ચેલેન્‍જ.edu : શાળાનું સામાજિક વિજ્ઞાન

રણછોડ શાહ

હું એવું નથી માંગતો કે ઘર આપ મને,
ઈચ્છા એ નથી મારી કે જર આપ મને;
દુનિયાને અસલ રૂપમાં હું જોઈ શકું,
ભગવાન ફકત તારી નજર આપ મને.

                                           –મરીઝ

આપણે શિક્ષણમાં પ્રાયોગિક (Practical) કાર્ય કરતાં સૈદ્ધાંતિક (Theory) કાર્યને વધારે મહત્ત્વ આપીએ છીએ. ખરેખર જીવનમાં પ્રાયોગિક શિક્ષણ વધારે ઉપયોગી બને છે. પ્રયોગ અનુભવને જન્મ આપે છે. વર્તમાન પરિસ્થિતિમાં પ્રયોગાત્મક શિક્ષણ જોજનો દૂર હોય તેવું નજરે પડે છે. શિક્ષણમાં માત્ર તર્કનું મહત્ત્વ હોવાથી શાળાઓમાં સામાજિક વાતાવરણ બાબતે અનુકૂળ પરિસ્થિતિનો અભાવ જોવા મળે છે. વાલીઓની બાળકો તથા શિક્ષકો પાસેથી અત્યંત ઊંચી અપેક્ષાઓને કારણે ઘર અને શાળામાં દરરોજ તાણની પરિસ્થિતિ ઉદ્‌ભવી રહી છે. થોડાંક ઉદાહરણ દ્વારા વધારે સ્પષ્ટતા કરીએ.

એક આચાર્યાની ઓફિસનું આ દૃશ્ય છે. ઓફિસમાં આચાર્યાશ્રી, શિક્ષિકાબહેન, વાલી અને સંતાન ઉપસ્થિત છે. બાળકના વર્ગખંડના વર્તન બાબતે ચર્ચા થઈ રહી છે. આચાર્યાબહેન જણાવે છે , ‘તમારી બાળકીને અમે ભણાવી શકીએ તેમ નથી, કારણ કે તેને ભણવું જ નથી.’ વર્ગશિક્ષિકા બહેન બોલ્યાં, ‘મેડમ, હું તેને મારા કલાસમાં તો બેસવા જ નહીં દઉં. બસ! હવે બહુ થઈ ગયું. તે સમગ્ર વર્ગને ખલેલ પહોંચાડે છે.’ બાળકી સાક્ષીની મમ્મી કાકલૂદીભર્યા અવાજે બોલે છે, ‘મેડમ! મહેરબાની કરીને આવું ના કરશો. અમે ગરીબ છીએ. એ ભણશે, જરૂરથી ભણશે. તેને વર્ગમાં બેસવા દેશો તો હું આખી જીંદગી તમારો ઉપકાર નહીં ભૂલું, મેડમ. હું ખાત્રી આપું છે કે તે હવે વર્ગમાં તોફાન કરશે નહીં.’ સાક્ષીની મા અત્યંત દયામણા ચહેરે આજીજીપૂર્વક આચાર્યાશ્રીને વિનંતી કરી રહી હતી.

આ માત્ર એક શાળાનું દૃશ્ય નથી. વર્તમાનમાં આવું તો અનેક શાળાઓમાં જોવા મળે છે. કોણ છે આ સાક્ષી? કોણ છે મા? મા શું કરે છે? આ તમામ પ્રશ્નો કોઈને પણ અસ્વસ્થ કરે તેવા છે. આ સવાલોના ઉત્તર મળે ત્યાં સુધીમાં ગુસ્સે ભરાયેલી માએ સાક્ષીને એક થપ્પડ મારી દીધી. સાક્ષી ચીસો પાડીને રડવા લાગી. રડતાં રડતાં તે બોલી, ‘મેં કાંઈ કર્યું નથી. આ લોકો મને મારે છે.’ આટલું બોલતાં બોલતાં તો માનો હાથ છોડાવીને તે ભાગી ગઈ.

