સમયચક્ર : ચા પીશો ને ?

જગતમાં જે ઝડપે વસ્તુઓ અને વ્યવહારોનાં મુલ્ય બદલી રહ્યા છે તે જોતાં શું ટકશે અને શું શું ખોવાઈ જશે તે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં કેટલીક ચીજો એવી છે જેનો ફેલાવો થતો જશે અને તેનો ઈતિહાસ કદી ભુલાશે નહીં. ભારત જેના ઉત્પાદનમાં મોખરે છે તે ચા એક એવું પીણું છે જેની અસરથી જગતનો કોઈ ખૂણો બાકાત નથી. જગતના તમામ પીણાંઓમાં સૌથી ઝડપભેર અને વધુ વિસ્તારમાં પહોંચ્યું હોય તો એ ચા છે. જોકે ભારતમાં એવોય વર્ગ છે જે ચાને અસ્પૃશ્ય નજરે જુએ છે. તેમ છતાં ચા ચાલે છે અને ચાલતી રહેશે.

માવજી મહેશ્વરી

ઈસ્વીસન ૨૭૩૭માં ચીનનો સમ્રાટ શેનોંગ શીકારે નીકળ્યો હતો. જંગલમાં તેનું પેટ બગડ્યું એટલે તે સાંજના સમયે રાવટીની બહાર ગરમ પાણીની ચુસ્કીઓ લઈ રહ્યો હતો. પવનને કારણે એક વનસ્પતિના થોડાંક પાંદડાં ઊડીને ગરમ પાણીના કટોરામાં પડ્યા. પાણીનો રંગ જરા બદલાયો. સમ્રાટ શીનોગે એ રંગીન પાણીનો ઘુંટડો ભર્યો તો તેના સ્વાદ અને સુગંધથી આશ્ચર્યચકિત થઈ ગયો. ચીનમાં ચાની શોધ વિશે આવી લોકવાયકા ચાલે છે. જોકે ખરી હોય કે ખોટી, પણ ચાની શોધ ચીનમાં થઈ હતી તે હકીકત છે. ચા ચાઈનીઝ ભાષાનો શબ્દ છે તેમજ ચા માટે અંગ્રેજીમાં વપરાતો ટી શબ્દ પણ ચાઈનીઝ છે. ગુજરાતી સહિત દુનિયાની આઠેક ભાષાઓમાં ચાને ચા જ કહેવાય છે.

