સત્યજિત રાયની સૃષ્ટિ – ૪: જન – અરણ્ય

ભગવાન થાવરાણી

સીમાબદ્ધ પછી બરાબર પાંચ વર્ષે આવી કલકત્તા ટ્રાઈલોજીની અંતિમ ફિલ્મ યાને જન – અરણ્ય. એ દરમિયાન અન્ય એક મહાન બંગાળી સર્જક મૃણાલ સેન આ જ શહેરને પૃષ્ઠભૂમિમાં રાખીને ઉપરાઉપરી વર્ષોમાં પોતાની ત્રણ ફિલ્મો ઈંટર્વ્યુ ( ૧૯૭૧ ), કલકત્તા ૭૧ ( ૧૯૭૨ ) અને પદાતિક ( ૧૯૭૩ ) બનાવી ચુક્યા હતા. વચ્ચેના પાંચ વર્ષોમાં સત્યજિત રાય પણ બે દસ્તાવેજી ફિલ્મો સિક્કિમ અને INNER EYE અને બે ફીચર ફિલ્મો આશાની સંકેત અને સોનાર કેલ્લા સર્જી ચુક્યા હતા. 

જન – અરણ્ય ( વિદેશો માટે MIDDLEMAN અર્થાત વચેટિયો કે એજન્ટ કે દલાલ. ) માં પ્રતિદ્વંદી અને સીમાબદ્ધ વાળી વાત ચાલુ રહે છે. અનુસંધાન સ્વરૂપે નહીં પરંતુ વિષય તરીકે. અહીં પણ વાર્તા સીમાબદ્ધ વાળા મણિશંકર મુખર્જી ઉર્ફે શંકરની છે.ફિલ્મનું બંગાળી નામ વિશેષ કાવ્યાત્મક અને સચોટ છે. લોક – વન અથવા વધારે સ્પષ્ટ કહેવું હોય તો માણસોરુપી પ્રાણીઓનું ખૂંખાર જંગલ ! 

કેટલાક વિવેચકો જન – અરણ્યને રાયની (પ્રમાણમાં) નબળી ફિલ્મ માને છે. અનેક (અને રાય સ્વયં પણ !) આ ફિલ્મને એમની સૌથી અંધકારમય – DARK ફિલ્મ માને છે કારણ કે એ સીધો, નગ્ન પ્રહાર કરતી વેરાન ફિલ્મ છે. હા, આ એવી ફિલ્મ છે જેમાં ધ્રુજાવી દે એવાં સત્યો છે જે કોઈ ઢાંકપિછોડા વિના સીધા દેખાડાયા છે. દર્શકે એનો સામનો કરવાનો છે, મોઢામોઢ થવાનું છે કારણ કે હકીકતોથી મોં ફેરવી લેવાથી એ મટી જતી નથી. 

પહેલી બે ફિલ્મોની જેમ અહીં પણ નાયક નવા છે. મુખ્ય પાત્ર સોમનાથ બેનર્જીની ભૂમિકામાં પ્રદીપ બેનર્જી છે. સાથે લિલી ચક્રવર્તી (નાયકની ભાભી), સત્ય બંધોપાધ્યાય (નાયકના પિતા), દીપંકર ડે (મોટા ભાઈ), અપર્ણા સેન (પ્રેમિકા), ગૌતમ ચક્રવર્તી (મિત્ર), સુદેશના દાસ (મિત્રની બહેન), ઉત્પલ દત્ત (બિશ્નુ દા) અને રબી ઘોષ (નટવર મિતર) છે. આ બધાના નામ અને ભૂમિકા એટલા માટે કે એ બધાએ પોતપોતાની ભૂમિકા આબાદ નિભાવી છે. સમગ્ર ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર અગાઉની ફિલ્મ સીમાબદ્ધ વાળો જ રહે છે. પરિસ્થિતિઓના દબાવમાં આવી નાયકનું અનૈતિકતાની ગર્તામાં પડવું, પણ માવજત સાવ અલગ અને વાત કરવાની તરાહ સીધી અને સોંસરવી ! 

