સમયચક્ર : કચ્છની અંદર જુદા જુદા કચ્છ વસે છે.

રણોત્સવ પછી કચ્છ વિશ્વમાં ચમક્યું. એટલું જ નહીં, ગુજરાતીઓ પણ રણોત્સવ થકી જ કચ્છને જાણી શક્યા છે. કચ્છ બહાર કોઈ ઊંટ, આહિર, રણ અને રબારીના ચિત્રો જોઈને કહે છે કે આ કચ્છ છે. એ વાસ્તવિકતા છે કે એ કચ્છની ઓળખનો એક ભાગ છે. પરંતુ એ સિવાય એવું કેટલુંય છે જે હજુ પ્રચલિત થયું નથી કે એની નોંધ લેવાઈ નથી. એક જિલ્લા તરીકે કચ્છ ગુજરાત રાજ્યનો એક ભાગ છે. પરંતુ કચ્છ એટલો વિશાળ અને વિશિષ્ઠ છે કે એની અંદર જ જુદી જુદી ઓળખ ધરાવતા વિસ્તારો છે જેના વિશે કચ્છની જ ઊછરતી પેઢી પણ અજાણ છે.

માવજી મહેશ્વરી

જ્યારે સંચાર માધ્યમો નહોતાં અને માર્ગ પરિવહન નહિંવત હતું ત્યારે કચ્છના ખાવડા કે ખડીર વિસ્તારનો કોઈ વ્યક્તિ ભુજ કે માંડવી આવે તો એ કહે કે કચ્છ જાઉં છું. તો માંડવીનો માણસ રાપર જાય તો કહે કે વાગડ જાઉં છું. આજે પણ કોઈ એવું કહેતું હશે. આવું કેમ બન્યું હશે ? ગુજરાતના અન્ય વિસ્તારના લોકો માટે તો કચ્છ એટલે એક જિલ્લો જ છે. પરંતુ કચ્છની અંદર જ જુદા જુદા કચ્છ છે તે બહુ ઓછા લોકો જાણે છે. એ હકીકત છે કે કચ્છ વિસ્તારની દષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. વિસ્તાર એટલે અધધધ કહી શકાય. ૪૫૬૭૪ વર્ગ કિલોમીટરનો કોઈ જિલ્લો હોય એ ભારતની આઝાદી પછી થોડી ન સ્વીકારી શકાય તેવી બાબત છે. પરંતુ એ વાસ્તવિકતા છે. મોટા વિસ્તાર સામે વસ્તી સાવ પાંખી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૨૦.૯ લાખ એટલે આજની સ્થિતિએ કદાચ બાવીસ લાખ થાય. આટલા મોટા વિસ્તારમાં માત્ર વીસ બાવીસ લાખ લોકો રહેતા હોય ત્યારે તેમના વચ્ચે મજબુત એકતા કે જનુન ટુકડામાં વહેંચાઈ જાય એ શક્ય છે. ઉપરાંત એવું કે પણ બને કે એક જ જિલ્લાની પ્રજા વચ્ચે સામાજિક વ્યવહારો પણ ચોક્ક્સ અંતરે જઈને અટકી જાય. પરિણામે વૈચારિક અંતર પણ ઊભું થાય. કચ્છમાં આ સ્થિતિનું નિર્માણ થવાનું કારણ બે છેડા વચ્ચેનું અંતર છે. કચ્છના પ્રવેશદ્વાર આડેસરાથી કોટેશ્વર વચ્ચેનું ૩૧૭ કિલોમીટરનું અંતર એક જિલ્લા માટે વધારે પડતું કહેવાય. હવેના સમયમાં માર્ગો બન્યા છે, વાહન વ્યવહાર સુલભ છે પરંતુ જ્યારે આ નહોતું ત્યારે કચ્છના વાગડ વિસ્તારના લોકો લખપતથી અજાણા હતા અને લખપત વિસ્તારના લોકો વાગડથી. પરિણામે કચ્છની અંદર જ જુદી જુદી ઓળખ ધરાવતા વિસ્તારો ઊભા થયા. પૂર્વના આડેસરથી પશ્ચિમના કોટેશ્વર સુધી વિસ્તરેલા કચ્છના અંદરના વિસ્તારો જુદા જુદા નામે ઓળખાય છે અને એ નામ પાછળના કારણો પણ છે. જેમાના કેટલાકની તો બહુ ઓછા લોકોને જાણ છે. કચ્છની અંદર જ અલગ ઓળખ ધરાવતા વિસ્તારો પૂર્વથી પશ્ચિમ તરફ જતાં પ્રાંથળ, વાગડ, કાંઠો, ખડીર, આહિરપટ્ટી, પચ્છમ, બન્ની, કંઠીપટ્ટ, મોડાસો, અબડાસો, ગૅડો, પાવરપટ્ટ, માકપટ્ટ અને પટેલ ચોવીસી જેવા નામે ઓળખાય છે.