આચાર્યાબહેન ઊંચા અવાજે બોલ્યાં, ‘જોયું ને! હવે તમને સમજાશે કે તે અમને કેટલી હેરાનપરેશાન કરતી હશે. વર્ગમાંથી નાસી જાય છે. છોકરીની જાત છે અને શાળામાં બાંધકામ ચાલી રહ્યું છે. અમે કયાંકયાં તેનું ધ્યાન રાખીએ? તેને કંઈક વાગીબાગી જાય તો તમે અમારું જ ગળું પકડો ને?’ આચાર્યાબહેનનું બોલવાનું પૂર્ણ થાય ત્યાર પહેલાં તો વર્ગશિક્ષિકા બહેન બોલવા માંડયાં, ‘મારા વર્ગમાં તો ૪૦–૪પ બાળકો છે. જો માત્ર સાક્ષીનું જ ધ્યાન રાખું તો બાકીના બાળકોનું શું થાય? વર્ગમાં એ એકલી થોડી છે? ગઈ કાલે આખો દિવસ તે કયાં હતી તે મને ખબર જ નથી. મારે માત્ર તેને ખાતર મારો વર્ગ છોડીને આખી સ્કૂલમાં તેની શોધખોળ કરવી પડી. તેમ છતાં તે મળી જ નહીં.’ સાંજે તેને સામેના દરવાજા તરફથી આવતી જોઈ વર્ગશિક્ષિકા બહેનની આંખો તેમની અકળાભણસભર પરિસ્થિતિને તાદૃશ્ય કરી રહી હતી.

માએ પોતાની મુશ્કેલી રજૂ કરતાં કહ્યું, ‘બહેનજી, જુઓ. હું જુદા જુદા ઘરમાં કપડાં–વાસણ કરી રહી છું. તેથી રોજેરોજ શાળામાં આવી શકતી નથી. ત્યાંથી પૈસા મળે ત્યારે તો હું તેની ફી ભરી શકું છું. મહેરબાની કરીને તેને તમારા વર્ગમાં બેસવા દો ને?’

આ તમામ બાબતોમાં મા અને સાક્ષી એક આરોપીના પાંજરામાં ઊભાં હતાં. આચાર્યાબહેન ન્યાયાધીશની ખુરશીમાં બેઠાં હતાં. ઓફિસમાં બીજી કેટલીક ખુરશીઓ ખાલી હતી. તે કોઈ આવે તેની રાહ જોતી હતી ! ત્યાં જ ધોરણ એકનાં વર્ગશિક્ષિકા માલીનીબહેન ઓફિસમાં આવ્યાં. તેઓ પરિસ્થિતિ સમજી ગયાં. આચાર્યાબહેન અનેવર્ગશિક્ષિકા બહેન સહેજ પણ નમતું જોખવા તૈયાર નહોતાં. આ પરિસ્થિતિ જોઈ માલીનીબહેને સાક્ષીની જવાબદારી સ્વીકારવાની તૈયારી બતાવી.

આચાર્યાશ્રી બોલ્યાં, ‘જુઓ, માલીનીબહેન! હવે પછી જવાબદારી તમારી રહેશે.’ માલીનીબહેને કહ્યું, ‘બરાબર છે. હવે પછી સાક્ષીની તમામ પ્રકારની જવાબદારી મારી જ રહેશે. માલીનીબહેન સાક્ષીને પ્રેમથી પોતાના વર્ગમાં લઈ ગયાં. માલીનીબહેનને પણ મનમાં ડર હતો જ કે સાક્ષી તેમની સાથે આવશે કે કેમ! માલીનીબહેને તેને પોતાનું દફતર લઈ આવવા જણાવ્યું. તે ગઈ અને થોડી વારમાં પાછી આવી ગઈ. માલીનીબહેને સાક્ષીના વર્ગમાં આવતાં અગાઉ પોતાના વર્ગના વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ લીધા. ચોથા ધોરણમાં અભ્યાસ કરતી સાક્ષીને ધોરણ એકમાં જોઈ બાળકોને આશ્ચર્ય થયું. પરંતુ માલીનીબહેને પરિસ્થિતિ સંભાળી લીધી હતી. સૌને સહકાર આપવા સમજાવી દીધાં હતાં.

