લ્યો, આ ચીંધી આંગળી : શું છે આ ‘તાપીપુરાણ’?

તાપી તટના રહેવાસીઓ ઉપરાંત સમગ્ર નદીપ્રેમી સમુદાયના રસિકો આ જાણે છે ?

શું છે આ ‘તાપીપુરાણ’?

રજનીકુમાર પંડ્યા

ભાવિકો અને ભક્તો કોઇ પણ મંદિરના પરિસરમાં પ્રવેશ કરતાની સાથે જ પહેલો સવાલ એ પૂછતા હોય છે કે શું છે આ મંદિરનું ‘માતમ્ય’ મતલબ કે મહાત્મ્ય ?

પણ તાપી કિનારાના એક મંદિરમાં પ્રવેશીને જૂતાં ઉતારતાંની સાથે જ સુરતના તરવરીયા અને દૃષ્ટિવંત પત્રકાર- પ્રેસ તસ્વીરકાર ઐલેશ શુકલને ત્યાંના ટ્રસ્ટીઓ સેવકો જ ઘેરી વળ્યા. અણધાર્યો જ સવાલ પૂછ્યો: ‘સાહેબ, અમે તો તમારી નામના એક જાણકાર તરીકે બહુ સાંભળી છે, તો અમારી એક માગણી પૂરી થાય એમાં અમને  મદદ કરશો?’

ઐલેશ શુક્લ કોઇને ના પાડતાં સો વાર વિચાર કરે છે, પણ હા પાડતાં એક ક્ષણ પણ લગાડતા નથી. સામું પૂછ્યું : ‘બોલો ને ?’

‘આપણે તાપી નદિના કિનારે ઉભા છીએ, પણ એનું અસલ માહાત્મ્ય જાણતા નથી. એના વિષે હજાર જાતની અલગ અલગ માહિતીઓ લોકોના કાને નંખાય છે, પણ અસલી અધિકૃત માહિતી ક્યાંયથી મળતી નથી.’

‘તો?’

‘એની અસલ માહિતી એકલા પ્રાચિન ગંથ ‘તાપીપુરાણ’માં મળે, પણ તકલીફ એ છે કે નકલી મામુલી ચોપડીઓ અને ચોપાનીયાં આડેધડ વાતો લખે છે પણ ..એ ઓરિજીનલ ‘તાપીપુરાણ’ ક્યાંય જોવાય મળતું નથી.’

ક્ષણભર તો ઐલેશ શુક્લ વિચારમાં પડી ગયા. કહું કે ના કહું તેની અવઢવમાં પડી ગયા, પણ છેવટે કહી જ દીધું:

‘બીજે ક્યાંય જવાની જરૂર નથી.’ એ બોલ્યા: ‘ઓરિજીનલ ‘તાપીપુરાણ’ મારી પાસે છે.’

આ જવાબ સાંભળનારાઓને બેશક એક સુખદ આંચકો લાગ્યો હશે અને આ સંવાદો પછી પણ અનેક સંવાદો થયા હશે, પરંતુ એમાં પડવાને બદલે આપણે મૂળ વાત શી છે તે જ જોઇએ.

**** **** ****

હા ઐલેશ પાસે ‘તાપીપુરાણ’ની સને ૧૯૩૨ માં પ્રગટ થયેલી પ્રત છે. અને એ પ્રતની હસ્તપ્રત તૈયાર કરવા માટે સને ૧૬૦૮ થી સને ૧૭૬૯ની વચ્ચે જુદા જુદા શહેરોમાં વસતા વિવિધ લેખકોએ લખેલા સાત જેટલાં તાપી વિષયક પુસ્તકોની મદદ લીધેલી. પ્રસિદ્ધ કરેલા એ સાત જેટલા ગ્રંથોનું ચયન-દોહન-સંપાદન કરીને એક સંપૂર્ણ ‘તાપીપુરાણ’ ૧૯૩૨ માં પ્રકાશિત કરવામાં આવેલું.  તેની એક પ્રત ઐલેશ પાસે સચવાયેલી હતી. એ જમાનામાં તેની કીંમત માત્ર બે રૂપિયા હતી.

પેલા પુસ્તકોને એકત્ર કરીને એક જ અધિકૃત ગ્રંથ તૈયાર કરવાનું કારણ શું હતું ?

