શબ્દસંગ – વર્તમાનને જીવંત બનાવતો, સ્મરણોનો ઉછળતો ‘દરિયો’: એક દીર્ઘ નવલિકા (૨)

– નિરુપમ છાયા

(ગતાંકથી ચાલુ…)

જેમાં પોતીકું કશુંક હોય,ઉછીના ભાવ નહિ પણ આપણી જીવનશૈલી સાથે જેનો મેળ હોય, અને ઘટનાની રીતે પરંપરાગત નહીં છતાં આધુનિકતાની શુષ્કતા ન હોય એવી આગવી વીનેશ શૈલીમાં કચ્છની દૃઢતાથી અંકાયેલી પ્રાદેશિકતા ધરાવતી વીનેશ અંતાણીની દીર્ઘ નવલિકા ‘દરિયો’નું ભાવન કરી રહ્યા છીએ. શૈશવમાં મહાલતા પોતાના પૌત્ર સાથે રહીને દાદાજી પોતાના વીતી ગયેલા સમયને જીવી લેવા મથી રહ્યા છે એવું આપણે નોંધ્યું.

અને જુઓ કેવું બને છે! દાદાનો પૌત્ર હરિ વીતી ગયેલા એ જ સમયને પોતાના સ્મરણપટ પર લાવી વર્તમાન બનાવવાની મથામણ કરે છે જેનાથી કૃતિ આકાર પામે છે. આ સિદ્ધહસ્ત સર્જકની કુશળતાથી કોઈપણ જાતની ગૂંચ વિના ભાવક કૃતિ સાથે વહેવા માંડે છે.

દાદાનાં સ્મરણો અને પૌત્રના સંવાદના માધ્યમથી દરિયો આપણી સામે બહુ જ સહજ અને આયાસ વિના મૃદુતા પૂર્વક સમગ્રતાથી પ્રગટ થાય છે. સંવાદો, દૃશ્યો, વાતાવરણ, વર્ણન એ સર્જકની સૂક્ષ્મ દૃષ્ટિ અને ધૈર્યથી ઝીણા નકશીકામથી સ્થિર થતાં, કોઈ કલાકૃતિનાં સૌન્દર્યની જેમ, દરિયો આપણી અંદર કૃતિરૂપ બનીને ઉપસે છે.

લેખકની કલ્પનાશાક્તિનું ઉડ્ડયન દરિયાનાં કેવાં વિવિધ સ્વરૂપો જીવંત કરે છે! પૌત્ર હરિ પૂછે છે, “ભા, દરિયો બહુ ઊંડો?…દરિયા નીચે શું હોય? દાદા ઉત્તર આપે છે,” દરિયા નીચે દરિયો જ હોય.ઉપરના દરિયાથીય ઊંડો…..એક દરિયા નીચે બીજો…ઈના નીચે ત્રીજો…..” દરિયાનાં આ સ્વરૂપને પામવા આપણે પણ જાણે દરિયામાં છેક નીચે સુધી ઉતરતા જઈએ છીએ. અને પછી માછલીયું, મગરા, જરજનાવર, જુદાં ઝાડપાન, પેટાળમાં થતા ધડાકા, પાણીમાં લાગતી આગ, અને… “સાંભળ , કો’ક કો’ક ઠેકાણે પાણી ઈવા ચકરાવા મારે કે ઈમાં ગરે (ઘૂસે) ઈ વા’ણનાં વા’ણ ચક્કર મારતા જાય નીચે.” જેવી વાતો સાંભળીને દરિયાનું અજાયબ સ્વરુપ માનસપટ પર ઉપસે છે. એક વખતે ચોમાસા પહેલાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી અને તે સમયે ઉછળતાં ઘૂઘવતાં મોજાંને જોઈ દાદાનાં સાંભરણમાં જે દરિયો આવે છે એ હરિને કહે છે, “આ તાં કાંય નથી, હરિ વચાર કર, મધદરિયે કેવાં વા’ણ ઉછળતા હસે. આખો વા’ણ ઉપરનીચે, સાંધેસાંધામાંથી કડેડાટી બોલતી હસે’. અને ઉખડું ઉખડું થતો ખૂવો, જાલ્યો ન જલાતો સુખાણ પલટી મારતું વા’ણ, કોઈ સીધું ઊભું ન રહી શકે એવા દરિયાનાં ભૂતકાળના ભીષણ સ્વરુપને વર્તમાનમાં જીવંત કરતાં હોય તેમ, “જોસને?” પૂછે ત્યારે ભયાવહ સ્વરૂપ આપણા મન:ચક્ષુ સમક્ષ ખડું થાય છે અને આપણે પણ ધ્રુજી જઈએ.

