ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણઃ ૬૨:: બંધારણીય વ્યવસ્થાની દિશામાં

દીપક ધોળકિયા

બીજી ગોળમેજી પરિષદ પછી ત્રીજી ગોળમેજી પરિષદ પણ મળી ગઈ, પરંતુ એનુંય કોઈ સ્પષ્ટ પરિણામ ન આવ્યું. આપણે રામસે મૅક્ડોનલ્ડનો કોમી ઍવૉર્ડ પણ જોયો. તે પછી ૧૭મી માર્ચ ૧૯૩૩ના રોજ બ્રિટિશ સરકારે ભારતમાં બંધારણીય વ્યવસ્થા વિશે એક શ્વેતપત્ર પ્રકાશિત કર્યો. (શ્વેતપત્ર લોકપ્રિય નામ છે; એનું સત્તાવાર નામ કમાંડ પેપર ૪૨૬૮ હતું). એના દ્વારા ભારતના બંધારણીય માળખાની જાહેરાત કરવામાં આવી. બ્રિટનની આમ સભામાં એના પર ચર્ચા થઈ ત્યારે ઘણા પ્રશ્નો સામે આવ્યા અને અંતે લૉર્ડ લિન્લિથગોની આગેવાની હેઠળ પાર્લમેંટનાં બન્ને ગૃહોની સંયુક્ત ‘સિલેક્ટ કમિટી’ને એના પર વિચાર કરવાનું કામ સોંપાયું.

પરંતુ, એક તરફ ભારતમાં આશા અને નિરાશા બન્ને હતાં તો બીજી બાજુ બ્રિટનમાં ઘોર વિરોધ પણ હતો. ભારતમાં નરમ અને સમાધાનકારી બંધારણવાદીઓ આને એક શરૂઆત માનતા હતા તો બીજા લોકો એને આઝાદીને ટાળવાનો પ્રયાસ માનતા હતા. શ્વેતપત્ર ‘સિલેક્ટ કમિટી”ને સોંપવાની દરખાસ્ત પર આમ સભામાં ત્રણ દિવસ ચર્ચા થઈ. ૨૯મી માર્ચે ભારત માટેના નાયબ પ્રધાન બટલરે સિલેક્ટ કમિટીને સોંપવાનો ઠરાવ રજૂ કરવા માટે પોતાનું ભાષણ જે રીતે શરૂ કર્યું તે મઝા પડે તેવું છે. એમાંથી એમનો કેટલો વિરોધ થયો તે દેખાય છે. એમણે કહ્યું કે ભારતમાં ઘણી વાર હું જંગલોમાં બેઠો છું. મારણ એટલે કે વાછરડો બાંધ્યો હોય અને વાઘની રાહ જોવાતી હોય. બંદૂક તૈયાર હોય. મારી હાલત આ મારણ જેવી છે. મારા મિત્ર ચર્ચિલ મને વાઘ જેવા દેખાય છે. પણ મને આશા છે કે એ વાઘ માટે એક બંદૂક પણ રાહ જૂએ છે. વળી વિરોધ પક્ષ વતી મોર્ગન જોન્સ બોલવાના છે એમને પણ હું એ જ રીતે જોઉં છું.

અખબારોએ પણ જુદી જુદી જાતના અભિપ્રાય વ્યક્ત કર્યા. મોટા ભાગે તો સૌએ ‘સેફગાર્ડ્સ’ અને ‘ફેડરલ સ્ટ્રક્ચર’ પર લખ્યું. ડેઇલી મેઇલે લખ્યું: સેફગાર્ડ્સ અસરકારક રહેશે તો એનો અર્થ એ કે ભારતમાં ભારતીયોની મરજીથી ચાલતી સરકાર નહીં હોય, અને સેફગાર્ડ્સ અસરકારક નહીં હોય તો એનું ભારે નુકસાન ભારત અને સામ્રાજ્યને થશે. મૉર્નિંગ પોસ્ટે લખ્યું કે શ્વેતપત્ર ખરેખર તો ભાગીદારીનું કરારનામું નથી, પણ ભાગી છૂટવાની સમજૂતી છે.

