સાયન્સ ફેર : સદીપુરાણી એ ઘટના વિષે આજેય કોઈ તર્ક નથી જડતો!

જ્વલંત નાયક

શું અત્યારે તમે કહી શકો કે અમુક ખાસ ઘટનાઓ અને એની સાથે જોડાયેલી બાબતો એક સદી બાદ કેવું રહસ્ય પેદા કરશે? પ્રશ્ન રસપ્રદ છે પરંતુ ઉત્તર મેળવવો લગભગ અશક્ય છે. કેમકે ભવિષ્યના માણસો અને એમની વિચારશૈલી કેવા પ્રકારની હશે એ આપણે જાણતા નથી. એથી ઉલટું, ભૂતકાળના માણસોને આપણે જાણીએ છીએ. એમની જીવનશૈલી અને ત્યારના સોશિયલ, પોલિટિકલ કે સાયન્ટિફિક સ્ટેટસને આપણે ઘણે અંશે સમજીએ છીએ. તેમ છતાં એ સમયે બનેલી અમુક ઘટનાઓ વિષે ચોક્કસપણે કશું કહી શકતા નથી! વિયર્ડ, ઇઝન્ટ ઇટ?

વિજ્ઞાને આજે એટલી પ્રગતિ કરી છે કે કરોડો વર્ષ જૂના અશ્મિઓને તપાસીને એ સમયની હકીકતો વિષે જાણી શકાય છે. જીનેટિક સાયન્સ, કાર્બન મેટ્રિક ડેટા મેથડ સહિતની એવી અનેક ટેકનોલોજીઝ આપણે વિકસાવી છે, જે હજારો વર્ષ પહેલા બનેલી ઘટના વિષે સચોટ રિપોર્ટીંગ આપી શકે. તેમ છતાં આપણે નજીકના ભૂતકાળમાં સરાજાહેર ઘટેલી ઘટના વિષે પણ કોઈ તાગ ન મેળવી શકીએ તો શું કહેવું?!

વાત છે રશિયાના સાઈબીરિયા પ્રદેશમાં થયેલા એક ભેદી ધડાકાની. એ ધડાકો આટલો શક્તિશાળી શા માટે હતો? ધડાકા પાછળ કઈ વ્યક્તિ કે ઘટના જવાબદાર હતા? શું એ ઘટના માનવ નિર્મિત હતી કે કુદરતી? આવા કોઈ જ પ્રશ્નના ઉત્તર આજ દિન સુધી મળ્યા નથી. જુદા જુદા સંશોધકો અને લેખકોએ વિવિધ થિયરીઝ રજૂ કરી હોવા છતાં આ બાબતે ‘સર્વમાન્ય’ હોય એવું કશું નથી.

સાઈબીરિયામાં ટુંગુસ્કા નામની નદી વહે છે. ઇસ ૧૯૦૮ના જૂન મહિનાની ૩૦મી તારીખે આ નદી પાસેના જંગલ વિસ્તારમાં એક જબરદસ્ત વિસ્ફોટ થયો. આ ધમાકો એવો જબરદસ્ત હતો કે એ સમયે હોલીવુડની કોઈ સાય-ફાય મૂવી જેવી સ્પેશિયલ ઇફેક્ટ સર્જાઈ હશે. વિસ્ફોટને કારણે આસપાસના ૮૨૦ સ્ક્વેર માઈલ જેટલા વિસ્તારમાં આઠેક કરોડ વૃક્ષોનો સફાયો થઇ ગયો! વર્ષો પશ્ચાત સંશોધકોએ જાહેર કર્યું કે આ વિસ્ફોટને કારણે એકસામટા એક હજાર એટમિક બોમ્બના વિસ્ફોટ જેટલી ઉર્જા ઉત્પન્ન થયેલી. આવા પ્રચંડ વિસ્ફોટનું કારણ શું?

ઘટના સ્થળેથી ચાલીસેક માઈલ દૂર રહેનારા લોકોએ જણાવેલુ કે વિસ્ફોટ થયો એ પહેલા અમે આકાશમાંથી ધસી આવતો આગનો ધગધગતો ગોળો જોયેલો! જેના પ્રતાપે એ સમયે અસહ્યય ગરમી પેદા થયેલી. અનેક લોકો હવામાં ઉછળીને દૂર ફેંકાઇ ગયેલા. (માઈન્ડ વેલ, આ એ લોકોનો અનુભવ છે જે ઘટના સ્થળથી ચાલીસ માઈલ દૂર હતા!) કેટલાકના મતે રશિયામાં થયેલ એ ધમાકાની અસરો છેક ગ્રેટ બ્રિટનના અમુક ભાગ સુધી ફેલાયેલી. અત્યારે આ બધું કદાચ ટાઢા પહોરના ગપ્પાં લાગે પણ દાયકાઓ બાદ તપાસ કરનાર અનેક સંશોધકોએ વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે આ વાતો સાચી હોવાનું સ્વીકારેલું.

