સમયચક્ર : આપણી દેશભક્તિ સીઝનલ છે?

આપણાં દેશમાં દેશભક્તિના કાવ્યો લખાયા છે. હજુય લખાયા કરે છે. દેશભક્તિની વાર્તાઓ અને સત્ય ઘટનાઓ આપણે ત્યાં છે. મહાનુભાવોના ચરિત્રો આપણા દેશમાં ભણાવાય છે. શૌર્યગીતો અને બલિદાનોની કથાઓ આપણા વિદ્યાર્થીઓને સહેતુક સંભળાવાય છે, ભણાવાય છે. દેશભક્તિની સૌથી વધુ ચર્ચા આપણાં જ દેશમાં થાય છે. પરંતુ તે છતાં દેશવાસીઓમાં દેશદાઝ ખરા અર્થમાં પ્રગટતી નથી. કારણ કે આપણે એ બધું ચોક્કસ દિવસે ચોક્કસ પ્રતિક્રિયાના ભાગરુપે કરીએ છીએ. યુધ્ધના સમયમાં સૈનિકો તરફ પ્રગટતો આપણો અહોભાવ શાંતિકાળમાં અદશ્ય થઈ જાય છે. આપણા સ્વાતંત્ર્ય પર્વના દિવસે અચાનક ફૂટી નીકળતી દેશભક્તિ કાયમી છે કે સીઝનલ ?

માવજી મહેશ્વરી

આજે સ્વાતંત્ર્ય પર્વ છે. આજના દિવસે આકાશવાણી દેશભક્તિના ગીતો વગાડશે, ટીવી ચેનલ્સ દેશભક્તિની ફિલ્મો બતાવશે. ક્યાંક વળી દેશભક્તિને લગતા કાર્યક્રમો યોજાશે. ખાસ કરીને આજના દિવસે લોકોને યાદ આવશે કે આ દેશ ઉપર અંગ્રેજ નામની પ્રજા રાજ કરતી હતી. એ લોકોએ આપણાં ઉપર જુલ્મો કર્યા હતા. આવું બધું સાંભળી સાંભળીને મોટા થયેલા કોઈને વળી ગાંધીજી કે સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ પણ યાદ આવશે. આજનો દિવસ લાલ કિલ્લાથી માંડીને ગ્રામ પંચાયત સુધી ચુંટાયેલા પ્રતિનીધીઓ માટે નાના મોટા હરખનો દિવસ છે. કેમ કે આજના દિવસે તેમના ભાષણ માટે ખાસ વ્યવ્સ્થાઓ સત્તાવાર રીતે ગોઠવાય છે. જ્યાં ભાષણ કરનારા પણ એજ ભુતકાળને ફરી યાદ કરશે. આપણી મહામુલી આઝાદીના ગુણગાન ગવાશે. આમ તો આ લોકોનો તહેવાર છે. પણ કમનશીબે જ લોકો હોતા નથી. હોય છે કેવળ શાળાના વિદ્યાર્થીઓ, જે તે રાજકીય પક્ષના લોકો અને સરકારી કર્મચારીઓ ! તો શું કરતા હોય છે લોકો ? લોકો દેશભક્તિની ફિલ્મો જુએ છે, ગીતો સાંભળે છે વોટ્સએપ દ્વારા, ટ્વીટર દ્વારા એકબીજાને આઝાદીની શુભકામનાઓ પાઠવતા હોય છે કે પછી કપાળે લખાયેલી વેદનાઓ અને અવ્યવસ્થાઓનો ભાર ઉપાડી આઝાદ દેશમાં ગુલામીમાં ગુંગળાતા હોય છે. આમ તો સ્વાતંત્ર્ય પર્વ લોકોનો અરે ! આખાય દેશનો તહેવાર છે. પણ લોકોને આઝાદીની અનુભુતી થતી નથી. પરિણામે સ્વાતંત્રય પર્વ એક સરકારી તહેવાર બની ગયો છે. આશ્ચર્યની બાબત એ પણ છે કે આ તહેવારના દિવસે જાહેર રજા હોય છે તે છતાં સરકારી ફરજ પર જવાનું હોય છે. ખાસ કરીને શિક્ષકો બિચારા સરકારી કામમાં તો હસ્તક્ષેપ કરી ન શકે ! સ્થિતિ અત્યંત વિચિત્ર છે. આપણી દેશભક્તિનું આ એક પાસું છે.