ચાઈનીઝ સંસ્કૃતિએ જગતને અનેક ભેટ આપી છે ચા એમાની એક છે. ચાના પ્રચાર અને પ્રસારમાં બૌધ્ધ ધર્મ ગુરુઓ અને પ્રચારકોનો મોટો ફાળો છે. બૌધ્ધ સાધુઓ અને પ્રચારકો ચીનથી છેક જાપાન સુધીના પૂર્વી પટ્ટામાં વિહાર કરતા હતા તે દરમિયાન ચાનો ફેલાવો અનાયાસે થતો રહ્યો. જો એ સમયે ચા માત્ર એશિયામાં જ હતી. ચાને વિશ્વ સ્તર પર ફેલાવવાનું કામ અંગ્રેજોએ કર્યું. આપણી આગલી પેઢીઓને ચાની આદત પાડનારા પણ અંગ્રેજો જ હતા. જોકે અંગ્રેજ પ્રજામાં ચાએ કઈ રીતે પગ પેસારો કર્યો તેની એક કહાની છે. ૧૬૬૦માં બ્રિટનના રાજા ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગલની રાજકુમારી કેથરીન સાથે થયા. કેથરીનને ચાની આદત હતી. લગ્ન બાદ તે ચાની આદત પોતાની સાથે ઈંગ્લેન્ડ લઈ ગઈ. અને ચા રાજમહેલમાંથી નીકળીને બ્રીટીશ સમાજમાં ફેલાઈ ગઈ. તે પછી ધીમેધીમે યુરોપ અને અમેરિકા સુધી ચાનો ફેલાવો થયો. જોકે આશ્ચર્યજનક હકીકત એ પણ છે કે ચા માટે ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે ખૂંખાર યુધ્ધો પણ થયા છે. ચાનો ધીકતો વેપાર હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપની ચાના વેપાર સાથે સીધી રીતે સંકળાયેલી હતી. પરંતુ ચાનું ઉત્પાદન ચીનમાં થતું. અંગ્રેજોને ચાના બદલામાં ચીનને ચાંદી આપવી પડતી તે ખટકતું હતું. તે સમયે ચીનમાં અફીણનો વ્યાપક વપરાશ થતો. એટલે અંગ્રેજોએ ભારતમાં અફીણની ખેતી શરુ કરી અને ચીની શાસકો સામે ચાના બદલે અફીણ આપવાની વાત મૂકી. ચીની શાસકોએ અંગ્રેજોની આ અયોગ્ય માગણી ફગાવી દીધી તો ધુંધવાયેલા અંગ્રેજોએ ચીન પર લશ્કરી આક્રમણો શરુ કર્યા. બ્રીટનની આ લશ્કરી કાર્યવાહી ઈતિહાસમાં અફીણ યુધ્ધ ( ઓપિયમ વૉર ) તરીકે ઓળખાય છે. બ્રીટન સામે ચીન નબળું સાબિત થયું એટલે ચીને મજબૂરીથી બ્રીટનની માગ સ્વીકારી. તે પછીના વર્ષોમાં ચીની સમાજ અફીણનો બંધાણી બની ગયો હતો. અંગ્રેજો હંમેશા માનવ અધિકારોની વાતો કરતા રહ્યા છે, પણ ઓગણીસમી સદીમાં તેમનો આ વેપારી ખેલ માનવીય અધિકારોના હનનની નીચલી કક્ષાનો હતો. સમય જતાં અંગ્રેજોએ વિચાર્યું કે, શા માટે ચીન પાસેથી ચા ખરીદવી પડે ? ભારતમાં ચાની ખેતી માટે અનુકૂળ વાતાવરણ હતું જ. અંગ્રેજોએ આસામ અને દાર્જીલિંગમાં ચાનું વાવેતર શરુ કર્યું. શ્રીલંકામાં પણ ચાના બગીચા બનાવનાર અંગ્રેજો હતા.

