મોજ કર મનવા – ચરણ આપણા

કિશોરચંદ્ર ઠાકર

ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ મુજબ પૃથ્વી પરના સજીવોનો ક્રમે ક્રમે વિકાસ થતા તે વધુને વધુ ઉચ્ચ કક્ષાના જીવો બનતા ગયા.  પછીથી  ચોપગા પશુઓ, વાનર, અને છેવટે આજનો માણસ બન્યો. વાચકોને  હું અભયદાન  આપું છું કે મારો ઈરાદો ઉત્ક્રાંતિવાદ સમજાવવાનો લગીરે નથી, પરંતુ  આપણા દેહનો ભાર જે હંમેશા ઝીલતા આવ્યા  છે તે આપણા પગની વીતકકથા કહેવાનો આશય છે. તો સૂણજો (વાંચજો)સહુ એ કથા.

         એક સમયે આપણો એટલે કે ‘મનુષ્ય’નો  પૂર્વજ પણ ચોપગો  જ હતો, અને તેના દેહનો ભાર  ચારેચાર પગને ઉચકવો પડતો. પરંતુ કોઈ એક દિવસે, આપણો કોઈ એક  પૂર્વજ કોણ જાણે  સરકસનો ખેલ બતાવવાની ઈચ્છાથી કે કેમ,  તેના પાછલા  બે પગ પર ટટ્ટાર ઊભો રહ્યો.  બસ ત્યારથી તે બે પગનાં  કમનસીબ  બેઠાં  તથા  આજે જેને આપણે  હાથ કહીએ છીએ તેમનાં નસીબ ખૂલી ગયાં.  મને લાગે છે કે  જેના પર માણસ પ્રથમ વાર ટટ્ટાર ઊભો રહ્યો હતો તે પગની શક્તિના પેલા આગળના પગે  વખાણ કર્યા હશે કે “ભાઈઓ, તમારી પાસે તાકાત ખૂબ જ છે. માનવદેહનો ભાર ઉપાડવાને તમે બે સક્ષમ અને પૂરતા છો.” વખાણથી ફુલાઈને પેલા બે પગે તો આગળના પગની મદદ વિના જ કામ ચલાવ્યું. કામ ઘટતાં આગળના પગનું નામ પણ બદલાયું અને પગને બદલે ‘હાથ’  તરીકે ઓળખાવા લાગ્યા. આમ પગ હાથના પૂર્વજ  બન્યા.  ત્યાર પછી માણસે હાથને ભાતભાતની  કેળવણી આપીને તેનું  કૌશલ્ય એ પ્રકારે વધાર્યું કે જેમાં શ્રમની જરૂર ઘટતી જાય. પરિણામે, જેમ માણસ ભણીગણીને  કોઈ ઉચ્ચ હોદ્દા પર પહોંચીને શારીરિક શ્રમ ઓછો  કરવામાં પોતાનાં શિક્ષણની  સાર્થકતા સમજે છે, તેમ હાથે પોતે તો શરીરનો બોજો ઉપાડવાનું બંધ કરી દીધું,  ઉપરાંત  કેટલાક બાપકર્મી  સંતાનોની જેમ પોતાનો ખુદનો બોજો પણ પગ પર નાખી દીધો!.  આપણાં  શિક્ષણનો  હેતુ પણ એ જ છે ને, કે આપણો બોજો અન્ય પર લાદી શકાય!

        એક સવાલ એવો થવો સ્વાભાવિક છે કે જે મૂળે તો પગ જેવા પગ જ હતા તેમને ભારવહનમાંથી મુક્તિ મેળવવાનો ચાલાકી ભર્યો વિચાર કેમ આવ્યો હશે? પરંતુ આપણાં શાસ્ત્રમાં બધા જ સવાલોના ઉત્તર છે એવી પુરાણા કાળથી ચાલતી આવેલી અને હાલના દિવસોમાં રાજ્યાશ્રયથી દૃઢ બનેલી માન્યતામાં શ્રદ્ધા રાખીને  મેં  ભગવદગીતામાંથી તેનો જવાબ મેળવવા પ્રયાસ કર્યો અને જવાબ મળી પણ ગયો.

