સમયચક્ર : ટચુકડી કલમની લાંબી સફર

ઘડીભર કલ્પના કરો કે એકાદ દિવસ માટે પણ જગતની તમામ કલમ એટલે કે પેન અદશ્ય થઈ જાય તો શું થાય ? કોમ્પ્યુટર ટેક્નોલોજીના એડીક્ટ માણસો ભલે કહેતા હોય કે, હવે પેન કાગળની જરુર જ નથી. પરંતુ એવું હરગીજ નથી. પેન એ માત્ર લખવાનું સાધન નથી. પેન આપણા શરીર અને મનની અંદર સમાઈ ગયેલું એ યંત્ર છે જેની સાથે આપણાં બાળપણ અને લિપિશાસ્ત્રની ભવ્યતા જોડાયેલી છે. પેન હસાવી પણ શકે છે, પેન રડાવી પણ શકે છે. પેન ક્રોધ, ઘૃણા, આવેશ, પ્રેમ કરુણા જેવા માનવમનની અંદર પડેલા ભાવોની ઉદીપક છે. આપણા વિચારોને આકાર આપતી પેન માનવજાતના પુરુષાર્થનો ઈતિહાસ સાચવે છે.

માવજી મહેશ્વરી

આપણી આસપાસ ગોઠવાયેલા જગતમાં જેટલી ચીજ વસ્તુઓ આપણને જે સ્વરૂપે દેખાય છે તે આપણો વર્તમાનછે. પરંતુ એ ચીજોનો ભૂતકાળ  પણ હોય છે. આપણે રોજબરોજના ઉપયોગમાં લઈએ છીએ તે વસ્તુઓ અનેક તબક્કામાંથી પસાર થયેલી હોય છે. માનવજીવન સગવડયુક્ત બને તે માટે દરેક પેઢીનું એક યોગદાન હોય છે. એટલે જ પાછલી પેઢીને આગલી પેઢી કરતા વધુ સારી વસ્તુઓ પ્રાપ્ત થતી રહી છે. જેના વગર આપણું જીવન અટકી પડે એવી અનેક વસ્તુઓમાની એક ચીજ છે પેન. જેને આપણી ભાષામાં આપણે કલમ કહીએ છીએ.  ગુજરાતી ભાષા શીખેલી અનેક પેઢીઓ પહેલો અક્ષર ક શીખીને મોટી થઈ છે. અને શીખવનારે ક કલમનો ક એમ કહીને ક ની ઓળખ કરાવી છે.

રોજ બરોજના ઉપયોગમાં લેવાતા પેન નામના ટચુકડા સાધનનો ઉપયોગ કંઈ આજકાલનો નથી. હજારો વર્ષોથી માણસ પોતાના વિચારોને મૂર્ત સ્વરુપ આપવા પેનનો એટલે કે કલમનો ઉપયોગ કરતો આવ્યો છે. જોકે પેનનો વિચાર રોમની શોધ છે. વર્તમાન સમયમાં આધુનિક લેખન સામગ્રી ઉપલબ્ધ છે. વળી વિજાણું ટેક્નોલોજીએ  કાગળ અને કલમની જરુરીયાતનો પણ છેદ ઉડાવી રહી છે ત્યારે એ વિચાર આવે જ કે માનવ સભ્યતાની શરુઆતે  માણસ કઈ રીતે લખતો હશે ? વાસ્તવમાં લિપિની શોધ પહેલા માનવે પોતાના વિચારોને ચિત્ર અને આકૃતિઓ દ્વારા વ્યક્રત કર્યું હતું. સમય જતાં લિપિની શોધ થઈ તે સાથે તેને એવી સપાટીની જરુર પડી જેના પર અક્ષર અંકિત કરી શકાય. તત્કાલિન ચિત્રલિપિ માટે સપાટ પથ્થર( શીલા), વિવિધ ધાતુઓના પતરાં, લાકડું, ચામડું જેવા પદાર્થો વપરાતા હતા. અને એના પર અક્ષરો કોતરવામાં કે ઉપસાવવામાં આવતા હતા. એ માટે અણીદાર સાધનો હતાં. આ હતી આજની પેનની સંકલ્પના. પરંતુ સમય જતાં રંગીન પ્રવાહી દ્વારા લખવાનો વિચાર આવ્યો  જેણે એક એવા સાધનની જરુરીયાત ઉભી કરી જેમા રંગીન પ્રવાહી ભરી શકાય  અથવા બોળીને લખી શકાય. આ વિચારની સાથે કોતરકામથી લખવાની પધ્ધતિ જૂની અને ખાસ સંજોગોની ગણાવા લાગી. કાગળની શોધ હજુ ન્હોતી થઈ તે પહેલા નરમ અને વળી શકે તેવા પદાર્થો પર લખાવાનું શરુ થયું. એ માટે કાપડ, ભોજપત્ર, તાડપત્ર, અગરુપત્ર જેવા નરમ પદાર્થોનો વપરાશ શરુ થયો. ભારતીય વેદકાલીન અને તે પછીના સમયમાં રચાયેલા ગ્રંથો ભોજપત્ર અને તાડપત્રો ઉપર લખાયા હોવાનું જાણકારો કહે છે. ભારતીય સંસ્કૃતીમાં લેખન કરતા ઋષિઓના ચિત્રોમાં હાથમાં મયુરપંખની કલમ દર્શાવાય છે. મોર પક્ષીજગતનું સોથી લાંબા પીંછા ધરાવતું પક્ષી છે. અને તેના પીંછાંના મૂળનો ભાગ પારદર્શક, સખત અને અંદરથી પોલાણવાળો હોય છે. રોમની સભ્યતાએએ પણ લખવા માટે શરુઆતમાં પક્ષીના પીંછાંમાંથી બનાવેલી સળીનો જ ઉપયોગ કર્યો છે.

