ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૬૧:: કોમી ચુકાદો અને પૂના પૅક્ટ

દીપક ધોળકિયા

ઑગસ્ટ ૧૯૩૨ની ૧૬મી તારીખે બ્રિટનના પ્રધાનમંત્રી રામ્સે મૅક્ડોનલ્ડે પોતાનો નિર્ણય જાહેર કર્યો. એને કોમી ચુકાદો કે કમ્યુનલ ઍવૉર્ડ પણ કહે છે. મૅક્ડોનલ્ડે પોતાના નિવેદનમાં બીજી ગોળમેજી પરિષદ દ્વારા કોમી સમસ્યાનો ઉકેલ ન લાવી શકાયો તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે લઘુમતીઓની સમસ્યાનાં, બધાં નહીં તો, અમુક પાસાંનો નિકાલ લાવ્યા વિના ભારતમાં બંધારણીય સુધારાની બાબતમાં આગળ વધી શકાય તેમ નથી.

આના અનુસાર ઍવૉર્ડમાં અમુક નિર્ણયો જાહેર કરવામાં આવ્યા. ગોળમેજી પરિષદમાં મધ્યસ્થ અને પ્રાંતિક ધારાસભાઓમાં કોમી ધોરણે સીટો આપવા અને, સંબંધિત કોમના જ મતદારો પોતાના જ કોઈ જાતભાઈને ચૂંટે એના વિશે ચર્ચા થઈ હતી, પરંતુ ઍવૉર્ડમાં તરત તો મધ્યસ્થ ધારાસભા વિશે કંઈ નિર્ણય જાહેર ન કરાયો, માત્ર પ્રાંતિક ધારાસભાઓ માટે કોમી મતદાર મડળોની વ્યવસ્થા કરવામાં આવી.

બ્રિટન સરકારે એ પણ જાહેર કર્યું કે આ નિર્ણયમાં કોઈ પાર્ટી ફેરફારની માગણી કરશે તો એના માટે સંબંધિત બધા પક્ષોની સંમતિ જરૂરી બનશે. તે સિવાય બ્રિટન સરકાર પોતે એમાં ફેરફાર કરવામાં ભાગીદાર નહીં બને. મુસ્લિમ, શીખ, યુરોપિયન, ભારતીય ખ્રિસ્તીઓ, ઍંગ્લો ઇંડિયનો અને સ્ત્રીઓ માટે પણ અલગ મતદાર મંડળો બનાવવાનો નિર્ણય જાહેર કરાયો. મજૂરોની સીટો કોમી સિવાયની સામાન્ય સીટોમાંથી ફાળવવાની હતી. આ કોમો સિવાયના, મતદાન માટેની લાયકાતોને સંતોષતા હોય તેવા બધા જ મતદારો સામાન્ય સીટો માટે મતદાન કરે એવી જોગવાઈ હતી. મુંબઈ પ્રાંતમાં અમુક સીટો મરાઠાઓ માટે અલગ રાખવામાં આવી.

ડિપ્રેસ્ડ ક્લાસના મતદારોએ સામાન્ય સીટો પર મતદાન કરવાનું હતું પણ સરકારે કહ્યું કે આ કોમને ઊંચે લાવવા માટે આ પગલું પૂરતું ન ગણાય, એટલે એમને અમુક ખાસ સીટો આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી. અમુક મતદાર વિભાગમાં આવી ખાસ બેઠકો હોય અને એના માટે મતદાન કરનારને સામાન્ય સીટ માટે મતદાન કરવાનો, એટલે કે બે મત આપવાનો અધિકાર પણ અપાયો. પરંતુ આખા પ્રાંતમાં એમની વસ્તી વધારે હોય ત્યાં માત્ર આ જ પ્રકારની સીટો ન હોઈ શકે, પણ મદ્રાસ પ્રાંતને એમાં અપવાદ ગણવામાં આવ્યો. સરકારે એ પણ નોંધ્યું કે બંગાળમાં અમુક સામાન્ય સીટોના મતદારોમાં ડિપ્ર્રેસ્ડ ક્લાસિસની બહુમતી હોઈ શકે છે. પરંતુ બંગાળમાં ઓછામાં ઓછી ૧૦ ખાસ સીટો તો એમની જ હોવી જોઈએ. આ ખાસ સીટોની વ્યવસ્થા ૨૦ વર્ષ સુધી રાખવાનો સરકારે નિર્ણય લીધો. ઉપલા ગૃહમાં પણ નીચલા ગૃહની કોમી સમતુલા ન તૂટે એટલા જ પ્રમાણમાં બધી કોમોને સીટો ફાળવવામાં આવી.