વિદેશ પ્રધાન સૅમ્યુઅલ હૉરે બે દિવસ પહેલાં ૨૭મીના એમના ભાષણમાં કેટલાંય બ્રિટિશ અને ભારતીય છાપાંઓને ટાંક્યાં. ભારતીય છાપાંઓની એક ટિપ્પણી હતી કે આ શ્વેતપત્ર હેઠળ ભારતીયોને સોંપાયેલી જવાબદારીઓ પત્તાંના મહેલ જેવી છે. એ પડી જશે અને એની પાછળથી મહાકાય, આપખુદ શાસક પ્રગટ થવાનો છે, જે સેંકડો હિટલરો અને મુસોલિનીઓ કરતાં વધારે શક્તિશાળી હશે. એક અખબારે લખ્યું કે ભારતે પોતાના શત્રુ સામે સંગઠિત બનીને કામ કર્યું હોત તો એની દેશભક્તિ અને સ્વાભિમાન પર આટલો મોટો હુમલો થવાનું કલ્પી શકાય એમ નથી. શ્વેતપત્રે ભારતના દૃષ્ટિકોણને તલભાર પણ માન નથી આપ્યું. એક છાપાએ તો શ્વેતપત્રને બહુ જ ખરાબ ગણાવતાં કહ્યું કે ચર્ચિલ અને એમના સાથીઓને આ કામ સોંપ્યું હોત તો એ પણ આનાથી વધારે ખરાબ ન કરી શક્યા હોત!

પરંતુ શ્વેતપત્ર સંયુક્ત સિલેક્ટ કમિટીને સોંપવા અંગેના ઠરાવ પરની ચર્ચામાં ચર્ચિલ અને બીજાઓએ ભારતમાં બંધારણીય વ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસનો જ વિરોધ કર્યો. ચર્ચિલે કહ્યું કે આપણે ભારતમાં શાંતિ સ્થાપી શકીએ એમ નથી, એ ખોટી વાત છે. અમે જ્યારે કડક હાથે કામ લેવાની વાત કરતા હતા ત્યારે અમને જવાબ મળ્યો કે ખૂબ લોહી વહેશે અને બ્રિટનથી લશ્કર બોલાવવું પડશે. એણે ગાંધી-અર્વિન કરારનો ઉલ્લેખ કરીને કહ્યું કે એને કારણે કોંગ્રેસને લાગ્યું કે સત્તા એના હાથમાં આવશે. પણ ખરેખર અરાજકતા વધી ગઈ. તે પછી વિલિંગ્ડને કડકાઈથી કામ લીધું, ગાંધી જેલમાં છે, એના અનુયાયીઓ જેલમાં છે, એમની સંખ્યા ઘટતી જાય છે અને લશ્કરને સરહદો સિવાય ક્યાંય મોકલવું નથી પડ્યું. આખા દેશમાં શાંતિ છે.

ચર્ચિલ કટ્ટર સામ્રાજ્યવાદી હતો તે એના આ શબ્દોમાંથી જોઈ શકાશેઃ

“આપણે આજે ઇતિહાસમાં એવા સમયે આ કરીએ છીએ (ભારતને સત્તા સોંપવાની ચર્ચા કરીએ છીએ), જ્યારે સંસદીય લોકશાહી અને ચૂંટણીઓમાંથી લોકોનો વિશ્વાસ તૂટતો જાય છે અને પશ્ચિમી દુનિયામાંથી એને જાકારો મળવા લાગ્યો છે. આજે આપણે આ એવા સમયે કરીએ છીએ, જ્યારે રાષ્ટ્રીય અસ્તિત્વ અને સુરક્ષિત મક્કમતાથી સંકળાયેલાં બજાર માટેનો સંઘર્ષ દારૂણ બનતો જાય છે, અને આજે આપણે જોઈએ છીએ કે વધારે શક્તિશાળી, વધારે સભ્ય, અને વધારે આધુનિક દેશો દૃઢતાથી પોતાના હસ્તકના પ્રદેશોને ટકાવી રાખવા, નવા પ્રદેશો મેળવવા અને બીજા દેશોની ભૂમિ પર ફરી કબજો કરવા કે મેળવવા માટે વસાહતો સ્થાપવાના કે વિજયો મેળવવાના પોતાના અધિકારો જરાય અચકાયા વિના આગળ ધરે છે.”

