ઉદ્યોગસાહસિકતા : પ્રેરણા

હિરણ્ય વ્યાસ

પ્રાસ્તાવિક:

પ્રેરણા પરનાં જુદા જુદા સિધ્ધાંત-થીયરી ઇ.સ. ૧૯૫૦ બાદ અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા રજુ થયા આ અંગે તેનાં બૃહદ સંશોધનો ઉદ્યોગ-ધંધા પર હાથ ધરવામાં આવ્યા અને ફલ: સ્વરુપ પ્રેરણા પર વિવિધ થીયરીઓ પ્રતિપાદીત થયેલ છે. આમ પ્રેરણા-મોટીવેશનનો અભ્યાસ મનોવિજ્ઞાન અને અર્થકારણને સાંકળતી કડીરુપ બનેલ છે. મનોવિજ્ઞાનની વર્તણુક વિજ્ઞાન Behavioral Science પ્રશાખામાં પ્રેરણા મહત્વનો વિષય છે.

હોથોર્ન ઈલેક્ટ્રિસિટી પ્લાન્ટ (યુ.એસ.) ખાતે ઉત્પાદન ઘટી ગયેલ, જે મૅનેજમૅન્ટ માટે મોટી સમસ્યા જણાતા એલ્ટન મેયો (1880-1949) નામના સમાજવિજ્ઞાનીને બોલાવીને ઉત્પાદન વધે તે માટે કઇંક ઘટતું કરવા જણાવ્યું.

મેયો થોડા દિવસો પ્લાન્ટમાં ફર્યો, નિરીક્ષણ કર્યુ. આ દરમ્યાન તેણે પ્રકાશ વધારી જોયો, પવન ઓછો વત્તો કરી જોયો, પરંતુ ઉત્પાદનમાં કોઇ ફેર ન પડ્યો. તે દરમ્યાન મેયોને ખ્યાલ આવ્યો કે આ પ્લાન્ટમાં બે કારીગરો એક બીજાની સામે બેસીને કામ કરતા હતા. તેમાંથી ઘણા કારીગરોને એકબીજા સાથે સારુ બનતું નહોતું. એટલે તેમના આ ખરાબ સંબંધો ઉત્પાદન ઓછુ થવા માટે કઇંક અંશે જવાબદાર હતા. મેયોએ બધા કારીગરોને પોતાની પસંદગીનો જોડીદાર શોધી લેવા કહ્યુ અને જોડીઓની પુર્નરચના કરી. સારા સંબંધવાળા કારીગરો એક સાથે કામ કરવા લાગતા ઉત્પાદન વધી ગયું. એલ્ટન મેયોએ કારીગરોને તાલીમ નહોતી આપી. આ અભ્યાસમાંથી વર્તન વિજ્ઞાનનો જન્મ થયો.

મનોવિજ્ઞાનમાં મોટીવેશનનો ઉલ્લેખ વર્તણુકમાં પહેલ કરવી, દિશા, જોશ અને ખંત અર્થે કરાય છે. (ગ્લીન, ૧૯૫૫). સાધારણ પણે, સહજ રીતે થયેલ કાર્ય અને સહેતુ – આયોજનપુર્વક થયેલ કાર્યની અસર, પરિણામ અલગ જ હોય છે, જેનું મુખ્ય પરિબળ પ્રેરણા છે.

હેતુ ઉદ્દેશ

હેતુ કોઇ પણ કાર્યની અસરકારકતા/સફળતા માટે મહત્વનું કારણ બની રહે છે. જે કંઈ પણ કરીએ છીએ તે શા માટે કરીએ છીએ, અહીં ‘શા માટે’ની શોધ પ્રેરણાનાં મૂળ તરફ દોરી જાય છે.. પ્રેરણા આપણા કાર્યને યોગ્ય દિશા અને જરુરી વેગ આપે છે, પ્રયત્નો કેન્દ્રિત કરે છે અને સફળતા બક્ષે છે. પ્રેરણા થકી જ આપણે જે કંઇ કરીએ છીએ તે શા માટે કરીએ છીએ તે સ્પષ્ટ બને છે. સ્વજાગૃતિ અને સિધ્ધિ પ્રેરણાની તાલીમ માનવ સંશાધન વિકાસમાં અત્યંત મહત્વની છે.

