ટાઈટલ મ્યુઝીક (૩૯ ) – રતન (૧૯૪૪)

બીરેન કોઠારી

માસ્ટર ગુલામ હૈદરે હિન્‍દી ફિલ્મસંગીતમાં પંજાબી શૈલી ‘ખજાનચી’થી આરંભી. અલબત્ત, ગુલામ હૈદર અને તેમના સમકાલીન અન્ય પંજાબી સંગીતકારોએ તેને આગળ વધારી, છતાં મૂળભૂત ફરક એ હતો કે તેમાં માત્ર તાલ કે ઠેકાનું જ મહત્ત્વ નહોતું, બલ્કે માધુર્ય પણ એટલું જ ભરપૂર હતું. (મારી દૃષ્ટિએ ઓ.પી.નય્યરના પંજાબી સંગીતમાં આ મુખ્ય ફરક હતો.)

નૌશાદે આગળ જતાં પોતાના સંગીતમાં ઉત્તર ભારતીય ધૂનોનો ઉપયોગ કર્યો, પણ શરૂઆતમાં તેમના સંગીતમાં ગુલામ હૈદરની શૈલીની પ્રબળ અસર સાંભળવા મળે છે. ખાસ કરીને પ્રિલ્યુડ અને ઈન્ટરલ્યુડમાં તંતુવાદ્યવિભાગનો ભરપૂર અને એક ચોક્કસ શૈલીએ કરાતા ઉપયોગમાં ઘણું સામ્ય જણાય.

યુવાનવયે નૌશાદ

એમ. સાદિક દિગ્દર્શીત ‘રતન’ ૧૯૪૪માં રજૂઆત પામી અને તેનું સંગીત ગલીગલીમાં ગૂંજવા લાગ્યું. નૌશાદજીએ પોતે પણ તેના અનેક કિસ્સા કહ્યા છે. (પોતાના લગ્નવાળો કિસ્સો નૌશાદજી જેટલો જ તેમના ચાહકોને યાદ હોય છે એટલે અહીં લખતો નથી.)

ખરા અર્થમાં મ્યુઝીકલ હીટ કહી શકાય એવી આ ફિલ્મ સાથે મારું એક અંગત અનુસંધાન પણ છે. સ્વાભાવિક છે કે તે રજૂઆત પામી ત્યારે મારું પૃથ્વી પર અવતરણ થવાના સંજોગો સર્જાવાના બાકી હતા. પણ કમાતા થયા પછી પહેલવહેલી ખરીદી જે ઑડિયો કેસેટની કરી એ હતી ‘અલબેલા’ અને ‘રતન’ની. મૂળ તો ‘અલબેલા’નાં ગીતો માટે એ કેસેટ લીધેલી, પણ તેની સાથે, તેના જેટલું જ ઘેલું ‘રતન’નાં ગીતોએ લગાડ્યું. એ કેસેટ અમે ઘરમાં હોઈએ એટલે વાગતી જ હોય. એમાંય મારો મિત્ર વિજય પટેલ રીતસર તેની પાછળ પાગલ થઈ ગયેલો. રોજ સાંજે એ મારા ઘરનો દાદરો ચડે ત્યારે ‘રતન’નું કોઈ ને કોઈ ગીત ગણગણતો જ ચડે. એની દુકાને મગનલાલ નામના એક સજ્જન ચા વેચવા માટે આવતા. એ પણ જૂનાં ગીતોનાં શોખીન હતા. વિજય એમને કહેતો, ‘મગનલાલ, ‘રતન’ની કશીક વાત કરો.’ અને મગનલાલ બરાબર ખીલે. અમે અલબત્ત, મગનલાલને નહોતા સાંભળ્યા, પણ મગનલાલની વાણીનું પુન:પ્રસારણ વિજય અમારી આગળ કરતો. વિજય તો બરાબર, પણ સંગીતનો ઔરંગઝેબ કહી શકાય એવો તેનો કાકો નરેન્દ્ર (ભોપો) પણ ‘રતન’ના ગીતોનો દિવાનો થઈ ગયેલો. વિજય તો એવો આગ્રહી કે એનું ચાલત તો જેને ‘રતન’નાં ગીતો વિશે જાણ ન હોય એને કાળા પાણીની સજા ફરમાવી દેત. વિજય અને (મારા ભાઈ) ઉર્વીશની વચ્ચે ત્યારે દસેક વર્ષનો તફાવત હતો, જે અમુક ઉંમર સુધી બહુ મોટો જણાય. અને ‘રતન’ સાથે બેમાંથી કોઈનું ભાવનાત્મક યા અતીતનું જોડાણ નહીં, છતાં ઘણા સમય સુધી તેઓ બન્ને માટે વાતચીતનો સામાન્ય વિષય ‘રતન’નાં ગીતોનો રહેતો.

