સત્યજિત રાયની સૃષ્ટિ : આ મુ ખ

ભગવાન થાવરાણી

બધી જ કળાઓમાં ફિલ્મોનું એક અનોખું સ્થાન છે. કંઈ કેટલીય કળાઓનો સમન્વય છે આ એક વિધામાં. અન્ય કળાઓની જેમ એ પણ સંપ્રેષણનું માધ્યમ છે એટલું જ નહીં, સર્વોત્તમ માધ્યમ છે ! અભિનય, કવિતા, સંગીત, સાહિત્ય, સંકલન, ફોટોગ્રાફી જેવી અનેક કળાઓ અને એ બધી કળાઓ સાથે સંકળાયેલા અન્ય કસબો અને એ બધાંને એક સુત્રે પરોવે આ બધાની ઉપરવટ દિગ્દર્શક નામનો સર્વોપરી કલાકાર.એનામાં,  જો અગાઉ કહી એ બધી કળાઓની સૂઝ અને પકડ હોય તો જ અંતિમ ઉત્પાદન એટલે કે ફિલ્મ સ્વયં એક ઉમદા કળાકૃતિ બની શકે !

હિંદુસ્તાની ફિલ્મ સંસાર એ વિશ્વની સહુથી વિપુલ ફિલ્મો સર્જતું કારખાનું પણ એમાં વિશ્વ-સિનેમાની શ્રેષ્ઠની સમકક્ષ ઊભી શકે એવી કૃતિઓ અને કર્તાઓ જૂજ. આ ફિલ્મ-સૃષ્ટિની ઉત્કૃષ્ટ કૃતિઓમાં બંગાળી સર્જકોનું પ્રદાન અદકેરું. બિમલ રોય, ઋુષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી, બાસુ ભટ્ટાચાર્ય, ફણી મજુમદાર, મોની ભટ્ટાચાર્ય, બિરેન નાગ, અનિલ ગાંગૂલી, રિતુપર્ણો ઘોષ, શક્તિ સામંત, અપર્ણા સેન, આસિત સેન અને શુજીત સરકાર સુધીના અનેક નામ ગણાવી શકાય. આમાના કેટલાક હિંદી અને બંગાળી બન્ને ભાષાની ફિલ્મો સાથે સંકળાયેલા છે.

બંગાળી ફિલ્મોના આકાશમાં એટલે કે માત્ર અથવા મહદંશે બંગાળી ફિલ્મો બનાવતા હોય એવા સિતારાઓ પણ અનેક છે, પણ મુખ્ય ધૂમકેતુઓ ત્રણ – ઋત્વિક ઘટક, મૃણાલ સેન અને સત્યજીત રે. કેટલાકના મતે આમાના મૃણાલ સેન અને ઋત્વિક ઘટક, કેટલાક આયામોમાં સત્યજીત રાય સમકક્ષ અથવા અેમનાથી ચડિયાતા પણ હતા પણ એ બાબતમાં કોઈ શંકા નથી કે સત્યજીત રાય બંગાળ, ભારત અને વિશ્વ-ભરના સિને-આકાશના એક વિરાટ અને દેદીપ્યમાન સિતારા હતા.

માનિક દા એમનું હુલામણું નામ. 1921 થી 1992 સુધીની ઉંમરમાં એ લગભગ આખર સુધી સક્રિય રહ્યા, 1955 ની ફિલ્મ પથેર પાંચાલી થી 1992 ની અંતિમ ફિલ્મ આગંતુક લગી. ૨૯ ફીચર ફિલ્મો અને ૭ દસ્તાવેજી / ટૂંકી ફિલ્મો સહિત. આમાં બે હિંદી ફિલ્મો શતરંજ કે ખિલાડી ( ૧૯૭૭ ) અને સદ્દગતિ ( ૧૯૮૧ ) પણ ખરી. વળી, આમાંની ઘણીખરી ફિલ્મોમાં માત્ર નિર્દેશક જ નહીં, સંગીતકાર, પટકથાકાર અને કેટલીક ફિલ્મમાં લેખક પણ ખરા. એમણે જાતે બનાવેલી ફિલ્મો ઉપરાંત ૪૫ જેટલી ફિલ્મો એવી કે જેમાં પટકથા અથવા સંવાદો એમણે લખ્યા અને જેમાંની કેટલીક એમના મરણોપરાંત આવી. ( એમાંની ઘણી એમના પુત્ર સંદીપ રાયએ સર્જી છે જે ખુદ એક સિદ્ધહસ્ત બંગાળી સર્જક છે ). કેવળ એક જ જિંદગીમાં કેવડું માતબર કામ !

