શી ઈઝ ધ બોસ……

વિજય ઠક્કર

સોડિયમ લાઈટનાં અજવાળાથી આખું એરપોર્ટ ઝગમગી રહ્યું હતું….હજુતો રાતના બે વાગ્યા છે..ન્યુયોર્કથી અમદાવાદની ફ્લાઈટનો અરાઈવલ ટાઈમ રાતના ૩.૩૫નો છે, એટલે આવી રહેલા પેસેન્જર્સને રીસીવ કરવા આવનારા હવે ધીમે-ધીમે આવશે…પણ અત્યારે અમદાવાદથી ન્યૂયોર્કની ફ્લાઈટનાં પેસેન્જર્સને સી-ઓફ કરવા આવનારાઓથી એરપોર્ટ ચિક્કાર ભરાયેલું હતું. રીસીવ કરવાવાળાઓ એકલ-દોકલ ઇધર-ઉધર ફરી રહ્યા છે. થોડીવારમાં ભીડ જામશે. ક્યાંક-ક્યાંક લોકો છૂટાછવાયા લોનમાં બેઠા છે, તો વળી કોઈક કોફીશોપમાંથી ડિસ્પોઝેબલ ગ્લાસમાં કોફી-ચાહ લઈને લાઉન્જમાં આમતેમ લટાર મારી રહ્યાં છે.

પ્રક્ષાલ એરપોર્ટ પર વહેલો આવી ગયો. અરાઈવલને તો હજુ ખાસ્સી વાર છે, પણ ઘરે ઊંઘ નાં આવી અને છેક સેટેલાઈટથી એરપોર્ટનો ૨૦ કી.મી.નો રસ્તો મોડી રાત્રે કાપવો એના કરતા વહેલાજ એરપોર્ટ પર પહોંચી જવું એમ માનીને તે ઘરેથી વહેલો નીકળી ગયો…. અને આમ પણ મનમાંતો ખુશી હતીજ. ગાડી પાર્ક કરીને એ પણ બીજા લોકોની જેમ અહીં તહીં આંટા-ફેરા માર્યા કરતો હતો……કોફી પીધી… સિગારેટ સળગાવી…. ભીડભાડમાં થોડા ચક્કર માર્યા… થાક્યો એટલે એને થયું ગાડીમાં જ બેસું….આરામ કરું… સીટની બેક પાછળ ઢાળીને બેઠો …. ફરી પાછી સિગરેટ સળગાવી ….બુઝાવી અને મનમાંજ છૂટી છવાઈ દોડી આવતી ઘટનાઓને તટસ્થભાવે જોઈ રહ્યો…વીસેક વર્ષ પહેલાની એ ઘટના અને પછી યોજાયેલો ઘટનાક્રમ અત્યારે એના દિમાગ પર સવાર થઇ ગયો. …

**** * *** ****

પ્રક્ષાલ એની ચેમ્બરમાં કોઈક અગત્યના કામમાં પરોવાયેલો હતો…..ઓપરેટરને એણે સુચના આપેલી કે હમણાં એક કલાક સુધી કોઈ મને ડિસ્ટર્બ ના કરે…. એન્ડ પ્લીઝ ડોન્ટ ફોરવર્ડ એની કોલ ટુ મી. ખૂબ જ મહત્વની નોટ તૈયાર કરતો હતો…ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એન્ડ એકસ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન-(ફીઓ)નો તે પ્રેસિડેન્ટ છે અને કાલની એક્સપોર્ટ કાઉન્સિલની મીટિંગ માટેની નોટ્સ તૈયાર કરી રહ્યો હતો…આવતા મહીને અમેરિકન એક્સપોર્ટસ કાઉન્સિલ સાથે જોઈન્ટલી એક કન્વેન્શન યોજાવા જઈ રહ્યું છે અને તેની તૈયારીરૂપે આવતીકાલની મીટિંગ છે.