ડિપ્રેસ્ડ ક્લાસિસ માટે અલગ મતદાર મંડળો બનાવવા સામે કોંગ્રેસ અને ગાંધીજીનો વિરોધ હતો એટલે રામ્સે મૅક્ડોનલ્ડે પોતાના નિવેદનમાં એના વિશે વધારે ખુલાસો કરવાનું જરૂરી માન્યું: ડિપ્રેસ્ડ ક્લાસિસની બાબતમાં આ વ્યવસ્થાનો મૂળ હેતુ એ રહ્યો કે જ્યાં વસ્તીમાં એમની સંખ્યા બહુ ઘણી હોય ત્યાં એમને ધારાસભાઓમાં એમની પસંદગીનો પ્રવક્તા મળે, તે ઉપરાંત આના આધારે કોઈ કાયમી ચૂંટણી સમજૂતી ન થાય કે જેથી એમનું અળગાપણું પણ કાયમી બની જાય. આથી ડિપ્રેસ્ડ ક્લાસિસનો મતદાર સામાન્ય હિન્દુ બેઠક પર પણ મતદાન કરશે કે જેથી આવી બેઠક પર ચુંટાયેલા પ્રતિનિધિને એમના હિતનો પણ ખ્યાલ રાખવો પડે. આમ છતાં એમને ખાસ સીટો આપવાનું કારણ એ કે કોઈ પણ સંયોગોમાં એમની ધારાસભામાં હાજરી બહુ ઓછી રહેશે. એટલે એમનો અવાજ વધારે પ્રબળ બને એ હેતુથી એમને બે મતનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે, મૅક્ડોનલ્ડે સ્વીકાર્યું કે આ ત્રુટિ (anomaly) છે.

નવેમ્બર ૧૯૩૨માં મુસ્લિમ લીગ અને બીજાં મુસ્લિમ સંગઠનોની દિલ્હીમાં મીટિંગ મળી. એમાં આ ઍવૉર્ડનું સ્વાગત ડાબા હાથે સલામ કરીને કરવામાં આવ્યું. એમને ઍવૉર્ડને જરૂરી બતાવ્યો પણ એનો દોષ કોંગ્રેસ પર નાખ્યો કે એણે ગોળમેજી પરિષદમાં લઘુમતીઓની આકાંક્ષાઓ પૂરી કરવા પર ધ્યાન આપ્યું હોત તો બધા પક્ષો સર્વસંમતિ સાધી શક્યા હોત, પરંતુ કોંગ્રેસના અડિયલ વલણથી આ ઍવૉર્ડ જરૂરી બની ગયો.

ગાંધીજીએ કહ્યું કે ડિપ્રેસ્ડ ક્લાસિસને અલગ મતદાર મંડળ આપવા પાછળ હિન્દુ સમાજમાં તડાં પડાવવાનો ઇરાદો કામ કરે છે. એમણે ડિપ્રેસ્ડ ક્લાસિસને હિન્દુ સમાજનો જ ભાગ ગણાવ્યા અને ઍવૉર્ડ સામે યરવડા જેલમાં જ આમરણ ઉપવાસ જાહેર કર્યા. એમની દલીલ એ હતી કે અલગ મતદાર મંડળને કારણે ડિપ્રેસ્ડ ક્લાસિસ હંમેશાં ‘ડિપ્રેસ્ડ’ જ રહેશે અને હિન્દુ સમાજમાં –ભારતીય સમાજમાં પણ – કાયમ માટે તડાં પડી જશે. કોંગ્રેસે મુસલમાનોનું અલગ મતદાર મંડળ બનાવવાનો સિદ્ધાંત તો કમને સ્વીકારી લીધો હતો પરંતુ ડિપ્રેસ્ડ ક્લાસિસનો સવાલ ગાંધીજી માટે રાજકીય કરતાં સામાજિક વધારે હતો. આ પહેલાં જ ગાંધીજીએ અછૂતોને ‘હરિજન’ નામ આપી દીધું હતું.