પણ ફિલ્મોમાં તો એ પછીથી આવ્યા. એ અસલમાં તો હતા ચિત્રકાર, હસ્તલિપિકાર (calligrapher ) અને લેખક. ફિલ્મોમાં પ્રવેશ્યા પહેલાં એ આ ક્ષેત્રોમાં નામના હાંસલ કરી ચુક્યા હતા. ફિલ્મોમાં હતા એ દરમિયાન એમણે સર્જેલા પાત્રો ફેલુદા ( ડિટેક્ટીવ ) અને શોંકુ (વૈજ્ઞાનિક) આજે પણ બંગાળી સાહિત્યના લોકપ્રિય પાત્રો છે અને એ પુસ્તકો હોંશે હોંશે વંચાય છે.

મશહૂર ફ્રેંચ ફિલ્મ સર્જક જ્યાં રેન્વાર ( Jean Renoir ) પોતાની ફિલ્મ ધ રીવરનું શૂટીંગ કરવા ભારત આવેલા અને પોતાની, બંગાળની પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મના લોકેશન પસંદ કરવા એમણે રેની મદદ લીધી. એમની ફિલ્માંકનની પદ્ધતિથી રે ખૂબ પ્રભાવિત થયા અને એમની ઘણીખરી ફિલ્મો જોઈ. એ વખતે જ એમના મનમાં ફિલ્મને કારકિર્દી બનાવવાના બીજ રોપાઈ ચુક્યા હતાં. આખરી પલીતો ચંપાયો ઈટાલિયન ફિલ્મ સર્જક વિત્તોરિયો દ સિક્કાની ફિલ્મ ધ બાઇસિકલ થીફ દ્વારા. એ ફિલ્મથી રે એવા તો અભિભૂત થયા કે તાબડતોબ ફિલ્મોને જ કારકિર્દી બનાવવાની ગાંઠ વાળી લીધી. એ પછી પથેર પાંચાલી અને એ ઉપરાંત જે કંઈ ઘટિત થયું એ વૈશ્વિક ફિલ્મ ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ છે.

અગાઉ લખ્યું છે તેમ એ ચિત્રકળાના પણ પારંગત કલાકાર હતા. એમની અનેક ફિલ્મોની પટકથા એમણે ફિલ્મની શરુઆત કર્યા અગાઉ ચિત્રોમાં લખેલી ! એમની ઘણીખરી ફિલ્મોમાં કળા નિર્દેશક બંસી ચંદ્રગુપ્ત હતા જેમને બંગાળી નહોતું આવડતું. એમની દરેક ફિલ્મની પટકથા એ બંગાળી ઉપરાંત અંગ્રેજીમાં પણ એટલા માટે લખતા કે બંસી ચંદ્રગુપ્ત એ વાંચી, ફિલ્મને પૂરેપૂરી સમજી અને કળા નિર્દેશન કરે !

જગવિખ્યાત ફિલ્મ સર્જકો અકીરા કુરોસાવા ( રાશોમોન, સેવન સમુરાઈ) , માર્ટીન સ્કોર્સીસ ( ટેક્સી ડ્રાઈવર ) , ફ્રાંસીસ ફોર્ડ કોપોલા ( ગોડફાધર ), ઈલીયા કઝાન ( અ સ્ટ્રીટ કાર નેમ્ડ ડિઝાયર ) અને ક્રિસ્ટોફર નોલાન ( ડાર્ક નાઈટ ) એમના પ્રશંસકોમાં છે. સ્કોર્સીસની ઉપર ઉલ્લેખેલી ફિલ્મ તો, કહેવાય છે કે રેની ફિલ્મ અભિજાન ( ૧૯૬૨ ) ઉપરથી પ્રેરિત છે. કુરોસાવા તો એટલે સુધી કહે છે કે ‘ રાયની ફિલ્મો જેમણે જોઈ નથી એમણે સંસારમાં આવીને સૂર્ય – ચંદ્ર જોયા નથી એવું કહેવાય ‘ !