ઈમાનદાર અને સિદ્ધાંતવાદી નિવૃત પિતાનો પુત્ર સોમનાથ મધ્યમવર્ગીય પરિવાર સાથે રહે છે. પરિવારમાં સારી નોકરી કરતો મોટો ભાઈ, વહાલસોઈ ભાભી અને પિતા છે. એકંદરે ખાધેપીધે સુખી પરિવાર છે અને વહુ, સસરા અને દિયરનું બરાબર ધ્યાન રાખે છે. 

સોમનાથ સ્નાતક તો થાય છે પણ માત્ર પાસ ક્લાસમાં, જે એના માટે અને ઘરના બધા સદસ્યો માટે અચરજ અને આઘાતની વાત છે કારણ કે એ તેજસ્વી વિધ્યાર્થી છે. પિતા તો એ માની જ શકતા નથી. ભાઈ શિક્ષણ-તંત્રની કથળેલી સ્થિતિ જાણે છે તો ભાભીને પોતાના લાડકા દિયરની ક્ષમતા પર વિશ્વાસ છે, પરીક્ષાનું પરિણામ જે હોય તે ! 

સોમનાથ સમયસર કામધંધે ન લાગતાં એની પ્રેમિકાનું અન્યત્ર ગોઠવાઈ જાય છે. એના માબાપ દીકરીને ક્યાં સુધી ઘરે બેસાડે ? એ પ્રેમીને છેલ્લીવાર મળવા ફોન કરે છે.  ભાભીને આ પ્રકરણની ખબર છે. દિયર ભાભીના સંબંધો એવા આત્મીય છે કે ભાભી પ્રેમિકાના પત્રો પણ વાંચે છે. 

સોમનાથનો મિત્ર સુકુમાર પણ એની જેમ જ બેકાર છે. એના ઘરની હાલત ડામાડોળ છે. એની બહેન કોના આઝાદ-મિજાજ છે અને સ્ટેજ પર કામ કરી પોતાનું ફોડી લે છે. 

પિતા કહે છે, આપણે પેપર ખોલાવીએ. માર્કનો સરવાળો ચેક કરાવીએ. યુનિવર્સિટીના વાઈસ ચાંસેલરને મળીએ. મોટો પુત્ર કહે છે, કશું વળશે નહીં. ભૂલ હોય તો પણ એ લોકો કબૂલ નહીં કરે. અને ઉપ-કુલપતિને તો વિદ્યાર્થીઓએ ઘેરાવ કરી રાખ્યો છે. કેમ મળશો ? 

સોમનાથને બડા બાજારમાં રસ્તે ચાલતાં ફુટબોલના શોખીન બુઝુર્ગ મિત્ર બિશ્નુ દા ( ઉત્પલ દત્ત ) મળે છે. એ કહે છે, નોકરીમાં શું દાટ્યું છે ? પોતાનો ધંધો કર. મૂડી ? પેલા ફૂટપાથના  ખૂણે મગફળી વેચતા ખૂમચા વાળા પાસે વળી કઈ મૂડી છે ? બિશ્નુ દા કહે છે. આ ઊંચા-ઊંચા બિલ્ડીંગો દેખાય છે ને ! એમાં પૈસો જ પૈસો છે, જે કોઈ પુરુષાર્થીની રાહ જુએ છે. મેં પણ દસ રુપિયા ઉછીના લઈને નારંગી વેચવાથી શરુઆત કરી હતી. સાંજ પડ્યે દસના બાર થઈ ગયા ! 