કારણ તાર્કિક હતું કે જૂની અને જુદી જુદી સાત પુસ્તિકાઓ લખીને પ્રસીદ્ધ કરનારા લેખકોએ તાપી કિનારે આવેલા પોતપોતાના અલગ અલગ શહેરોની આસપાસની વાતો, કથા, લોકકથા, દંતકથાઓનો જે સમાવેશ કર્યો હતો તે પુસ્તિકાઓ મૂળ, પણ હાથ નહિં આવેલા ‘તાપીપુરાણ’ જેવી સમૃદ્ધ ન હતી. એમાં પોતપોતાના અંગત, જ્ઞાતિગત  અને પ્રાદેશિક અહોભાવ અને કલ્પનાવિહારનું પણ મિશ્રણ હતું.

અસલ જે સેંકડો વર્ષ પહેલાં ગોકર્ણ ઋષિએ આખી તાપી નદીની સામસામા બંને કાંઠાની પરિક્રમા કરીને લખ્યું હતું તે હસ્તલિખિત પ્રતને તેમના શિષ્યોએ સમયે સમયે સંમાર્જિત અને સંવર્ધિત કરી હતી. પોતાના વિસ્તારના ભાગને જુદો તારવીને નાની નાની પુસ્તિકાઓ જે જે લેખકોએ રચી હતી તે તાપી કાંઠાના અમુક ભાગ પર જ પ્રકાશ ફેંકતી હતી. જ્યારે આખી તાપી ૭૫૦ કીલોમિટર લાંબી છે. બન્ને કિનારાની પરિક્રમા કોઇ કરે તો તેણે ૧૫૦૦ કીલોમીટરનું અંતર કાપવું પડે. તે મૂળ ‘તાપીપુરાણ’ અનુસાર તેના બન્ને કિનારે મળીને ૧૩૮ તીર્થસ્થાનો વર્ણવેલા છે. તે બધાં આ અલગ અલગ પુસ્તિકાઓમાં આવરી લેવાયાં નહોતાં. આમ, આ પુસ્તિકાઓ સંપૂર્ણ ‘તાપીપુરાણ’નું પ્રતિનિધીત્વ કરતી ન હતી.

તેથી ૧૬૦૮ થી ૧૭૬૯  વચ્ચે બહાર પડેલી એ સાત પ્રતોને ભેગી કરી સને ૧૯૩૨ માં  તે તમામને એક જ ગ્રંથમાં સમાવી ૬૦૦ (છસો) પાનાનું સંપૂર્ણ ‘તાપીપુરાણ’ પ્રસિદ્ધ કરવામાં આવેલું. જો કે, તેમાં પણ પારાવાર ક્ષતિઓ હતી. ભાષા પણ જુનવાણી અને અસ્પષ્ટ હતી. વર્ણનમાં એકધારાપણું નહી હોવાને કારણે વર્ણનો કે વાક્યો તૂટતાં હતાં. તેથી આજે એંસી નેવું વર્ષ પછી તેને મઠારવાનો સમય થઈ જ ગયો હતો. આશ્ચર્ય તો વળી એ વાતનું પણ હતું કે ૧૯૩૨ પછી ચારેક મહાશયોએ તે પુસ્તક ‘તાપીપુરાણ’ શિર્ષકથી જ પોતાના નામે ચઢાવીને બહાર પાડેલું. પરંતુ તે લોકોએ કોઇ નવું તર્કબધ્ધ સંશોધન કર્યું જ નહોતું. તેથી ૧૯૩૨ ના ‘તાપીપુરાણ’માં જે વાતો તેમના પુસ્તકમાં જેમની તેમ ચાલતી આવેલી તે મહાનુભાવોએ સ્થળતપાસ કે પગપાળા પ્રવાસ કર્યા વગર જૂના ‘તાપીપુરાણ’નો બેઠો ઉતારો જ કરેલો.

તેથી એ તમામ પુસ્તકો ખાસ માન્યતા પામ્યાં નહિં. થોડું ઘણું જ્ઞાન ધરાવતા વાચકો પણ સમજી ગયા કે આ નકલોમાં કોઇ સત્વ નથી. એટલે જ લોકો મૂળ, અસલ ‘તાપીપુરાણ’ની તલાશમાં હતા.

