દેશપ્રેમનાં બે કાવ્યો

             (૧) હું ગુલામ?

સૃષ્ટિબાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ?

સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;

સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા;
વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;

સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;

સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ?!

                                                            – ઉમાશંકર જોશી

********************************************************************

                  (૨)    ગાંધી 

રામજીને હૃદિયામાં સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા,
સતનાં હથિયાર વડે અંધારા ઉલેચી માટીમાં મરદોને ખોળિયા.

ઓતા ગાંધીએ હાથ જમણો આપીને પોરબંદરને કીધી સલામ,
વારસ એનો તો વેંત ઊંચો ચઢ્યો, ‘ને જાત આખીયે દીધી તમામ.


મનસૂબા પરદેશી પાળતાં રહ્યા ને એવાં સપનાંને ધૂળમાં રગદોળિયાં,
રામજીને રુદિયામાં સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા.

સુતરને સોંપેલી નાની શી કાયાએ નરબંકો આખો સમાવ્યો,
પ્હાડો ડોલ્યાં ને પછી કંપ્યા કંકાલ, એક ગાંધીએ કાળને નમાવ્યો.

એવા એ યોગી જ્યાં કરતા વિનોદ, દીસે બાળક સમા ને સાવ ભોળિયા,
હૃદિયામાં રામજીને સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા.

નમતું મૂકે ન કશું, વેણથી ફરે ન તસુ, થોડી વાતુએ ભર્યા ગાડાં,
દૂબળાંનાં હાથ ગ્રહી ગોદમાં લીધા ને ગયા જાતિનાં અણગમતા વાડા.

માણસાઈ ઓઢીને માનવ મૂલવ્યા, પાપ વિગતે વિચારીને તોળિયા,
હૃદિયામાં રામજીને સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા.

                                                                                                     રક્ષા શુક્લ

Author: admin

Leave a Reply

Your email address will not be published.