સાયન્સ ફેર – અણુઉર્જા : ભારતની ક્ષિતિજો વિસ્તરી રહી છે.

જ્વલંત નાયક

માણસજાતને ઉર્જા વિના ક્યારેય ચાલવાનું નથી. વિવિધ પ્રકારે મળતી ઉર્જા આપણા આધુનિક જીવનને ધબકતું રાખવા માટે ‘પ્રાણવાયુ’ જેવી ગરજ સારે છે એમ કહીએ તો ખોટું નથી. પણ ઉર્જાના વપરાશમાં બે સમસ્યા બહુ મોટી છે : એક તો ઉર્જા મેળવવા માટે આપણે લાકડું, કોલસો વગેરે જેવા કુદરતી સ્રોતોનો સોથ વાળી દઈએ છીએ, અને બીજી સમસ્યા એ કે ઉર્જા મેળવવાની પ્રક્રિયા દરમિયાન ભારે માત્રામાં પ્રદૂષણ ફેલાય છે, ખાસ કરીને કોલસા દ્વારા ઉર્જા મેળવવામાં આવે ત્યારે!

હવે જરા એ માહિતી મેળવીએ કે આપણે ઉર્જાનો કયો સ્રોત સૌથી વધારે વાપરીએ છીએ. ઉર્જાના સ્રોતને સૌથી વધુથી માંડીને સૌથી ઓછા – એમ વપરાશના ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલો નંબર કોલસાનો આવે. અર્થાત ઉર્જા માટે આપણે મહત્તમ આધાર કોલસા પર રાખીએ છીએ, જે ઉર્જાનો પરંપરાગત સ્રોત છે. વળી એના ઉપયોગથી ભારે માત્રામાં પ્રદૂષણ ફેલાય છે. કોલસા પછી અનુક્રમે ગેસ, હાઈડ્રોઈલેક્ટ્રીસીટી (જળ-વિદ્યુત) અને પવન ઉર્જાનો ઉપયોગ થાય છે. પાંચમા નંબરે અણુઉર્જા આવે અને ત્યાર બાદ સૌર ઉર્જાનો નમ્બર લાગે. જો ખરેખર આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં માનતા હોઈએ તો આ આખો ક્રમ ઉલટફેર કરવો પડે! ખુશીની વાત એ છે કે ભારતમાં અત્યારે એ જ દિશામાં કાર્ય થઇ રહ્યું છે. આજે અણુઉર્જા ક્ષેત્રે આપણે હાંસલ કરેલી સિદ્ધિ વિષે જાણીએ.

હાલમાં ભારતમાં સાત ન્યુક્લિઅર પાવર પ્લાન્ટ્સ કર્યરત છે, જે ૬,૭૮૦ મેગાવોટની ઇન્સ્ટોલ કેપેસિટી ધરાવે છે. આ પેદાશ કુલ માંગના ૩.૨૨% જેટલી જ છે. પણ આનંદની વાત એ છે કે ૪,૩૦૦ મેગાવોટ વીજળી પેદા કરી શકે એવા કુલ સાત ન્યુક્લિઅર પાવર પ્લાન્ટ્સ કાર્યરત થવા જઈ રહ્યા છે. આ બધા વચ્ચે ગૌરવપ્રદ સમાચાર આપણા ગુજરાતના વ્યારા પાસે આવેલા કાકરાપારથી આવ્યા છે.

તાજેતરમાં જ ગુજરાતના કાકરાપાર અણુવિદ્યુત પરિયોજનાના યુનિટ-૩ને સંપૂર્ણ સ્વદેશી રિએક્ટર કાર્યરત કરવામાં પ્રથમ સફળતા હાંસલ થઇ છે. અણુઉર્જા ઉત્પન્ન કરાવવા માટે સૌથી વધુ મહત્વનું હોય છે ન્યુક્લિઅર રિએક્ટર. આ રિએક્ટર જ્યારે સંપૂર્ણ કાર્યક્ષમતા હાંસલ કરે ત્યારે ટેકનિકલ ભાષામાં એણે ‘ક્રિટીકાલીટી’ (criticality) હાંસલ કરી કહેવાય.