આ વાત રસિકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી, એ જ્યારે ઐલેશ શુકલને કાને પડી એટલે એણે પોતાની  અંગત લાયબ્રેરીમાંથી સને ૧૬૦૪ ની સાલની ‘તાપીપુરાણ’ની જર્જરિત હસ્તપ્રત કાઢી અને ૧૯૩૨ નું બે રૂપિયાની કિંમતનું ‘તાપીપુરાણ’પુસ્તક પણ કાઢ્યું. (આજે પણ તે પુસ્તક સારી સ્થિતિમાં છે અને જોવા માગે તેને બતાવે છે.)

એ બેઉ પુસ્તકો લઇને ઐલેશ બેસી ગયા અને માત્ર પાંત્રીસ જ દિવસમાં તે ગ્રંથો પૂરેપૂરા વાંચી કાઢ્યા. તેમાંથી તાપી નદીની યશોગાથા તો આત્મસાત કરી જ, પરંતુ ચમત્કારો, પરચા, કથા, દંતકથા વગેરેની પણ બાદબાકી કરી અને ક્યાંય જરુર લાગી ત્યાં તેનો સંદર્ભ તરીકે જ ઉપયોગ કર્યો. પરંતુ એક બાબત ખાસ એમના ધ્યાન પર આવી કે તેમાં ગોકર્ણ ઋષીએ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહીને આવતી તાપી નદીના બંને કાંઠે આવેલા તેમના સમયમાં કુલ ૧૩૮, અંકે એકસો આડત્રીસ, મહાદેવજીના અને અપવાદરૂપે ભૈરવી માતા, એકવીરા માતાના અને એવી દેવીના સ્થાનકોનો પણ ઉલ્લેખ વિગતવાર કર્યો છે. એમાં તાપી નદી સાથે સંગમ પામતી પેટાનદીઓનો પણ ઉલ્લેખ છે.

ઐલેશે ચારેક વખત તે પુરાણ વાંચ્યું અને એમાં જણાવેલાં તમામ તીર્થસ્થાનો, તેની જગ્યાઓ, ખાસ તો દિશા ઈત્યાદી એક નોટબુકમાં ટપકાવતા ગયા. હોમવર્ક પુરૂં થયુંએટલે કામની પૂર્ણાહુતિ ન ગણી, કારણ કે તરત મનમાં પ્રશ્ન જાગ્યો કે એ કાળે આમાં ઉલ્લેખિત આ તીર્થસ્થાનો આજે મોજુદ છે ખરાં? ક્યાં છે? કેવી હાલતમાં છે? તે ગામ કે શહેરનાં નામ કાળક્રમે બદલાયાં હોય તો આજે તેમનાં શાં શાં નામ છે? મૂળ ‘તાપીપુરાણ’માં બધાના ભૌગોલિક અંતરો કોશમાં બતાવેલા છે, જે આજે કિલોમીટર પ્રમાણે કેટલા થાય? (એ પણ શોધી કાઢ્યું કે એ વખતના એક કોશ બરાબર આજે આશરે ત્રણથી સવા ત્રણ કિલોમીટર થાય.)

આમ તેમણે  ઘરે બેસીને જેટલાં સંશોધનાત્મક તર્ક કે વિચાર થાય એટલા કર્યા. અને પછી નક્કી કર્યું કે આખી તાપી નદીની પરિક્રમા કરી જૂના ‘તાપીપુરાણ’માં દર્શાવેલાં સ્થળોએ જાતે જઈને માહિતી મેળવવી. જો કે, એમાં મુશ્કેલી એ હતી કે જૂના ‘તાપીપુરાણ’માં તે સ્થાનોને દિશા દ્વારા બતાવવામાં આવ્યા છે. વળી ગામ કે શહેરનાં નામ પણ જુનાંમાથી બદલાઇને નવાં થયાં છે. જેમ કે, કુર્કૂટેશ્વર આજે મહારાષ્ટ્રમાં આવેલા જૈતપુર જીલ્લાના શીરપુર નજીક આવેલા કુરખલી નામે ઓળખ પામ્યું છે.