રાપર તાલુકાનો ઉત્તર છેડો જે મોટા રણને અડીને આવેલો છે તે પ્રાંથળ તરીકે ઓળખાય છે. શીવગઢ, બેલા, મૌઆણાં, જેવા મોટાં ગામો ધરાવતા આ વિસ્તારનો કચ્છ જેટલો જ સંબંધ બનાસકાંઠા સાથે છે. પૂર્વ કચ્છનો રાપર તાલુકો અને ભચાઉ તાલુકાનો થોડો વિસ્તાર વાગડ કહેવાય છે. વાગડ અલગ જ તાસીર ધરાવે છે. અન્યાય સામે તીખી પ્રતિક્રિયા આપનાર આ વિસ્તાર જેટલો સમૃધ્ધ છે એટલા જ સમૃધ્ધ વાગડવાસીઓ કચ્છની બહાર પણ છે. ભુજ અને અંજારની ઉતરીયપટ્ટીને જોડતા ભાગને આહિરપટ્ટી કહેવાય છે. આહિર અને ઢેબર રબારીઓની વધારે વસ્તી ધરાવતો આ વિસ્તાર પણ રણને અડીને આવેલો છે. આ વિસ્તારમાં જ કચ્છના સંત મેકરણ થઈ ગયા. કચ્છના પૂર્વી પ્રવેશદ્વાર સૂરજબારીના પુલને અડીને આવેલો વિસ્તાર કાંઠો કહેવાય છે. આ વિસ્તાર દરિયાસાથે જોડાયેલો હોવાં છતાં તેના લોકજીવન ઉપર દરિયાની અસર નથી. ભુજની આસપાસ આવેલા કચ્છના અતિ સમૃધ્ધ લેવા પટેલોના ગામો પટેલ ચોવીસી કહેવાય છે. આ ગામો પૈકી બળદિયા ગામમાં આવેલી બેંક ઓફ બરોડા ભારતની સૌથી સમૃધ્ધ શાખા ગણાય છે. આ વિસ્તારમાં બિન નિવાસી ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે. ભુજની ઉતરે આવેલો વિસ્તાર આમ તો બન્ની તરીકે હવે આખાય વિશ્વમાં તેની વિરલ લોકા સંસ્કૃતિ અને રણ વિસ્તારને કારણે જાણીતો છે. બન્નીમાં યોજાતા રણોત્સવ થકી સફેદરણ શબ્દ પ્રચલિત થયો એ વિસ્તાર એટલે કચ્છનો અજોડ બન્ની વિસ્તાર. પરંતુ ખાવડા પછીના કાળા ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર બન્ની નહીં પણ પચ્છમ છે. એટલે જ કાળા ડુંગર ઉપર આવેલા દત્ત ભગવાનને ત્યાંની લોકો પછમાઈ પીર કહે છે. કાળા ડુંગરથી પૂર્વમા રણદ્વિપ આવેલું છે જે ખડીર વિસ્તાર છે. બારેક ગામો ધરાવતું ખડીરબેટ ત્યાં આવેલી પુરાતત્વીય સાઈટ ધોળાવીરાને વિશ્વમાં જાણીતું બન્યું છે. ખડીર બેટની કમનશીબી એ છે કે તે રાપરથી નજીક આવેલું હોવાં છતાં તેને ભચાઉ તાલુકામાં સમાવાયો છે જે દોઢસો કિલોમીટર દૂર આવેલું છે.