હા, આપણા દેશના કેટલાક ચોખલિયા ‘ દેશપ્રેમી’ વિવેચકો એવું માને છે કે રાયએ દેશની ગરીબી અને અન્ય સમસ્યાઓનું ચિત્રણ એમની ફિલ્મોમાં કરીને અેનું વેચાણ વિશ્વ-સમુદાય સમક્ષ કર્યું છે. એક સર્જક જે દેખે એને રેખાંકિત ન કરે તો શું કરે ? એ જ તો છે સર્જકીય ઈમાનદારી ! કેટલાક વળી એમ કહે છે કે એમની ફિલ્મો ગોકળગાયની ગતિએ ચાલે છે પણ કુરોસાવા કહે છે કે ‘એ ભવ્ય ગોકળગાયની ગતિ છે અને એક વિશાળ નદીની મદમાતી ચાલ ‘ !

રાય કહેતા કે જીવન સ્વયં, કોઈ પણ ઉત્તમ ફિલ્મ બનાવવા માટેનો કાચો મસાલો છે. આંખ અને કાન ખુલ્લા રાખો તો આ બધું તમારી આસપાસ જ છે. જો તમે સંવેદનાઓ, સંબંધો અને એની આંટીઘૂંટીઓ, સાર્વત્રિક લાગણીઓ અને ચરિત્રોને વાચા આપી શકો તો બધાય અંતરાયો તોડીને નિશ્ચિતપણે લોકો સુધી પહોંચી શકો. 

સત્યજીત રાયને મળેલા પુરસ્કારો ( એમની ફિલ્મોને મળેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો ઉપરાંત ) દાદાસાહેબ ફાળકે એવોર્ડ ( ૧૯૮૫ ), ઓસ્કર અકાદમી માનદ એવોર્ડ ( ૧૯૯૨ ) અને ભારત રત્ન ( ૧૯૯૨ ) થી રેનું નહીં, એ પુરસ્કારોનું માન વધ્યું છે.

આપણા ભારતીયોની એ કમનસીબી ( અને ઉદાસીનતા ! ) છે કે બંગાળને બાદ કરતાં ભારતના અન્ય પ્રદેશોના ફિલ્મ-રસિકો સૂધી આ ફિલ્મો હજુ પહોંચી નથી બલ્કે એમ કહો કે એ ફિલ્મો સુધી પહોંચવાના પર્યાપ્ત પ્રયાસો થયા નથી, મોટા ભાગની ફિલ્મો પ્રમાણમાં સરળતાથી અને ઘણી તો સબ-ટાઈટલ્સ સહિત ઉપલબ્ધ હોવા છતાં !

એમની ફિલ્મોના પરિચય અને રસાસ્વાદ માટે કોઈ પ્રખર સમાલોચકને પણ મર્યાદાઓ નડે. એમની અનેક ફિલ્મોમાં મુખ્ય કથાવસ્તૂ ઉપરાંત ઘણું બધું એવું હોય છે જે શબ્દાતીત લાગે અથવા જેનું બયાન કરવા સુક્ષ્મ સંવેદના જોઈએ !

એક દર્શક – વિવેચક તરીકેની અને વિશેષ કરીને એક પરભાષી હોવાની મારી મર્યાદાઓ હોવા છતાં, મહદંશે એક મુગ્ધ ભાવક તરીકે એમની ચુનિંદા પંદરેક ફિલ્મોના રસાસ્વાદની એક વિનમ્ર કોશિશ શરુ કરું છું. શરુઆત એમની અંતિમ ફિલ્મ આગંતુક ( ૧૯૯૨ ) થી કરીશું.

આભાર !


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.