ગાંધીજીએ ઍવૉર્ડની વિરુદ્ધ ઉપવાસ જાહેર કર્યા હતા એટલે એમણે બ્રિટનના વડા પ્રધાન રામ્સે મૅક્ડોનલ્ડને પત્ર લખ્યો અને એમને આ પત્ર જાહેર કરવા વિનંતિ કરી. મેક્ડોનલ્ડે પત્ર બહાર પાડ્યો તે સાથે જ દેશમાં સનસનાટી ફેલાઈ ગઈ. પંડિત મદન મોહન માલવિયા, તેજ બહાદુર સપ્રુ, ચક્રવર્તી રાજગોપાલાચારી, એમ. આર. જયકર વગેરે સક્રિય બન્યા અને ડૉ. આંબેડકર સાથે વાતચીત કરી. તે પછી ડૉ. આંબેડકર ગાંધીજીને મળવા સંમત થયા. ગાંધીજી ૨૦મી સપ્ટેમ્બરથી ઉપવાસ પર હતા. યરવડા જેલમાં બન્ને વચ્ચે મુલાકાત થઈ. તે પછી બન્ને વચ્ચે સીટોની ફાળવણી થઈ. કોમી ચુકાદા પ્રમાણે ડિપ્રેસ્ડ ક્લાસિસને અલગ મતદાર મંડળ મારફતે ૭૧ સીટ મળવાની હતી પરંતુ ગાંધીજીએ સહિયારા મતદાર મંડળ હેઠળ ૧૪૮ સીટોની ઑફર કરી. ડૉ. આંબેડકર સંમત થયા. આને પૂના પૅક્ટ કહે છે. તે પછી ઍવૉર્ડની શરત પ્રમાણે આ પૂના પૅક્ટ બ્રિટન મોકલાયો. બન્ને પક્ષો વચ્ચે સંમતિ હોવાથી સરકાર એનો ઇનકાર કરી શકે તેમ નહોતું અને પૂના પૅક્ટ ભારતમાં બંધારણીય સુધારાના પ્રયાસોનો ભાગ બની રહ્યો.

પૂના પૅક્ટ (મુખ્ય મુદ્દા ટૂંકમાં)

૧. પ્રાંતિક ધારાસભાઓમાં સામાન્ય સીટોમાંથી ડિપ્રેસ્ડ ક્લાસિસ માટે અનામત રખાશે, જે આ પ્રમાણે હશેઃ

મદ્રાસ ૩૦. સિંધ સહિત મુંબઈ પ્રાંત ૨૫, પંજાબ ૮, બિહાર અને ઓરિસ્સા ૧૮, મધ્ય પ્રાંત ૨૦, આસામ ૭, બંગાળ ૩૦, યુક્ત પ્રાંત ૨૦. કુલ ૧૪૮.

૨. આ સીટોની ચૂંટણી સંયુક્ત મતદારો દ્વારા થશે, પરંતુ નીચેની કાર્યપદ્ધતિ અનુસારઃ.

સામાન્ય મતદાર યાદીમાં નોંધાયેલા ડિપ્રેસ્ડ ક્લાસિસના મતદારો મતદાર મંડળ બનાવશે જે દરેક અનામત બેઠક માટે એક મત આપીને ચાર વ્યક્તિઓની ચૂંટણી કરશે. જે ચારને સૌથી વધારે મત મળશે તે સંયુક્ત મતદાર ક્ષેત્રમાં ઉમેદવાર બનશે.

૩. મધ્યસ્થ ધારાસભામાં પણ આ જ સિદ્ધાંત લાગુ કરાશે.

૪. મધ્યસ્થ ધારાસભામાં બ્રિટિશ ઇંડિયાની સામાન્ય બેઠકોમાંથી ૧૮ ટકા ડિપ્રેસ્ડ ક્લાસિસ માટે અનામત રહેશે.

૫.પ્રાથમિક ચૂટણીની પ્રથાનો દસ વર્ષ પછી અંત આવશે; પરંતુ

૬. સંબંધિત કોમો પરસ્પર સંમત થાય ત્યાં સુધી અનામત વ્યવસ્થા ચાલુ રહેશે.

બ્રિટિશ સરકારે કોમી ઍવૉર્ડમાં ડિપ્રેસ્ડ ક્લાસિસ માટેની વ્યવસ્થાની જગ્યાએ પૂના પૅક્ટ મૂક્યો તે પછી ગાંધીજીએ ઉપવાસનાં પારણાં કર્યાં.

૦૦૦

સંદર્ભઃ

1.http://www.ambedkar.org/impdocs/poonapact.htm

2.Indian Constitutional documents


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: admin

Leave a Reply

Your email address will not be published.