અને અચાનક ફોન રણક્યો. પ્રક્ષાલે ફોન ઉપાડ્યો અને ગુસ્સામાં ઓપરેટરને કહ્યું…. “વોટ હેપન્ડ માર્ગો …આઈ ટોલ્ડ યુ નોટ ટુ ડીસ્ટર્બ મી …..!!!!!”

“બટ સર…. મીની ઇઝ ઓન ધ લાઈન…… શી ઇઝ ઇન્સીસ્ટીંગ ટુ ટોક ટુ યુ રાઈટ નાવ એન્ડ શી સેઝ ઇટ્સ વેરી અરજન્ટ”

“ઓહ ગોડ..” એક લાંબો શ્વાસ લઇને કહ્યું… “ઓ…ઓ…ઓકે…આઈ કાન્ટ સે હેર નો….શી ઈઝ ધ બોસ”

પ્રક્ષાલે ફોન રીસીવ કર્યો ..સામે છેડેથી અવાજ આવ્યો..

” હેલો પ્રક્ષાલભાઈ …હું નિલય બોલું છું ખમ્માના મોટાભાઈ…”

” હા બોલો નીલયભાઈ”

“એક સમાચાર આપવાના છે …..ઇટ્સ અ ગૂડ ન્યુઝ”

“અચ્છા…! ગુડ ગુડ…બોલો શું સમાચાર છે ?”

“મીનીનું સગપણ નક્કી થઇ ગયું….ગઈકાલે રાત્રે જ રૂપિયો અને શ્રીફળ આપ્યાં.”

” ઓહ સારું થયું…” સહેજ કસક આવી ગઈ એ વાક્ય બોલતાં.

“આ સૌથી પહેલો ફોન તમને કર્યો …. મીની ક્યારની તમને ફોન કરવા કહી રહી છે….”

” મારા જનાજાના સમાચાર તો મને જ પહેલા હોયને….!” મનમાંજ બોલાઈ ગયું.

“હેલ્લો…હેલ્લો..”

” હ…હ્હ્હ..હા બોલો…”

“ક્યાં ખોવાઈ ગયા પ્રક્ષાલભાઈ…?”

“ક્યાંય નહિ બસ એતો એમ જ ….” જીભ થોથવાઈ

“એ ક્યાં છે ? ખુશ છે …?” ઉદાસીનતા સ્પષ્ટ વર્તાતી હતી એના અવાજમાં.

ફોન આપું મીનીને એને અભિનંદન અને આશીર્વાદ આપો…

“હેલ્લો…હેલ્લો…” થોડી ચુપકીદી છવાઈ ગઈ… એનું એવું જ… જ્યારે દ્વિધામાં હોય ત્યારે મૌન થઇ જાય

” હેલ્લો મીની …બોલ તો ખરી..”

“હેલ્લો …”

” કોન્ગ્રેચ્યુલેશન્સ ……”

“થેન્ક્સ…” સાવ શુષ્ક અવાજે પ્રત્યુત્તર આપ્યો.

“શું થયું… ખુશ છે ને… ?”

“મને પછી ફોન કરજે …મારે કામ છે…”

ફોન ડિસ્ક્નેકટ થયો….પ્રક્ષાલથી નિસાસો નખાઇ ગયો… કામ બાજુ પર મૂકી દીધું, રીવોલ્વિંગ ચેરની બેક ઢાળી દીધી અને માથા પર હાથ મુકીને રેસ્ટ કરવા માંડ્યો….ઊંડા શ્વાસ લેતા લેતા …એની એક એક હરકત એની સામે આવવા માંડી અને હૃદય ભરાઈ આવ્યું…આંખો નમ થઇ ગઈ…અને સ્વગત બોલાઈ ગયું.