પણ એ પહેલાં એક રમૂજી-કરુણ ઈંટર્વ્યુ. મિત્ર સાથેની વાતચીતમાં એ લોકો ચર્ચી ચુક્યા હોય છે કે આ સાલાઓ પ્રશ્નો પૂછશે તો પણ એવા કે ભગવાન રામની બહેન કોણ હતી ? હવે આપણને એ વાત જોડે શું લેવા-દેવા ? અને ખરેખર, સોમનાથને એક ઇંટર્વ્યુમાં પૂછવામાં આવે છે, ચંદ્રનું વજન કેટલું ? એ વિચાર્યા પછી સાવ બિચારો બની કહે છે સર, આ પ્રશ્નને મારી નોકરી સાથે શી લેવા-દેવા ? ઈંટર્વ્યુ લેનાર કડકાઈ અને તુમાખીથી જવાબ આપે છે ‘ એ વિષય તમારો નથી. જવાબ આવડતો હોય તો કહો, વરના ચલતે બનો. 

બિશ્નુ બાબુ નાયકને પોતાની ઓફિસમાં બોલાવે છે. લિફ્ટમાં એક માણસ એને મળે છે. એ જૂના મકાનો બિલ્ડરોને ચીંધવાનું કામ કરે છે. એ લોકો ત્યાં બહુમાળી ઈમારતો બનાવી શકે એ માટે. ‘ તારા ધ્યાનમાં આવું કોઈ જુનું મકાન હોય તો કહેજે. તને મારા કમિશનમાંથી દલાલી આપીશ. નાયક પહેલી વાર આવા શબ્દો સાંભળે છે.

બિશ્નુ દાની ઓફિસમાં અનેક ટેબલો છે જે એમણે પેટા-ભાડે આપેલા છે. એ પણ સવાર-સાંજની પાળીમાં અલગ-અલગ. એ દરેક ટેબલ પર કોઈને કોઈ વ્યવસાય કરતા દલાલો બેસે છે. અલગ -અલગ કંપની ( મોટા ભાગે બોગસ ! ) ના પ્રતિનિધિઓ. બિશ્નુ દા શીખવે છે  ‘ આ સૌથી આસાન ધંધો છે. ઓર્ડર – સપ્લાયનો. ઈધરકા માલ ઉધર ! બજારનો અભ્યાસ કરો. સસ્તું ખરીદો. પોતાની દલાલી ચડાવી અન્યને વેચો. મેં એક હાથી પણ દસ ટકા કમિશનથી વેચેલો એક સરકસ કંપનીને ! 

સોમનાથ ચકિત છે. એના માટે આ દુનિયા ગજબ છે. બિશ્નુ દાના કેટલાક કાબા અને જમાનાના ખાધેલ મિત્રોને સોમનાથનું ભોળપણ ગમે છે. સોમનાથ પિતાને ધંધો શરુ કરવાની વાત કરે છે. પિતા કહે છે ‘ આપણી સાત પેઢીમાં કોઈએ ધંધો કર્યો નથી અને પછી મન મનાવીને  ‘ એમ તો બે પેઢી પહેલાં સુધી આપણામાંથી કોઈએ નોકરી પણ ક્યાં કરી હતી ? ‘

બિશ્નુ દા એને ધંધાના રહસ્યો શીખવે છે, પોતાની કોઈ જવાબદારી નહીં એ પૂર્વશરતે ! નાયક ટેબલ ભાડે રાખે છે. અહીં આ ભાડાના ટેબલો વચ્ચે ફરતો ચપરાસી પણ પહોંચેલ ચીજ છે. એ પણ સાઈડ બિઝનેસ કરે છે ! નાયક વિઝીટિંગ કાર્ડ છપાવે છે, પોતે ત્રણ કંપનીનો પ્રતિનિધિ છે એવું લખીને ! એ શરુઆત સ્ટેશનરીથી કરે છે એકાદ મોટા માથાના પરિચયનો ઉપયોગ કરીને. પહેલા જ સંપર્કમાં કામ મળે છે. 

દરમિયાન, બેકાર યુવાનો ક્રાંતિકારી બની રહ્યા છે. નોકરીની દસ જગ્યાઓ માટે એક-એક લાખ અરજીઓ આવે છે. તંત્ર એ ક્રાંતિકારીઓને સબક શિખવાડવા તત્પર છે. ગોળીબારમાં ત્રણ યુવકો માર્યા ગયા એમ જણાવીને મોટો પુત્ર પિતાને કહે છે કે સરકાર આ બધી ગેંગને ઠેકાણે પાડીને જ જંપશે ! એની નોકરી સુરક્ષિત છે એટલે આ બધા એને અપરાધીઓ લાગે છે ! પિતા ચિંતિત છે કે કોઈ મોટી ચળવળ હોય તો જ આ યુવાનો પોતાનો જીવ આપે ને ! 