PEN  શબ્દમૂળ લેટીન ભાષાના PINNA શબ્દ ઉપરથી આવ્યો છે. PINNA નો અર્થ પીંછું થાય છે. ઈસ્વીસન પૂર્વે ૩૦૦૦ વર્ષ પહેલા ઈજીપ્તની પ્રજા પક્ષીના પીંછાંમાંથી બનેલી પાતળી સળીથી સ્કોલ ઉપર લખતા હતા. જે લખાણ હીબ્રુ ભાષામાં હતું. જેને રીડ પેન કહી શકાય. સમય જતા રોમનું પતન થયું. રોમ ઉપર યુરોપીયનોએ કબજો જમાવ્યો. પરંતુ યુરોપિયનોને ઘાસના જંગલમાં છુપાયેલાં ખાસ પ્રકારના પીંછાં મેળવવાની મુશ્કેલીઓ પડવા માંડી એટલે તેમણે વૃક્ષોની દાંડીઓનો ઉપયોગ ચાલુ કર્યો. જે લગભગ પંદરસો વર્ષ સુધી ચાલુ રહ્યો. એક આશ્ચર્ય કહી શકાય કે વિશ્વમાં અનેક ભાષાઓની લિપિઓ રચાઈ ગઈ, તેનું વ્યાકરણ રચાયું, કાગળ શોધાયો, તેમ છતાં લખવા માટે સગવડવાળું સર્વને ઉપયોગમાં આવે એવું સાધન શોધાયું નહીં. વિશ્વનો ઈતિહાસ અને માનવયાત્રાના મહત્વના પડાવો અણઘડ સાધનોથી જ લખાતા રહ્યા.

આજના વિદ્યાર્થીને કલ્પના પણ ન આવે કે હજુ સાઈઠ વર્ષ પહેલા પેનમાં શાહી ભરવી એ જટીલ કામ હતું. એટલું જ નહીં શાહીવાળા હાથ કે કપડાં એ ભણેલા હોવાનો પ્રથમ પુરાવો હતો. આજે ભારતમાં જેને બોલપેન કહેવાય છે એ કાર્બન પેનનું આખાય વિશ્વમાં ચલણ છે. પરંતુ બોલપેનની શોધને માત્ર ૮૦, હાં જી એંસી જ વર્ષ થયાં છે. એ પહેલાની પેઢીઓ ફાઉન્ટન પેનથી લખી લખીને પોતાના વિચારો અમર કરી ગઈ છે. અમેરિકા અને ભારતનું બંધારણ પણ ફાઉંટન પેનથી જ લખાયું છે. જોકે ૧૭૮૭માં અમેરિકાનું બંધારણ લખાયું અને તેના પર જે સહી કરવામાં આવી તે ફાઉન્ટન પેનનું પ્રારંભિક સ્વરૂપ હતું. ગ્રીકોએ બનાવેલી  પેનમાં બે હજાર વર્ષ પછી મહત્વનો ફેરફાર કરાયો હતો. ૧૭૭૨ના ધ ટાઈમ્સમાં આ નવી પેનની શોધની નોંધ લેવામાં આવી હતી. માનવ ઈતિહાસમાં કોઈ સાધન એક જ સ્વરૂપમાં લાંબો સમય ચાલ્યું હોય તો એ પેન છે. જગતનું આ એક રોમાંચક સત્ય છે.