પ્રેરણા સંદર્ભે શબ્દ સૂચી:

ઈચ્છા – જરૂરિયાત – આવશ્યકતા

ઇચ્છા -અહેસાસ એ કાલ્પનિક પ્રક્રિયા–વિચારનું પરિણામ છે. ઈચ્છા સહજ છે, ઇચ્છા થવી જોઇએ, ઇચ્છા થાય, ઇચ્છા સર્વને થાય, કંઇક અંશે સમાન પણ હોય છે. ઈચ્છા એવો તણખો છે જે દરેક માનવ પ્રવૃત્તિને પ્રજ્વલિત કરવાનું કામ કરે છે. ઇચ્છા મહત્વની છે. કઇ વસ્તુ તમારુ ધ્યાન ખેંચે છે એ મને કહો એટલે તમે કેવા છો તે હું કહી શકું. ઇચ્છા બધાને હોય છે, પરંતુ જરૂરિયાત થોડા ને હોઈ શકે છે. ઇચ્છા મહત્વની છે. ઇચ્છા જરુરી લાગવા માંડે એ આવશ્યકતા. ઇચ્છાનું સંકલ્પમાં રુપાંતર થવું જોઇએ. ઇચ્છા જરુરીયાત થકી ધ્યેયમાં પરિવર્તિત થઇ રહે. ઇચ્છા કશું જ બદલતી નથી, નિર્ણય થકી થોડો બદલાવ આવે છે પરંતુ સંકલ્પ સઘળું બદલે છે.

ઇચ્છા દબાવો નહી યા અન્ય પર ઠોકી પણ ન બેસાડો. ઇચ્છાને ઓળખીએ અને યોગ્ય રાહે ઇચ્છા પુર્તિ થાય. આપણી અવનવી ઇચ્છાઓ સતત ચકરાતી રહે છે. ઇચ્છા પર વિચારોનું નિયમન રહેવું જોઇએ.- સિસરો

ઇચ્છા પર કામ થાય, તેની પાછળ રચ્યા પચ્યા હોય, તે છોડે નહી અને ઇચ્છા બર આવે, ઇચ્છા સફળ થાય.

લાગણી અનુભવતા નથી, આપણે વિચારીએ છીએ, પણ અનુભુતિ કરતા જ નથી. ~ ચાર્લી ચેપ્લીન.

લાગણી દાખવાતા નથી પરંતુ લાગણીની અપેક્ષા રાખીએ છીએ.

સ્વપ્ન એ નથી કે જે તમને ઉંઘમાં આવે, પરંતુ એ છે કે તે તમને ઉંઘવા ન દે.- એપીજે કલામ

કંઇક બનવાની, કંઇક કરવાની, કંઇક મેળવવાની – ઇચ્છા સહજ હોય છે.

ઈચ્છા થાય છે ખરી?

ઇચ્છા ન થાય એવું ખરું?

કેમ એમ?

કેટલું વ્યાજબી-કેટલા અંશે યોગ્ય લેખાય?

ઇચ્છા કરીએ છીએ પછી શું?

(બધી) ઇચ્છા સફળ થતી હોય છે ખરી?

ઇચ્છા ઉર્જા/શક્તિ સર્જે છે.

પ્રકૃતિનું પ્રેરક બળ ઈચ્છા છે. ઈચ્છા જ ન હોય તો પ્રવૃતિ પણ ન હોય. ઈચ્છા એ દુઃખ નું મૂળ નહીં પણ જીવનનો મુલાધાર છે. ઈચ્છા થકી જીવન વિકસે છે અને ટકે છે. ઈચ્છા કેમ ઉદભવે છે?

૧. આવેગ ૨. લાગણીઓ તથા ૩. સ્વાર્થ વૃત્તિ : આવેગ, લાગણીઓ કુદરતી છે, પ્રાકૃતિક છે. જ્યારે સ્વાર્થ અપ્રાકૃતિક છે. આવેગ, લાગણીઓ વિકસતા વૃધ્ધિ પામે છે અને બેફામ બની અનર્થ સર્જે છે એટલે તેનાં ઉપર નિયંત્રણ જરૂરી. સંયમ જરૂરી. અગ્નિને ઓલવી નાખવાનો નથી કે તેનાં ભડકા પણ કરવાનાં નથી. તેને યથાયોગ્ય રીતે પ્રજ્વલિત રાખીએ. સ્વાર્થ વૃત્તિને પરમાર્થમાં પરીમાર્જીત કરવાની છે

જરૂરિયાત : જરુરયાત એટલે વંચિતતા મહેસુસ થતી અવસ્થા. કશું ખુટે છે અને તે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરાવડાવે એ જરુરીયાત. જેમ ઇચ્છાથી માણસ ઓળખાય છે તેમ જરુરીયાત પણ માણસની ઓળખ બને છે.

