ફિર દેખો યારોં : આર.ઓ.ફિલ્ટરનું પાણી મપાઈ ગયું

-બીરેન કોઠારી

“અમે પાણીનો જરાય વેડફાટ કરતા નથી. તેને એકદમ જાળવીને, આર.ઓ. ફિલ્ટર વડે શુદ્ધ કરીને જ વાપરીએ છીએ.” આમ કહેનાર, માનનાર અને અમલ કરનાર વર્ગ મોટો હશે. દરેક જણ ઈચ્છે કે પોતાને શુદ્ધ પાણી પીવા મળે. અલબત્ત, આપણા દેશમાં ઘણો મોટો વર્ગ એવો છે કે જેને પાણી મળે એ જ પૂરતું છે. નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી સ્થાનિક સત્તાતંત્રની જવાબદારીમાં આવે છે. પણ સતત વિકસતી જતી આવાસયોજનાઓ અને તેની સાથે તાલ ન મિલાવી શકવાની તંત્રની મર્યાદાને કારણે પાણીની સુલભતા, શુદ્ધતા, દબાણ વગેરે સમસ્યાઓ સતત ચાલતી રહે છે. તંત્ર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું પાણી આપણા ઘરના નળ સુધી પહોંચે એ જ મોટું આશ્વાસન હોય ત્યાં આ પાણીની ગુણવત્તા વિશે વિચાર કરવાનો ક્યાંથી આવે!

આને કારણે છેલ્લા બેએક દાયકાઓમાં ઘરમાં પાણીનું ફિલ્ટર મૂકાવવાનું ચલણ શરૂ થયું. આ ફિલ્ટર વાપરનારને જે તે કંપનીના સેલ્સમેન તે મૂકાવવાના લાભ ગણાવી દે એ પૂરતું નથી. આસપાસના મોટા ભાગના રહીશોએ એ મૂકાવી દીધું છે, અને પોતાનાં કુટુંબીજનોનાં સ્વાસ્થ્ય માટે જે બેદરકાર હોય એ જ તે ન મૂકાવે- આવા લાગણીસભર દબાણને કારણે તેને મૂકાવવા માટે ઘણા પ્રેરાતા હોય છે. એટલે કે પાણીનું ફિલ્ટર મૂકાવવા પાછળ સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્ત્વનો મુદ્દો સ્ટેટસનો હોય એમ લાગ્યા વિના રહે નહીં. કેટલાય લોકો બહાર જાય ત્યારે પોતાના ઘરમાં લગાવેલા ફિલ્ટરના પાણીની શીશીઓ સાથે રાખતા જોવા મળે છે, અને ‘સાદા’ પાણીને બદલે ‘પોતાનું’ પાણી જ પીવે છે. આ ચેષ્ટા જાગૃતિ બતાવે છે, સાવચેતી બતાવે છે કે ચડિયાતાપણાની ભાવના સૂચવે છે એ સમજવું ઘણી વાર મુશ્કેલ બની રહે છે.

આવી સામાજિક પરિસ્થિતિમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એન.જી.ટી.) દ્વારા ગયા વરસના મે મહિનામાં પર્યાવરણ મંત્રાલયને સૂચના આપવામાં આવી હતી કે જે વિસ્તારોમાં પાણીના ટી.ડી.એસ. (ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ્સ-કુલ દ્રાવ્ય ઘનપદાર્થો)નું પ્રમાણ પ્રતિ લિટરે 500 મિ.ગ્રા. કરતાં ઓછું હોય ત્યાં આર.ઓ.પદ્ધતિવાળાં પાણીનાં ફિલ્ટરને પ્રતિબંધિત કરવાં. આવી સૂચના માટેનાં નક્કર કારણો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.)ના એક અભ્યાસ અનુસાર પ્રતિ લિટરે 300 મિ.ગ્રા.થી ઓછા ટી.ડી.એસ. એકદમ યોગ્ય ગણાય, પ્રતિ લિટરે 900 મિ.ગ્રા. ટી.ડી.એસ. બરાબર ન કહેવાય, જ્યારે પ્રતિ લિટરે 1200 મિ.ગ્રા. ટી.ડી.એસ. અસ્વીકાર્ય ગણાય. આમ, જે વિસ્તારમાં પૂરા પાડવામાં આવતા પાણીમાં ટી.ડી.એસ. 500 મિ.ગ્રા. પ્રતિ લિટર કે તેથી ઓછા હોય ત્યાં આર.ઓ. ફિલ્ટર કામનાં નથી, એટલું જ નહીં, પાણીમાંના મહત્ત્વનાં ખનીજદ્રવ્યોને તે ગાળીને દૂર કરી દે છે. આને કારણે વિવિધ પ્રકારની શારિરીક તકલીફો કે રોગો પેદા થઈ શકે છે એ બાબત અનેક અભ્યાસ થકી પુરવાર થઈ ચૂકેલી છે. આટલું ઓછું હોય એમ, શુદ્ધ થતા પ્રતિ એક લિટર પાણીએ ત્રણ લિટર જેટલું પાણી તે વેડફી નાખે છે. પાણીની કાયમી અછત ધરાવતા આપણા દેશમાં એ શી રીતે પરવડે?