આજે ભારતમાં ચાનો કપ દેશના દરેક ખૂણે ઊપલબ્ધ છે. ગુજરાત પણ એમાંથી બાકાત નથી. તેમ છતાં ગુજરાતીઓની એક ખાસિયત રહી છે કે જે વસ્તુની આદત પડી જાય તેનાથી દૂર રહેવું. એ હિસાબે ગુજરાતી સમાજમાં ચા બિચારી વર્ષો સુધી અણમાનીતી રહી હતી. એટલું જ નહીં, ગાંધીયન સાહિત્યિક યુગમાં ચા વિરુધ્ધની કવિતાઓ પણ લખાઈ છે. કચ્છી ભાષાના જાણીતા સાહિત્યકાર દુલેરાય કારાણીએ તો ચા ( ચાય ) નામની ડાકણ સામે છાશ ( છાય ) નામની દેવીને કલ્પીને દીર્ઘ કચ્છી કાવ્ય લખ્યું. જોકે આજે પણ એવા ગુજરાતીઓ હશે જેમના ઘરમાં મહેમાનો માટે જ ચા બનતી હશે.. ચા પીવી હાનીકારક છે તેની ચર્ચા કરનારા આજે પણ મળી આવશે. જોકે નશા સાથે માનવજાતને આદિકાળથી સંબંધ રહ્યો છે. નશો આપતી વસ્તુ તરફનું તેનું કુતૂહલ અને આકર્ષણ સદીઓ પુરાણો છે. ચાનો વિરોધ હવે કોઈ ખૂણે જોવા મળશે પણ ચાની તરફદારી કરનારાની જગતમાં બહુ મોટી ફોજ છે. ચા પીવી સારી કે ખરાબ તેની ચર્ચા હંમેશા થતી રહી છે. ચાની બાબતે અત્યાર સુધી થયેલા વૈજ્ઞાનિક સંશોધનોમાં હંમેશા વિરોધાભાસી તથ્યો સામે આવ્યા છે. જોકે એક ચર્ચા એવી પણ થતી રહી છે કે ખોરાકીય બાબતમાં પશ્ચિમમાં થયેલા સંશોધનો હંમેશા પશ્ચિમની વેપારી નિતીને અનુરુપ આવ્યા છે. તેમ છતાં ચામાં રહેલા રસાયણોને ઊંઘ સાથે સીધો સંબંધ છે. મોડી રાત સુધી જાગતા લોકો અથવા રાતપાળીમાં કામ કરતા કામદારોને રાતે એક કરતા વધારે વખત ચા પીવાની ટેવ હોય છે. ચાને સ્ફુર્તીદાયક પીણું ગણવામાં આવે છે. આ સ્ફુર્તી તેમા રહેલા ટેનીન નામના રસાયણને કારણે આવે છે. એટલે સખત કામથી થાકેલી વ્યક્તિને ચા મળે છે ત્યારે તેના મોં પર સુરખી દેખાય છે. ચા વિશે થયેલા સંશોધનો દર્શાવે છે કે આ પીણાની આદત બાળકો માટે સારી નથી હોતી. કોઈ ખોરાક લેવો કે નહીં તે એકદમ અંગત બાબત છે. અને કેટલાક લોકો ખોરાકની બાબતમાં ઘસીને ના પાડી દેવાની કાબેલિયત રાખતા હોય છે. આ માટે ચા સંબંધી એક ઘટનાને યાદ કરી લેવી જોઈએ. ૧૬૧૮ની સાલમાં ચીની શાસકે ચીનમાં રહેલા રશિયન રાજદૂતને પોતાના રાજમહેલમાં બોલાવી રશિયાના તે વખતના રાજા ઝાર માઈકલ પહેલા માટે ચાની ભેટ સ્વીકારવા વિનંતી કરી. ચીની શાસકે રશિયન રાજદૂતને ખુશ કરવા ભેટ આપવાના જથ્થામાંથી એક કપ ચા જાતે બનાવી અને રશિયન રાજદૂતને સ્વાદની જાણ હેતુ પીવા કહ્યું. રશિયન રાજદૂતને કોઈ કારણસર ચા બિલકુલ ન ભાવી. તેણે ચીની શાસકની ભેટનો અસ્વીકાર કર્યો. પરિણામ એ આવ્યું કે આખીય રશિયન પ્રજા પચાસ વર્ષ સુધી ચાના સ્વાદથી પાછળ રહી ગઈ.

આજે ચા દેશમાં જુદા અર્થમાં પણ ચર્ચામાં છે. કેમ કે વર્તમાન વડાપ્રધાન ભૂતકાળમાં રેલ્વે સ્ટેશન પર ચા વેચતા એવું એમણે જ કહ્યું છે. ૨૦૧૪ પછીના આ વિશે રાજકીય ચર્ચા અને વ્યંગ ચાલુ રહ્યા છે. ૨૦૧૪ની લોકસભાની ચુંટણી વખતે ચાય પે ચર્ચા નામનું સૂત્ર વહેતું થયું હતું. નરેન્દ્ર મોદીના નામની ચાની કેન્ટીનો હજુ પણ ક્યાંક જોવા મળે છે. અમદાવાદની કટીંગ ચા વિશે જાત જાતની રમુજો પ્રચલિત છે. ચા સારી હોય કે ખરાબ, પણ આજે તે રોજિંદા જીવનનો મહત્વનો હિસ્સો બની ગઈ છે. હવે મિત્રો સાથેની સાંજ ચા સાથે વિતે છે. ગ્રામ્ય વિસ્તારના સામાજિક પ્રસંગોમાં ચા એક મહત્વનો પદાર્થ બની રહે છે. ચામાં નશો રહેલો છે એવું વિજ્ઞાન કહે છે. રસાયણ શાસ્ત્રીની પ્રયોગશાળામાં ચાના નશાનો અર્થ જુદો હોય છે અને મહેમાનો માટે કપમાં રેડાતી ચામાં રહેલા નશાનો અર્થ જુદો હોય છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: admin

Leave a Reply

Your email address will not be published.