વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : મીનામાતા

જગદીશ પટેલ

પર્યાવરણ અને કામને કારણે થતા રોગના ભોગ બનેલા દર્દીઓને રુબરુ મળીને તેમની વ્યથાકથા સાંભળવાની તક દક્ષિણ કોરીઆની રાજધાની સીઓલ ખાતે તા.૨૮,૨૯,૩૦,૩૧ ઓકટોબર દરમિયાન મળેલ “એશીયન નેટવર્ક ઓફ રાઇટસ ઓફ ઓકયુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટલ હેલ્થ(એનરોવ)”ના સભ્યોની દ્વિવાર્ષિક બેઠકમાં મળી.

મીનામાતા નામ વાંચીને કેટલાક ભારતીયો ભરમાઇ જાય તેવી સંભાવના છે. “મીના” નામના કોઇ નવા “માતા”નું નામ નથી પણ પારાને કારણે પ્રદુષીત થયેલા પાણીને કારણે થતા રોગનું નામ છે. મીનામાતા નામના ગામ પાસેના દરિયાને મીનામાતાનો અખાત કહે છે જેમ આપણે ખંભાતનો અખાત છે એમ.

જેમને આ રોગ વિષે ખાસ ખબર નથી એમને ટૂંકમાં પરિચય આપવો હોય તો આ રીતે આપી શકાય. જાપાનમાં મીનામાતા ખાડીને કિનારે ચીઝો નામનું એક રસાયણ કારખાનું હતું અને તે કારખાનું પોતાનું ગંદુ પાણી સમુદ્રમાં છોડતું.. ગામમાં બિલાડીઓનું વર્તન બદલાવા માંડયું અને પછી ધીમે ધીમે માણસોમાં પણ લક્ષણો દેખાવા માંડયા ત્યારે તપાસ શરૂ થઇ તો જાણવા મળ્યું કે ફેકટરીના ગંદા પાણીમાં મિથાઇલ મકર્યુરી નામના પારાના રસાયણનું પ્રમાણ વધુ હતું. તે કારણે તે કિનારાની માછલીઓમાં પારો ગયો અને એ માછલીઓ ખાવાને કારણે બિલાડીઓ અને માણસોમાં પારાનું ઝેર ઉતર્યું. આ રોગને “મીનામાતા રોગ” નામ અપાયું.

૧૯૫૬ના મે મહિનાની પહેલી તારીખે જાપાનના કુમામોતો પ્રાંતના મીનામાતા શહેરના જાહેર આરોગ્ય કેન્દ્રમાં અજાણ્યા કારણોસર થયેલ દુર્લભ રોગના ૪ દર્દી મળી આવ્યા હોવાનું નોંધાયું. તે બધાને મગજનો રોગ થયો હતો. ત્રણ વર્ષ પછી ૧૯૫૯માં કુમામોતો વિદ્યાપીઠના વિદ્વાનોએ જણાવ્યું કે ચીઝો કોર્પોરેશનની મીનામાતાસ્થિત ફેકટરીએ છોડેલા પારાના સંયોજનને કારણે આ રોગ થયો. પરંતુ સરકાર અને કંપનીએ આ તારણોને ફગાવી દીધા અને અટકાવવા માટે કોઇ પગલાં લીધાં નહી. ૧૯૬૫માં આ જ પ્રકારના લક્ષણો નીગાતા પ્રાંતમાં અગાનો નદીને કિનારે રહેતા લોકોમાં જોવા મળ્યા. શોવા ડેન્કો કેકેની કાનોસેસ્થિત ફેકટરીમાંથી છોડેલા પારાના સંયોજનને કારણે એ થયું હોવાનું સંશોધનમાં બહાર આવ્યું. છેક સપ્ટેમ્બર ૧૯૬૮માં —૧૩ વર્ષ પછી— સરકારે આધિકારીક રીતે કબુલ્યું કે આ રોગ ચીઝો ફેકટરીએ છોડેલા મિથાઇલ મકર્યુરીને કારણે થયો હતો.