પરંતુ રૂઢિચુસ્ત પક્ષમાં ત્રણ ફાંટા પડી ગયા હતા. ચર્ચિલ અને એના સાથીઓ કોઈ પણ ભોગે બ્રિટનનો કબજો છોડવા તૈયાર નહોતા. પણ કેટલાક સભ્યો મિશ્ર સરકારના ટેકેદાર હતા. એમના મત પ્રમાણે સેફગાર્ડ્સ (એટલે કે બ્રિટનનાં હિતો ન જોખમાય એવી વ્યવસ્થા) બરાબર હોય તો શ્વેતપત્રની ભલામણો લાગુ કરવી જોઈએ. ત્રીજું ગ્રુપ માનતું હતું કે આગળ જતાં ડોમિનિયન સ્ટેટસની માગણી આવે તો પણ આ દરખાસ્તોને ટેકો આપવો જોઈએ. બીજી બાજુ મજૂર પક્ષ ડોમિનિયન સ્ટેટસ આપવાની તરફેણ કરતો હતો. ઍટલીએ પોતાના ભાષણમાં કહ્યું કે શ્વેત[અત્રમાં ડોમિનિયન સ્ટેટસ આપવાની તો વાત જ નથી.

સંયુક્ત સિલેક્ટ કમિટી

આમસભા (હાઉસ ઑફ કૉમન્સ) અને ઉમરાવ સભા (હાઉસ ઑફ લૉર્ડ્સ)એ ઠરાવો પસાર કરીને પોતાના સભ્યો સિલેક્ટ કમિટી માટે નીમ્યા. જરૂરી લાગે ત્યારે દેશી રાજ્યો અને બ્રિટિશ ઇંડિયાના પ્રતિનિધિઓને પણ બેઠકમાં ભાગ લેવા માટે બોલાવવાના હતા. આવા સભ્યોમાં ડૉ. આંબેડકર પણ હતા. સિલેક્ટ કમિટીએ લગભગ દોઢ વર્ષ જેટલો સમય લઈને પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો, જે પછી ૧૯૩૫નો ઇંડિયા ઍક્ટ બન્યો.

શ્વેતપત્રમાં શી ભલામણો હતી?

શ્વેતપત્ર પ્રમાણે સંઘ (ફેડરલ) ધારાસભા ત્રણ ઘટકોને સાથે મેળવીને બનાવવાની હતીઃ એક ઇંગ્લેંડનો રાજા (એનું પ્રતિનિધિત્વ વાઇસરૉય કરે), કાઉંસિલ ઑફ સ્ટેટ (ઊપલું ગૃહ) અને હાઉસ ઑફ ઍસેમ્બ્લી (નીચલું ગૃહ). ઊપલા ગૃહમાં ૨૬૦ સભ્યો હોય, જેમાંથી ૧૫૦ને પ્રાંતિક ધારાસભાઓ ચૂંટીને મોકલે, ૧૦૦ને દેશી રાજ્યો ચૂંટે અને ૧૦ અધિકારીઓની નીમણૂક સરકાર કરે. નીચલા ગૃહમાં ૩૭૫ સભ્યો હોય, જેમાંથી ૨૫૦ સીધા ચુંટાઈને આવે અને ૧૨૫ને દેશી રાજ્યો નીમે. ઊપલા ગૃહમાં માત્ર યુરોપિયનો, એંગ્લો-ઇંડિયનો અને ભારતીય ખ્રિસ્તીઓ માતે ૧૦ સીટો અનામત રાખવામાં આવી. બીજી લઘુમતીઓને આ અધિકાર ન મળ્યો. નીચલા ગૄહમાં મેક્ડોનલ્ડના કોમી ચુકાદા પ્રમાણે કોમી ધોરણે સીટો ફાળવવામાં આવી હતી.

