાં ગીતો પર બંગાળી ગ્રામીણ લોક સંગીતની અસર હોવી જોઇએ અને એ વિષય પર પોતાને જરા પણ અનુભવ ન હોવાથી પહેલાં તો હેમંત કુમાર સંગીત નિદર્શન સંભાળવા રાજી નહોતા. જોકે, આખરે તો ફિલ્મ અને સંગીત બન્ને બહુ જ લોકપ્રિય થયાં આ ફિલ્મનાં હિંદી સંસ્કરણ બનાવવાનો નિર્ણય લેતી વખતે હેમંત કુમાર બંગાળી ગ્રામીણ સમાજની કથા બંગાળની બહાર બહુ સ્વીકૃત ન બને એવાં જોખમથી અવગત હતા, ખેર, તરૂણ મજુમદારનાં દિગ્દર્શનમાં બિશ્વજીત અને સંધ્યા રોયની મુખ્ય ભૂમિકા સાથે ‘રાહગીર‘ (૧૯૬૯) નિર્માણ થઈ. ‘જીવનના અર્થની ખોજ’ના પ્રવાસે નીકળી પડેલા, યુવા આવેશ ભર્યા યુવાન, ‘રાહગીર’નાં પાત્રને બિશ્વજીતે તેમની જિંદગીના શ્રેષ્ઠ અભિનયની કક્ષાએ નિભાવી.

જનમ સે બંજારા હું બંધુ જનમ જનમ બંજારા – ગીતકાર: ગુલઝાર

‘પાલાતક’ (૧૯૬૩)નાં હેમંત કુમારે જ ગાયેલ ગીત જિબોન પુરેર પથિક રે ભાઈનું અહીં હીમ્દી રૂપાંતરણ કરાયું છે.

આટઆટલી ફિલ્મોની નિષ્ફળતા છતાં પણ હેમંત કુમારે હવે મૂળ બંગાળીમાં  બનેલી, ખુબજ સફળ રહેલી ફિલ્મ ‘દીપ જ્વેલે જાઈ’ [દીપ પ્રગટાવું છું] (૧૯૫૯)નું હિંદી સંસ્કરણ કરવાનું નક્કી કર્યું. ફિલ્મનુ દિગ્દર્શન બંગાળી સંસ્કરણના દિગ્દર્શક આસિત સેનને સોંપાયું. ફિલ્મની કથાનો ભાર વહિદા રહેમાને ભજવેલાં પાત્ર પર હતો, જે તેમણે અદ્‍ભુત સહજતાથી નિભાવ્યો. બીજાં મુખ્ય પાત્રમાં રાજેશ ખન્નાનો અભિનય પણ ખુબ સરાહનીય રહ્યો, જો કે ‘ખામોશી’ (૧૯૭૦) રજૂ થઈ ત્યાં સુધી રાજેશ ખન્ના સફળ બની ગયા હતા, પણ ‘સુપર સ્ટાર’ નહોતા બન્યા, તેમની પર ફિલ્માયેલ કિશોર કુમારના સ્વરમાં ગવાયેલું ગીત વો શામ કુછ અજીબ થી, કે લતા મંગેશકરના સ્વરમાં રેકોર્ડ થયેલું ‘હમને દેખી હૈ ઈન આંખોકી ખુશ્બુ‘ પણ ઉચ્ચકક્ષાનાં ગીતોમાં સ્થાન પામે છે. ધર્મેન્દ્રના ફિલ્મમાં માંડ પાંચ જ મિનિટ માટે આવતાં પાત્રને વધુ ચોટદાર તેના પર ફિલ્માવાયેલાં ગીતે બનાવ્યું

તુમ પુકાર લો તુમ્હારા ઈંતઝાર હૈ – ગીતકાર: કૈફી આઝમી

‘બીસ સાલ બાદ’નાં નિર્માણનાં દસ વર્ષ પછી હેમંત કુમારે પોતાના દીકરા જયંતને પરદા પર ચમકાવવા ‘બીસ સાલ પહેલે’ (૧૯૭૨) બનાવી. જયંત મુખર્જીએ પણ ૧૯૭૯માં ‘દો લડકે દોનો કડકે’ નિર્માણ કરી.

આમ હેમંત કુમારે બધું મળીને આઠ ફિલ્મ નિર્માણ કરી, જેમાંથી સફળ તો માત્ર ‘બીસ સાલ બાદ’ અને (થોડે ઘણે અંશે) ‘ખામોશી’ જ રહી. આ ફિલ્મોમાં તેમણે ગાયેલાં ૧૫ સૉલૉ સહિત ૨૦ ગીતોને ગણી લેતાં ૫૦ ગીતો પણ તેમણે સંગીતબધ્ધ કર્યાં, જેમાંથી છેલી બે ફિલ્મોને બાદ કરતાં તેમનાં ગીતો સરાહનીય કક્ષાનાં જરૂર બન્યાં.

હવે ૧૯૬૨ના પછીના સમયમાં હેમંત કુમારે માત્ર સંગીતકાર ની ભૂમિકા નિભાવી હોય એવી ફિલ્મો પર નજર કરીશું.


સંદર્ભ સ્વીકૃતિ :

  1. 1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) – Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975
  2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999
  3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015
  4. Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008
  5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta

શ્રી એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ, Hemantayan – Part 2નો આંશિક અનુવાદ

શ્રી  એન વેન્ક્ટરામનનું વિજાણુ સંપર્ક સરનામું : venkatssa18@gmail.com

સોંગ્સ ઑફ યોર : https://www.songsofyore.com/

Author: admin

Leave a Reply

Your email address will not be published.