(મધ્યપ્રદેશમાં આવેલું કુનખેડી)

આવા પ્રવાસમાં હોકાયંત્ર અનિવાર્ય થઈ પડે. કોઇ વિસ્તારનાં હાલનાં ગામોનાં જુનાં નામો કયા હતા તે પણ ખંતભર્યા સંશોધનનો વિષય હતો. તે માટે રઝળપાટ કરવાની તૈયારી હોવી જરૂરી હતી. તાપી નદી આમ તો ૭૫૦ કિ.મી. લાંબી છે. આવતાં-જતાં ૧૫૦૦ કિ.મી. આસપાસ થાય. પણ આગળ-પાછળ જવામાં, અથવા રખડપાટ કરવામાં ભુલા પડી જવાની પણ પૂરી સંભાવના અને એ ગણતરીમાં  લેતાં  કાપવાનું કુલ અંતર પણ ખાસ્સું વધી જાય. આ બધા અંતરાયો છતાં ઐલેશે એ પ્રવાસ પણ કર્યે પાર કર્યો, અને એમ ૬૫૦૦ કિ.મી. જેટલો પ્રવાસ કર્યો.

ગોકર્ણ ઋષિનો પુરાણો અને શાસ્ત્રોમાં બહુ ઓછો ઉલ્લેખ આવે છે. છતાં શક્ય હોય એટલું ઋષિ ગોકર્ણ વિશે શોધી ઐલેશ શુકલે નવા ‘તાપીપુરાણ’માં લખ્યું છે તે આ મહાગ્રંથમાં જોઈ જવા જેવું છે. શરૂઆત એના એક ઝબકારાથી થઈ. સુરતથી પચ્ચીસ કિલોમીટર દૂર સિદ્ધનાથ મહાદેવનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જેનું પણ આ ‘તાપીપુરાણ’માં વર્ણન છે. તે મંદિરની સામે જ ગોકર્ણ ઋષિનું મંદિર મળી આવ્યું. ગોકર્ણ મંદિર વિષે વર્ષોથી બધા જાણે પણ તે ઋષિ વિષે કોઈને ઝાઝી જાણકારી નહોતી. ઐલેશને  પોતાના સંશોધનના ફલસ્વરૂપ એ સંભવિત લાગ્યું કે ગોકર્ણ ઋષિએ પરિક્રમા પરીપૂર્ણ કર્યા પછી અહીં જ ‘તાપીપુરાણ’ લખ્યું હશે. કારણ કે, તાપી-સમુદ્ર સંગમ અહીથીં નજીક જ છે. એ એક સરસ કડી મળી અને શરૂઆતના શુભ સંકેત મળવા માંડ્યા, સ્થળોનો અંદાજ આવવા માંડ્યો. ગોકર્ણ ઋષિનું મંદિર છે. તીર્થસ્થાન તરીકે એની નોંધ છે. એટલે ગ્રંથની અધિકૃતતા એટલી નક્કી થઇ ગણાય.

(તાપી નદીનું મધ્યપ્રદેશમાં આવેલું ઉદ્‍ગમસ્થાન મુલતાઈ)

આમ, શરૂઆત તો ગુજરાત રાજ્યમાં વર્ણવેલાં નજીક નજીકનાં તીર્થસ્થાનોથી જ કરી. ઐલેશે તે શોધ્યા તો મળ્યા અને મુલાકાત લીધી. કથા પણ મળતી આવતી હતી. તેથી એમનો ઉત્સાહ વધી ગયો. હવે તાપી નદીના ઉદગમ સ્થાન મધ્યપ્રદેશના મુલાતાઈ ગામ જઈ ત્યાંથી મહારાષ્ટ્ર થઈને આવતી તાપી નદીના કિનારે જઈ તપાસ કરવાની હતી. પણ સાથે કોઈ આવવા તૈયાર થયું નહીં. પણ એક મિત્ર કરસનભાઈ તૈયાર થઇ ગયા. એ બેઉ નીકળી પડ્યા. સંશોધન માટે ચાર વાર તો મુલતાઈ ગયા. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં વહેતી તાપી નદીના બન્ને કાંઠા ખૂંદી વળ્યા. અને અંતે જોઇતી સફળતા મળી.