નાણા બિલ માત્ર નીચલા ગૃહમાં જ રાજૂ થઈ શકે, તે સિવાય બન્ને ગૃહની સંમતિ મળે તો જ બિલ કાયદાનું રૂપ લઈ શકે. નાણા બિલ સિવાયના કોઈ પણ વિષયનું બિલ કોઈ પણ ગૃહમાં આવી શકે.

પરંતુ ઊપલા ગૃહમાં ચુંટાવા માટે ઉમેદવારની પાત્રતા માટે મિલકત વિશેની જ જોગવાઈ હતી તેની સૌથી આકરી ટીકા તો મજૂર પક્ષના નેતા ઍટલીએ કરી. એમણે કહ્યું:

કાઉંસિલ ઑફ સ્ટેટ મિલકત અને ખાસ અધિકારોનું રક્ષણ કરશે. એ સ્થાપિત હિતો માટે એક બહુ સારો સ્તંભ બની રહેશે, કારણ કે બહુ જ ઓછ લોકોને એમને ચૂંટવાનો અધિકાર મળશે. આ સુધારાઓને પરિણામે ભારત શાહુકારો અને જમીનદારોના હાથમાં સપડાઈ જશે… હવે જેમ ડાઉનિંગ સ્ટ્રીટ (બ્રિટિશ વડા પ્રધાનનું નિવાસસ્થાન) પર બેંકરોનું ચાલે છે તેમ પછી દિલ્હી પર બેંકરોની હકુમત હશે, અને હાઔસ ઑફ લૉર્ડ્સ્માં જેમ જમીનદારોનું વર્ચસ્વ છે એવું કાઉંસિલ ઑફ સ્ટેટમાં બનશે.

શ્વેતપત્રથી ભારતમાં પણ કોઈને સંતોષ ન થયો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે શ્વેતપત્રને માનવાની ના પાડી દીધી. આ જ શ્વેતપત્ર થોડા ફેરફારો સાથે ૧૯૩૫માં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ આવી જતાં ઇંડિયા ઍક્ટ બન્યો અને ૧૯૩૭માં એના જ આધારે ચૂંટણી લડાઈ ત્યારે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, બંનેએ એમાં ભાગ લીધો.

૦૦૦

આ સાથે ભાગ ત્રીજો અહીં સમાપ્ત કરું છું. આપણે ત્રીજા ભાગની સફર ત્રણ ભાગમાં કરી. (૧) ૧૮૫૭થી ૧૮૮૫. (૨), ૧૮૮૫થી ૧૯૧૫ અને (૩)૧૯૧૫થી ૧૯૩૫. હવે તબક્કો બદલાય છે રાજકારણ પણ બદલાય છે અનેહવે ચોથા અને છેલ્લા ભાગમાં આપણે ૧૯૩૫થી ૧૯૪૭ સુધીની યાત્રા કરશું. આપણી ૧૫૯૯થી શરૂ થયેલી યાત્રાનો આ ચોથો અને અંતિમ ભાગ છે.

મારો પ્રયાસ આજ સુધી જે સામગ્રી આપણી સમક્ષ ન આવી હોય તે શોધીને સરળ શબ્દોમાં કથાને એક સૂત્રમાં પરોવીને મૂકવાનો રહ્યો છે. આશા છે કે વાચકો કંટાળ્યા નહીં હોય.

૦૦૦

આજના લેખના સંદર્ભઃ

https://trove.nla.gov.au/newspaper/article/22162060

https://storyofpakistan.com/government-of-india-act-1935/

https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/162933/11/11_chapter%208.pdf

https://api.parliament.uk/historic-hansard/commons/1933/mar/27/indian-constitutional-reform#column_732

https://api.parliament.uk/historic-hansard/commons/1933/mar/29/indian-constitutional-reform


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: admin

Leave a Reply

Your email address will not be published.