અહા,પોપટ મીઠ્ઠું, શિર્ષાશન અવસ્થામાં પણ ઊંઘે
જગત કીનખાબવાલા
અવાજની મીઠાશને કારણે તેનું લાડકું નામ પડ્યું *મીઠ્ઠું*. નાનું બાળક હોય કે મોટેરું કોઈપણ, દરેક જણ પોપટને ઓળખે, જોયેલો પણ હોય અને જયારે જુવે ત્યારે અચુક ખુશ થાય, મ્હોંના ભાવ બદ્લાઇજાય ! પોપટ પોતાના ઝુંડમાં હરેફરે અને મોજ કરે. અવાજ, ચાલ અને શરીરના વણાંકની મુદ્રા ઘણી લચકીલી અને આકર્ષક લાગે [1].
તેની લચકીલી ચાલ માટે તેના પગની રચના કારણભૂત છે. બીજા, કાબર કે સમડી જેવા પક્ષીઓમાં પગમાં આગળ ત્રણ નખ/ આંગળી હોય છે જયારે પોપટને આગળ બે અને પાછળના ભાગમાં બે નખ/આંગળી હોય છે. તે કારણે તે ચાલે ત્યારે જે તેના પગ પડે તે લચકીલી ચાલ બને. પગની આ રચનાનાં કારણે તે ઊંધા માથે લટકી પણ શકે છે અને ઊંધા થઇ શરીર વાંકુ ચૂકું કરી શકે છે. ઊંધા માથે સુવામાં તેના પગ થકી તેની પક્કડ જળવાઈ રહે છે. આ ઊંધા લટકીને સુઈ શકવાની પ્રક્રિયા બીજા પક્ષી કરતાં જુદી દેખાય અને તમારું ધ્યાન ખેંચે! તેના પગની આ રચનાનો ઉપયોગ બહુ વખત શિર્ષાશન અવસ્થામાં સુઈ જવા માટે કરે. વીજળીના લટકતા તાર ઉપર સૂતી વખતે માથું જમીન તરફ રાખી સુવે. આ રીતે સૂવાથી તેને ઘણો મોટો લાભ થાય છે. ખુલ્લામાં સુઈ જાય ત્યારે શિકારી પક્ષીઓના ધ્યાન ઉપર જલદી પડી જાય. તેવા સમયે શિકારી પક્ષીનો હુમલો આવે ત્યારે તે ખુબ ઝડપથી વીજળીના તાર ઉપરથી પાછળ બે પગની પક્કડ છોડી દઈ ઉડી જઈ શકે છે. પગની આ રચનાના કારણે તે લક્કડખોદ પક્ષીને જેમ ઝાડ ઉપર ચાલતું ચાલતું ચઢી પણ શકે. પૂંછડી લાંબી હોય અને પગ ટૂંકા હોવાના કારણે તેની જમીન ઉપરની ચાલ ધીમી હોય છે.

સાચેસાચ, રંગે રૂપે રૂડું રૂપાળું આ પક્ષી છે. તેનો રંગ એટલો બધો જાણીતો કે રંગની ઓળખમાં પણ *પોપટિયો લીલો* રંગ કહેવાય. દેખાવડા બાળકનું નામ પણ પહેલાના સમયમાં પોપટલાલ રખાતું.
પોપટના ઘણાં પ્રકાર હોય છે. સુડોના/ પોપટના લીલા રંગના ધૂપછાંવ રંગની બારીકી નયનરમ્ય હોય છે જે જુવો તો કુદરતની કમાલ અજીબ લાગે. તેનો રંગ, રૂપ અને દેખાવ ક્યારેક તેના દુશ્મન બને છે અને લોકો તેને પાળીને પાંજરે પુરે છે. આ બુદ્ધિશાળી પક્ષી શીખવાડે તેમ શીખે અને અને માણસનું બોલેલું હૂબહૂ નકલ કરે! તમે જે બોલો તેની પોતાના અવાજમાં નકલ કરે જે સાંભળવું સુમધુર લાગે. તેને સાંભળવાનો આનંદ બીજા લોકોને પોપટ પાળવા પ્રેરે અને તેના પગ ઉપર કુહાડો પડે, પિંજરે પુરાય.
બિચારા પોપટને લોકો પિંજરે પુરે અને તેનો વેપાર થાય. જ્યોતિષ કહેકે તમને રાહુ નડે છે અને દર બુધવારે તમે જો પોપટને પીંજરેથી છોડાવો તો તમને રાહુની ખરાબ અસર પછી થશે. અને આ કાળા માથાનો માનવી આવા જ્યોતિષના ટુચકા માની લઇ લોકોને પોપટ પિંજરે પુરી લાવવા પ્રેરે. ઠેર ઠેર ફૂટપાથ ઉપર પાંજરામાં પૂરેલો પોપટ માણસ લઈને બેઠોલો જોશો. બહાર તેની સામે કાર્ડ પડેલા હોય અને ઘરાક પ્રશ્ન પૂછે, પોપટ જે કાર્ડ ખેંચે તે તમારું ભવિષ્ય ભાખે આમ જેનું ભવિષ્ય બંધાઈ ગયયું છે તે પોપટ તમારું ભવિષ્ય શરુ જશે તે તમને જણાવે અને પાંજરે પૂરનાર કમાય.