પણ તો પછી એ સમયે આખી દુનિયામાં ઉહાપોહ શા માટે ન થયો? એ સમયે આવડી મોટી ઘટનાની થવી જોઈએ એટલી ચર્ચા કેમ નહિ થઇ? મુખ્ય કારણ એ કે ઇસ ૧૯૦૮માં સ્વાભાવિક રીતે જ મીડિયાનું નેટવર્ક બહુ નબળું હતું. જે-તે ઘટના સમયે પરત્વે એ દેશ બહુ ચર્ચા ન કરે, તો બહારના બીજા દેશોને ભાગ્યે જ કશી ખબર પડે! સાઈબીરિયાના જંગલોમાં ઘટેલી આ ઘટનામાં એ સમયના રશિયન તંત્રે બહુ રસ ન લીધો. કારણકે એ સમયે રશિયામાં મોટા પાયે રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી. વળી આ ઘટના સાવ વેરાન જગ્યાએ ઘટી, જ્યાં જંગલો જ હતા. કોઈ માનવનું મૃત્યુ ય નહોતું થયું. એટલે રશિયાનું ફોક્સ આવડી મોટી ઘટના પર ગયું જ નહિ!

વર્ષો બાદ જ્યારે દુનિયાના લોકોને આ ઘટના વિષે જાણવા મળ્યું ત્યારે લોકોએ જુદા જુદા તર્ક રજૂ કર્યા. ઘણા ઉલ્કા પડી હોવાનું માનતા હતા. એક લેખકે કહ્યું કે કોઈક એલિયન સ્પેસશીપ નજીકના તળાવમાંથી પાણી ભરવાની લાલચે ઉતર્યું હશે, પણ કોઈક ખરાબીને કારણે બ્લાસ્ટ થઇ ગયું! ઇસ ૧૯૭૩માં બે વૈજ્ઞાનિકો કંઈક જુદી જ થીયરી લઇ આવ્યા. એમના મતે બ્રહ્માંડનું કોઈક સૂક્ષ્મ બ્લેક હોલ પૃથ્વી સાથે ટકરાયું, અને પૃથ્વીની આરપાર નીકળી ગયું. આવડી બધી ઉર્જા તો બ્લેક હોલમાં જ હોઈ શકે! જો આ થીયરી સાચી માનીએ તો બ્લેક હોલ કયા સ્થળેથી પૃથ્વી ચીરીને બહાર નીકળ્યું એ ય જોવું પડે! પણ એવું કોઈ સ્થળ આજ સુધી મળ્યું નથી!

આશ્ચર્યજનક રીતે આખી ઘટના બાદ શંકાની સોય ધુરંધર વિજ્ઞાની નિકોલસ ટેસ્લા સામે પણ તકાઈ! ‘ડેથ રે’ની ખોજ કરી રહેલા ટેસ્લાએ પોતાના પ્રયોગો દરમિયાન કંઈક લોચો માર્યો અને આ ધમાકો થયો હોવાનું કહેવાયું. પણ હકીકતે જો આવડી ઉર્જા ઉત્પન્ન કરવા માટે એ સમયે ટેસ્લા કે બીજા કોઈ વૈજ્ઞાનિક પાસે પૂરતા સંસાધનો જ ક્યાં હતા?!

અંતે કોઈ ઉલ્કા, ધૂમકેતુ કે લઘુગ્રહની પૃથ્વી સાથેની અથડામણ જ એ પ્રચંડ વિસ્ફોટ પાછળ જવાબદાર હોવાનું સ્વીકારવું પડે. પણ આ થીયરીમાં ય એક નાનો એવો ટ્વિસ્ટ છે. જો આ રીતે પૃથ્વી કોઈ પદાર્થ સાથે અથડાય અને આટલો શક્તિશાળી વિસ્ફોટ થાય, તો એ વિસ્તારમાં મસમોટો ખાડો (crater) પડ્યા વિના રહે નહિ. પરંતુ આ ઘટના દરમિયાન ટુંગુસ્કા નદીની આજુબાજુના એ વિસ્તારમાં આવો કોઈ ખાડો પડ્યાનું નોંધાયું નથી!

ઇન શોર્ટ, સો વર્ષ પછી ય વિજ્ઞાન પાસે ઉત્તર નથી કે આખું જંગલ સાફ કરી નાખે એવો પ્રચંડ ધડાકો આખરે થયો કઈ રીતે!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com  પર થઇ શકે છે.


Disclaimer: The images in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Author: admin

1 thought on “સાયન્સ ફેર : સદીપુરાણી એ ઘટના વિષે આજેય કોઈ તર્ક નથી જડતો!

Leave a Reply

Your email address will not be published.