એન.જી.ટી.ની સૂચનાને પગલે ‘નેશનલ એન્‍વાયર્નમેન્‍ટલ એન્‍જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’, કેન્‍દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ અને આઈ.આઈ.ટી; દિલ્હી દ્વારા તૈયાર કરાયેલા એક સંયુક્ત અહેવાલ અનુસાર આર.ઓ.ફિલ્ટરના ઉત્પાદકોએ વેચાણ માટે ખોટી માહિતી અને ખોટો હાઉ ઊભો કરેલો છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ વિકસીત દેશોમાં આર.ઓ.નો ઉપયોગ વિલવણીકરણ (ડિસેલિનેશન) પૂરતો મર્યાદિત છે. ટી.ડી.એસ.નું અતિ ઉચ્ચ પ્રમાણ ધરાવતા ખારાશયુક્ત દરિયાઈ પાણીને પીવાલાયક બનાવવા માટે તે વપરાય છે. ભારતમાં આર.ઓ. ફિલ્ટરના ઉત્પાદકો ટી.ડી.એસ.ની સાથોસાથ બીજા અનેક પ્રદૂષકો પણ દૂર કરવાનો દાવો કરતા આવ્યા છે. આર.ઓ.પ્રણાલિના ઉત્પાદકો ભારતમાં ઘણે ઠેકાણે પાણીમાં થતા આર્સેનિક અને ફ્લોરાઈડના મિશ્રણને લઈને આર.ઓ.પ્રણાલિની હિમાયત કરી રહ્યા છે. આ બાબતને નકારતાં સમિતિએ સૂચવ્યું છે કે એવા કિસ્સામાં જે તે પ્રદૂષકને દૂર કરતી ખાસ ટેક્નોલોજી અજમાવવી જોઈએ, પણ આર.ઓ.તો નહીં જ.

દિલ્હીમાં પૂરા પાડવામાં આવતા પાણીના પુરવઠામાં ટી.ડી.એસ.નું પ્રમાણ 200 મિ.ગ્રા. પ્રતિ લિટરથી વધુ હોતું નથી. આથી દિલ્હીનાં ઘરોમાં આર.ઓ.ફિલ્ટરની આવશ્યકતા નથી. આવી સ્થિતિ અનેક શહેર, નગર કે ગામમાં હશે. પોતાના ઘરમાં આવતું નળનું પાણી કેટલા ટી.ડી.એસ. ધરાવે છે એ શી રીતે ખ્યાલ આવે? સમિતિ આનો ઉકેલ સૂચવતાં જણાવે છે કે પાણીનો પુરવઠો પૂરો પાડતી સ્થાનિક સંસ્થાએ સમયાંતરે ઉપભોક્તાઓને મોકલાતા વપરાશના બીલમાં પાણીનો સ્રોત અને ટી.ડી.એસ. માત્રા સહિતની તેની ગુણવત્તા વિશે જણાવવું જોઈએ.

દિલ્હીસ્થિત બિનસરકારી સંસ્થા ‘ફ્રેન્‍ડ્ઝ’ના જનરલ સેક્રેટરી શરદ તિવારી દ્વારા કરવામાં આવેલી યાચિકાને પગલે એન.જી.ટી.એ આગળ અભ્યાસ કરાવ્યો અને તેનાં પરિણામ પછી મંત્રાલયને આર.ઓ.ફિલ્ટરને પ્રતિબંધિત કરવા માટેનો આદેશ આપ્યો અને એ આદેશના અમલ માટે પૂરતી મુદત આપી.

આનો અમલ થાય અને જે પગલાં લેવાય ત્યારે ખરાં, પણ સ્વાસ્થ્ય અંગેની ગેરસમજ કેવાં વિપરીત પરિણામ લાવી શકે તેનો આ નમૂનો છે. આ ગેરસમજમાં ભયને મિશ્રિત કરીને તેનું બજાર વિકસે, તે સામાજિક મોભાનું સાધન બને, સ્વાસ્થ્યસભાન વર્ગ તેને વસાવીને ગૌરવ અનુભવે અને હજી આર.ઓ.ફિલ્ટર પરના પ્રતિબંધનો વાસ્તવિક અમલ થાય ત્યાં સુધીમાં કેટલાય પરિવારો આવું ‘શુદ્ધ’ પાણી પીતા રહેશે એ તો કોને ખબર! આવી બધી બાબતોમાં આમ પણ સરકાર અને મંત્રાલયોને ખાસ રસ પડતો નથી. આથી જ 2019ના મે મહિનામાં કરાયેલા આદેશને એક વરસ વીતવા છતાં હવે કોવિડ-19નું બહાનું કાઢીને પર્યાવરણ મંત્રાલયે 31 ડિસેમ્બર, 2020 સુધીની મુદત માંગી છે અને ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલના વડપણ હેઠળ નિમાયેલી બૅન્‍ચ દ્વારા તે મંજૂર કરવામાં આવી છે.

કોવિડ-19ના કપરા સમયમાં સરકારે એ સ્પષ્ટ સંદેશો નાગરિકોને પહોંચાડી દીધો છે કે પોતાના સ્વાસ્થ્યની સંભાળ પોતે જ રાખવાની છે. આ સંદેશા પરથી ધડો લઈને આર.ઓ.ફિલ્ટર પર સરકારી પ્રતિબંધ મૂકાય ત્યાં સુધી રાહ જોવી કે ‘જાગ્યા ત્યાંથી સવાર’ ગણીને યોગ્ય પગલાં લેવાં એ આપણે નક્કી કરવાનું છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩-૭-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.