– વીનેશ અંતાણી
અત્યારના ઘણા વડીલો ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે પ્રવાસ કરવાનું પસંદ કરે છે. બાકી બચેલું જીવન આનંદથી જીવી લેવાનો ખ્યાલ વિસ્તરવા લાગ્યો છે
·
એક મહિલાના પતિનું પ્રમાણમાં નાની વયે અવસાન થયું. તે પછી એણે નોકરી કરી, દીકરાને સારી રીતે ભણાવ્યો. દીકરો પરણીને વિદેશમાં કામ કરવા ગયો. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી એ બહેન નવરી પડી ગઈ. ઘરમાં એના સિવાય કોઈ રહ્યું નહોતું. એ સિનિયર સિટિઝન્સના ગ્રુપમાં જોડાઈ. એ લોકો અઠવાડિયામાં એક વાર મળે, સામાજિક સેવાનાં કામ કરે. ગ્રુપની વિવિધ પ્રવૃત્તિઓને લીધે એનો સમય સારી રીતે પસાર થવા લાગ્યો. એક વાર ગ્રુપના સભ્યોને દક્ષિણ ભારતનો પ્રવાસ કરવાનો વિચાર આવ્યો. તેઓ ખાસ સિનિયર સિટિઝન્સ માટેની કન્ડક્ટેટ ટૂરમાં જોડાયાં. બહુ મજા કરી. ત્યાર પછી એમને જાણે પ્રવાસ કરવાનો ચસકો લાગ્યો. છેલ્લે એમનું ગ્રુપ સિંગાપોર – મલેશિયાની ટૂર કરી આવ્યું.

થોડાં વર્ષ પહેલાં અમે ટ્રેનમાં હૈદરાબાદથી બેંગલોર જતાં હતાં. અમારા કમ્પાર્ટમેન્ટમાં પંચોતેર – સિત્તેર વર્ષનું એક દંપતિ હતું. બંને ખુશમિજાજ હતાં. તેઓ મૈસૂરના દશેરાની ઉજવણી જોવા જતાં હતાં. ત્યાંથી કૂર્ગ જવાનાં હતાં. બધી જગ્યાએ હોટલ વગેરેનાં બુકિન્ગ કરાવી લીધાં હતાં. બે દીકરા યુ.એસ. અને ઓસ્ટ્રેલિયામાં કામ કરતા હતા. દીકરી પરણીને દિલ્હીમાં રહેતી હતી. ખૂબ વ્યસ્ત જીવન ગાળ્યા પછી બંને ઘરમાં એકલાં થઈ ગયાં ત્યારે એમણે પ્રવાસમાં નીકળી પડવાનું વિચાર્યું. જાતે જ પ્રવાસનું આયોજન કરે, દર વર્ષે નવાં સ્થળમાં જાય, હરે-ફરે, મજા કરીને ઘેર પાછાં આવી જાય. થોડા સમય પછી નવા પ્રવાસનું આયોજન શરૂ કરે. એમણે કહ્યું કે એવા પ્રવાસોથી બુઢાપાનો સમય બોજારૂપ લાગતો નથી. બંનેની જિંદગી નોકરી અને સંતાનોને મોટાં કરવામાં જ પસાર થઈ હતી. એમને પોતાની રીતે જીવવાનો સમય મળ્યો નહોતો. હવે સમય જ સમય છે, આરામદાયક પ્રવાસ કરવા માટે પૂરતા પૈસા છે, પ્રવાસનું આયોજમ ઓન લાઈન કરી શકાય છે. એ લોકો એનો લાભ લેવા માગે છે.
થોડા સમય પહેલાં કેરળમાં ભયાનક પૂર આવ્યું ત્યારે અમે કોચીનની નજીક દરિયાકાંઠાના રિસોર્ટમાં હતાં. મુંબઈથી એક ગુજરાતી વૃદ્ધ યુગલ પણ ત્યાં આવ્યું હતું. એ લોકો વીસ દિવસથી પ્રવાસ કરતાં હતાં. હવે મુનાર જવાનું બાકી હતું. એવા જ સમયમાં કેરળમાં પૂરના સમાચાર આવ્યા. એમનો આગળનો પ્રવાસ ખોરંભાઈ ગયો. કોચીનનું એરપોર્ટ અચોક્કસ મુદ્દત માટે બંધ થવાથી મુંબઈ પાછા જવાની ફ્લાઇટ કેન્સલ થઈ. આવી અનિશ્ર્ચિતતામાં પણ એમને ઉચાટ થયો નહોતો. એમણે કહ્યું હતું: ‘પાછલી ઉંમરે પ્રવાસમાં નીકળવાનો મોટો ફાયદો એ છે કે તમને ઘેર પાછા જવાની ઉતાવળ હોતી નથી.’
