ટાઈટલ મ્યુઝીક (૪૨) – ઝિંદગી (૧૯૬૪)

બીરેન કોઠારી

ફિલ્મનાં ગીતો ફિલ્મનો અનિવાર્ય હિસ્સો ગણાતાં એ યુગ છેક હમણાં સુધી ચાલ્યો. સિત્તેરના દાયકા સુધી તો ઘણા હીરોની ઓળખ પડદા પર તેમણે ગાયેલાં ગીતો થકી હતી. અમુક ચોક્કસ ગાયક, ચોક્કસ સંગીતકાર, અને તેને લઈને સાથે આવતા ગીતકાર અમુક મોટા કલાકારોની પડદા પરની ઓળખ માટે કારણભૂત બની રહ્યા. 

આવા દૌરમાં ગણતરીના સંગીતકારો પણ સ્ટારડમ ભોગવતા હતા, જેમાં શંકર-જયકિશનનું નામ તરત યાદ આવે એવું છે. રાજ કપૂરની ફિલ્મ થકી તેમણે કારકિર્દીનો આરંભ કર્યો, અને રાજ કપૂર નિર્મિત તેમજ એ સિવાયની પણ રાજકપૂર અભિનિત ઘણી ફિલ્મોમાં તેમણે સંગીત પીરસ્યું. તેમની સાથે શૈલેન્દ્ર અને હસરત જયપુરી જેવા ગીતકારો હતા. આ ત્રિપુટીએ રાજ કપૂર ઉપરાંત દેવ આનંદ, રાજેન્દ્રકુમાર, રાજકુમાર, શમ્મી કપૂર જેવા લોકપ્રિય કલાકારોની કેટલીક ફિલ્મોમાં પણ સંગીત પીરસ્યું, અને અમુક હદે પડદા પર તેમની ચોક્કસ પ્રકારની છબિ ઉપસાવવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. એ કલાકારોની ફિલ્મ માટે સંગીતબદ્ધ કરેલાં ગીતોની શૈલી રાજ કપૂરની ફિલ્મોનાં ગીતો કરતાં અલગ, છતાં શંકર-જયકિશનની ખાસિયતથી ભરપૂર હતી. આમ છતાં, માં શંકર-જયકિશનની અલગ અલગ પાંચ-સાત શૈલી મુખ્ય જોવા મળે છે. તેમણે મુખ્યત્વે ફિલ્મમાંથી કોઈ એક જ ગીતની ધૂનને પ્રાધાન્ય આપીને ટાઈટલ મ્યુઝીકમાં ઉપયોગ કરેલો જણાય છે. આ ગીત મોટે ભાગે ફ્લૂટ પર, સિતાર પર, ટાઈશોકોટો યા મેન્‍ડોલીન પર કે કોરસ દ્વારા ટાઈટલ મ્યુઝીક તરીકે વગાડવામાં આવે. અને પશ્ચાદભૂમાં શંકર-જયકિશનના અતિ પ્રિય એવાં તંતુવાદ્યસમૂહ એટલે કે સ્ટ્રીંગ ઈ‍‍‍‍ન્‍સ્ટ્રુમેન્ટ એવાં વાયોલિન અને એકોર્ડિયન તો ખરા જ. ‘તીસરી કસમ’નું ટાઈટલ મ્યુઝીક કદાચ એવું એક માત્ર હશે કે જેમાં શંકર-જયકિશનનું સંગીત હોવા છતાં વાયોલિનસમૂહ ગેરહાજર હોય. 

૧૯૬૪માં રજૂઆત પામેલી રામાનંદ સાગર નિર્મિત-દિગ્દર્શીત-લિખીત જૈમિનીની ફિલ્મ ‘ઝીંદગી’માં રાજેન્‍દ્રકુમાર, વૈજયંતિમાલા, રાજકુમાર, મેહમૂદ, જયંત, જીવન, કનૈયાલાલ, ધુમાલ જેવા કલાકારો હતા. હસરત જયપુરી અને શૈલેન્‍દ્ર દ્વારા લખાયેલાં કુલ 11 ગીતો હતાં. 

‘હમ દિલ કા કંવલ દેંગે’ (લતા), ‘ઈક નયે મેહમાન કે આને કી ખબર હૈ’ (લતા), ‘હમને જફા ન સીખી’ (રફી) અને ‘મુસ્કુરા લાડલે મુસ્કુરા’ (મન્નાડે) – આ ચાર ગીતો શૈલેન્‍દ્રે લખેલાં હતાં. આમાંનું ‘મુસ્કુરા લાડલે મુસ્કુરા’ મન્નાડેના ઉત્તમ ગીતોમાંનું એક કહી શકાય એવું, છતાં પ્રમાણમાં ઓછું જાણીતું ગીત છે. આ ઉપરાંત ‘ઘુંઘરવા મોરા છમ છમ બાજે’ (આશા, રફી), ‘પહલે મિલે થે સપનોંમેં’ (રફી), ‘દિલ કો બાંધા જુલ્ફ કી જંઝીર સે’, ‘આજ ભગવાન કે ચરણોં મેં ઝુકાકર સર કો’, ‘હમ પ્યાર કા સૌદા કરતે હૈં ઈક બાર’ (લતા-ભાગ 1 અને 2), ‘છૂને ન દૂંગી મૈં હાથ રે’ (આશા, લતા) અને ‘પ્યાર કી દુલ્હન સદા સુહાગન’ (લતા) હસરત જયપુરી દ્વારા લખાયેલાં હતાં. 