માણસ સતત કશુંક શોધતો રહે છે, અને જે કંઇ શોધે છે, તે જ વ્યક્તિ કશુંક પામી શકે છે. શોધ્યા વિના કશું મળતું નથી. “તમારે જે જોઇએ છે તે માટે તમે સંઘર્ષ ન કરો તો પછી તમે જે ગુમાવો છો તે સારુ રડો નહી. (ભગવદ ગીતા)

જરૂરિયાત વ્યક્તિને ક્યાં તો લાચાર બનાવે છે અથવા આત્મનિર્ભર થતા શીખવાડે છે. દેખીતી રીતે પાસે બધું જ હોય, કશાયની ખોટ ન હોય છતાં તમને અભાવગ્રસ્ત હોવાની લાગણી થયા કરતી હોય છે. મન કૃત્રિમ જરુરીયાતો ઉભી કરે છે અને એના વિના જીવી નહી શકાય એમ માની લે છે.

માણસો પોતાના સાધનોનાં-સંબંધો-વિચારોનાં હાથા બની ગયા છે. જરુરિયાત માણસને લોભી બનાવે છે. જરુરીયાત પુર્તિ આપણને સામાજીક સંતુલન આપી શકતી નથી. તમે જે મેળવવા માંગતા હો તે અંગે પ્રથમ પગલું એ છે કે તમારે શું જોઇએ છે અને શા માટે જોઇએ છે એ નક્કી કરો.

અબ્રાહમ માસ્લોએ માનવીની વિવિઘ પ્રકારની જરુરીયાતો રજુ કરેલ છે પ્રાથમિક, સુરક્ષા-સલામતી, સામાજીક, માનસિક, અન્યઃ જે પ્રેરણા સંદર્ભે મહત્વની થીયરી છે.

માંગ: ચોક્કસ બાબતની સંતુષ્ટિની જરૂરિયાત

આવશ્યક્તા:સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે.

તમને જે જોઇએ છે, તે પર તમારું મન કેંદ્રીત કરો.

દૃષ્ટિ બિંદુ: આંતર દૃષ્ટિ (સૂઝ)ઃ સમજ પડવી, સુઝ પામવી – ઇન્દ્રિય થકી જ્ઞાન વિભાવનાની સમજ, દૃષ્ટિ બિંદુ, આંતર દૃષ્ટિ. તમે જે જુઓ છો ,તમે જે ખોજવા માંગો છો તેના પર આધારીત છે. જેને દેખાય એને જ દેખાય. હર કોઈને આંખો છે, પરંતુ કોઈની પણ દૃષ્ટિ એક સમાન નથી. જ્યારે તમે જે ચીજ જુઓ છો તેનું દૃષ્ટિ બિંદુ બદલો છો ત્યારે તે વસ્તુમાં બદલાવ આવે છે. દૃષ્ટિ બિંદુ પ્રેરણા માટે મહત્વનું પરિબળ છે. દૃષ્ટિ બિંદુ સર્વસ્વ છે.

વ્યક્તિગત દ્રષ્ટિ  – વ્યક્તિગત ભિન્નતા

કન્યા વરયતે રુપમ, માતા વિત્તમ, પિતા શ્રુતમ, બાંધવા: કુલમ, ભોજન ઇતરે જના: –

ક્ન્યા રુપને, માતા ધનને, પિતા હોંશિયારીને, ભાઇ-સગા કુળને તથા અન્ય ભોજનને મહત્વ આપે છે.

આપણે વસ્તુ સ્થિતી જેવી છે તેવી જોતા નથી, પરંતુ આપણે જેમ છીએ – જેવા છીએ તે મુજબ જ જોઇએ છે. પરિસ્થિતી એક સમાન જ હોય છતાં વૈચારિક પ્રક્રિયા અને પોતાનાં દૃષ્ટિબિંદુનાં કારણે વ્યક્તિગત અલગાવ રહે છે. વિચારધારા/વૈચારિકશૈલી વ્યક્તિત્વનો અંશ યા ભાગ છે.

વલણ, અભિગમ:

૧) વિચારવાની રીત, મન:સ્થિતી, માનસિકતા

૨) કરવાની યા ના કરવાની વૃત્તિને વલણ કે અભિગમ કહે છે.

૩) ક્રિયા-પ્રક્રિયા યા મિજાજ અનુસંધાને શૈલી-શારીરિક સ્થિતી.

બદલાવ ક્યારે?

જે દિવસે તમે તમારું વલણ બદલો છો, એ દિવસે તમે તમારું જીવન બદલો છો. પ્રસંગોપાત આપણને એકાંતની જરુરત રહે છે કે જેથી આપણો અભિગમ બદલાય.