         ગીતામાં ભગવાન કૃષ્ણે ઉચ્ચ વર્ણના કહેવાતા બ્રાહમણને પોતાનાં મુખ સાથે સરખાવ્યા છે. જેમ બ્રાહમણ(વિદ્વાન)નું મુખ્ય કાર્ય પ્રવચન કરવાનું અને જમવાનું જ હોય છે, તે રીતે મુખનું કામ પણ બોલવાનું અને જમવાનું  છે.  એથી કદાચ ભગવાનનું  મુખ ઉચ્ચ એવાં બ્રાહમણત્વને પામ્યું હશે. ઈશ્વરના અંશ એવા આપણે પણ આપણા મુખને પવિત્ર બ્રાહમણ જેવું જ માનવા લાગ્યા. પછીથી નવચંડી જેવા યજ્ઞના આચાર્યની નજીક બિરાજેલા વરુણો પણ પવિત્ર ગણાય છે તેમ પૂજનીય એવા મુખની નજીક જે બે પગ હતા તેઓ પણ પવિત્રતાને પામ્યા હશે અને આ પ્રકારની પવિત્રતાની અસરથી તેમને ભાર ઉપાડવાનાં શૂદ્રકર્મને ત્યજી દેવાની યુક્તિ સૂઝી હશે!

         જે પણ થયું, પગે તો સમાજના શોષિતો અને પીડિતોની જેમ પોતાની નિયતિ માનીને સ્વીકારી લીધું. માણસ અગાઉ કરતા પણ વધારે પગનો ઉપયોગ કરીને વધુને વધુ દૂરના પ્રવાસે નીકળી પડ્યો. નવા નવા પ્રદેશો તેણે શોધ્યા અને પગની સહાયથી પોતાનો વિકાસ કરવાનું કામ આગળ વધાર્યું.

         પોતના બચાવમાં હાથ કહી શકે કે  “ભાઈ પગની પ્રશંસા છો કરો,  પરંતુ અમે કાંઈ આરામથી બેસી રહ્યા નથી” વાત સાચી છે કે પછીથી આદિ માનવ હાથનો ઉપયોગ શિકાર માટે પથ્થર ઘસીને હથિયારો બનવવામાં અને તેના વડે શિકાર પર પ્રહાર  કરવામાં કરવા લાગ્યો.  પરંતુ આ માટે તેણે પગની મદદ તો લેવી જ પડી. પગની મદદ વિના થોડું શિકાર પાછળ દોડી  શકાય?  આજે પણ આપણે હાથ પાસેથી ઘણા  કામ લઈએ છીએ, પરંતુ તેમાંનાં બહુ ઓછા કામ એવા છે કે જેમાં પગની સહાય લેવામાં નથી આવતી.  

          અગાઉ તીર્થયાત્રા પગપાળા જ થતી. પરંતુ વાહનની સુવિધા ઊભી થતાં લોકોએ તે માટે પગને તકલીફ આપવાનું બંધ કર્યું.  આમ છતાં આજે બોલબાલા તો પગપાળા સંઘોની જ છે. માન્યતા એવી છે કે  તીર્થયાત્રા પગપાળા કરવામાં  અધિક પુણ્ય મળે છે.  જેની ખૂબ જ તંગી પ્રવર્તે છે તે સમયની બચત કરવા માટે  સુલભ એવા વાહનનો ઉપયોગ છોડીને પગને પરેશાન કરવામાં અધિક પુણ્ય કેમ મનાયું હશે એ સમજાતું નથી.  વિચાર કરતા એમ લાગે છે કે, નોકર આરામથી નવરો બેસી રહે એ પસંદ પડતું ના હોવાથી માલિક તેના માટે કશું ને કશું કામ ખોળી કાઢે છે, તે જ રીતે આપણા પગને આરામ આપવાનું આપણા સામંતશાહી માનસને પસંદ નહિ હોવાથી તીર્થયાત્રામાં અધિક પુણ્યને નામે પગનું  શોષણ કરવાનું ચાલું રાખવામાં આવ્યું હશે.

         પણ સમાજ સાવ નગુણો તો નથી જ.  પીડિત સમાજનું શોષણ ભલે ચાલું રહે ,પરંતુ પ્રતીક તરીકે તેમાનાં કોઇને શોધીને તેને ઉચ્ચ હોદ્દો આપીને કે અન્ય કોઈ રીતે તેનું સન્માન કરવામાં આવે છે. આ પ્રમાણે  અમુક ચોક્કસ  પગને પવિત્ર માનીને પૂજનીય ગણવામાં આવે છે.  સાધુસંતોના ચરણને  પવિત્ર માનીને તેમના પગલાં  પોતાનાં ઘરમાં થાય તેમાં  શ્રદ્ધાળુઓ પોતાનું શ્રેય સમજે છે. જો સંત ભગવાનની કક્ષાના  હોય તો તેમના ચરણને પ્રક્ષાલવા સુધીનું પૂજન કરવામાં આવે છે. શ્રદ્ધા જો માજા મૂકે તો પ્રક્ષાલનમાં વપરાયેલા જળનું આચમન પણ કરવામાં આવે છે. રામાયણના કેવટે રામચંદ્રજીના પગ ધોવા માટે તો યુક્તિ કરવી પડી હતી. જમાઈને ભલે આપણે દસમો ગ્રહ કહેતા હોઈએ, પરંતુ લગ્નવિધિ વખતે એ દસમા ગ્રહના ચરણને પવિત્ર માનીને તેનો અંગૂઠો  ધોવામાં આવે છે. વડીલો કે અન્ય પૂજનીય વ્યક્તિને વધુ ભાવથી વંદન કરવું હોય તો તેમના ચરણસ્પર્શ કરાય છે. “લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણુ, પગલીનો પાડનાર દે ને રન્નાદે” એવી રવિભાર્યાને કરવામાં અવતી પ્રાર્થનામાં  જે હજુ પૃથ્વી પર અવતર્યો જ નથી તેના પગ પણ પવિત્ર  હશે એવો ભાવ પણ છે.   