એની એ કેસેટ અમે સૌએ એટલી બધી સાંભળીને ઘસી નાખી કે પછી બીજી વાર એ ખરીદવી પડેલી.

‘રતન’નાં કુલ દસ ગીતો હતાં, જે દીનાનાથ મધોકે લખેલાં. હિન્‍દી ગીતોમાં ઉત્તર પ્રદેશના બોલચાલના રુઢ શબ્દો (રતીયાં, બતીયાં, બાદરવા, જિયરા વગેરે…)નો છૂટથી ઉપયોગ કરવાનું શ્રેય મધોકસાહેબને ફાળે જાય છે.

દીનાનાથ મધોક

મઝાની વાત એ છે કે હજી લતાયુગ શરૂ થવામાં હતો, ત્યારે આ ફિલ્મનાં ગીતોમાં ભારે અવાજવાળી ગાયિકાઓ અમીરબાઈ કર્ણાટકી અને જોહરાબાઈ અંબાલેવાલીના સ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘રીમઝીમ બરસે બાદરવા’, ‘અખિયાં મિલાકે, જિયા ભરમા કે’, ‘પરદેસી બાલમા બાદલ આયા’, ‘જબ તુમ હી ચલે પરદેસ’, ‘અંગડાઈ તેરી હૈ બહાના’, ‘સાવન કે બાદલોં, ઉનસે યે જા કહો’, ‘આઈ દિવાલી, આઈ દિવાલી’, ‘ઓ જાને વાલે બાલમવા’, ‘મિલ કે બિછડ ગઈ અખિયાં’, તેમજ ‘ઝૂઠે હૈ સબ સપને સુહાને’ જેવાં ગીતોનો અમને કેસેટનો ક્રમ સુદ્ધાં ગોખાઈ ગયેલો.

(‘રતન’ની લૉંગ પ્લે રેકર્ડનું કવર)

આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકની મઝા એ છે કે એમાં 0.07થી તંતુવાદ્યોથી આરંભ થાય છે, પણ ઉપરનાં એકે ગીતની ધૂનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તંતુવાદ્યોની શૈલીમાં ગુલામ હૈદરની મુદ્રા સ્પષ્ટપણે ખ્યાલ આવે છે. 0.23 થી શરૂ થતી 0.40 સુધી ચાલતી ફ્લુટની શૈલીમાં નૌશાદની મુદ્રા છે. 0.55 થી 1.14 સુધી ફરી ફ્લૂટ વાગે છે. 1.24 થી શરૂ થતું શહનાઈ (કે ક્લેરિનેટ) વાદન બહુ જાણીતું લાગે છે, જેનું રહસ્ય પછી ખૂલે છે. 1.51 પર ટાઈટલનું સમાપન થાય છે, પણ સંગીત ચાલુ રહે છે અને ‘રુમઝુમ બરસે બાદરવા’ ગીતનો આરંભ થાય છે. ત્યારે ખ્યાલ આવે છે કે કેસેટમાં આ ગીતના પ્રિલ્યુડ તરીકે ટાઈટલ મ્યુઝીકનો આ ભાગ લીધેલો છે.

‘રતન’ ફિલ્મની આ લીન્કમાં 1.51 સુધી ટાઈટલ મ્યુઝીક છે. પણ તેને સાંભળતાં ફિલ્મનાં ગીતો સાંભળવાની ઈચ્છા થઈ આવે તો એ પણ હવે આસાનીથી ઉપલબ્ધ છે.

(લીન્‍ક અને તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

1 thought on “ટાઈટલ મ્યુઝીક (૩૯ ) – રતન (૧૯૪૪)

  1. સરસ સંકલન અને માહિતિપુર્ણ લેખ।.હિન્દી ફિલ્મ જગતના આરંભના સમયકાળનું વિવરણ.
    સાચી વાત છે કે ઓપી નૈયરના સંગીતમાં વેસ્ટર્ન અને પંજાબીનું ફ્યુઝન ખરું પણ તાલ
    ટેમ્પો અચાનક ઈન્ટરલ્યૂડમાં બદલાય.

Leave a Reply

Your email address will not be published.