ભવ્ય ભુતકાળ ધરાવતા માંડવી અને મુંદ્રા બંદરો જે વિસ્તારમાં આવેલા છે એ કચ્છનો દરિયાઈ પટ્ટો એટલે કંઠીપટ્ટ. મુંદ્રાના વડાલા અને છસરા ગામથી શરુ થતો અને લાયજા ગામે પુરો થતો કંઠીપટ્ટ કચ્છનો વાડીઓ ધરાવતો વિસ્તાર હતો. મોટાભાગે કચ્છી વિસા ઓસવાળ જૈનોના ગામો અને દહેરાસરો સૌથી વધુ આ વિસ્તારમાં આવેલાં છે. પૂર્વથી આવતાં કંઠીપટ્ટ્થી જ કચ્છી ભાષા શરુ થાય છે. આ વિસ્તારને અડીને આવેલો લાયજા,ડુમરા અને ગઢશીશા વચ્ચેના ત્રીકોણીય પટ્ટાને મોડાસો કહેવાય છે તે બહુ જ ઓછા કચ્છીઓ જાણે છે. કચ્છના રાજવી ભાયાત મોડને આ વિસ્તાર ભાગમાં આવેલો તેથી મોડાસો કહેવાતો. મોડાસાથી આગળ જતાં ડુમરાથી છેક રામપર અબડાવાળી સુધીનો વિસ્તાર અબડાસો કહેવાય છે. કચ્છના શૂરવીર જામ અબડાનો આ રાજ વિસ્તાર હોવાથી તે અબડાસા કહેવાય છે. અબડાસાથી નારાયણ સરોવર સુધીના વિસ્તારને ગૅડો અથવા ગરડાપંથક કહેવાય છે. અબડાસા અને ગરડાપંથક તેની ફળદ્રુપ જમીન માટે જાણીતા છે. કોઈ સમયે સુનકારભર્યા આ વિસ્તારો હવે સિમેન્ટ કંપનીઓ, પવન ચક્કીઓ અને કોલસાની ખાણોને કારણે ધમધમે છે. લખપત તાલુકાના દયાપરથી ભુજ તરફ આવતા નખત્રાણા આસપાસનો વિસ્તાર માકપટ કહેવાય છે. કચ્છીભાષામાં માકનો અર્થ ઝાકળ થાય છે. આ વિસ્તારમાં ઝાકળ વધારે પડતી હોવાથી આ વિસ્તાર માકપટ તરીકે જાણીતો બન્યો છે. નખત્રાણાનો ઉતરીય વિસ્તાર જ્યાં ધીણોધર ડુંગર આવેલો છે. ધીણોધરની આસપાસનો વિસ્તાર પાવરપટ કહેવાય છે. આમ તો કચ્છીમાં પાવર શબ્દ પાટ પરંપરા સાથે જોડાયેલો છે. ભક્તિમાર્ગની એક ધારા તે પાટ પરંપરા છે. આ વિસ્તારમાં કોરીપાટમાં માનનારી જ્ઞાતિઓની સંખ્યા પણ સારી એવી છે. એના ઉપરથી આ શબ્દ આવ્યો હોય એવી શક્યતા છે. પણ એ સાચું જ છે એવો કોઈ પુરાવો નથી.

કચ્છની આંતરિક ઓળખ ધરાવતા વિસ્તારો માત્ર જુદા જુદા નામ ધરાવતા નથી, ત્યાંનું લોકજીવન અને પહેરવેશ પણ હજુ એ પ્રદેશની સ્વતંત્ર ઓળખનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. કોઈ ધારે કે આખાય કચ્છની પોતાની ભાષા કચ્છી છે. પરંતુ એવું નથી. અડધો અડધ કચ્છની માતૃભાષા ગુજરાતી છે. ભાષાની દષ્ટિએ કચ્છના બે મુખ્ય ભાગ પડે છે. પશ્ચિમ કચ્છ કચ્છીભાષી છે, જ્યારે પૂર્વ કચ્છ ગુજરાતી ભાષી છે. એક અર્થમાં જોઈએ તો કચ્છી બોલતી જ્ઞાતિઓ મૂળે પશ્ચિમ કચ્છની છે, જ્યારે ગુજરાતી બોલતી જ્ઞાતિઓ મૂળે પૂર્વ કચ્છની છે. કચ્છને સમજવા ઘણાં બધાં પાસાંને જાણવા પડે. કચ્છીલોકોનું લોકજીવન અને તેના વ્યવહારોના કારણોનો વૈજ્ઞાનિક અભ્યાસ થવો હજુ બાકી છે. જે પણ લખાયું છે તે મોટાભાગે રણપ્રદેશના ટુકડાનો જ અભ્યાસ થયો છે એટલે કચ્છના મહત્વના બે છેડા લખપત અને રાપર બાજુના તળના સંશોધનો હજુ થયાં નથી.

કચ્છને સમજવા કચ્છમાં રહેવું પડે, લાંબો સમય ગાળવો પડે. આ શબ્દો માત્ર આ વિલક્ષણ પ્રદેશની ઝલક માત્ર છે. વાસ્તવિકતા તો હંમેશા એ ભૂમિ ઉપર રહેનાર સાથે જોડાયેલી હોય છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. ચિત્રના પ્રકાશાનધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.