દેશભક્તિનું બીજુંય એક પાસું છે. થોડા સમય પહેલા જુનાગઢમાં એક કાર્યક્રમમાં હાજરી આપી. વક્તા સંસ્કૃતના જાણકાર અને સ્પષ્ટ વક્તા જણાયા. તેમણે શહીદ થઈ ગયેલા સૈનિકોનો કિસ્સો કહ્યો. ૧૯૯૯ વખતે થયેલા કારગીલ યુધ્ધમાં આજના દાહોદ જિલ્લાનો એક સૈનિક શહીદ થઈ ગયો. તેનો મૃતદેહ તેના વતનમાં આવ્યો ત્યારે અજબ માહોલ રચાઈ ગયો. શહીદ સૈનિકના ગામડે ચુંટાયેલા પ્રતિનિધીઓના ધાડાં ઉતરી પડ્યા. મોટા અમલદારોથી માંડીને સામાન્ય પ્રજાજનો સહિત પાંચેક હજાર લોકો એ સૈનિકની સ્મશાન યાત્રામાં જોડાયા. પ્રસાર માધ્યમોએ લાગલગાટ ત્રણ દિવસ કારગીલ યુધ્ધમાં શહિદ થઈ ગયેલા સૈનિકના ગુણગાન ગાયા. થયુ એવું કે કારગીલ યુધ્ધ પુરું થઈ ગયાના આઠેક મહિના બાદ એજ વિસ્તારનો અન્ય એક સૈનિક કાશ્મિરમાં શહીદ થઈ ગયો. એનો મૃતદેહ ગામમાં આવ્યો તે પછી એ સૈનિકની સ્મશાનયાત્રામાં બસ્સો માણસો માંડ હતા. પ્રસાર માધ્યમોએ નાનકડા સમાચાર છાપીને ફરજ પુરી કરી. કોઈ નેતાને સૈનિકના ગામડે આવવાનું સુઝ્યું નહીં. આવું શા માટે થયું હશે એવો વિચાર કોઈને આવે તો કારણ સ્પષ્ટ છે. જ્યારે પહેલા સૈનિકનું મૃત્યુ થયું ત્યારે કારગીલ યુધ્ધ ચાલતું હતું. દેશમાં દેશભક્તિની સીઝન ચાલતી હતી. લોકોને અચાનક સૈનિકો અને દેશ તરફ પ્રેમ ઊભરાઈ આવ્યો હતો. તે વખતે સૈનિકો લોકો માટે હીરો હતા. જ્યારે બીજો સૈનિક મૃત્યુ પામ્યો ત્યારે શાંતિકાળ ચાલતો હતો. દેશભક્તિનો ઊભરો શમી ગયો હતો. એમ માનો કે દેશભક્તિની સીઝન પુરી થઈ ગઈ હતી. એટલે એ સૈનિકની શહીદી લોકો માટે અગત્યની ન હતી. આપણી આઝાદી અથવા દેશભક્તિનું આ બીજું પાસું છે.