આ રોગનો ભોગ બનેલાની બહુ વાતો વાંચી હતી. પરંતુ તે રોગનો ભોગ બનેલી કોઇ વ્યક્તિને જોવા મળવાનું કે તેમની વ્યથા સાંભળવાનું—વાંચવાનું બન્યું ન હતું. તે પૈકીના એક સાકેમોટુ શીનોબો નામના બહેન આ બેઠકમાં પોતાની આપવીતી સંભળાવવા આવ્યાં હતાં.૧૯૫૬માં સાકામોટો તાકેયોશી નામના માછીમારને ઘરે જન્મેલાં આ બહેન હાલ તો જાતે ચાલી શકતાં નથી, મોં વાંકુ થયેલું, બોલે ત્યારે એ શું બોલે છે તે પણ સ્પષ્ટ સમજી શકાય નહી. પણ તેઓ જાપાની ભાષામાં જે બોલે તેનો અંગ્રેજી અનુવાદ તરત કરવામાં આવતો તેથી સમજાતું. તેમની નાની બહેન ૪ વર્ષની વયે ૧૯૫૮માં મીનામાતાને કારણે મરણ પામી. ૧૯૬૨માં તેમને પણ આ રોગ હોવાનું નિદાન થયું. ૧૯૬૪માં પહેલીવાર તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. એ જ વર્ષે તેમને પ્રાથમિક શાળામાં દાખલ કરાયાં, બીજાં બાળકો કરતાં એક વર્ષ મોડા. ૧૯૬૭માં હોસ્પિટલમાંથી રજા આપી.૧૯૬૯માં તેમણે કંપની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી.૧૯૭૨માં પોતાની માતા અને અન્ય એક પીડિત સાથે યુનોની સ્ટોકહોમ ખાતે મળેલી બેઠકમાં હાજરી આપી સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું. કોર્ટના પહેલા ચુકાદા પછી ૧૯૭૩માં ચીઝો કંપનીની ટોકયોની કચેરી દ્વારા પીડિતોને વળતર ચુકવવા માટે કરાર કર્યા. સાકામોટો એ પછી આ રોગને કારણે જેમને જન્મજાત ખોડ રહી હોય તેવા યુવક—યુવતીઓને સંગઠીત કરવા માંડયા અને પીડિતોને સંભાળ અને ટેકો આપવા વિવિધ પ્રવૃત્તિઓ કરવા માંડયા.૧૯૮૭માં વિએટનામના ડીફોલીયન્ટના પીડિતોને મળવા ગયાં અને તેમને બે વાહનોની ભેટ આપી. ૨૦૧૧માં તેમણે ઇન્ટરગવર્મેન્ટ નિગોશીએટીંગ કમિટીની ચર્ચાઓમાં ભાગ લઇ ભારપૂર્વક જણાવ્યું કે તમે એમ ન સમજતા કે મીનામાતા ભૂતકાળની વાત છે. જાપાન સરકારે એનો ઊંડો અભ્યાસ કરવો જોઇએ અને પારાના પ્રદુષણ અંગે કરાર કરવા જોઇએ. ૨૦૧૩માં એમણે પારાના પ્રદુષણ અંગે આંતર્રાષ્ટ્રીય કરારો થાય તે માટે સ્વેચ્છિક સંસ્થાઓનું એક સંમેલન બોલાવ્યું. આ બહેનનું એક પણ અંગ સાજું ન હતું અને આટલે દૂર એ આ બેઠકમાં કેટલી તકલીફ વેઠીને આવ્યાં હશે તે સમજી શકાતું હતું. તેમની માતા પણ આ રોગનો ભોગ બનેલા. માતાએ તેમની બહુ સંભાળ વર્ષો સુધી લીધી. પોતાની માતા વિષે તેમણે કહ્યું કે માતા પોતાના વિચાર બહુ સ્પષ્ટપણે રજુ કરતી. તે હંમેશાં કહેતી કે પીડિતોએ મજબૂત રહેવું. આપણે સૌ ભેગા રહીશું તો જ આપણે મજબૂત રહી શકીશું, એમ તે કહેતી.

તેમણે જણાવ્યું કે તેઓ માતાના ગર્ભમાં હતાં ત્યારે જ પારાની ઝેરી અસરનો ભોગ બન્યા. એ કારણે ખોડ સાથે જન્મ્યા. ખોડને કારણે અન્ય સ્વસ્થ બાળકોની જેમ તેઓ રમી ન શકયા, દોડી ન શકયા અને કૂદી ન શકયા તેનું તેમને દુખ છે. જો પારાની ઝેરી અસરનો ભોગ ન બની હોત તો મારે જે કરવું હોત તે હું કરી શકી હોત પણ તેમ કરી શકી નહીં. અમુક લોકો ચીઝો કંપનીને માફ કરી દે છે પણ હું નહી કરી શકું. દિવસે દિવસે પીડિતોની હાલત ખરાબ થતી જાય છે. હું ફરી ફરીને કહેવા માગું છું કે મીનામાતાની વાત પૂરી થઇ નથી. હજુ પારો લેન્ડફીલમાં પડેલો છે. હજુ ઘણા લોકો કંપની સામે કેસ કરી રહ્યા છે છતાં સ્થાનિક સરકાર કશું કરતી નથી.

૧૯૫૫માં એક ડોકટરે જાહેર કર્યું કે તોયામા પ્રાંતમાં જીન્ઝુ નદીને કિનારે વસતા લોકોમાં જે રોગ ફેલાયો છે તે ખાણ કંપનીએ છોડેલા કેડમીયમને કારણે થયો છે જેને “ઇટાઇ ઇટાઇ” નામ અપાયું. મીત્સુઇ માઇનીંગ એન્ડ સ્મેલ્ટીંગ કંપનીના જીફુ પ્રાંતમાં આવેલા કામીઓકા પ્લાન્ટમાંથી પ્રદુષણ ફેલાવવામાં આવ્યું હતું. જો કે સરકારે તો છેક મે ૧૯૬૮માં આ વાત સ્વીકારી.૧૯૬૪માં ડો.હરદાએ મીનામાતામાં જન્મજાત ખોડ ધરાવતા બાળકોના જન્મ અંગે મહત્ત્વનું સંશોધન કરી જણાવ્યું કે ઝેર મેલી(પ્લેસન્ટા)ને પાર જઇ ન શકે તેવી પરંપરાગત માન્યતા ભૂલભરેલી છે. ઝેર એને પાર જઇને ગર્ભસ્થ ભ્રૂણને નુકસાન પહોંચાડી શકે છે.તેમણે મીનામાતા રોગથી પીડાતા દર્દીઓની ઓળખ માટે સરકારે તૈયાર કરેલા ધોરણોની કડક ટીકા કરી જણાવ્યું કે દર્દી આ રોગથી પીડાતા હોવાનું સ્વીકારવું નહી તે જ તેમને માટે મોટી મુસીબત છે અને તેમના દુ:ખોનું કારણ છે. તેમની સાથે જે ભેદભાવ અને પક્ષપાત થતો તેનો તેઓ વિરોધ કરતા.

શીનોબોએ આપેલ માહિતી મુજબ કુલ કેટલા લોકો તેનો ભોગ બન્યા તે જાહેર થયું નથી. પણ ૨૨૯૦ જેટલાને વળતર મળ્યું છે. થોડા લોકોને સારવારનો ખર્ચ પણ અપાયો. પણ ઘણા એવા છે જેમને માંદગીની ઘણી ફરિયાદો હોવા છતાં તેમને આ રોગના પીડિત ગણવામાં આવતા નથી અને તેમને કોઇ ખર્ચ ચુકવવામાં આવતો નથી. ઘણાના તો મૃત્યુ થઇ ગયા એટલે કેટલા ભોગ બન્યા તેનો સાચો આંકડો કોઇ જાણી શકશે નહી.

