સમયચક્ર : શું રાજકીય ક્ષેત્ર ખરાબ છે ?

આપણા દેશની વિડબણા ગણો કે પ્રજાનો સ્વભાવ ! આ દેશની સરેરાશ પ્રજા રાજકારણ અને રાજરાણીઓ વિશે છુપી સુગ ધરાવે છે. રાજકારણ એટલે ગંદકી, ખંધાઈ, વિશ્વાસઘાત, અને ક્રુરતા ! મોટાભાગના ભારતીયોની માનસિકતા આવી છે. તેઓ રાજકીય વ્યક્તિઓથી અંજાય છે, મત આપે છે, એમનો જય જયકાર કરે છે તોય રાજકારણ વિશે સારું વિચારતી નથી. ખરેખર તો દરેક વ્યક્તિની અંદર એક છુપો રાજકરાણી પડેલો હોય છે એટલે તે યા તો રાજકીય વ્યક્તિઓની પૂજા કરે છે યા વિરોધ. વાસ્તવમાં રાજકારણ હિમતવાન લોકોનું ક્ષેત્ર છે, જ્યાં કાચાપોચાનું કામ જ નથી.

માવજી મહેશ્વરી

આપણા દેશમાં કશા જ કારણ વગર વગોવાયેલું, બદનામ થયેલું અને સતત નિંદાનો ભોગ બનેલું કોઈ ક્ષેત્ર હોય તો એ છે રાજકારણ અને રાજકીય વ્યક્તિઓ. ભારતની બહુધા પ્રજા રાજકારણ વિશે પોતાનો અણગમો એક યા બીજી રીતે વ્યક્ત કર્યા વગર રહી શકતી નથી. રાજકીય ક્ષેત્રના મહારર્થીઓથી માંડીને નાના પદાધિકારી સુધીના લોકો પ્રજાના અણગમાના ભોગ બનતા હોય છે. રાજકીય લોકો તરફ પ્રજાને જે માન હોવું જોઈએ તે નથી. અત્યાર સુધી એક પણ એવો રાજકીય નેતા પેદા નથી થયો જેને સમસ્ત પ્રજાએ ચાહ્યો હોય. એટલું જ નહીં ચુંટાયા હોય અને થોડા જ સમય બાદ ફેર ચુંટણી થાય ત્યારે ચુંટાયેલા પ્રતિનિધિઓ હારી જવાના બનાવો બનેલા છે. જોકે રાજકીય વ્યક્તિ ક્યારેય સર્વ સ્વીકૃત ન જ હોય. તેમ છતાં પ્રજા જેને મત આપ્યા હોય તેને જ વગોવતી હોય છે.

જોકે આપણા દેશના રાજકારણનું સમાજશાસ્ત્ર જ વિચિત્ર છે. વળી પક્ષીય ધોરણે ચુંટણી લડવાની રણનિતી અને જીતેલા કે હારેલા નેતાઓની નાદાનિયત પણ ક્યારેક સમગ્ર રાજકારણને વગોવવા માટે જવાબદાર હોય છે. પરંતુ આપણી પ્રજા હજુય એક ભાવુક મનોસ્થિતિમાં જીવે છે અને ચુંટાયેલા પ્રતિનિધીઓને માલિકી ભાવથી જુએ છે. મત આપ્યા પછી એમ માને છે કે રાજકારણીઓએ ફટાફટ નિર્ણયો લેવા જોઈએ. પ્રજાના કામો ચપટી વગાડતા થઈ જવા જોઈએ. ભારતીય નાગરિક મત આપ્યા પછી પોતાની જવાબદારીઓથી હાથ ખંખેરી લેતો હોય છે. તે માને છે કે મારે કશું કરવાનું નથી, જે કરશે તે સરકાર કરશે. નાગરિક એ ભુલી જાય છે કે રાજકીય ક્ષેત્ર કોઈ સેવા મંડળ નથી. અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સરહદે બંદૂક તાણીને ઊભેલા સૈનિકો નથી.