*પોપટ પ્રેમનું પ્રતીક* ગણાય છે અને માટે લોક સાહિત્ય અને ગીત, સંગીતમાં પણ હોય છે. બધી ભાષામાં તે ગીત અને સંગીતમાં હોય.
*ડોલે મનડું*
*હૈયે ભર્યા હિલ્લોરા*
*પ્રિયેની યાદ*
હાઈકુ: જગત.કીનખાબવાલા
લગભગ ૭ ઇંચ એટલેકે ૧૬ થી ૧૭ સેન્ટિમીટર લંબાઈનું હોય છે. શરીર કરતા તેની પૂંછડી લાંબી હોય છે, જે લગભગ છ થી સાત ઇંચ લાંબી હોય છે. પૂંછડી લીલાશમાં વાદળી જન્ય વાળી હોય. પગ ઝાંખા ગુલાબી રંગ થી લઇ આછા સિલેટિયા રંગના હોય અને નર પોપટના ગળે ગુલાબી અને કાળો એકમેકને મળી જતો કાંઠલો હોય છે. જયારે માદા પોપટને કાંઠલો નથી હોતો અથવા હોય તો અસ્પષટ કાંઠલો હોય છે. બાળ પોપટમાં ક્યાંતો ઝીણી છાંટવાળો સ્લેટીયા રંગનો કાંઠલો હોય કે લીલો રંગજ હોય. પોપટની ચાંચ લાલ રંગની હોય છે.
તે શાકાહારી પક્ષી છે. ખોરાકનો ખુબ બગાડ કરે તે તેને મોટી કુટેવ. ફળ અને મરચાં ખાવાના શોખીન અને તેના લીધે ખેડૂતને નુકશાન કરે. તેમને ખોરાકમાં સૂર્યમુખીના બીજ અને સીંગ બહુ ભાવે અને તેની તંદુરસ્તી પણ તેનાથી સારી રહે. ખોરાકમાં અનાજના દાણા અને કઠોળના બીયા પણ ખાય. *ડાળી ઉપર એક પગ રાખી બીજા પગે ફળ પકડી રાખે અને અદાથી આરોગે જે ઠાવકું લાગે.*
ગમે ત્યાંથી બોલે પણ તરત તેના અવાજથી ઓળખાઈ જાય અને ઝુંડમાં બોલે તો અચુક ખુબ અવાજ કરે, કિલબિલાટ, કિલબિલાટ. ભારતનું ગરમ તથા યુરોપનું ઠંડુ તેવા વિવિધ તાપમાન સહન કરી શકે. હાલમાં વિકાસ સાથે શહેરી વિસ્તારમાં તેમની સંખ્યા ઘટી ગઈ છે. તેમને માળો ભરવા માટે જાંબુ જેવા પોચા લાકડાના ઝાડ નથી મળતાં કે જેની બખોલમાં ઈંડા મૂકી શકે કે ખાવા માટે ફળના વૃક્ષ નથી મળતાં. ખજૂરી અને પામના વૃક્ષોમાં કે મકાઈના ખેતરમાં માળો બનાવે અને ફળ પણ ખાય. એપ્રિલ થી જૂન સુધી બચ્ચાને ઉછેરે અને ચોમાસુ બેસતાં સુધીમાં બચ્ચા સ્વતંત્ર થઇ જીવન ગુજારે.
નર પોપટ માદા પોપટને પ્રેમ માટે રિઝાવતો હોય તે જોવા જેવું હોય છે. ધીરે ધીરે માદાની બાજુમાં ઠાવકાઈથી ચાલે અને માદાના માથે અને ડોકમાં પોતાની ચાંચ કોમળતાથી ફેરવે અને ગલી ગલી કરે, માદાની ચાંચમાં પોતાની ચાંચ ભરાવે અને સાથે ગળામાંથી ચતુરાઈથી પ્રેમસભર કોમળ અને મૃદુ અવાજ કાઢે. પોપટ ફક્ત એકજ સાથીદાર સાથે જીવન ગુજારે તેવું નથી હોતું.
*અલ્લડ પ્રેમ*
*તારી યાદ સતાવે*
*આવરે સખી*
હાઈકુ: જગત.કીનખાબવાલા
લાંબા અંતર સુધી નિયત જગ્યાએ ખોરાક માટે જાય અને સાંજે પોતાના વિસ્તારના વૃક્ષ ઉપર પોતાના ઝુંડમાં રાતવાસો કરે. સાંજે પાછા આવે ત્યારે ઝાડ ઉપર આકાશમાં અવાજ કરી કરીને પોતાના ઝુંડના જોડીદારો પાછા આવી ગયા છે તેની ખાતરી કરીલે અને છુટા પડી ગયેલાઓને સતત ઉડતાં રહી પોતાના ઝુંડનો વિસ્તાર બતાવે. આ દ્રશ્ય ખરેખર આહલાદક હોય છે.
(સાથે જે વિડિઓ લેખકના ઘરે લેખકે ઉતારેલી છે. ફોટો કર્ટસી મિત્ર શ્રી મનીષ પંચાલ).
લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
*Author of the book:* – *Save The Sparrows*
Email: jagat.kinkhabwala @gmail.com