“મીની.. તું જતી રહીશ તારા આ પ્રક્ષને મુકીને …?” મીની તેને કાયમ પ્રક્ષ કહેતી

મીની વિષે વિચારતો રહ્યો.. એની સામે જ નોકરીમાં જોડાયેલી આ છોકરી… ખમ્માએ કેટલા ઝડપથી એનાં જીવનમાં પરિવર્તનો આણી દીધાં…!! એ છોકરી બહુ દેખાવડી ન હતી પરંતુ એનાં વિચારો એનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ, બુદ્ધિની તીક્ષ્ણતા એની ચપળતા અને તેનો અંતરમનનો વૈભવ આ બધુંજ પ્રક્ષાલને તેના તરફ આકર્ષિત કરવા માટે પૂરતું હતું…હા એ પણ સાચુજ કે આ છોકરી તરફ શરૂઆતમાં પ્રક્ષાલને બહુ ભાવ નહિ થયેલો… પણ ક્યારે…કઈ રીતે અને કયા સંજોગોમાં એનાં જીવનમાં તે પ્રવેશી ગઈ બેમાંથી કોઈને ખબરજ ના રહી …ખમ્માએ જાણે રમત રમતમાં એના મન અને હ્રદય પર પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું… ગળાડૂબ પ્રેમમાં પડી ગયા બંને…એકબીજાના આદી બની ગયાં…બહારગામથી અપ-ડાઉન કરતી ખમ્માના પ્રક્ષાલના જીવનપ્રવેશથી ઘણાંબધા અપ-ડાઉન સર્જાયા …..

રૂઢિચુસ્ત કુટુંબની આ છોકરીએ એનાં માટે આવતી લગ્નની દરખાસ્તોને એક યા બીજા બહાને ટાળવા માંડી…અને એક દિવસ ખમ્માએ એનાં ઘરમાં એનાં પ્રક્ષાલ સાથેના સંબંધની જાણ કરીજ દીધી….

**** **** ****

એરપોર્ટના પાર્કિંગ લોટમાં ગાડીમાં બેઠા બેઠા પ્રક્ષાલને ગરમી લાગવા માંડી એટલે મ્યુઝિક સીસ્ટમ ઓફ કરીંને ગાડીમાંથી બહાર આવી ગયો.. ..ડિપાર્ચર થનારા પ્લેનના પેસેન્જેર્સ હજી હવે પ્લેન ભણી જતા દેખાયા. લોકો ….ખાસ કરીને બાળકો લોખંડની જાળીમાંથી દૂર દેખાતા પ્લેનને આશ્ચર્યના ભાવ સાથે જોતા હતાં….!!!!

ગાડી લોક કરીને પ્રક્ષાલ ગાડીના બોનેટ પર બેસી ગયો….ગાડી પાછળથી સહેજ ઉંચી થઇ અને પાછી સ્થિર થઇ ગઈ…….સિગરેટ સળગાવીને બસ જોતો રહ્યો લોકોને ….

**** **** ****

” ખમ્મા એક વાત સમજી લેજે …..તારું લગ્ન આપણી જ્ઞાતિમાંજ થશે….”

” પણ મમ્મી…”

“પણ અને બણ કશું જ નહિ …તને ખબર છેને આપણી કેટલી પ્રતિષ્ઠા છે જ્ઞાતિમાં..???”

” તો શું થયું મમ્મી ……! પ્રક્ષાલ બહુ સારા ખાનદાનનો છે ….”

” એ ગમે એટલા સારા ખાનદાનનો હોય આપણે એની સાથે કોઈજ લેવાદેવા નથી…તારી પાછળ

ઘરમાં કેટલાં જણા બાકી છે એ ખબર છે .???

**** **** ****

પ્રક્ષાલે સીગરેટ પર સીગરેટ સળગાવવા માંડી …..ભીડભાડને જોતો રહ્યો ….ન્યૂયોર્કથી આવતા મુસાફરોને રીસીવ કરવા આવનારાઓ પણ હવે એરપોર્ટ પર આવવા માંડ્યા હતાં

**** **** ****

પ્રક્ષાલે ફોન ડાયલ કર્યો ….મીની જ લાઈન પર આવી

” કેટલો બધો મોડો ફોન કર્યો પ્રક્ષ …અને રડવા માંડી ….”