હેતુ-ઉદ્દેશ-ઇરાદો ઃ

આંતરિક જોમ-શક્તિ-બળ, આવેગ કે જે ચોક્ક્સપણે વર્તવા પ્રેરે છે તે આવેગ. ગતિ પ્રયોજવી. ઇરાદા માટે વેદમાં મધુર શબ્દ છે ‘આકૃતિ’ રાવણનો ઇરાદો સીતા હરણનો હતો. ઇરાદા છુપાવવા સાધુવેશ ધારણ કર્યો રાવણનાં ઇરાદાની ગંધ ન આવી. સામેનાં માણસનાં ગંદા ઇરાદાને પકડી પાડવા, થોડા ગંદા ઇરાદાનાં માલિક હોવું જરુરી છે. વેશ બદલાય છે અને ભુલ કાયમ થતી રહે છે.

ધ્યેય-સંકલ્પ: પ્રેરણા જ આખરે ધ્યેય બની રહે છે. માણસ માત્ર પાસે પોતાનું કોઇ ને કોઇ ધ્યેય હોવું જોઇએ. આ ધ્યેય એજ એનો સ્વ ધર્મ – નિજ ધર્મ ગણાય. માણસે પોતાની જાતને રોજ એક વાર પુછવું જોઇએ: “મારી સૌ પ્રથમ અગ્રતા કઇ?” વિકલ્પ નહી પરંતુ સંકલ્પ મહત્વનો છે.

ધ્યેય-સંકલ્પ શક્તિ એ ચાલક બળ છે. લોકોમાં સામર્થ્ય નહી, પરંતુ સંકલ્પ શક્તિની કમી હોય છે. – વિક્ટર હુગો.

વિવેક બુધ્ધિ અને હ્રદયથી સંકલ્પને વળગી રહેવું જોઈએ.

ઉદેશ, પ્રેરણા: પ્રેરણા મુળ લેટીન શબ્દ ‘Mover’ પરથી આવ્યો છે, જેનો અર્થ to move એટલે કે વર્તમાન સ્થિતીમાંથી ચલીત થવું. સમર્થ હોવું,ગતિમાન કરવું.

આંતરિક ગતિ, કારણ-અર્થ, મતલબ, હેતુ,

પ્રેરિત કરવું – પ્રેરવું, । પ્રેરણા – ચોક્કસ પણે કાર્ય સારુ પ્રવૃત્ત કરે તે –

 • પ્રેરણા – હેતુપૂર્વકની વર્તણુક, ધ્યેયપૂર્ણ પ્રવૃત્તિ શક્તિનો સમુહ (સેટ ઓફ ફોર્સ) કે જે લોકોને ચોક્કસપણે વર્તવા કારણભુત થાય છે.
 • પ્રેરણા એટલે વ્યક્તિને કાર્ય સિદ્ધિ અર્થે પ્રવૃત્ત કરવા, ઉદ્દિપ્ત કરવા તથા કાર્ય-પ્રક્રિયાને વળગી રહેવાની અને પ્રવૃત્તિની તરાહને નિયમન કરવાની પ્રક્રિયા
 • પ્રેરણામાં કંઇક કરવા અંગે ઇચ્છા અને મરજી- સંમતિ હોય છે.
 • પ્રેરણાનાં મહત્વનાં 3 પરિબળો: નિર્દેશન, આવેગ, ખંત,
 • દોરવણી, ઉત્સાહ અને કાર્ય ને સતત વળગી રહેવા સંબંધી અસર એટલે પ્રેરણા
 • પ્રેરણા એ આંતરિક સ્થિતી છે. જે દ્વારા બાહ્ય પરિવર્તન આવે છે.

સ્ફૂરણા અને પ્રેરણાનો તફાવત શું છે?

સ્ફુરણા વિચારમાં બદલાવ લાવે છે, જ્યારે પ્રેરણા કાર્યમાં પરિવર્તન કરે છે.

~~~~~~~~

  શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર:

મો.: +91 98254 33104 | Email: hiranyavyas@gmail.com | Web. www.hiranyavyas.yolasite.com | Face Book Community: https://www.facebook.com/groups/735774343154133/

*****

Author: Web Gurjari

3 thoughts on “ઉદ્યોગસાહસિકતા : પ્રેરણા

 1. અત્યારે આ સમયે ઔદ્યોગિક ક્રાન્તિના યુગમાં આવા મનોવૈજ્ઞાનિક લેખની અવશ્ય જરૂર
  છે. લેખક અને વેગુના સંપાદકોને અભિનંદન અને આભાર. પ્રેરણા, ટીમવર્ક, સાથી કાર્યકરો
  સાથેનો વર્તાવ .હેતુ, ઈચ્છા વગેરેને દર્શવાઈ. શિકાગોના વિલિયમ શુલ્ઝએ ૧૯૫૮માં
  Fundamental Interpersonal Relations Orientation Behavior (FIRO-B) ની
  થીઅરી આપી.તેને એક instrument તરીકે અમેરિકા અને ઘણા દેશોમાં કામદારો માટે
  વાપરવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published.