         કાર્યની કક્ષા પ્રમાણે પગનું નામ પણ બદલાતું રહે છે. પગની પૂજનવિધિને પગપૂજા ન કહેતા   તેને  સુસંસ્કૃત એવું  પાદપૂજા નામ આપીએ છીએ. વડીલોના પગને સ્પર્શ કરવાને ચરણસ્પર્શ કહીએ છીએ. પરંતુ  કોઇ પદોન્નતિ પામેલાની અવનતિ કરવાની વિધિને ‘ટાંટિયાખેંચ’ કહીને પગને ‘ટાંટિયા’  એવું નિમ્ન કક્ષાનું  નામ આપવામાં આવે છે. જેમ  કબડ્ડીની રમતમાં તેમ રાજકારણમાં પણ આ વિધિનાં કૌશલ્ય વિના સ્થાન જમાવી શકાતું નથી.  

         અરે, આ તો મારો પગફેર થઈ ગયો. જ્યાં બિલકુલ જવા જેવું  નથી એવા રાજકારણ સુધી પહોંચી ગયો. તો પછી આપણા ચરણે ક્યાં જવું જોઈએ?  જવાબ મળે છે કવિવર ટાગોરની આ કાવ્યપંક્તિમાંથી

   * “ચરણ આપણા ક્યાં બિરાજે?
             સૌથી દલિત, સૌથી પતિત  
                 રંકના ઝૂંપડાંમાં જ્યાં,
           પાછામાં પાછા, નીચામાં નીચા,
                 દુબળા બાપડા જ્યાં બિરાજે“  

         ખરેખર ચરણના  બિરાજવાથી રંકના ઝૂંપડાને પવિત્ર  માનવાને બદલે આપણા ચરણને જ પવિત્ર થયા એવું હૃદયપૂર્વક માનવામાં  જ દરિદ્રો માટેના   ‘દરિદ્રનારાયણ’ નામની  સાર્થકતા છે.


(* કવિવર ટાગોરનાં કાવ્યના શ્રી જુગતરામ દવેએ કરેલા અનુવાદની પંક્તિ)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: admin

7 thoughts on “મોજ કર મનવા – ચરણ આપણા

  1. કિશોરચંદ્રભાઇનો પગ વિષેનો લેખ વાંચ્યો. મજા આવી સાથે પગ કે જેના પર આપણુ દ્યાન ભાગ્યે જ જાય. સમાજના મુકસેવકની જેમ એની સેવા અદ્રશ્ય રહે. જયારે એ અટકે ત્યારે જ એનું મહત્વ સમજાય. ઘણી વાર લોકો જમણવાર કે તહેવારોમાં મનગમતી વાનગી વધારે આરોગે ને મન મનાવે કે કાલે બે માઇલ વધારે ચાલી કે દોડી નાખીશું. બીજે દિવસે ચાલવાનું શરુ કરે તો પગ એમ કહીને બળવો કરે કે ભાઇ, સ્વાદ તો જીભે માણ્યો, બાકી હતુ તે પેટને થોડો ભાગ મળ્યો. મને શું મળ્યુ? હવે જીભ ને પેટનો દોડવાનું કહો.મને શાંતિથી સુવા દો! તો?

  2. કિશોરભાઇ , આપનો હળવો લેખ “ચરણ આપણા “ વાંચ્યો બહુ મજા આવી આપણા પગ કે જેને આખા દેહનો ભાર વહન કરવા છતા મળે છે તો જૂતા જ . ખરેખર તો એનુ મહત્વ ત્યારે જ સમજાય જ્યારે એ અટકે હાથ ભલે બહુ ગર્વથી કહેતા હોય કે અમે સશક્ત છીએ પણ પગ અટકે ત્યારે હાથને સમજાય કે પગ વિના આપણે અધુરા છીએ

Leave a Reply

Your email address will not be published.