સંપાદકીય નોંધઃ


ભગવાનભાઈ થાવરાણી દ્વારા પ્રસ્તુત સત્યજિત રેની ફિલ્મોનો , ખુબજ આસ્વાદનીય અને તાદૃશ,પરિચય ‘સત્યજિત રેની સૃષ્ટિ’ લેખમાળામાં ઓગસ્ટ, ૨૦૨૦થી દર બીજા અને ચોથા બુધવારે કરીશું.Author: admin

11 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ : આ મુ ખ

 1. ખુબ સરસ માહિતી અને સંકલન.એ સાચી વાત છે કે ફિલ્મો દરેક કલાનું મિલન સ્થાન
  છે. ગુજરાતના કલા ગુરુ કનુ દેસાઈએ બૈજુ બાવરા, ઝનક ઝનક પાયલ બાજે નવરંગ
  વગેરે ફિલ્મોમાં તેમનો અદભુત કસબ ભીંત ચિત્રો અને પાલ્સ્ટર ઓફ પેરિસના નક્શી કામથી
  બતાવ્યો છે.

  1. અદભુત. ઉત્કૃષ્ટ ફિલ્મ ડાયરેક્ટરોનો ઉલ્લેખ કરીને સત્યજીત રેની છબી વધુ ઉજળી કે તેમનાથી જરાય ઉતરતી નથી તે આમુખમાં બખૂબી મૂકીને આવનારી વાત વધુ રોચક રહેશે તેનો સંકેત આપ્યો છે. થાવરાણીજી પાસે એક અલૌકિક દ્રષ્ટિ છે. આ ત્રિનેત્ર દ્વારા જ તેઓ આપણને મહાન દિગ્દર્શક ની રૂબરૂ લઇ જશે. અભિનંદન.

   1. આભાર અશોકભાઈ!

    આપ સમ ભાવકો સાથે ચાલતા હોય તો આ આલેખન સાર્થક બની રહે !

  2. સત્યજીત રાય વિષે આટલી અદ્ભુત વાતો કરવા માટે આપે જે સંશોધન કર્યું ,જે જહેમત થી અને જે મહેનત થી પીરસ્યું છે .. એ જ વાંચી ને એમની ફિલ્મો વિષે વાંચવાની ઉત્કંઠા જગાવે છે અને વધારે છે..
   આપની મહેનત જહેમત અને કંઇક વિશેષ આપવાની નિષ્ઠા ને સલામ….
   જ્ઞાન અને આનંદ બંને પ્રાપ્ત થશે.

   1. હાર્દિક આભાર ઊર્મિલાબહેન !
    સાથે બની રહેશો.

 2. અતિ આવશ્યક અને ઈચ્છનીય લેખમાળાનું સ્વાગત‍‍ !

 3. સત્યજીત રે નું સીનેમા માટે નું Script work સ્કેચ અને ચિત્રો થી ભરપુર હતું. તે કેમેરા દ્વારા વાર્તા કહેતા. તેમની વાત થી પ્રેરીત થઇને ભાઇ સ્ટીફન સ્પીલબર્ગે “IT” ફીલ્મ બનાવી. ૧૯૫૨ માં દિલ્હી માં પહેલી આંતર રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ યોજાઇ. Wages Of Fear, Bicycle Thieves, Yukivarisu, Cranes are Flying વગેરે ફિલ્મો રજુ થઇ. અને એક નવો શબ્દ ફિલ્મો માં આવ્યો – neorealism. આ બધાની અસર ભારતીય દિર્ગદર્શકો પર જોરદાર થઇ . આપનો લેખ સરસ છે.

  1. ધન્યવાદ નીતિનભાઈ !

   સત્યજિત રાય જે ફિલ્મ જોઈને ફિલ્મો તરફ વળ્યા એ નવ-વાસ્તવવાદની પ્રતિનિધિ ફિલ્મ THE BICYCLE THIEVES નો ઉલ્લેખ આપણે ઉપરોક્ત પ્રસ્તાવનામાં કર્યો જ છે. હવે પછી જે ચર્ચવાના છીએ તે *પ્રતિદ્વંદી, સીમાબદ્ધ, જન અરણ્ય* વગેરે ફિલ્મોમાં પણ આવી કેટલીક ફિલ્મોનો ઉલ્લેખ આવશે.
   એમની કક્ષાના માતબર સર્જક ટનબંધ વાંચતા અને નિરખતા હોય છે. તો જ આવું અને આટલું સર્જી શકે.

   આભાર ! આપ સમ ભાવકો સાથે હોય તો લખવાનું બળ રહે !

Leave a Reply

Your email address will not be published.