ટાઈટલ મ્યુઝીક (૪૦ ) – સન્નાટા (૧૯૮૧)

બીરેન કોઠારી

હોરર અને થ્રીલર ફિલ્મો વચ્ચે શો ફરક એ સ્પષ્ટપણે તારવવો મુશ્કેલ છે, પણ કદાચ એમ કહી શકાય કે ‘હોરર’ ફિલ્મમાં ભય અને દહેશતનો માહોલ ઊભો કરવામાં આવે છે, તેના માટે મોટે ભાગે ભૂતપ્રેત કે એવા અમાનવીય પાત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. થ્રીલર ફિલ્મોમાં રહસ્ય, રોમાંચ અને ગતિ કેન્દ્રસ્થાને હોય છે. આવું સાવ પ્રાથમિક વર્ગીકરણ સૂઝે છે.

હોરર ફિલ્મોને ચલણી બનાવવામાં રામસે બ્રધર્સનો ‘ઝંડફાળો’ કહી શકાય. ઘણા વખત પહેલાં ‘ઈન્ડીયા ટુડે’ના એક લેખમાં રામસે બંધુઓમાંના એકે હોરર ફિલ્મોનું આર્થિક ગણિત સમજાવ્યું હતું અને કેવી રીતે આ ફિલ્મો ઓછા બજેટમાં બને છે તેની વાત કરી હતી. ત્યાર પછી તો ટી.વી.પર પણ તેમણે હોરર સીરીયલ શરૂ કરી હતી.

હોરર ફિલ્મોની જરૂરિયાતમાં નવોસવો હીરો, સામાન્યથી વધુ માત્રામાં અંગપ્રદર્શન કરવા તૈયાર હોય એવી નવોદિત હીરોઈન હોય, અને એ સિવાયના બીજા નાનામોટા કલાકારો. ફિલ્મના કેન્દ્રમાં બાપદાદાની જૂની હવેલી, હવેલીનું ભંડકીયું, એમાં ભીંત પર ટાંગેલું કોઈ તૈલચિત્ર, કોઈ પૂર્વજની કરવામાં આવેલી હત્યા, તેમનો અવગતે ગયેલો જીવ- જે અધરાતમધરાતે ટહેલવા નીકળીને ફિલ્મના પાત્રોને દહેશતમાં રાખતો હોય- આવું સર્વસામાન્ય કથાવસ્તુ જોવા મળતું. ‘દો ગજ જમીન કે નીચે’, ‘પુરાના મંદીર’, ‘ડાક બંગલા’, ‘તહખાના’, ‘દરવાજા’, ‘શૈતાની ઈલાકા’, ‘વીરાના’ જેવી ફિલ્મોનાં નામ જ સ્વનામધન્ય છે.

સ્વાભાવિક છે કે આવી ફિલ્મમાં ગીતસંગીતનું મહત્ત્વ પણ ખાસ ન હોય, અને તેને કારણે સંગીતકાર પણ બી ગ્રેડના લેવામાં આવે.

રામસે બંધુઓની 1981માં આવેલી એક ફિલ્મ હતી ‘સન્નાટા’. દીપક પરાશર અને સારિકાને ચમકાવતી આ ફિલ્મમાં સંગીત રાજેશ રોશનનું હતું.

પિતા રોશનલાલ નાગરથે પોતાના નામમાંથી અટક કાઢીને ‘રોશન’ જેવું ટૂંકું નામ અપનાવ્યું, પણ તેમના પુત્રોએ પિતાના નામને જ અટક બનાવી દીધી. મહેમૂદની ફિલ્મ ‘કુંવારા બાપ’ દ્વારા રાજેશ રોશને સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રવેશ કર્યો અને ત્યાર પછી ‘જૂલી’, ‘દૂસરા આદમી’, ‘ખટ્ટા મીઠા’, ‘સ્વામી’, ‘દેશ પરદેશ’, ‘મનપસંદ’, ‘સ્વર્ગ નર્ક’, ‘બાતો બાતો મેં’, ‘કામચોર’, ‘કાલા પથ્થર’, આપ કે દીવાને’, ‘યારાના’ જેવી ફિલ્મો થકી પોતાની આગવી ઓળખ પણ ઉપસાવી. આ યાદી સંપૂર્ણ નથી, પણ તેમના કામનો ખ્યાલ આપવા પૂરતી આપી છે. તેમના સંગીતમાં માધુર્ય હતું, અને એ સમયે પ્રચલિત પાશ્ચાત્ય સંગીતનું પ્રાધાન્ય પણ રહેતું. જો કે, એક હદ પછી તેમની શૈલી એકવિધતાનો શિકાર બની હોવાનું લાગતું હતું. પાછલા ગાળામાં તેમનું સંગીત મુખ્યત્વે ભાઈ રાકેશ રોશનની ફિલ્મો પૂરતું જ મર્યાદિત રહી ગયું છે. અમુક ફિલ્મોમાં તેમને કેટલીક ધૂનની સીધી ઉઠાંતરી કરી હોવાના આક્ષેપ પણ થયા, અને તે પુરવાર થતાં મોટી રકમ પણ તેમણે (કે નિર્માતાએ) ચૂકવવી પડી હોવાના સમાચાર ચમકેલા. આમ છતાં, સંગીતકાર લક્ષ્મીકાંતે તેમને ‘લાસ્ટ ઓફ ધ ઓરિજીનલ્સ’ તરીકે ઓળખાવેલા.