ઓસ્ટ્રેલિયાનો કૅથ રાઈટ પંચાણુ વર્ષનો થયો ત્યાં સુધી પીઠ પર થેલો બાંધી જુદા જુદા દેશોનો પ્રવાસ કરતો રહ્યો હતો. એની પંચાસી વર્ષની ઉંમરે પત્નીનું અવસાન થયું. સંતાનો એમના જીવનમાં વ્યસ્ત થઈ ગયાં હતાં. એણે એના જીવનમાં અચાનક આવી પડેલી એકલતાથી બચવા માટે પ્રવાસ કરવાનું શરૂ કર્યું. એ સતાણુ વર્ષની ઉંમરે અવસાન પામ્યો ત્યાં સુધીમાં એણે ત્રેવીસ દેશોનાં એકસો નવ શહેરોનો પ્રવાસ પૂરો કર્યો હતો. ક્યારેક એકલો નીકળી પડે, ક્યારેક કન્ડક્ટેડ ટૂરમાં જોડાય. એણે કહ્યું હતું: ‘જિંદગી આવી રીતે પણ જીવી શકાય એની મને જાણ નહોતી.’ શેરીલ નામની એક મહિલા પાંસઠમા વર્ષે જીવનમાં એકલી પડી. તે સમયે એના હાથમાં પેટ્રિસિઆ શ્ર્વુલ્ટ્ઝનું ‘વન થાઉસન્ડ પ્લેસિસ ટુ સી બિફોર યુ ડાય’ પુસ્તક આવ્યું. એમાંથી પ્રેરણા લઈ એણે પ્રવાસ કરવાનું શરૂ કર્યું.
સિનિયર ટૂરિઝમનો ખ્યાલ દુનિયાભરમાં ઝડપથી વિકસ્યો છે. મેડિકલ સાયન્સની નવીન શોધોથી લોકોની આવરદા વધી છે. લોકોમાં પૈસા સંઘરી રાખવાને બદલે ખર્ચ કરીને જિંદગીની મજા માણી લેવાની સમજ વિકસી છે. સંતાનોથી અલગ પડીને વૃદ્ધાવસ્થાને ઘસડીને જીવી લેવાની જરૂર નથી. જિંદગીની ગુણવત્તાના ખ્યાલો બદલાયા છે. એવાં અનેક કારણોસર અત્યારના ઘણા વડીલો ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે પ્રવાસ કરવાનું પસંદ કરે છે. બાકી બચેલું જીવન આનંદથી જીવી લેવાનો ખ્યાલ વિસ્તરવા લાગ્યો છે.
ભારતમાં પણ નિવૃત્ત લોકો સાથે મળીને કે એકલા પ્રવાસમાં નીકળી પડે છે. કેટલાક લોકો પ્રવાસનું આયોજન જાતે કરે છે, પરંતુ મોટા ભાગના ગાઇડેડ ટૂરમાં જોડાવાનું પસંદ કરે છે. બધા સાથે હોય તો એકબીજાનું ધ્યાન રાખી શકાય. આ ઉંમરમાં તબિયતની ચિંતા વધારે રહે. એમની ખાવાપીવાની વ્યવસ્થા પણ સામાન્ય ટૂરથી અલગ રીતે કરવી પડે. સાઇટ-સીઇન્ગનાં સ્થળોની પસંદગીમાં પણ પ્રવાસીઓની ઉંમર, શારીરિક ક્ષમતાનો ખ્યાલ રાખવો પડે. સિનિયર લોકો શાંત અને સુંદર સ્થળમાં બેસીને રિલેક્ષ થવાનું વધારે પસંદ કરે. ટૂર એજન્સીસ આ બધી વાતોનો ખ્યાલ રાખીને પેકેજ બનાવે છે.
વૃદ્ધાવસ્થા જીવનનો અંત નથી. દોડધામ અને જવાબદારીઓમાંથી મુક્ત થયા પછીનો સમય નવી શક્યતાનો સમય હોઈ શકે. ઝુમ્પા લાહિરીની એક વાર્તા છે- ‘અનએકસ્ટમ્ડ અર્થ.’ વાર્તાનાયિકાના નિવૃત્ત પિતાએ પત્નીના અવસાન પછી કન્ડેક્ટેડ ટૂર્સમાં યુરોપનો પ્રવાસ કરવાનું શરૂ કર્યું. એક પ્રવાસમાં એનો પરિચય સમાન ઉંમરની એકાકી મહિલા સાથે થયો. હવે બંને જણ બધા પ્રવાસ સાથે જ કરે છે. એમને ઘડપણની એકલતામાં નવા જ પ્રકારના ઉષ્માસભર સંબંધની હૂંફ મળવા લાગી છે.
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com
સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે