ફિર દેખો યારોં : આગ લાગે ત્યારે, એ પહેલાં કે પછી, અમારે કૂવો ખોદવો જ નથી, જાવ!

– બીરેન કોઠારી

કોઈ પણ સંભવિત દુર્ઘટનાને ખાળવા માટે સાવચેતીનાં આગોતરાં પગલાંની જોગવાઈ વિચારવામાં ન આવે, અને દુર્ઘટના બને ત્યારે જ પગલાં લેવાની વિચારણા કરવામાં આવે એ વલણને ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું’ તરીકે ઓળખાવવામાં આવે છે. છે તો આ રૂપક, પણ શબ્દાર્થમાંય તે કેટલી હદે લાગુ પડે છે એ દર્શાવતા અનેક ગંભીર બનાવો બનતા રહે છે. છેલ્લા બે વરસમાં સર્જાયેલી બે દુર્ઘટનાઓની વાત કરીએ. એક બનાવ છે ગયા સપ્તાહે અમદાવાદની ‘શ્રેય હોસ્પિટલ’માં લાગેલી આગનો, જેમાં કોવિડ-19ની સારવાર લઈ રહેલા આઠ દર્દીઓએ જીવ ખોવાનો વારો આવ્યો. એ અગાઉ મે, 2019માં સુરતના ‘તક્ષશિલા આર્કેડ’ નામના બાંધકામ સંકુલમાં લાગેલી ભીષણ આગમાં બાવીસ આશાસ્પદો હોમાયા હતાં. આમ, ખરેખર આગ લાગી, પણ એ વખતે યા એ પછી કૂવો ખોદવાની ફિકર કેટલી કરવામાં આવી? આશરે એક-સવા વરસના આ સમયગાળામાં કોઈએ શો બોધપાઠ લીધો? આ લખાય છે ત્યારે આંધ્ર પ્રદેશના વિજયવાડામાં હોસ્પિટલ દ્વારા ભાડે રખાયેલી એક હોટેલમાં લાગેલી આગમાં દસેક દરદીઓ બળી મર્યા હોવાના અહેવાલ છે.

કોઈ પણ દુર્ઘટના બને ત્યારે ‘ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ’ કરવાનાં અને ‘કસૂરવારોને નહીં છોડવાનાં’ પોપટિયાં નિવેદનો આપવામાં આવે છે. આ નિવેદનો અને વિવિધ માર્ગદર્શિકાઓના અમલ બાબતે આપણાં સત્તાતંત્ર કેટલાં પોકળ છે એ કહેવાની હવે ભાગ્યે જ જરૂર છે. માનવીય ભૂલ કે કાબૂ બહારના સંજોગો સર્જાતાં અકસ્માત થાય એ સમજી શકાય, પણ અકસ્માતના નિવારણ માટેની માર્ગદર્શિકાને ધરાર અવગણવી અને એમ કરવાથી થતા કાનૂનભંગને સુદ્ધાં ઘોળીને પી જઈએ ત્યારે અકસ્માત ન થાય તો જ નવાઈ લાગવી જોઈએ. સુરતની દુર્ઘટના બની એ પછી તમામ શોપિંગ કોમ્પ્લેક્સના ફાયર સેફ્ટી એન.ઓ.સી.ની તપાસ ચાલેલી અને હવે અમદાવાદની દુર્ઘટના બની એટલે તમામ હોસ્પિટલોના ફાયર સેફ્ટી એન.ઓ.સી. બાબતે તપાસ ચાલશે.

આપણાં સત્તાતંત્રો કોઈ પણ માર્ગદર્શિકા બનાવે, અને તેનો અમલ ફરજિયાત બનાવે ત્યારે ઘણા બધા કિસ્સામાં એમ લાગતું જણાય છે કે તેમાં મૂળભૂત આશય કંઈક અલગ જ છે. સ્પષ્ટતાથી કહીએ તો તેનાથી ભ્રષ્ટાચાર આચરવા માટેની એક વધુ જોગવાઈ ઊભી થતી જણાય છે. કોઈ પણ માર્ગદર્શિકા ખરેખર તો જે તે પ્રક્રિયા કે પગલાંને વધુ સલામત બનાવવા અને લોકો તેનો વધુ સુગમતાથી ઉપયોગ કરી શકે એ પાસાને ધ્યાનમાં રાખીને ઘડાવી જોઈએ. તેને બદલે એ કેવળ નિરર્થક, માત્ર કાગળ પરની ઔપચારિકતા બની રહે છે. તેનો મૂળભૂત હેતુ જળવાતો હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. પરિણામે લોકો ગૂંચવાય છે, ગેરમાર્ગે દોરાય છે, અને તેને કોઈ પણ ભોગે પાર પાડવા માટે ટૂંકા રસ્તા શોધવા પ્રેરાય છે. આ ટૂંકા રસ્તા એટલે ભ્રષ્ટાચારની બારી. સરવાળે આખી કવાયત કેવળ સરકારી કાગળિયા પર લખાયેલા ફરમાનને પ્રાપ્ત કરવા પૂરતી મર્યાદિત બની રહે છે. માર્ગદર્શિકાને ઘડવા પાછળનો હેતુ અને તેની ગંભીરતા આમાં ક્યાંય જણાતાં નથી.

સાવ નાનામાં નાનો દાખલો વાહનના ‘પી.યુ.સી.’નો છે. જે તે વાહન દ્વારા ઉત્સર્જિત વાયુનું પ્રમાણ નિયંત્રણમાં હોવાનું પ્રમાણપત્ર સાથે રાખવું ફરજિયાત છે. એ ન હોય તો દંડ થઈ શકે. હકીકતમાં આ પ્રણાલિ વાહનો દ્વારા ઉત્સર્જિત વાયુના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે અમલી બનાવવામાં આવી હતી. પણ વાસ્તવિકતા શી છે? તમારું વાહન ગમે એવા કાળા ધુમાડા છોડતું હોય, તેનું યોગ્ય મુદતનું ‘પી.યુ.સી.’ હોય એટલે બસ! અને વાહન દ્વારા ઉત્સર્જિત વાયુનું પ્રમાણ ગમે એવું નિયંત્રણમાં હોય, પણ ‘પી.યુ.સી.’ ન હોય તો દંડ ભરવાનો એટલે ભરવાનો. સરવાળે આખી વાત પ્રદૂષણ પરથી ખસીને દંડ પર કેન્‍દ્રિત થઈ જાય છે. હદ તો ત્યારે થાય છે કે સંબંધિત વિભાગ દ્વારા દંડ એકત્ર કરવા માટેનો લક્ષ્યાંક ઉભો કરવામાં આવે છે. આ બાબત જ દર્શાવે છે કે આગ લાગે ત્યારે પણ કૂવો ખોદવામાં કોઈને જરાય રસ નથી. આવા મુદ્દે પણ સામાન્ય રીતે લોકો વિભાજીત થઈ જાય છે. એક પ્રકારના લોકો માને છે કે આપણી પ્રજા દંડ વિના માને એમ નથી. બીજા પ્રકારના લોકો સરકારનો વાંક કાઢે છે. હકીકતમાં વાંક કોનો?

આ સવાલનો જવાબ પરીક્ષામાં પૂછાતા વૈકલ્પિક જવાબ જેવો સરળ નથી. વાંક બન્નેનો છે. પણ વધુ વાંક સરકારનો, કેમ કે, આટઆટલાં વરસોથી ચાલતા રહેલા તંત્રને હજી પૂર્ણપણે લોકાભિમુખ બનાવી શકાયું નથી એ હકીકત છે. અને આ કોઈ એકલદોકલ સરકાર પૂરતી નહીં, તમામ સરકારોની વાત છે. કદાચ કેટલાક સન્નિષ્ઠ સરકારી કર્મચારીઓને આમ ન લાગે, પણ એ બાબત સમજવાની જરૂર છે કે અહીં વાત કર્મચારીઓની કર્મનિષ્ઠાની નથી, બલ્કે તંત્રને લોકાભિમુખ બનાવવા તરફની દિશાનાં પગલાંની છે.

કોઈ પણ દુર્ઘટના બની જાય એ પછી જ આપણું તંત્ર કેમ સફાળું જાગતું હશે? પ્રતિક્રિયાત્મક પગલાં લેવાને બદલે તેને કદી નિવારક પગલાં લેવાનું કેમ સૂઝતું નહીં હોય? નાગરિક તરીકે આપણે સૌએ કોઈ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવીને, કે તેમાં બચાવકાર્ય કરનારાઓને હીરો માનીને ‘શાબ્દિક સલામ’ ઠોકીને જ ઈતિશ્રી માનવાનું છે કે આવું કેમ થયું અને હવે એ ફરી ન થાય એ માટે તંત્રે શી કાર્યવાહી કરી એનો જવાબ માગવાનો છે? કોઈ પણ દુર્ઘટનામાં કોઈનો ભોગ રાજકીય પક્ષ જોઈને નથી લેવાતો, માટે આપણે પણ દુર્ઘટનાને પક્ષાપક્ષીથી પર, એક બોધપાઠ તરીકે જોવી જોઈએ.

નાગરિક ઘડતરની જેમ, શાસનતંત્રના ઘડતરની પ્રક્રિયા પણ જરૂરી છે. લાંબા ગાળાની આ પ્રક્રિયાનો આરંભ કોણ, ક્યારે, શી રીતે કરે છે અને આગળ વધારે છે એ જોવું રહ્યું. ત્યાં સુધી દંડ કે દુર્ઘટનાથી બચતા રહેવાની જવાબદારી આપણે જ નિભાવવાની છે, એ સમજી લેવું જરૂરી છે.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.