બીજા બહેન સાટો સુએેમી ૧૯૫૫માં કુમામોતો પ્રાંતના માછીમારોના ગામ આશીકીતા—ગનમાં જન્મેલાં. પિતા માછીમાર હતા. તેમને બીજી ૬ બહેનો હતી. તેમના માતા, પિતા અને દાદાને પણ આ રોગ લાગુ પડયો હતો. ૧૩ વર્ષની ઉંમરે તેમને સખત માથાનો દુખાવો થયો અને તે પછી નિશાળમાં ખાડા પડવા માંડયા. ૧૯૭૨માં શાળાનું શિક્ષણ પુરૂ કરી નોકરીએ લાગ્યાં. ૧૯૭૯માં પરણ્યાં અને ૪ બાળકોને જન્મ આપ્યો. તેમના સાસુ, સસરા અને વડસાસુ પણ મીનામાતા રોગનો ભોગ બનેલાં. સાટોને સંતરાની વાડી હતી અને તેનો ગુજારો તેનાથી થતો. તેના સસરા પહેલાં માછીમારી કરતા પણ પછી તેમને ચીઝો ફેકટરીમાં નોકરી મળી. સાસુને આ રોગને કારણે બહુ ગંભીર તકલીફ હતી. તેમને કંપનીએ ૧૯૭૩માં વળતર ચુકવ્યું. સાટો પોતે પણ આ રોગનો ભોગ બન્યાં. ૧૯૯૫માં તેમણે પોતાને મીનામાતા રોગ હોવાનું જાહેર કરવા માગણી કરી જે ૧૯૯૬માં સ્વીકારાઇ.૨૦૦૫માં તેમણે “મ્યુચ્યુઅલ એઇડ એસોસીએશન ઓફ મીનામાતા ડીસીઝ પેશન્ટસ એન્ડ ધેર ફેમીલી” નામની સંસ્થા સ્થાપી. તેમના પતિ આ સંસ્થાના આગેવાન છે. ફુકુઓકા કોર્ટમાં તેમણે કેસ દાખલ કર્યો છે. તેમણે જણાવ્યું કે કંપનીએ ૧૯૩૨થી ૧૯૫૨ સુધી પ્રદુષિત પાણી સમુદ્રમાં છોડયે રાખ્યું.પર્યાવરણની શુદ્ધિ માટે સૌએ પ્રયાસ કરવા પડશે તેમ એમણે ઉમેર્યું. ૧૯૯૫માં જાપાન સરકારે મીનામાતા રોગનો ભોગ બનેલા તમામને તબીબી સારવાર આપવાનું નકકી કર્યું કારણ પીડિતોએ કોર્ટમાં ઘણી ફરિયાદો દાખલ કરી હતી. તે કારણે સરકાર પર દબાણ આવ્યું અને આ નિર્ણય જાહેર થયો. તે પછી કોર્ટમાંથી ફરિયાદો પાછી ખેંચાઇ. ૨૦૧૦માં મીનામાતા રોગીઓ માટે જુદો કાયદો બનાવવામાં આવ્યો અને દર્દીઓને નાનકડી રકમ આપવામાં આવી. કેટલાક દર્દીઓએ તેનો વિરોધ કરીને રકમ ન સ્વીકારી. હાલ કુમામોતો હાઇકોર્ટમાં કેસ ચાલુ છે અને આવતા વર્ષે ચુકાદો આવવાની સંભાવના છે. ફુકુઓકા કોર્ટમાં પણ જુદો કેસ ચાલે છે ત્યાં પણ આવતા વર્ષે ચુકાદો આવવા સંભવ છે. હવે જે અસરો દેખાય છે તે લાંબા ગાળે થતી અસરો છે જે બહુ ગંભીર નથી પણ અમને પણ પીડિત ગણવા માટેની આ લડત છે અને અમે તે ચાલુ રાખીશું. હાલ તેમને માથાનો દુખાવો, હાથપગમાં બહેરાશ લાગવી, વારંવાર થાકી જવું જેવી ફરિયાદો છે. માથાનો દુખાવો તો એવો થાય કે ઉભા જ ન રહેવાય અને ત્રણ—ત્રણ દિવસ સુધી ખાટલામાં પડયા રહેવું પડે. હાથપગની બહેરાશને કારણે રાત્રે ઉંઘ આવતી નથી. સ્નાયુઓ નબળા પડયા હોવાને કારણે વસ્તુઓ પકડી શકાતી નથી. લાંબો સમય કાર ચલાવી શકતા નથી. ગરમાગરમ વાસણ એ સાણસી વગર પકડી શકે છે કારણ એમને કોઇ સંવેદના જ થતી નથી. હાલ આ દંપતી ઇન્ડોનેશિયા જઇ વસ્યું છે જયાં સંતરાની સજીવ ખેતી કરી ગુજરાન ચલાવે છે અને પોતાના વતનમાં કાનૂની લડત પણ ચાલુ રાખી છે.શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

1 thought on “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : મીનામાતા

  1. ખૂબ જ સરસ… જગદીશભાઈ,પાયાનો ઉપયોગ હવે બલ્બ લાઈટના માટે બહૂ જ મોટો થયી રહ્યો છે એ કચરામાં જશે ત્યારે પૂ થશે તે કલ્પના ધ્રુજિવી દે છે….આશા કે તેનો યોગ્ય નિકાલની વ્યવસ્થા થાય.

Leave a Reply

Your email address will not be published.