દરિયા વિશેની દંતકથા અને કલ્પનાઓ વણી લઈને દરિયો કેટલો ગહન અગોચર, અનંત અપાર છે ,આપણી સમજની બહાર છે એ બાબત બહુ જ સુંદર પ્રતિકાત્મક રીતે આવે છે. ‘અમાસની રાતે તરાવ જેવા સાંત દરિયામાં એક ઉછાળ આવે અને ધ્રા લાગે એવો ઊભેલો રાખસ’ દેખાય કે ‘ઈક જણનો વા’ણ પાણીની તાણમાં ખેંચાઈને દરિયો અને આકાસ ભેરા થાય, બધો ધોળો હોય, વાડર ને મીઠાના થર જામ્યા હોય, ઘડીકમાં તરતા અને ઘડીકમાં ઊડતા,’ કોઈની જેમ આપણે પણ ન માનીએ એવા અગોચર તત્વની કલ્પનાનું ગગનગામી ઉડ્ડયન વાર્તાના પ્રવાહ સાથે જકડી રાખે છે. તો ભાગવત મહાપુરાણમાં આવતી સમુદ્રમંથન, અને દરિયો પી જતા અગત્સ્ય મુનિની કથા, ડૂબી ગયેલી કરસન ભગવાનની દુવારકાની વાત મૂકીને દરિયાની પૌરાણીકતા રોચક રીતે ઘૂંટી છે.

દરિયો અગોચર લાગે છતાં દરીયાખેડુ એનો સાદ સાંભળીને ઘરમાં બેસી ન શકે. ગોસે ચઢે. દાદા કહે છે, “જાવો પડે. ખારવાના બચ્ચાનો ઈ ધરમ…..જોખમની વાત સાંભળે તિ ભેરા બાવડામાં સઢ બંધાઈ જાય.” દરિયો જ એમનો પ્રાણ છે. ‘એમના ઘરનાને ગામમાં જ છડીને દરિયો ખેડવા જાય ત્યારે મઈના લાગે. ઘરના માણસુ બહુ યાદ આવે. દખ થાય. ચાંચિયાનો સામનો અને પકડાય ત્યારે પારકા દેશમાં સબડવું ,વરસાદ, તોફાન અને ડૂબતાં વા’ણ વગેરેની વાત ‘કાળમીંઢ ખડક જેવા અંધારાને તાકી રહેતા’ દરિયાખેડુના પ્રતીક સાથે પશ્ચાદભૂમાં ઉપસાવી છે. આ કૃતિમાં પણ પ્રતીકો દ્વારા મનોભાવો સમજી શકાય છે. વિટંબણાઓને, આકાશમાં પુનમનો ચાંદ જોઇને, તારાઓનો પરિચય કરીને દરિયાને ભજન સંભળાવીને, પાર કરી છે. સઢ સુકાન ફેરવવાં, ઊડતાં પક્ષીઓના સંકેતથી જમીનનું અંતર માપવું વગેરે દરિયાખેડૂનાં કૌશલ્યો પણ વાતોમાં આવે છે. ગોસે ચઢીને દરિયા અને જિંદગી સામે ઝઝુમતી કબીબેન ખારવણની વાત હળવેકથી મૂકીને, સ્ત્રીના સંદર્ભમાં સામાજિક પરિવર્તનનો જાણે સૂક્ષ્મ સંકેત મળે છે. ‘પોતાને નહીં,સાથીદારોને બચાવી ન શકવાની યાતનાની પાડેલી ચીસોના પડતા પડઘા’ જેવા સૂચનાત્મક પ્રયોગથી કબીબહેનનું વ્યક્તિત્વ અને એમની નિયતિ કરુણતા પણ જન્માવે. દરિયામાંના જીવનના કેટકેટલા રંગો આ કૃતિમાં દેખાય છે!

દરીયામાંના જીવનની જેમ જ દરિયાને કાંઠે પણ એક અલગ જ વિવિધ ભાવસભર જીવનનાં ચિત્રો મળે છે. ગોસે ચઢતા અને પાછા આવતા નાવિકોને આવકારતો જન સમૂહ, નથી દેખાયા એવા લોકો માટે ફડકો અને ક્ષેમકુશળ માટે દરિયાની ઓરગ (પૂજા), ગાજતાં બજાર ને બંદર વગેરે જીવંત થાય છે. ફરી ‘લોઈમાં ઉછળતા દરિયા સાથે મોસમની’ પ્રતીક્ષામાં નીકળતી રવાડી તો કેમ જ ભૂલાય? ઘરનો પહેલો દીકરો બે મહિનાનો થાય ત્યારે એને દરિયાનું પાણી માથે અડાડવા લઇ જવાની પરંપરાની વાતથી, દરિયા સાથે જોડાયેલી શ્રદ્ધાનો નિર્દેશ મળે છે.