ફાઉન્ટન પેનનું એક આશ્ચર્ય એ પણ છે કે સૌથી વધુ વખત ફાઉંટન પેનની  પેટન્ટ નોંધાઈ છે. ૧૮૮૪માં લેવિસ એડસન વૉટરમેને કોઈપણ પ્રકારની ખામી વિનાની લખવામાં સરળ રહે એવી ફાઉન્ટેન પેનની શોધ કરી જેમાં શાહી પુરવા માટે જુદી જુદી વ્યવસ્થાઓ કરેલી હતી. જેને લોકોએ ખૂબ આવકારી. તે પછી પેટ્રોકેમીક્લ ઉદ્યોગ વિકસ્યો. જેના પરિણામે યુરોપની બજારોમાં ફાઉન્ટન પેન એક ઘરેણું બની ગઈ. હાથીદાંત અને સોનાની રત્ન જડીત ફાઉન્ટન પેન એક શાખ બની ગઈ. આવી ફાઉન્ટ્ન પેન્સ હવે રોયલ મ્યુઝમોમાં વિતેલા સમયનો ચળકાટ પાથરે છે.

ભારતમાં ફાઉન્ટન પેન લાવવાનો શ્રેય કેમલ કંપનીને જાય છે. જૂની પેઢીને યાદ હશે કે ફાઉન્ટન પેન રાખનારાએ શાહીનો ખડિયો પણ રાખવો પડતો. એ સિવાય પીપરમેન્ટ જેવી એક ટીકડી પણ લાલ અને વાદળી શહી બનાવવા માટે મળતી. કેમલ કંપનીએ ૧૯૪૫ની આસપાસ ભારતની બજારમાં ફાઉન્ટન પેન મૂકી. જોકે તે પછી આજ સુધી અનેક નામાંકિત કંપની સહિત અનેક પ્રકારની ફાઉન્ટન પેન વપરાય છે. ફાઉંન્ટન પેન એક એવું વિચિત્ર સાધન છે  જેમાં કોઈ ખામી સર્જાય તો એ કપડાં બગાડે. એટલે જ આઝાદ ભારત પછીના ત્રીસ વર્ષ સુધી વિદ્યાર્થીઓ, કર્મચારીઓ,, શિક્ષકો, લેખકો, વકીલો, નામું લખનારા મુનીમો, સહીતના લોકોના ઘરની સ્ત્રીઓ ખીસ્સા ઉપર પડેલા કાળા અને વાદળી રંગના ડાઘા કાઢવા શક્તિ અને સાબુ વેડફતી રહી.

યુરોપની જેમ ભારતમાં પણ ધાર્મિક પ્રતીકોવાળી ફાઉન્ટન પેન ખૂબ વેચાઈ. તો ગણેશ, શિવ, બુધ્ધના નામની સોના ઉપર હીરાજડીત ફાઉન્ટન પેનના ૧૦૮નંગ તૈયાર થયા હતા. જેની કિંમત એ વખતે સાડા સાત લાખ રુપિયા હતી. એ પેન પણ બહુ ઝડપથી વેચાઈ હઈ હતી. સાદગીના પ્રતીક એવા ગાંધીજીના નામે પણ અતિ મોંઘી ફાઉન્ટન પેન તૈયાર થઈ હતી. ગાંધીજીની દાંડીકૂચની યાદમાં ૨૦૦૯માં એ પેન બનાવવામાં આવી હતી જેની કિંમત ૧૪ લાખ રુપિયા હતી. અભિનેતા પંકજ કપૂરે પોતાની ફિલ્મની હીરોઈન સોનમને ૨૭ લાખની કિંમતની હીરા જડીત પેનની ભેટ આપી હતી એવા સમાચારોએ ચર્ચા જગાવી હતી. આ ગરીમાપુર્ણ સાધન ભલે ઈતિહાસ બનતું જતું હોય પરંતુ તેની યાદમાં નવેમ્બરના પહેલા શુક્રવારે વિશ્વમાં ફાઉન્ટન ડે ઉજવાય છે.

( અપૂર્ણ )


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. ચિત્રના પ્રકાશાનધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.