સોમનાથનો ધંધો ચાલી નીકળે છે. એ કદમ-દર-કદમ ધંધાના નુસખાઓ શીખતો જાય છે. એની દોડધામ દ્વારા સર્જક સત્યજિત આપણને શહેરની હાલત, બાળમજૂરી,  ઠેલા, સાઈકલ રિક્ષાઓ, ફૂટપાથ પર વસતા કુટુંબો અને એ બધા પર પ્રભાવી કોંક્રીટ જંગલ દેખાડતા રહે છે, કોઈ ટિપ્પણી વિના ! 

નાયકનો પરિચય નટવર મિત્તર ( રબી ઘોષ ) જોડે થાય છે. એ  જન-સંપર્ક નિષ્ણાત છે. કાયમ સૂટ – બૂટમાં અને પોતાની દરેક મિનિટની કીમત આંકતો શાતિર ગણતરીબાજ માણસ. મોટી કંપનીઓના પરચેઝ ઓફિસરોને સાધવામાં એ માહિર છે. કોઈની નબળાઈ જાણીને એનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવો એ એનો મૂળ-મંત્ર છે. એ કહે છે, ક્યારેક જમાડવાથી કામ પતે, ક્યારેક દારૂથી અને ક્યારેક એથી થોડુંક આગળ ! બસ, આપણને આ લોકોની દુખતી રગ પકડતાં આવડવી જોઈએ, પછી બેડો પાર !  

સોમનાથ એક પ્રતિષ્ઠિત મિલના પરચેઝ ઓફિસર ગોએંકાને મળવા જાય છે. એમને એક કેમીકલની મોટા પાયે ખરીદી કરવાની છે. એ મરજાદી માણસ છે. બહારનું ખાતા નથી, મદ્યપાન કે ધૂમ્રપાન કરતા નથી. ચેમ્બરમાં કોઈક સ્વામીજીની તસવીર પણ મૂકી છે. નાયકને પછીથી મિત્તર પાસેથી જાણવા મળે છે કે એમના શોખ અલગ પ્રકારના છે !

નાયક ઘરમાં બધાંને આ સંભવિત મોટા સોદાની વાત કરે છે. પિતા તુરંત પૂછે છે  ‘ આ ઓર્ડર તને કઈ લાયકાતના આધારે મળશે ? ઓછા ભાવના કારણે, માલની ગુણવત્તાના કારણે કે પછી તારી વ્યક્તિગત પ્રતિભાના કારણે ? ‘ નાયક તડને ફડ કહે છે  ‘ લાંચના કારણે ! રૂઢિચુસ્ત પિતા દિગ્મૂઢ બની જોઈ રહે છે. 

પેલા મોટા ઓર્ડર અંગે કોઈ સમાચાર ન મળતાં છેવટે નાયક મિત્તરનો આશરો લે છે. એને ગોએંકાના કેટલાય રહસ્યોની ખબર છે. ગોએંકા પોતાના શેઠની અપંગ પુત્રીને પરણ્યો છે પૈસા ખાતર. એ સુંદરીઓનો શોખીન છે. એને રાજી કરવાનો કિમીયો મિત્તર જાણે છે. એ કહે છે, ગોએંકાને હું ફોડી લઈશ. તને એ સામેથી ફોન કરશે. તારે સોદો અંકે કરવો હોય તો એમની મનપસંદ ચીજ એમની હોટલના રુમ સુધી પહોંચાડવાની રહેશે. બાકી તારી મરજી.