સારિકા, દીપક પરાશર, વિજય અરોરા જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા ધરાવતી, અમરલાલ પી. છાબરિયા નિર્મિત, તુલસી અને શ્યામ રામસે દિગ્દર્શીત આ ફિલ્મ 1981માં રજૂઆત પામી હતી. તેમાં કુલ ચાર ગીતો હતાં, જે મજરૂહ સુલતાનપુરીએ લખેલાં હતાં. ‘સુન જાનેજાં, કહતા હૈ ક્યા’ (ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક), ‘મરઝબાં તૂ કુઠે?’ (મહેમૂદ, હેમલતા અને સાથીઓ), ‘સુપરમેન સુપરમેન’ (ઉર્સલા, ઉદિત નારાયણઅને સાથીઓ) તેમ જ ‘સુનસાન રાતોં મેં જબ તૂ નહીં આતા’ (લતા મંગેશકર) ગીતો પૈકીનાં ‘સુન જાનેજાં’ અને ‘સુપરમેન’ ઠીકઠીક જાણીતાં બન્યાં હતાં.

(ડાબેથી) ઉદિત નારાયણ (પ્રથમ), અલકા યાજ્ઞિક (ચોથાં), રાજેશ રોશન (પાંચમા) (

‘સન્નાટા’નું ટાઈટલ મ્યુઝીક એક હોરર ફિલ્મનું હોવા છતાં સાંભળવું ગમે એવું છે. તે ‘ચેઝ સિક્વન્‍સ’નું સંગીત હોય એવી છાપ પડે છે. 3.47થી શરૂ થતા ટાઈટલ મ્યુઝીકમાં બોંગો (કે એવું કોઈ તાલવાદ્ય) પર સતત ચાલતા રહેતા બીટસની સાથે બ્રાસ વાદ્યો, ગિટાર વગેરે વાગતા રહે છે. 5.21 થી 5.34 દરમ્યાન વાગતો ફ્લૂટનો પીસ ધ્યાન ખેંચે એવો છે.

(મજરૂહ સુલતાનપુરી)

ઉદીત નારાયણ અને અલકા યાજ્ઞિકની કારકિર્દી સાવ આરંભકાળે હતી, ત્યારે આ ફિલ્મમાં તેમણે ગાયેલાં ગીતો ઠીક ઠીક જાણીતાં થયાં હતા- ખાસ કરીને ‘સુન જાને જાં’ અને ‘સુપરમેન સુપરમેન, નો હાઉ મચ આઈ લવ યુ’ ગીતો. ફિલ્મનાં ગીતો મજરૂહ સુલતાનપુરીએ લખ્યાં હતા. 1990 માં ઉર્વીશ અને હું મજરૂહસાહેબને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા ત્યારે ખાસ વાતો તો થઈ શકી ન હતી, પણ વાતવાતમાં ઉદીત નારાયણનો ઉલ્લેખ નીકળ્યો ત્યારે તેમણે કહેલું, ‘ઉસકો મેં હી તો લાયા થા ‘સન્નાટા’ મેં’.’ મારાથી અનાયાસે બોલાઈ ગયેલું, ‘હાં. વો ‘સુપરમેન’ વાલા ગીત.’ ઉદિત નારાયણનો પ્રવેશ આ ફિલ્મ થકી થયો કે કેમ એ ચોક્કસ ખ્યાલ નથી, પણ તેમના સાવ આરંભિક કાળની આ ફિલ્મ હતી એ નક્કી.

આ વિશિષ્ટ ગીત મેં મારા મહેમદાવાદના મિત્ર મનીષ શાહના ઘરે રેકોર્ડ પ્લેયર પર સાંભળેલું, જે મને બરાબર યાદ રહી ગયેલું. ખાસ કરીને તેમાં વાગતો સિતારનો ટુકડો. સિતારનો આવો જ ટુકડો તેમના સંગીતવાળી ‘ખુદ્દાર’ના ગીત ‘મેં એક ડીસ્કો, તૂ એક ડીસ્કો’માં પણ અસરકારક રીતે વાગે છે.
‘સન્નાટા’ ફિલ્મની ક્લીપ અહીં મૂકી છે, જેમાં 3.47 થી 6.10 સુધી ટાઈટલ મ્યુઝીક છે. હોરર ફિલ્મોમાં સારા સંગીતકાર લેવાની પરંપરાની પ્રથા પછી ઘસાતી ચાલી એમ લાગે છે.

આ જ નામની એક અન્ય ફિલ્મ 1966માં પણ રજૂઆત પામી હતી, જેમાં હેમંતકુમારનું સંગીત હતું.


(લીન્‍ક અને તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

1 thought on “ટાઈટલ મ્યુઝીક (૪૦ ) – સન્નાટા (૧૯૮૧)

  1. સંગીત ની વાત હોય તો દુસરા આદમી ના તમામ ગીતો આજે પણ મને ખુબ ગમે છે.હુ તો શ્રેષ્ઠ પણ ગણુ છું.જુલી મારી ટીન એજ માં ટાઇટલ સોંંગ જેટલું ગમતું એટલુંજ આજે પણ.દરેક સંગીતકાર નો એક યુગ આવતો જ હોય છે એમ એમનો પણ આવેલો,ના નહિ.
    અન્ય સિનેમા ના ગીતો પણ ખુબ કર્ણપ્રિય રહેલાં.
    ખૂબ મજા પડી.

Leave a Reply

Your email address will not be published.