આ એક માત્ર ઘટના નથી. આવી ઘટનાઓ અવારનવાર બને છે. અત્યાર સુધીમાં અનેક સૈનિકોએ દેશા માટે પોતાના પ્રાણની આહુતી આપી દીધી છે. તેમ છતાં તેમની નોંધ સુધ્ધાં કોઈ લીધી નથી. કારણ માત્ર એ છે કે આપણા દેશની પ્રજા સ્વતંત્ર રીતે વિચાર કરવા ટેવાયેલી જ નથી. રાજકીય પક્ષો અને પ્રસાર માધ્યમો જે બાબતનો હોબાળો મચાવે કે વધારે પડતો પ્રચાર કરે તે અનુસાર અથવા તે પ્રવાહમાં વહી જઈને પ્રજા પોતાની પ્રતિક્રિયા આપે છે. તે પણ ઘેટાના ટોળાની જેમ. આપણા દેશમાં ધાર્મિક તહેવારો ચાલતા હોય ત્યારે એક સાથે બધા ધાર્મિક બની જાય. દેશભક્તિનો દિવસ આવે ત્યારે બધા દેશભક્ત બની જાય. અને એ ખાસ સમય ચાલી જાય તે પછી દેશ એટલે શું એવો કોઈને વિચાર પણ આવતો નથી. યાદ કરો ૨૦૧૩ની દિલ્હીનો નિર્ભયાકાંડ. ચાલતી બસમાં જે શરમનાક અને ક્રુર ઘટના ઘટી તેના પડઘા આખાય દેશમાં પડ્યા. દિલ્હીના રસ્તાઓ ઉપર માનવ મહેરામણ ઉતરી પડ્યો. યુવાનોના ઉપવાસ અને સરઘસો જોતાં એવું લાગતું હતું કે હવે આ દેશમાં આવી કોઈ ઘટના ઘટશે ત્યારે લોકો આવી રીતે જ રસ્તા ઉપર ઉતરી પડશે. પણ તે પછીના પાંચ વર્ષમાં સેંકડો યુવતિઓ ઉપર બળાત્કાર થયાં. શા માટે દેશમાં નિર્ભયાકાંડ જેવો વિરોધનો માહોલ સર્જાયો નહીં ? તે વખતે રસ્તા ઉપર ઉતરી પડનારા લોકો ક્યાં ચાલ્યા ગયા ? તો પછી એ વખતે અચાનક જે માહોલ સર્જાયો તે ક્ષણિક આવેગ હતો કે બીજું કંઈક ?

વાસ્તવિકતા એ છે કે આપણા દેશની પ્રજા હજુ સમસ્ત ભારતને ચાહતી જ નથી. આખાય ભારત માટે પ્રાણ ન્યોછાવર કરી દેવાનું પુણ્ય પ્રકોપ પ્રગટવાનું તો હજુ બાકી છે. અનેક ભાષાઓ, ધર્મો, સંપ્રદાયોમાં વહેંચાયેલી આ દેશની પ્રજાને પોતાની ઓળખથી આગળનું કશું દેખાતું જ નથી. આપણે દેશભક્તિની વાતો કરીએ છીએ, જરુર પડે ત્યારે સૈનિકો માટે ગજવાના નાણાં આપી દેતા હોઈએ છીએ, સોશ્યલ મિડિયા ઉપર દેશભક્તિના ચિત્રો અને પંક્તિઓ મુકીને રાજી થતા હોઈએ છીએ. પરંતુ રાજાશાહીથી માંડીને અત્યાર સુધીના શાસકોએ આપણને સમસ્તને ચાહવા જ દીધાં નથી. આઝાદી બાદ આપણો દેશ કાયદેસર ભારત બની ગયો પણ આપણે સંપુર્ણપણે ભારતીય બની શક્યા નથી. આપણાં લોહીમાં હજુ આપણી જ્ઞાતિ, ધર્મ, ભાષા, પ્રદેશનું મિથ્યાભિમાન મેલેરિયાના વિષાણુઓની જેમ પડેલું છે. જે તક મળતા બહાર આવે છે.

દેશભક્તિ ભાષણો કે ગીતોથી ન બતાવી શકાય. દેશભક્તિ બતાવવાની ન હોય; જીવવાની હોય. એ આપણા રોજબરોજના વર્તન અને વ્યવહારમાં પ્રગટે. એ આપણાં કામ તરફની નિષ્ઠા અને અન્ય લોકો તરફના વ્યવહારમાં ઝળકે. દેશભક્તિનું નૂર તો આંખોમાં ખુમાર થઈને ચમકે. મજુરથી માંડીને મંત્રી સુધીના વ્યક્તિઓની દેશના કાયદા અને જાહેરજીવનની સમતા એજ દેશભક્તિ છે. દેશના પ્રત્યેક નાગરિક અને દેશની જાહેર સંપતિ તરફનો આદર એ દેશભક્તિ છે. પણ લાગે છે એ દિવસો હજુ ખાસ્સા દૂર છે. ભારતીય વિશે સાંભળેલી એક વાત યાદ આવે છે. જ્યારે ભારતીય એકલો હોય છે ત્યારે તે જજ્જ હોય છે. બે ભારતીયો ભેગા મળે તો વકીલ બની જાય છે અને ત્રણ ભારતીયો ભેગા થાય તો તે ફરિયાદી બની જાય છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: admin

Leave a Reply

Your email address will not be published.