ગુજરાતના કાકરાપારમાં આવેલા ૭૦૦ મેગાવોટ કેપેસિટીના આ વિદ્યુત મથકના સંપૂર્ણ સ્વદેશી રિએક્ટરે આજે આવી ક્રિટીકાલીટી હાંસલ કરી છે. ક્રિટીકાલીટી હાંસલ કરનાર આ રિએક્ટર સંપૂર્ણપણે સ્વદેશી બનાવટનું હોવાથી એમ કહી શકાય કે ભારતે અણુઉર્જા બાબતે ‘સંપૂર્ણ આત્મનિર્ભર’ બનવાની દિશામાં મોટું ડગલું ભર્યું છે. હવે આ પ્લાન્ટ ઉર્જા ઉત્પન્ન કરવા માટે સક્ષમ થઇ ચૂક્યો છે.

કાકરાપાર એટમિક પાવર પ્રોજેક્ટનું યુનિટ ૩ – KAPP-3 દેશનું પ્રથમ પ્રેશરાઈઝડ હેવી વોટર રિએક્ટર (PHWR) છે, જેને સંપૂર્ણપણે ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જીનિયર્સ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. રિએક્ટર માટેના ઉપકરણો અને એક્કેએક સ્પેરપાર્ટ્સ સુધ્ધાં ભારતીય કંપનીઓએ ડિઝાઈન કરેલા છે. રિએક્ટરના નિર્માણકાર્યમાં પણ ભારતીય કંપનીઓ સામેલ હતી.

આ સ્વદેશી રિએક્ટરમાં ક્વોલિટી મેનેજમેન્ટ અને સેફ્ટી મેઝર્સ વૈશ્વિક ધારાધોરણ મુજબ સૌથી શ્રેષ્ઠ ગણાય એવા છે. આ રિએક્ટર્સમાં સ્ટીલ લાઈન્ડ ઇનર કન્ટેનમેન્ટ, પેસિવ ડીકે હીટ રીમુવલ સિસ્ટમ, કન્ટેનમેન્ટ સ્પ્રે સિસ્ટમ, હાઈડ્રોજન પ્રબંધન પ્રણાલી વગેરેનો સમાવેશ થાય છે.

રિએક્ટર કોરમાં ઈંધણ ભરવાનું કાર્ય માર્ચ-૨૦૨૦માં જ પૂર્ણ કરી દેવાયું હતું. ત્યાર બાદ જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન હતું, એ દરમિયાન સરકાર દ્વારા જારી કરાયેલી કોવીડ-૧૯ ગાઈડલાઈન્સનું પાલન કરીને બાકીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી. હવે પછીના ચરણમાં બીજા કેટલાક પ્રયોગો હાથ ધરાશે, તેમજ વીજળી ઉત્પાદનના સ્તરને ક્રમશ: વધારવામાં આવશે. ત્યાર પછી એને દેશની પશ્ચિમી વિદ્યુત ગ્રીડ સાથે જોડવામાં આવશે.

ભારત સરકાર દ્વારા આ પ્રકારના કુલ ૧૬ કુલ PHWR રિએક્ટર્સને ખાતાકીય અને આર્થિક મંજૂરી આપવામાં આવી છે. એ પૈકી ક્રિટીકાલીટીના સ્ટેજ સુધી પહોંચનાર પ્રથમ રિએક્ટર કાકરાપારનું છે. આવતા વર્ષે બીજા પણ કેટલાક રિએક્ટર્સ ક્રિટીકાલીટી સ્ટેજ સુધી પહોંચી શકે છે.

આ બધા પ્રકલ્પોમાં સફળતા મેળવ્યા બાદ ભારત ઉર્જા ક્ષેત્રે હનુમાન કૂદકો મારવા સમર્થ બનશે. કેમકે લેખની શરૂઆતમાં જણાવ્યું એમ, અત્યારે જે ઉર્જા આપણે વાપરીએ છીએ એ થર્મલ પાવર પ્લાન્ટમાં પેદા થાય છે, જે પ્રદૂષણ પણ ફેલાવે છે અને ભારે ખર્ચાળ પણ છે. જ્યારે એટમિક રિએક્ટર્સ દ્વારા પેદા થનારી ઉર્જા પ્રમાણમાં ઘણી સસ્તી અને ઇકો ફ્રેન્ડલી હશે.

સોલાર એનર્જી, હાઈડ્રોઈલેક્ટ્રીસિટી, વિન્ડ એનર્જી અને ન્યુક્લિઅર એનર્જીનો વપરાશ જેમ વધતો જશે, એમ કોલસા ઉપરનું આપણું અવલંબન ઘટશે. પરિણામે સસ્તી વીજળી તો મળશે જ, સાથે પ્રદુષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. હા, ન્યુક્લિઅર એનર્જી માટેના સેફ્ટી મેઝર્સ ચુસ્તપણે ફોલો કરવા પડશે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Author: admin

Leave a Reply

Your email address will not be published.