ગોએંકાનો ફોન નિયત સમયે આવે છે. સોમનાથ ઘણી કશ્મકશ બાદ હા પાડે છે. ભાભીએ પરીક્ષામાં પાસ થયા બદલ ભેટ આપેલી ઘડિયાળ ગિરો મૂકી એ પૈસાની વ્યવસ્થા કરે છે અને મિત્તર સાથે ટેક્સીમાં જીવનના સૌથી બહાદુરીભર્યા (અને અનૈતિક !) કામ માટે નીકળે છે. હવે પછીના પ્રસંગો એના માટે જ નહીં, દર્શકો – ભાવકો માટે પણ કપરી કસોટીના છે. એટલા માટે જ આ ફિલ્મ રાયની સૌથી ડાર્ક ફિલ્મ ગણાય છે. 

પહેલાં એક સંભ્રાંત દેખાતી મહિલાનું ઘર. મિત્તર આ બાબતોમાં પરમ અનુભવી છે. આ મહિલા કેવળ ઉચ્ચ કક્ષાના ગ્રાહકો સાથે જ ધંધો કરે છે. એનો દારૂડિયો પતિ માથે રહીને એની પાસે આ કામ કરાવે છે. આનાકાની બાદ ભાવ નક્કી થાય છે ત્યાં મહિલાનો દારૂડિયો પતિ લવારો કરતો બહારથી આવી ચડે છે અને ઉત્પાત મચાવી બન્નેને ઘરમાંથી કાઢી મૂકે છે. સોમનાથ પશેમાન છે. મિત્તરનું રુંવાડું યે ફરકતું નથી. 

બીજું ઠેકાણું. સોમનાથ જીવ પર આવી કહે છે ‘ આપણે આ બધું પડતું મૂકીએ તો ? ‘ . મિત્તર કહે છે, આ મારી ઇજ્જતનો સવાલ છે. હવે જઈએ છીએ ત્યાં પતિની માથાકૂટ નથી. માત્ર વિધવા મા અને બે પુત્રીઓ ! 

અહીં બીજી તકલીફ છે. મા દીકરીને બહાર જવા દેવા માંગતી નથી. ગ્રાહકને અહીં લઈ આવો. અહીં બધી સગવડ રાખી જ છે ને ! બન્ને ફરી ઊભા થઈને ચાલતી પકડે છે. 

હવે એક પ્રાઈવેટ સ્કૂલ. અહીં સાંજ પડ્યા પછી આ કામ થાય છે. એક ખંધો દલાલ અહીંની છોકરીઓ મિત્તરને દેખાડે છે. મિત્તરને એ પોતાના ક્લાયંટના સ્તરની નથી લાગતી. દલાલ કહે છે, એક નવી છોકરી હમણાં આવે છે. એને પણ જોઈ લો. મિત્તર સોમનાથને કહે છે, મારે એક બીજા ગ્રાહકને સાચવવા પહોંચવાનું છે. તું છોકરીને લઈને નિયત હોટલના રૂમે પહોંચ. નાયક આમાંથી નીકળી જવાનો છેલ્લો નાકામિયાબ પ્રયત્ન કરે છે અને પેલી છોકરીની રાહ જુએ છે. 

છોકરી આવે છે. સોમનાથ એને જોઈને ડઘાઈ જાય છે. એ એના મિત્ર સુકુમારની બહેન કોના છે. આ ધંધા માટે એણે જુથિકા નામ રાખ્યું છે. 

હોટલે જતાં ટેક્સીમાં એ કોનાને કહે છે  ‘ તું પૈસા માટે જ કરે છે ને આ બધું ? હું તને પૈસા આપી દઉં. આપણે પાછા વળી જઈએ.’ કોના કહે છે  ‘ મારે મફત પૈસા જોઈતા નથી. નાયક ચુપ અને અનિર્ણયનો કેદી !

બન્ને હોટલના નિયત કમરા બહાર પહોંચે છે. સોમનાથ કોનાને પૈસા આપે છે. મિત્રના ખબર પૂછે છે, જે હવે ટેક્સી ચલાવે છે. નાયક રૂમની ડોરબેલ દબાવે છે. અંદરથી ગોએંકાનો અવાજ ‘ તું બહાર મારી રાહ જોજે ‘.