અન્ય વિદ્યાર્થીઓ ચિત્રકાર્ય કરતાં હતાં તેમાં સાક્ષી જોડાઈ ગઈ. થોડાક દિવસોમાં તો સાક્ષી ખૂબ પ્રેમથી અન્ય બાળકો સાથે હળવામળવા લાગતાં તેની અભ્યાસ પ્રત્યેની રૂચી વધી ગઈ, શીખવા માટે ઉત્સાહિત થઈ ગઈ. સાક્ષી ચોથા ધોરણમાં હોવા છતાં વાંચી–લખી શકતી નહોતી. ધીમેધીમે તેના ચહેરા ઉપર હાસ્યની રેખાઓ દેખાવા લાગી અને તમામ પરિસ્થિતિ સંપૂર્ણપણે થાળે પડી ગઈ.

આ સમગ્ર ઘટનાને જોવામાં આવે તો શાળામાં એક સમાજશાસ્ત્ર એટલે કે સામાજિક જીવનવ્યવહાર હોય છે. સમાજશાસ્ત્રમાં સમાજના સભ્યો એકબીજા સાથે કેવા સંબંધો રાખે છે, પરસ્પર કેવી નજરે જુએ છે અને અરસપરસ કેવો વ્યવહાર કરે છે તેના ઉપર પ્રગતિનો આધાર હોય છે. સમાજના સભ્યો કઈ–કઈ બાબતોનું ધ્યાન રાખે છે, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કેવા–કેવા સંદેશની આપલે કરે છે તથા કેવા પ્રકારના આચારવિચારને સમર્થન આપે છે તેના આધારે બાળકોનું ઘડતર થતું હોય છે. આ સિવાય અનેક બાબતોનો સમાવેશ કરી શકાય પરંતુ અત્યારે આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીએ.

મોટાભાગે વ્યકિતની સામાજિક–આર્થિક સ્થિતિ કેવી છે તેને ધ્યાનમાં રાખી તેની સાથે વ્યવહાર કરવામાં આવે છે. પાઠયપુસ્તકોમાં વર્ગખંડની ચર્ચા દરમિયાન અને શિક્ષણના આદાનપ્રદાન સમયે સમાનતાની વાતો, મૂલ્યોની સમજ, સદ્‌વર્તનના આચરણની વાતો થાય તેવી અપેક્ષા છે. કદાચ સૈદ્ધાંતિક રીતે થાય છે. પરંતુ સાચા અર્થમાં શાળાના સમાજશાસ્ત્રીય વ્યવહારમાં આવું બને છે ખરું? જવાબ માટે નીચે જેવી સમસ્યાઓ વિશે વિચારીએ…

(૧) ઘરકામ કરતી બહેનને યોગ્ય આદર આપવો જોઈએ નહીં?

(ર) ખુરશી ઉપર બેસી આરામથી પોતાની વાત રજૂ કરવાની તક ન આપવી જોઈએ?

(૩) શું ‘મા’ના સંદર્ભે ‘તમારા જેવી’ જેવો અપમાનજનક શબ્દનો ઉપયોગ ખોટો નથી?

(૪) સાક્ષીના મગજ ઉપર શાળાનું કેવું ચિત્ર ઉપસવા પામ્યું હશે?

(પ) સાક્ષી અને તેના જેવા બીજા અનેક બાળકો આવી વ્યવસ્થાઓ અને મર્યાદાઓને કારણે કેટલા દુઃખી છે તેની જાણકારી મેળવવામાં આવે છે ખરી?

(૬) બાળકો જુદા જુદા પ્રકારની મુશ્કેલીઓ અને પ્રશ્નોથી ઘેરાયેલા હોય છે. શું તેમને આદરપૂર્વક બોલાવવા જરૂરી નથી?

(૭) શું આપણા શિક્ષકો એટલા સક્ષમ છે ખરાં કે તેઓ બાળકોના મનને જાણી શકે? તેમના મનમાં ચાલી રહેલા વિચારોનું વિશ્લેષણ કરી શકે?