દરેક વ્યક્તિને પોતાની પસંદગીનું એક ક્ષેત્ર હોય છે તેમ રાજકીય ક્ષેત્ર પણ એક પસંદગીનું કામ છે. જોકે વર્તમાન સ્થિતિ જરા વિચિત્ર છે એમા ના નહીં. રાજકારણ વ્યક્તિગત અને જન્મગત કૌશલ્યો ધરાવતી વ્યક્તિઓનું ક્ષેત્ર છે. લોકપ્રિય પક્ષ ટીકિટ આપી દે અને ચુંટાઈ આવ્યા પછી કોઈ પોતાને રાજકારણી માનવા લાગે એ જુદી સ્થિતિ છે. પણ વાસ્તવમાં રાજકીય વ્યક્તિઓ જન્મે છે, બનતા નથી. આ જ ક્ષેત્ર એવું છે જેમા ભણતરની કોઈ ડીગ્રી કામ આવતી નથી.. ભારતીય રાજકારણમાં જ્યાં ભણેલા લોકો નિષ્ફળ ગયા છે ત્યાં ઓછું ભણેલા લોકો સફળ રહ્યાના દાખલા છે. મોટી ડીગ્રી ધરાવતા અને પ્રખર બિધ્ધિશાળીઓ નિષ્ફળ ગયા છે તો અલ્પ શિક્ષિત અને અણઘડ એવા લોકો પ્રજામાં પ્રિય રહ્યા છે. તેમણે વર્ષો સુધી રાજકારણમાં પોતાનો ડંકો વગાડ્યો છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહેલા અને આક્રમક મિજાજ ધરાવતા ઉમાભારતી ફક્ત છ ધોરણ પાસ છે. એવા જ મેનકા ગાંધી ઈન્ટર મીડીએટ છે, બિહારનું શાસન ચલાવી ચુકેલા રાબડી દેવી સાવ અભણ છે. દક્ષિણના રાજકીય મહારથી કરુણાનિધિ નવમું ધોરણ પાસ હતા, કેબીનેટ મિનિસ્ટર અને સફળ અભિનેત્રી સ્મૃતિ ઈરાનીની ડીગ્રીનો વિવાદ ઉકેલાયો જ નથી. અરે વર્તમાન કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયનમંત્રી અશોક ગજપતિ રાજુનો અભ્યાસ હાઈસ્કુલ સુધીનો જ છે. આવા તો કેટલાય દાખલા છે મોજુદ છે. અહીં એમનો અભ્યાસ ભલે ઓછો છે પણ તેઓ રાજકારણમાં સફળ રહ્યા છે. વાત ફરી ફરીને ત્યાં જ આવીને ઊભી રહે છે કે રાજકારણ માત્ર બુધ્ધિ પ્રતિભાથી કે પૈસાદાર હોવાથી નથી ચાલતું. આ ક્ષેત્રમાં લોહી સાથે આવેલી રાજકીય કુનેહ કામ આવે છે.