કશુંક અમંગળ થઈ ચૂક્યાની છડી પોકારતું સંગીત. નાયક સોદો સફળ રહ્યાના સમાચાર લઈ ઘરે પહોંચે છે પરાજિત ડગલે. બજારે એને બરાબરનો હરાવ્યો છે. પિતા હાશ વ્યક્ત કરે છે. ભાભી સોમનાથના કદમો પરથી પારખે છે કદાચ કે એ કશુંક ખોટું કરીને આવ્યો છે. ઘેરા, ભયોત્પાદક સંગીત સાથે અંત. 

ફિલ્મનો અંત, આ પહેલાં ચર્ચેલી ફિલ્મ સીમાબદ્ધ જેવો છે. અહીં નાયકની નબળી ક્ષણોની સાક્ષી ભાભી છે, ત્યાં નાયકની સાળી. 

સમગ્ર ફિલ્મમાં એક વાતાવરણ સદૈવ વ્યાપ્ત છે, સર્વતોમુખી વિનિપાતની આશંકાનો, બધું જ ગુમાવાઈ રહ્યું હોવાના અહેસાસનો.

ફિલ્મની શરૂઆતનું દ્રષ્ય જ આ પડતીની ચાડી ખાય છે. નાયક પરીક્ષાખંડમાં પેપર લખે છે. બે પર્યવેક્ષકો હાજર છે. બન્નેના આંખમીંચામણા સાથે ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે. એક ગુંડા જેવો દેખાતો ઈસમ ચાલુ પરીક્ષાએ તૈયાર ઉત્તરો લાવી એક પરીક્ષાર્થીને આપે છે અને નિરીક્ષકો નિ:સહાયપણે જોઈ રહે છે ! 

એ પછીનું તુરતનુ દ્રષ્ય એટલું જ હતાશાજનક છે. ઉત્તરવહીઓ ચકાસનાર ગરીબડો જણાતો શિક્ષક, જાતે ઉત્તરપોથીઓના પોટલાં ઉપાડી પોતાના ઘરે આવે છે. ઉતરવહીના ઝીણા અક્ષરો એને ઉકલતા નથી. એના ચશ્મા નક્કામા છે. એ બાજુના ઘરેથી ચશ્મા ઉછીના મંગાવે છે. એને મચ્છરો કરડે છે. એ બળાપો કાઢે છે  ‘ આ મહેનતાણામાં આ કામ કેમ પોસાય ? ‘ એ ગમે તેમ કરીને પેપર તપાસવાના કામનું ફિંડલું વાળવા માંગે છે. 

ફિલ્મમાં એવા અનેક પ્રસંગો છે જે આપણા ચિદાકાશમાં કાયમ માટે જડાઈ જાય ! એ પૈકી બે.

દિયર-ભાભી એકબીજાની ખૂબ નિકટ છે. સામાન્ય કરતાં વિશેષ. ભાભી દિયરના પ્રેમ વિષે જાણે છે. એ એના પત્રો પણ વાંચે છે, કદાચ એની સંમતિથી. એની પ્રેમિકા બીજે પરણી જવાનો નિર્ણય કરે છે ત્યારે ભાભી કહે છે  ‘ એ બીજે પરણે છે એ એની મજબૂરી હશે. એનો અર્થ એવો ન કર કે એ તને ચાહતી નથી.

નાયક થોડીક વાર વિચારીને કહે છે  ‘ મને અચાનક વિચાર આવ્યો કે પરણીને સાસરે આવતી વખતે તમે ખૂબ રડતા હતા ‘. ભાભીનો ચહેરો થોડીક વાર માટે રંગ બદલી અતિ ગંભીર બની જાય છે. બસ બેક ક્ષણ પૂરતું જ. પણ પછી તુરત એક પારંગત અભિનેત્રીની જેમ ચહેરા પર કુદરતી સ્મિતનો અંચળો ઓઢી પ્રત્યુત્તર વાળે છે  એ પણ રડશે. જોજે. તું પણ એ જ ઇચ્છે છે ને કે એ રડે? આ સંવાદો દરમિયાન સૌથી વધુ અગત્યનું છે, જે નથી બોલાતું તે ! આ પ્રસંગ માટે સર્જક રાય જેટલા દાદના અધિકારી છે, એટલાં જ ભાભીની ભૂમિકા ભજવનાર લિલી ચક્રવર્તી પણ ! 

અન્ય એક દ્રષ્યમાં નાયકનો સમગ્ર પરિવાર સાથે જમવા બેઠો છે ડાઈનીંગ ટેબલ પર. ઘરમાં અંધારું છે ( પ્રતીકાત્મક !) એટલે મીણબત્તી સળગાવી છે. પિતા કેન્દ્રમાં છે. ભાભી વીંઝણો નાંખી રહ્યા છે. પિતા નાના પુત્રની દોડધામ અને તબિયતની ચિંતા વ્યક્ત કરે છે. ધંધા અંગેના પ્રાથમિક સવાલો બાદ વાત વળે છે લાંચ-રિશ્વતનાં પ્રવર્તમાન માહૌલ ભણી. મોટો પુત્ર કહે છે કે લાંચ, હિંસા, સેક્સ, મદિરા પરાપૂર્વથી ચાલ્યા આવે છે. પિતા પુત્રના મુખે આ સમર્થન સાંભળી દંગ રહી જાય છે.  ‘ એટલે તમે મારા સંતાનો પણ .. ! ‘ . ભાભી સસરાની ચિંતા જોઈ બન્ને દીકરાઓને વાત બંધ કરવાનો ઈશારોં કરે છે. પિતા કહે છે  ‘ મારા માટે તમે બન્ને અને વહુ જ મારી દુનિયા છો. તમારી મા પીડાઈ – પીડાઈને મૃત્યુ પામી ત્યારથી જ મારો વિશ્વાસ ભગવાન ઉપરથી ઊઠી ગયો હતો. મારી ઉંમરના માણસને ટકાવી રાખે એવો કોઈ ભરોસો મારી પાસે નથી, તમારા લોકો સિવાય. કોઈ ગુરુ નહીં, કોઈ આસ્થા નહીં. જો તમે લોકો પણ મારાથી દૂર ચાલ્યા જાઓ તો શું બાકી રહે ? ‘ મોટો પુત્ર સધિયારો આપે છે  ‘ અમે તમારા સંતાનો જ છીએ પણ એવું છે ને …‘ . પિતા ભોજન અધુરું મૂકીને ઊભા થઈ જાય છે. આપણે દર્શકો વિચારતા રહી જઈએ છીએ. જીવનના સંધ્યા કાળે ઊભેલા એક ઈમાનદાર માણસ પાસે, પોતાના બાળકો એમણે જીવેલા અને પોષેલા સિદ્ધાંતોનું જતન કરે એનાથી મોટી બીજી મૂડી હોય પણ શું ?

અને એક નાનકડું દ્રષ્ય ટપાલના ડબ્બાનું. બેકાર યુવાનો એ ટપાલના ડબ્બામાં એક પછી એક અરજીઓના પરબીડિયા ઠલવતા જાય છે. અચાનક કેમેરા એ ડબ્બાની ટોચ પર કેંદ્રિત થાય છે. ત્યાં તો મોટું બાકોરું છે ! એક યુવાન એ બાકોરામાંથી પોતાનું કવર સહેલાઈથી સરકાવી ચાલતો બને છે. સર્જકનું કહેવાનું એટલું જ કે તમે જો વ્યવસ્થામાં આવું બાકોરું શોધવા સક્ષમ હો તો રસ્તો આસાન છે! 

ફિલ્મની સરખામણી સ્વયંભૂ સીમાબદ્ધ સાથે કરવાની લાલચ થાય. બન્નેનો કેન્દ્રવર્તી વિચાર એક જ છે. સીમાબદ્ધમાં, કારકિર્દીના ઉચ્ચતમ શિખરથી માત્ર એક ડગલું દૂર એવો નાયક છેલ્લી અનૈતિક રમત રમે છે અને જીતે પણ છે. પણ એ ભીતરે અસ્વસ્થતા અનુભવે છે. વિશેષ કરીને એની પ્રિય સાળીની નજરોમાંથી ઉતરી ગયાનો સંતાપ એને ડંખે છે. જન અરણ્યમાં નાયક હજી કોઈ મોટી સફળતા અર્જીત કરી શક્યો નથી. ઠરીઠામ થવાના પ્રયાસમાં એ એક અધમ કામ કરે છે, કહો કે એનાથી એ થઈ જાય છે. એનો અંતરાત્મા છેવટ લગી એને કચોટતો રહે છે. કદાચ એના મનમાં એ પણ હશે કે એના પિતા જો એના કરતૂત જાણે તો એ જ ક્ષણે ઢળી પડે ! 

દર્શક તરીકે આપણને એ પ્રશ્ન પણ થાય કે ધારો કે એ છોકરી એના નિકટના મિત્રની બહેન ન હોત અને કોઈક અજાણી સ્ત્રી હોત તો પણ એ આટલી જ વ્યથા અનૂભવત કે ? સરખામણી કરતાં મેં અનુભવ્યું તે એ કે સીમાબદ્ધમાં  નાયકે જે કર્યું એ વધુ ઘૃણાસ્પદ છે. દરેક પરિપ્રેક્ષ્યથી.

ફિલ્મનો અભિનય પક્ષ, રાયની અત્યાર સુધી જોયેલી બધી ફિલ્મો કરતાં શ્રેષ્ઠ છે. નાયક પ્રદીપ મુખર્જી સારો છે પણ ખરેખરા ઉત્કૃષ્ટ અભિનય માટે શાબાશીના અધિકારી છે રબી ઘોષ (નટવર મિત્તર). એ લાજવાબ છે. ઉત્પલ દત (બિશ્નુ દા), સત્ય બંધોપાધ્યાય (પિતા – ઓહોહો, શો એમનો વલોપાત !), લિલી ચક્રવર્તી ( ભાભી – પેલી ભૂતકાળમાં વીજળીક ડૂબકી !) અને અન્ય નાની-મોટી ભૂમિકા ભજવતા બધા જ કલાકાર પોતપોતાના કિરદારને જીવી ગયા છે. આ બધા આપણને રોજબરોજની જિંદગીમાં મળે જ છે. 

એક એવી ફિલ્મ જે જોયા બાદ, આપણે ફિલ્મ જોયા પહેલાં જેવા હતા એવા મુદ્દલ નથી રહેતા !

આપ ફિલ્મ અહીં જોઈ શકો છો :


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

5 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ – ૪: જન – અરણ્ય

  1. ‘જન – અરણ્ય’ , ” એક એવી ફિલ્મ જે જોયા બાદ, આપણે ફિલ્મ જોયા પહેલાં જેવા હતા એવા મુદ્દલ નથી રહેતા ! ”
    After decades, environment has not changed much. Like noble and ethical Father, who can’t digest and tolerate but for Hero of the film, difficult to tolerate but more to escape ! compliments for qualitative review and Thanks.

  2. એક સચોટ આપણાં હૃદય ને ઢંઢોળતી ફિલ્મ… અવલોકન ની શૈલી અને દરેક પ્રસંગો ની માવજત એટલી અદભુત કે આ લેખ વાંચીને પણ પહેલા જેવા થવામાં ઘણો સમય લાગશે… મારા મતે અત્યારની દુનિયામા આવું જ બધુ છે જે જોઈને, કે સાંભળીને આપણે ક્ષણો સુધી પહેલા જેવા રહેતા નથી… શ્રી થાવરાણીજી ને આ શ્રેણી ની પસંદગી અને લેખ માટે ખૂબ અભિનંદન…

Leave a Reply

Your email address will not be published.