(૮) શું મોટાઓ જ આદરને લાયક છે, બાળકો નહીં?

                 ‘બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને,
                   વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હૃદયહૃદયનાં વંદન તેને.

                                                                            –ઉમાશંકર જોશી

શાળાના અન્ય બાળકોએ આ બાબત જોઈ કે જાણી હશે ત્યારે એમના મનમાં પણ શાળાના સમાજશાસ્ત્રની કેવી છબી ઉદ્‌ભવી હશે? શું તેઓ સાક્ષીને સ્વીકારી શકશે ખરાં? કદાચ, ના. બાળકોનાં મન અત્યંત કોમળ હોય છે, તેઓને પોતાની સંવેદનાઓ હોય છે, અને તેઓની પાસે પણ પ્રત્યેક પ્રશ્નનું વિશ્લેષણ કરવાની શક્તિ હોય છે. તેઓ પાસે વિવેકબુદ્ધિ હોય છે. શાળામાં કાર્ય કરતાં કરતાં અને બાળકો સાથે હળતાંમળતાં સ્પષ્ટ સમજાય છે કે બાળકો ‘તદ્દન અજ્ઞાની’ હોતાં નથી. મોટાઓ બાળકોને ‘બાળકો’ સમજવા અને સ્વીકારવામાં થાપ ખાઈ જાય છે. આ ભૂલ ઘણી વાર ભારે પડી જાય છે. તેનાથી બાળકના કોમળ મનને ખૂબ મોટું નુકસાન થાય છે.

એક પ્રસંગ અન્ય શાળામાં બન્યો. એક દિવસ પ્રિયાંક નાસ્તો લીધા વિના શાળામાં આવ્યો. સામાન્ય રીતે તો સરકારી શાળાઓમાં ધોરણ–૮ સુધી મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે. પરંતુ કેટલાક બાળકો તે ખાવાનું લેતા નથી. એક વાર મધ્યાહ્ન ભોજન લેતાં કેટલાંક બાળકો બિમાર થઈ ગયા. એ પછી બાળકો ઘરેથી નાસ્તો લઈને આવતા થઈ ગયા. આ પરિસ્થિતિ બાદ શિક્ષકો બાળકોને શાળાનો નાસ્તો લેવા દબાણ કરી શકતા નહીં. વાલીઓએ પણ નાસ્તો ન લેવા સલાહ આપી હતી. બપોરની રિસેસમાં પ્રિયાંક પાટલી ઉપર માથું નાખીને બેસી રહ્યો હતો. શિક્ષિકા રશ્મિકાબહેન તેની પાસે ગયાં અને પૂછયું કે તે કેમ નાસ્તો કરતો નથી?

પ્રિયાંકે ડોકુ હલાવી નકારમાં જવાબ આપ્યો.

બહેન : “કેમ, ખાવું નથી?”

પ્રિયાંક : “ના.”

બહેન : “તો શાળામાંથી લઈ લે.”

પ્રિયાંક : “ના.”

બહેન : “કેમ?”

પ્રિયાંક : “ભૂખ નથી લાગી.”

બહેન : “લે, આ મારો નાસ્તો છે તે તું ખાઈ લે.”

પ્રિયાંકે પુનઃ માથું હલાવીને ના પાડી.

પરંતુ રશ્મિકાબહેને તો પ્રિયાંકના હાથમાં નાસ્તો મૂકી જ દીધો અને જણાવ્યું કે ભૂખ લાગે ત્યારે ખાઈ લેજે અથવા ઘેર જઈને ખાજે. પ્રિયાંકે ખૂબ નારાજ મનથી નાસ્તો લઈ લીધો,પણ ખાધો નહીં. રશ્મિકાબહેન મૂંઝવણ અનુભવી રહ્યાં હતાં કે પ્રિયાંક કેમ નાસ્તો કરતો નથી? આ સમય દરમિયાન તેનાં વર્ગશિક્ષિકા બહેન આવતાં રશ્મિકાબહેને બધી વાત કરી પ્રિયાંકને નાસ્તો કરવા સમજાવે તેમ જણાવ્યું.

