વાંચનમાંથી ટાંચણ : પાઈલોટ નં. # ૧

સુરેશ જાની

વિમાન ચલાવવાની તાલીમ લીધા પછી મોટર વેહિકલની જેમ પાઈલોટ તરીકેનું  લાયસન્સ આપવામાં આવે છે. ભારતના પાઈલોટ નં.૧ કોણ હતા? આ રહ્યા –

જહાંગીર રૂસ્તમજી ટાટા

       ૧૦. ફેબ્રુઆરી – ૧૯૨૯ ના દિવસે ભારતના એ પ્રથમ પાયલોટ બન્યા હતા. અલબત્ત એમના જીવનમાં વિમાન ઊડાવવા કરતાં ઘણી મોટી ઘટનાઓ બની હતી અને ઘણી મોટી સિદ્ધિઓ તેમણે પ્રાપ્ત કરી હતી. એર ઇંડિયાની સ્થાપના તો તેમના કાર્યકાળની એક સાવ નાની બાબત રહી છે.  પણ એમના જીવનની આ ઓછી જાણીતી ઘટનાની જાણ વાચકોને કરવી છે.

       ઇસ્માઈલી ખોજા સમાજના વડા નામદાર આગાખાને વિમાન ચલાવવાની કુશળતાનો ભારતમાં વ્યાપ થાય એ ઈરાદાથી ૫૦૦ પાઉન્ડના એક ઈનામની જાહેરાત કરી હતી. ભારત અને ઇન્ગ્લેન્ડ  વચ્ચે એકલા હાથે વિમાન ઊડાવી સૌથી પહેલાં સફર પૂરી કરનાર  પાયલોટને તે ઈનામ એનાયત કરવામાં આવનાર હતું. ૧ જાન્યુઆરી -૧૯૩૧ સુધીમાં આ સ્પર્ધા જારી રહેવાની હતી.  

      પચીસ  વર્ષની ઉમરના જહાંગીરે આ બીડું ઝડપી લીધું. એ વખતના અખંડ ભારતમાંથી ત્રણ જણે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઝંપલાવ્યું હતું. જહાંગીર ઉપરાંત રાવલપિંડીના સિવિલ એન્જિનિયર મનમોહનસિંહ અને કરાંચીના એસ્પી મેરવાન એન્જિનિયર પણ  આ સ્પર્ધાના ઉમેદવાર હતા. જહાંગીર કરાંચીથી લન્ડન ઊડવાના હતા; જ્યારે બાકીના બે લન્ડનની ભારત. મનમોહન સિંહે આ માટે બે પ્રયત્નો કર્યા હતા. પણ બન્નેમાં એમના વિમાનને અકસ્માત ઊતરાણ કરવું પડ્યું હતું અને તેઓ સફર પૂરી કરી શક્યા ન હતા.  

        પણ ૧૭ જ વર્ષના  એસ્પી વધારે નસીબવાન હતા. ૨૫ એપ્રિલ ૧૯૩૦ ના રોજ એ લન્ડનથી  ઊડ્યા હતા. લિબિયાના બેન ગાઝીમાં એમના પ્લેનને તકલીફ નડી હતી. છતાં એ બેળે બેળે ઇજિપ્તના અલેક્ઝાન્ડ્રિયા તો પહોંચી જ ગયા હતા. પણ એમના વિમાનને જરૂરી સ્પાર્ક પ્લગ ત્યાં મળે તેમ ન હતું. ઘણા બધા દિવસો સુધી પ્રયત્નો કર્યા છતાં એમને જરૂરી સ્પાર્ક પ્લગ ઇજિપ્તમાંથી મળી શકયા ન હતા અને તે નિરાશ થઈ ગયા હતા.  

    આ જ ગાળામાં જહાંગીર કરાંચીથી ૩ જી મે – ૧૯૩૦ના રોજ નીકળ્યા હતા. એમને પણ માર્ગમાં ઘણી તકલીફો પડી હતી. પણ એ બધી પાર કરતાં  તેઓ પણ અલેક્ઝાન્ડ્રિયાના એરપોર્ટ પર પહોંચી ગયા. એમના આશ્ચર્ય વચ્ચે એમને બીજું વિમાન ત્યાં પાર્ક કરેલું જોવા મળ્યું. નિરાશ વદનના એસ્પીએ જહાંગીરને પોતાની સમસ્યા જણાવી. વિમાન ચલાવવા ઉપરાંત આવી તકલીફો માટે જહાંગીરની તૈયારી વધારે આયોજનપૂર્વકની હતી. એમની પાસે આવી તકલીફો માટે ઘણી બધી પૂર્વ તૈયારી હતી. તેમણે ખેલદિલીપૂર્વક પોતાની પાસેના આઠ સ્પાર્ક પ્લગમાંથી ચાર એસ્પીને આપ્યા. બન્ને હસ્તધૂનન કરીને છૂટા પડ્યા.  એસ્પીએ ભારત તરફ અને જહાંગીરે લન્ડન તરફ પોતપોતાની સફર શરૂ કરી.

   પણ જહાંગીરના વિમાનમાં ઇટાલીના નેપલ્સ  નજીક તકલીફ   ઊભી થઈ અને તેમણે ત્યાં ઊતરાણ કરવું પડ્યું. એ મિલિટરીનું એરપોર્ટ હતું અને ત્યાં એમને ઊતરાણ કરવા અને ફરી ઊડવા પરવાનગી મેળવવામાં ચાર કલાક વીતી ગયા. આના કારણે એસ્પી એમના કરતાં વહેલાં ભારત પહોંચી ગયા અને વિજયી જાહેર થયા! માત્ર અઢી કલાક મોડા પહોંચવાના કારણે જહાંગીરે એ તક ગુમાવી. પણ જે આર.ડી.ની  ખાનદાનીની આ ગાથા અમર બની ગઈ. 

        એ દિલાવરીની વાત હજી પૂરી નથી થઈ. આ ઘટનાના ૨૭ વર્ષ બાદ –  ૧૯૫૭માં   જહાંગીરે સ્થાપેલી એર ઇંડિયાની રજત જયંતિના ટાણે એસ્પીએ જહાંગીરને મુબારકબાદીનો સંદેશ મોકલ્યો હતો. એ  વખતે જહાંગીર તો ટાટા ગ્રુપના ચેરમેન પદે  હતા અને એસ્પી પણ ભારતના હવાઈ દળના એર વાઈસ માર્શલ પદે વિરાજમાન હતા.

       એ સંદેશાના જવાબમાં જહાંગીરે પણ એ યાદ કર્યું હતું કે, સ્પર્ધા પત્યા બાદ જહાંગીર પાછા ભારત આવ્યા અને કરાંચીમાં ઊતરાણ કર્યું ત્યારે એર ફોર્સમાં જોડાયેલા એસ્પીએ એમના કેડેટો સાથે એમનું સ્વાગત કરી બહુમાન કર્યું હતું.

     આવી  ખેલદીલી અને દિલાવરી જ મહાન માણસોની ખરેખરી મહાનતા નથી વારુ?


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.