આટલાં બધાં ગીતો હોય તો ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં કયા ગીતની ધૂન લેવી? આવો સવાલ કે મૂંઝવણ સંગીતકારને થતાં હશે કે કેમ એ ખબર નથી. પણ તેમની દૃષ્ટિ બહુ સ્પષ્ટ હશે કે અમુક જ ગીતની ધૂન ટાઈટલ મ્યુઝીક તરીકે જોઈએ. 

એ મુજબ અહીં ‘પહલે મિલે થે સપનોં મેં’ની ધૂનને ટાઈટલ મ્યુઝીકમાં વાપરવામાં આવી છે, જે કાનને ખરેખરો જલસો કરાવે છે. 

આ ટ્રેકમાં 0.38 થી ટાઈટલ મ્યુઝીક આરંભાય છે, અને ફૂંકવાદ્યો તથા તંતુવાદ્યસમૂહથી તેનો ઉઘાડ થાય છે. એ પછી સિતાર પર આરંભાતી ‘પહલે મિલે થે સપનોં મેં’ કાનને સુખદ અને મધુર આશ્ચર્ય આપે છે. વચ્ચે વચ્ચે એકોર્ડિયનના પીસ હાજરી પૂરાવે છે. 1.31 થી ગિટાર પર ઈન્ટરલ્યુડ સંગીત આગળ વધે છે, અને તેની સમાંતરે વચ્ચે વચ્ચે એકોર્ડિયન વાગે છે. વળી પાછું 1.32 થી સિતાર પર મુખ્ય ધૂન આગળ વધે છે. તેની વચ્ચે જરૂર મુજબ એકોર્ડિયન હાજરી પુરાવે છે. 1.57 થી

તંતુવાદ્યસમૂહ પર સમાપનસંગીત શરૂ થાય છે અને 2.06  પર ટ્રેક પૂરી થાય છે. 
આ ટ્રેક સાંભળતાં એક તારણ એ નીકળ્યું કે તંતુવાદ્યસમૂહ કે ફૂંકવાદ્યસમૂહની સામે ફ્લૂટ કે સિતાર જેવા એકલવાદ્યનું સંયોજન ગજબ વિરોધાભાસ રચે છે, અને એકલવાદ્યના માધુર્યની અસરને અનેકગણી વધારી આપે છે. આ ધૂનમાં વચ્ચે માત્ર સિતાર અને એકોર્ડિયનની જુગલબંદી છે. પૂર્વ અને પશ્ચિમનો અદભુત સુમેળ કાનને ખરેખર જલસો કરાવે છે. 

અહીં એટલું કબૂલું કે અત્યાર સુધી ‘પહલે મિલે થે સપનોં મેં’ ગીતને હું હસરતે લખેલા અને શંકર-જયકિશને સ્વરબદ્ધ કરેલા એક સરેરાશ ગીત તરીકે જ સાંભળતો હતો. આ ટાઈટલ ટ્રેક સાંભળ્યા પછી એ ગીતે મારા મનમાં નવેસરથી સ્થાન જમાવ્યું છે. 

અહીં આપેલી આખી ફિલ્મની લીન્‍કમાં 0.38 થી 2.06 સુધી #ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે. 

કેવળ નોંધ ખાતર એટલી માહિતી કે આ ઉપરાંત ‘ઝિંદગી’ નામની બીજી ચાર, એટલે કે આના સહિત કુલ પાંચ ફિલ્મ બની હતી.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

1 thought on “ટાઈટલ મ્યુઝીક (૪૨) – ઝિંદગી (૧૯૬૪)

  1. આ એવી ફિલ્મો છે જે પહેલી વાર તે રીલીઝ થઈ તે સમયે જોયા બાદ પછીથી ક્યારેય જોઈ ન હોય, ભલે તેનાં ગીતો સંભળતાં જ રહ્યાં હોઈએ.
    આજે બીરેનભાઈનો લેખ વાંચતાં ધ્યાન આવ્યું કે આ ફિલ્મનાં ગીતો ફરી ફરી સાંભળતાં કોઈ કોઈ ગીતોમાં ક્યાંક ક્યંક શંકર જયકિશનનો ચમકારો ધ્યાન પર આવતો હોય, જેમકે ‘પહલે મિલેથે સપનોંમેં’ ના બીજા અંતરાના ઈન્ટરલ્યુડમાં @૧.૪૯ પર વાયોલિન સમુહના ટુકડાનો પ્રયોગ.
    પરંતુ અહીં કેડીટ ટાઇટલ્સમાં જે રીતે ગીતના બોલ માટે સિતારનો પ્રઓગ કરીને તેની સાથે ગીતનાં બીજાં વાધ અંગોને સાંકળી લેવાયાં છે તેને કારણે ગીતનું માહાત્મ્ય અનેક ગણું વધી જાય છે.
    આવી બાબતો પહેલી વાર ફિલ્મ જોતી વખતે વિચારવાની , સમજવાની ઉમર પણ ન હતી. તે સમયે તો ફિલ્મનાં ટાઈટલ્સથી જ ખડાં થતાં વાતવારણમાં મુગ્ધ બની જવામાં જ ટિકિટના પૈસા વસુલ થતા જણાતા તેનો જ રાજીપો રહેતો.

Leave a Reply

Your email address will not be published.