વર્ગશિક્ષિકા બહેન બોલ્યાં, “કેમ લેતો નથી? ખોટાં નખરાં કરવાનું છોડી દે! બહેન, તમે એને છોડો, નથી ખાતો તો આપણે શું કરીએ?” વર્ગશિક્ષિકા બહેને હથિયાર હેઠાં મૂકી દીધા.

બાદમાં તેની બાજુમાં બેઠલા સહાધ્યાયી અમર મારફત જાણવા મળ્યું કે પ્રિયાંકના પિતાજી ગઈ કાલે રાત્રે દારૂ પીને આવ્યા હતા. ઘરમાં ખૂબ ધમાલ કરી હતી તેથી તેની મમ્મીએ ખાવાનું બનાવ્યું નહોતું. તે કારણે એ નાસ્તો લીધા વિના આવ્યો હતો. પ્રિયાંકે નાસ્તો ન કરીને તેના સ્વમાની સ્વભાવનો રશ્મિકાબહેનને પરિચય કરાવ્યો.

આ કોઈ સાધારણ ઘટના નથી. આવા પ્રસંગો ભૂલવા ઈચ્છીએ તો પણ ભૂલાતા નથી. પ્રિયાંક પાસે સંવેદનશીલતા નથી તેમ તો કહી શકાય તેમ નથી. તે તેની માતા તરફ અત્યંત લાગણીશીલ છે. તે કોઈ પાસેથી નાસ્તો લેતો નથી તે તેની ખુદ્દારીનો પરિચય કરાવે છે. કોઈ બીજો દિવસ હોત તો તેણે નાસ્તો લઈ પણ લીધો હોત, પરંતુ આગલા દિવસે પપ્પાએ મમ્મી સાથે કરેલું બેહુદું વર્તન તે ભૂલી શકે તેમ નથી. પ્રિયાંક સાથે તેના વર્ગશિક્ષકે કરેલી વાતચીત સ્પષ્ટ કરે છે કે કેટલાક શિક્ષકો બાળકોની લાગણીઓ અને સુખદુઃખથી માઈલો દૂર છે. શું તેમને તાલીમ આપવી જોઈએ?

એક બીજો પ્રસંગ મનમાંથી ખસે તેમ નથી. અસ્લમ રોજ તેનું ટિફિનબોકસ ખોલાવવા તેનાં શિક્ષિકા પાસે જતો. રોજની જેમ એક દિવસ તે બહેન પાસે ટિફિનબોકસ ખોલાવવા ગયો. બાજુમાં ઊભેલા વિદ્યાર્થીએ બહેનને પૂછયું, “મેડમ, તમે અસ્લમનું ટિફિન ખોલી આપવાની નોકરી કરો છો? જુઓ ને ! બધા તમારી પાસે ટિફિન ખોલાવવા, પાણીની બોટલનો બૂચ ખોલાવવા આવે છે?” શિક્ષિકાબહેને જવાબ આપ્યો, “તો શું થઈ ગયું? આ નોકરી એટલે શું?” અસ્લમે જવાબ આપ્યો, “જે બીજાના કામ કરી આપે તેને તો નોકર જ કહેવાય ને?” શિક્ષિકાબહેને પ્રેમથી સમજાવ્યું, “બીજાનાં કામ કરી આપવા તે ખોટું નથી. આપણે તો સૌને મદદ કરવી જોઈએ. તમે બધાં બાળકો રોજ સવારે પુસ્તકાલયમાં જઈ પુસ્તકો ગોઠવવામાં મદદ કરો છો, રમતના સાધનો મેદાનમાં લઈ જવામાં વ્યાયામશિક્ષકને સહાય કરો છો, કયારેક વર્ગખંડની સફાઈ કરવામાં શિક્ષિકાબહેન સાથે જોડાઈ જાવ છો – આ બધાં કાર્યોને નોકરી ન કહેવાય.” અસ્લમ જેવા અનેક બાળકો આજે અન્યોને મદદ કરવામાં ‘નોકર’નો અનુભવ કરે છે. શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને અન્યોને મદદ કરવામાં ‘નોકરી’નાં દર્શન થાય તેવું શિક્ષણ અપાઈ રહ્યું છે. આજના શિક્ષણે ‘નોકર’ શબ્દની પરિભાષા જ બદલી નાંખી છે.