જેમ જેમ તપાસ કરતા ગયા તેમ તેમ પુરાણમાં નિર્દેશ કરેલાં તીર્થસ્થાનો પણ મળતાં ગયાં. એ શક્ય એટલા માટે બન્યું કે સ્થાનિક લોકોને પોતાની નજીક આવેલા ને ‘તાપીપુરાણ’માં જણાવેલા મંદિરની ખબર હતી. તેમના દાદા-પરદાદા કહી ગયેલા. હા. તેઓને અન્ય તીર્થસ્થાનોની બહુ ખબર નહીં, તેથી તીર્થનું નામ આપી શોધતા શોધતા એ ગામ પહોંચતા કે તરત જ કોઇ માત્ર આંગળી જ ના ચીંધતું, પણ સાથે લઈ પણ જતું. વિશેષ તો અસલ ‘તાપીપુરાણ’માં તાપી નદી સાથે જે નદીનો સંગમ થાય છે તે જગ્યા બતાવેલી. એ જગ્યા પણ આજે મોજુદ હોવાથી ત્યાં પહોંચી જતા અને હોકાયંત્રની મદદથી જણાવેલી દિશામાં નજર દોડાવતા એટલે જોઇતું તીર્થસ્થાન મળી જતું. અલબત્ત, વધુ સંશોધન કે તપાસ માટે સંશોધકો, ઈતિહાસકારો, પુરાતત્વ વિભાગના અધિકારીઓ, ભુસ્તરશાસ્ત્રીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ, અતિવૃદ્ધ વ્યક્તિઓ, જાણકારો તથા પરમ ભક્તોની મુલાકાતોમાંથી ઘણી ઉપયોગી જાણકારીઓ મળી.

ઐલેશ શુક્લએ પાંચસો કરતાં વધુ લોકોને મળીને જે તે મંદિરની સત્યતા તપાસી. ત્રણેક હજાર તસ્વીરો લીધી. જેથી જે તે સ્થળની મુલાકાતના પુરાવાઓ અંકે થઇ જાય. એ તમામ તસવીરો એમણે ‘તાપીપુરાણ’ ગ્રંથમાં પણ મૂકીને ગ્રંથને મૂલ્યવર્ધિત બનાવી દીધો છે. આમ છએક મહિનામાં આખી તાપી નદીનો બન્ને કિનારાને આવરી લેતો રઝળપાટ પુરો થયો અને ગ્રંથને અધિકૃતતા પ્રાપ્ત થઇ.

એ પછી એકત્ર કરેલી સામગ્રીને ગ્રંથસ્થ કરવાની હતી. ઐલેશ તેને ધાર્મિક ગ્રંથનું સ્વરૂપ દેવા માંગતા નહોતા. એને માહિતીસભર રસપ્રદ અને બનાવવા ઉપરાંત એને ઐતિહાસિક દૃષ્ટિકોણ ધરાવતો પણ બનાવવાનો હતો. એ માર્ગ પરના તમામ તીર્થસ્થાનો આજે પ્રવાસન લાયક જગ્યા બની ગયા હોવાથી તે તરફ અંગુલીનિર્દેશ કરવાનો પણ હતો. આ બધાં પાસાંઓને લક્ષમાં રાખીને પાંચસો પાનાનાં ‘તાપીપુરાણ’ને એ ઢાંચામાં ઢાળવામાં આવ્યું.

પ્રસ્તુત આ નવા ‘તાપીપુરાણ’ના પ્રારંભમાં તાપી નદી વિષેની સામાન્ય જ્ઞાનને સ્પર્શે એવી કેટલીક આધારભૂત જાણકારીઓ આપવામાં આવી છે. એ પછીના વિભાગમાં મૂળ ‘તાપીપુરાણ’ને ભાષાશુધ્ધ કરીને અને એનામાં રહેલા માહિતીદોષો દુર કરીને, આજની પ્રચલિત ભાષામાં એનું આલેખન કરવામાં આવ્યું છે. એ પછીના વિભાગમાં જે તે અધ્યાયમાં તીર્થસ્થાનો હોય તેમને અધ્યાયક્રમાંકનો સંદર્ભ આપીને આજે તે ક્યાં છે, કેવા છે, ગામનું નવું નામ, કિલોમીટરમાં અંતર અને આજે તેનો થયેલો વિકાસ વગેરે બાબતો સમાવિષ્ટ કરી લેવામાં આવી છે.