આ દેશમાં આપઘાતના સેંકડો બનાવો રોજ બને છે. જેમાના મોટાભાગના માણસો નાસીપાસ થયેલા હોય છે. ખેડૂતો પર દેવું ચડી જાય, વિદ્યાર્થીનું પરિણામ સારું ન આવે, વેપારીને ધંધામાં ખોટ જાય, સંબંધોમાં ખટાશ ઊભી થાય આ બધા કારણોસર લોકો આપઘાત કરી બેસતા હોય છે. પરંતુ ક્યારેય સાંભળ્યું કે ચુંટણીમાં હારી ગયેલા ઉમેદવારે આપઘાત કર્યો હોય ? કે આખીય પાર્ટીનો કરુણ રકાશ થયા પછી કોઈ મોવડીએ આપઘાત કર્યાનો બનાવ નથી. નિરાશાની ખાઈમાં ધકેલાઈ જવા જેવી સ્થિતિ ઊભી થયા પછી પણ રાજકીય ક્ષેત્રના લોકો મોં પરથી કળવા દેતા નથી. એટલું જ નહીં તરત તેઓ બીજા યુધ્ધની તૈયારી કરવામાં લાગી જાય છે. શા માટે આવું બને છે ? રાજકીય નેતાઓમાં એવું તે શું હોય છે કે સત્તાથી વર્ષો સુધી દૂર રહ્યા પછી પણ તેઓ નવેસરથી પોતાની પ્રતિભા ઊભી કરી શકે છે ? કેમ કે રાજકારણીઓ જુદી માટીના બનેલા હોય છે. સખત પુરુષાર્થ અને ઝનુન તેમના લોહીમાં હોય છે. ગમે તેવા મોટા આઘાતને પચાવી જવાની તેમનામાં ક્ષમતા હોય છે. રાજકારણી સામે હાર અથવા જીત એવા બેજ વિકલ્પ હોય છે, તેઓ ત્રીજા વિકલ્પ વિશે કદી વિચારતા જ નથી. નાસીપાસ થવાનું રાજકારણીઓના સ્વભાવમાં જ હોતું નથી. એ તેમને પોષાય પણ નહીં.

રાજકારણ આત્મ વિશ્વાસથી છલકતું એક ક્ષેત્ર છે. જે લોકો આત્મવિશ્વાસ વગર મેદાનમાં ઊતરે છે તેઓ પહેલાથી જ હારી જાય છે. અનેક ચુંટણીઓ હાર્યા પછી પણ ચુંટણીમાં ઝંપલાવનાર કદીય એવું માનતો હોતો નથી કે પોતે હારી જશે. પોતાની હારમાંથી બોધપાઠ લેનાર કોઈ વર્ગ હોય તો તે રાજકારાણીઓ છે. રાજકારણી કદી એક ભુલ બીજીવાર કરતો નથી. વળી ભુલમાંથી શીખે છે. એ અર્થમાં રાજકારણ સદાય જાગતલ અને ચકોર માણસોનું ક્ષેત્ર છે.

કદાચ કોઈને એવું લાગે કે અહીં હું રાજકીય વ્યક્તિઓની આરતિ ઊતારવા બેઠો છું, તો ના ! હું આ વગોવાતા રહેલા ક્ષેત્રની બીજી બાજુની વાત કરી રહ્યો છું. જેના તરફ ભાગ્યે જ આપણે જોઈએ છીએ. આપણી મોટાભાગની પ્રજાની પોતાની સ્વતંત્ર વિચારધારા જ નથી. તેઓ પોતાના મત વિશે અડગ નથી. તે કોઈના પ્રભાવમાં આવીને કે કોઈના કહેવાથી જે તે પક્ષ કે વ્યક્તિને મત આપે છે. પ્રજા વારેઘડીએ પોતાનો મત બદલાવે છે. જ્યારે રાજકીય વ્યક્તિઓ ભાગ્યે જ પોતાનો મત બદલાવે છે. એટલે તેઓના પક્ષ પ્રજાના ચિત્તમાં ઊંડાં મૂળિયાં નાખી શકે છે. આના પરિણામે વૈચારિક સંઘઠન ઊભું થાય છે. સામુહિક વૈચારિક એકતા જીત અપાવે છે. જે રાજકીય પક્ષોમાં જુદી જુદી વિચારધારાઓ હશે તે પક્ષ લાંબો સમય શાસનમાં રહેતો નથી. આ દેશ પર વર્ષો સુધી ઈંદિરા ગાંધીનો દબદબો હતો. આજે નરેન્દ્રભાઈ મોદીનો દબદબો છે. એ દબદબો ત્યાં સુધી જ અખંડ રહે છે જ્યાં સુધી પ્રતિપક્ષમાં સામુહિક વૈચારિક એકતા ન સધાય !


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.