શિક્ષકની સામાજિક જવાબદારી તો અનન્ય છે. તે પોતે જ અયોગ્ય વિચારે ત્યારે શાળાની સમાજશાસ્ત્રીય ભૂમિકા ઉપર શું કહેવું? શાળા તો સમાજની નાનકડી પ્રતિકૃતિ છે. ત્યાં એક કૌટુંબિક ભાવના હોવી જોઈએ. અરસપરસને મદદ કરી લાગણીનાં વાવેતર કરવાની આ જગ્યાએ તો ભેદભાવયુકત વ્યવહાર થઈ રહ્યો છે. બાળકોના મનમાં તો તેમના શિક્ષકો હંમેશા સાચા જ હોય તેવી સમજ હોય છે. તે તો તેમને આદર્શ માને છે, તે જ ઊણા ઉતરે તો શું થાય?

સાક્ષી, પ્રિયાંક, અસ્લમ જેવાં બાળકો પોતાના તરફ જ નકારાત્મક બને તેવી પરિસ્થિતિમાં મજબૂરીથી શિક્ષણ મેળવી રહ્યાં છે. માન, સન્માન, પ્રેમ, સ્નેહ, પોતાપણું જેવા શબ્દોને તેમના જીવનમાં સ્થાન જ નથી. સમાજમાં શારીરિકશ્રમ કરનાર તરફ માનસન્માનની નજરે જોવાને બદલે તે હલકું કામ કરે છે તેવી દૃષ્ટિથી જોવામાં આવે છે. શાળામાં‘આપણા મદદગારો (Our Helpers)નાં ચિત્રો રાખવામાં આવે છે, બાળકો તેમની વેશભૂષામાં સ્ટેજ ઉપર આવે તેવા કાર્યક્રમો યોજાય છે. પરંતુ તેવા લોકો ખરેખર શાળામાં આવે ત્યારે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થાય છે. બાળકો આ બે પ્રકારની વર્તણૂંક જોઈ ખૂબ મૂંઝવણ અનુભવે છે. તેઓ તેમના વર્ગમાં જ અસમાનતા, ઊંચનીચ, ગરીબ–તવંગર, શેઠ–નોકર વગેરે જેવી ઘટનાઓ જુએ ત્યારે સમાજમાં એકતા, સમાનતા અને સૌહાર્દના પાઠ કેવી રીતે શીખી શકે?

શિક્ષકો જેટલા માનસન્માનના હકદાર છે તેટલા જ માનના હકદાર શાળામાં અભ્યાસ કરતાં બાળકોનાં મમ્મી–પપ્પા પણ છે જ. તેઓ પણ મહેનતુ, કામગરા અને પ્રામાણિક છે. જો તેમની સાથે યોગ્ય વ્યવહાર થાય તો જ શાળા સમાજશાસ્ત્ર શીખવવાનું કેન્દ્ર બની શકે. આ બાબતો પાઠયપુસ્તકોમાં જ રહે અને વ્યવહારમાં ન આવે તો સમાજશાસ્ત્રનું શિક્ષણ વ્યર્થ જાય. માટે વર્તમાનમાં સૈદ્ધાંતિક નહીં, પ્રાયોગિક શિક્ષણની વધારે જરૂર છે.

આચમનઃ

હું યુવાનીમાં પ્રવેશ્યો તે છતાં
એ રીતે આવ્યાં કરી શૈશવની યાદ,
જાણે કોઈ ઘર તજી જનારાને
જાણે પાછળ દોડીને દેતું હો સાદ.

                                                –ગની દહીંવાલા


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

Author: admin

Leave a Reply

Your email address will not be published.