અનુક્રમણિકા પણ આયોજનપૂર્વક બનાવવામાં આવી છે. કોઈને ધાર્મિક કથામાં રસ ન હોય તો સીધા પાના નંબર પ્રમાણે જોઇતા વિભાગમાં જઈને એ સ્થાનકોની ઐતિહાસિક અને પ્રવાસનને લગતી વિગતો જાણી શકે.એ લોકો ફક્ત દર્શન કરવા જ નહી, પણ એક નૂતન પ્રવાસન સ્થળ તરીકે પણ તે સ્થળની મુલાકાત લઈ શકે અને તે ચોક્કસ સ્થાનના ઈતિહાસથી પણ માહિતગાર થઇ શકે. આમ ‘તાપીપુરાણ’ એક ઇતિહાસલક્ષી પુસ્તક પણ બન્યું છે. તો સાથોસાથ ટ્રેકિંગ અને પ્રવાસના શોખીન યુવાવર્ગ માટે પણ તે ઉપયોગી નિવડે તેવું બન્યું છે.

જુન ૨૦૧૯માં આ ‘તાપીપુરાણ’ મહાગ્રંથ તૈયાર થઇ ગયો. તાપીજયંતી અષાઢ સુદ સાતમને દિવસે તા.  ૮ જુલાઈ, ૨૦૧૯ના દિવસે તાપી મહાગ્રંથ પૂજનનો નાનો ઔપચારિક  કાર્યક્રમ રાખીને વિતરણ માટે  બજારમાં મૂકી દેવાયો છે

પાંચસો (૫૦૦) પાનાંના આ મહાગ્રંથનું બાઈન્ડીંગ પાકા પૂંઠામાં કરવામાં આવ્યું છે. અંદરના કાગળો પણ સમજીને ઉત્તમ ગુણવત્તાવાળા વાપર્યા છે, જેથી આ ગ્રંથ ઓછામાં ઓછું આવનારી ત્રીજી પેઢી સુધી સારી સ્થિતિમાં રહે.

(ઐલેશ શુક્લ)

મધ્ય પ્રદેશ કે મહારાષ્ટ્ર જેવા હિંદીભાષી પ્રદેશોના વાચકો માટે આ પુસ્તકનું હિંદી સંસ્કરણ પણ તૈયાર થઇ રહ્યું છે.

ઘરની અને કોઇ ધાર્મિક કે સામાજિક સંસ્થાની લાયબ્રેરીમાં વસાવવા લાયક આ એ-4 સાઇઝથી જરી ઓછી સાઇઝના ૫૦૦ પૃષ્ઠોના અમૂલ્ય ગ્રંથની કિંમત માત્ર રૂ ૭૫૦ છે, પરંતુ સબ્સીડાઇઝ્ડ હોવાથી ૪૦૦/ વત્તા રૂ ૧૦૦ કુરિયર ચાર્જીસ, એમ કુલ રૂ ૫૦૦ ની કિંમતે નીચેના સરનામેથી પ્રાપ્ત કરી શકાય (રુબરુ રૂ ૪૦૦ માં મળી શકે.)

શ્રી ઐલેશ શુક્લ / ફોન: +91 261-2735455 અને મોબાઇલ +91 99987 53239

9/10, તોરણ એપાર્ટમેન્ટ, ગોદાવરી ફ્લેટ્સ પાસે, મહાલક્ષ્મી મંદિર પાસે, આનંદ મહાલ રોડ.

અડાજણ,  સુરત-395 007 / ઈ મેલ: aileshshukla@gmail.com

લેખક સંપર્ક:

રજનીકુમાર પંડ્યા.

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦ મો.+ 91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

Author: admin

3 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : શું છે આ ‘તાપીપુરાણ’?

  1. લેખક શ્રી શુક્લને ખૂબ ખૂબ અભિનંદન .આપે કરેલું અમૂલ્ય લેખન આવનાર પેઢીઓને ખુબ ઉપયોગી તથા માહિતીસભર રહેશે.

Leave a Reply

Your email address will not be published.