દરિયો તેમના જીવન યાપન, વ્યવહારનું પણ મહત્વનું અંગ છે. આર્થિક આવશ્યકતાઓ દરિયો સાચવે છે એ વાત પણ દાદા પૌત્ર હરિને કહે છે, “ગામના મોટા ભાગના દરિયા પર નભતા…..આપણા બંદરે મુલકમુલકના વાવટા ફરકતા. સેઠિયાનો માલ દેસદેસાવરના બંદરે પાજી’ચાડવાનો ને ઉંવાથી નવો માલ ભરવાનો….” હંસરાજ સેઠ, મોતીલાલ ભાટીયા જેવા લોકોની ભવ્ય હવેલીઓમાં અંદર લઇ જઈ એક વખતની જાહોજલાલીનો ચિતાર પણ આપે છે. આ જાહોજલાલીના મૂળમાં તો વહાણો. એક સમયે ‘ધીંગા વા’ણ બંધાતાં’ એ જહાજવાડો પણ હરિ જુએ છે. દરિયા સાથેનો પેઢી જૂનો સંબંધ જાળવી રાખવા માંગતા હોય તેમ દાદા ઘરની ઉપલી મેડીમાં મલબારથી લાવેલી કેટલીક વસ્તુઓ અને વહાણના દોરડા અને ગરેડી, તૂટેલું લંગર, ફાટેલા સઢનો ટૂકડો, વાસણો એવો કેટલોયે સામાન સાચવીને સતત દરિયા સાથે, એને સુંઘીને એનાં હોવાપણામાં જીવે છે. જયારે ઘર વેંચીને ચાલ્યા જવાની વાત થાય છે ત્યારે દાદા વિરોધ કરે છે. દરિયાથી દૂર ચાલ્યા ગયેલા ખાધેપીધે સુખી લોકોએ પુલની પેલી બાજુ બંગલા બાંધ્યા છે, એમણે ‘દરિયાનો દ્રોહ કર્યો છે’ એવું એ દૃઢપણે માને છે. પુત્રની બદલીઓ થાય ત્યારે પણ પોતે એકલા દરિયા સાથે રહે છે.

ઓટ પછી દરિયાની રેતીમાં દોરાયેલી ચિત્રવિચિત્ર રેખાઓ જોતા દાદાજી જાણે અવસાદ અનુભવે છે, “આયે સાલો બુઢો થ્યો.” પોતાનું વૃદ્ધત્વ દરિયાથી દૂર કરી દેશે એ અણગમો એમાં વ્યક્ત થતો લાગે. દાદાને ‘સાંકડી શેરીમાં ખાલી હવેલીના પડતા પડછાયા, બંધ દુકાનને ઓટલે બેસી,’ પોતાના વીતેલા સમયમાં ખોવાઈ જતા વૃદ્ધો બધું જાણે શૂન્યતામાં ધકેલી દેતું લાગે છે. જયારે મોટા થતા જતા હરિને દરિયામાં મૂળ ઘાલીને બેઠેલાં ચેરીયાં. દરિયાની શોભા વધારતાં રાવળપત્રીના જાંબલી ફૂલો ચૈતન્ય ભરી દેતાં લાગે છે, દીવાદાંડીને જોઈ તે દાદાજીને “ભા, આ દીવાદાંડી નો’ત તો આપણો ગામ ખોવાઈ જાત’’ એમ કહે ત્યારે દાદાજીના “છાભાસ” શબ્દોથી દરિયાની કેળવાયેલી સમજથી ગજગજ ફૂલતી છાતીની જેમ જ.

એક દરિયો શબ્દ સાથે માનસપટ પર આવે એ આ કૃતિ થકી આપણામાં પ્રવેશીને આપણા અસ્તિત્વને ભરી દે છે. ગોસ, ઘામટ કાઢવી, વરસાદનાં પાણી ઘરમાં ભરાય ત્યારે દરિયામાં હોય તેમ દાદાનો “બેલી રે…”નો સાદ , ધભસો, ધામણ, ટાંગરો,મઠાર જેવા શબ્દો સાથે તળરૂપમાં બરછટ ભાષા, સંવાદો દરિયાનું આગવું વ્યક્તિત્વ સર્જે છે. આ દીર્ઘનવલિકાનો અંત અપેક્ષિત હોવા છતાં સામાન્ય નથી બની રહેતો. ‘માથા પર રૂમાલ બાંધીને સુકાન પર બેઠેલા દાદાજી’, વહાણ, બંદર લોકમેદનીનાં ચિત્રોથી ભીનો ભીનો સ્પર્શી જાય છે.

દરેક સર્જન પછી જાગતી અપેક્ષાઓ કરતાં પણ અધિક અપેક્ષા આ સર્જન જગવે છે. બરોબરને વીનેશભાઇ ?


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.