“મીની પ્લીઝ તું રડ નહિ… શાંત થઇ જા …”

“કેવી રીતે શાંત થાઉં …હું તારા વગર નહિ રહી શકું…..”

“આઈ નો બચ્ચા.. બટ ….તારા ઘરના લોકો…?”

” હું શું કરું મને સમજાતું નથી …”

“મીની તારે સુખી થવું હશે તો તારા ઘરના લોકોનો નિર્ણય તારે સ્વીકારવોજ પડશે .”

“એ કેમ બની શકશે ?”

“તો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે.? હું તૈયાર છું અત્યારેજ…

“એવું તો શક્ય જ ક્યાં છે….??”

“તો શક્ય હવે એકજ વાત છે ….તું પરણી જા..”

” પ..પ….પણ પ્રક્ષ હું તને નહિ ભૂલી શકું ….હું તારા વગર નહિ જીવી શકું….મેં તને બહુ પ્રેમ કર્યો છે પ્રક્ષાલ …!!!!!!”

ફોનમાં બન્ને તરફથી હૃદયમાંથી ઉઠેલી સિસકનો અવાજ આવતો રહ્યો …ફોન ડિસ્ક્નેકટ થયો

**** **** ****

એ ઘટનાક્રમ મન-આંખ સામેથી પસાર થતાં પ્રક્ષાલનું મન બહુ આળું થઇ ગયું…કોફી પીવાનું મન થઇ આવ્યું ચાલતો ચાલતો કોફી શોપ તરફ ગયો….કોફી લઇ આવ્યો પાછો ગાડીના બોનેટ પર બેસીને કોફીની ચુસ્કીઓ લેવા માંડ્યો…

**** **** ****

ખમ્મા પરણી ગઈ …..નોકરી છોડી દીધી …… પણ પ્રક્ષાલ સાથેનો સંબંધ વિસરાયો નહિ….મળવાનું ઓછું પણ અનિવાર્ય બની ગયું …..અવારનવાર ખમ્મા એને ફોન કરતી ….રૂબરૂ પણ ક્યારેક મળતી.

” મીની ….હું હવે વિચારું છું કે પરણી જાઉં…”

“તુંઊઊ …તું ….પ્રક્ષ પરણી જઈશ ….??? ત….ત… તું કેવી રીતે પરણી શકે પ્રક્ષાલ ?? ” અનાયાસ આવેલી આ વાતથી એને એક સદમો લાગ્યો

” કેમ મીની ?? “

“પ..પણ…..પણ….” એનો માલિકીભાવ પ્રગટ થવા માંડ્યો

“પણ શું મીની ..?”

“કાંઈ નહિ..” જ્યારે પણ કઈ કહેવું હોય અને કહી નાં શકે ત્યારે મીની કઈ નહિ કહીને વાત ટાળી દેતી.

“કેમ તું સુખી તો છે ને મીની ? “

“છું” એકાક્ષરી જવાબ આપ્યો ..

” કેવો છે એ …”

” સારો છે એ…પ… પણ “

“શું પણ.”

” અમારી વેવલેન્થ જરાય નથી મળતી …મારા અને એના વિચારોમાં બહુ ફેર છે “

આમને આમ બે-ત્રણ વર્ષતો વીતી ગયાં..હવે મળવાની અવધી લંબાતી ગઈ ..સમય પસાર થતો ગયો એમ પ્રક્ષાલની તડપ પણ વધવા માડી …..ખમ્મા ધીરેધીરે એની ગૃહસ્થીમાં સ્થિર થતી ગઈ….મીનીના ફોન આવવા લગભગ નહીવત થઇ ગયા. ખૂબ રાહ જોયા પછી પ્રક્ષાલે એક દિવસ ફોન કર્યો…

” ખમ્મા…!!!”

“શું છે પ્રક્ષાલ… કેમ મને ફોન કર્યો…?

” મીની તું પાછી આવીજા મારી પાસે ….”

” એ કેવી રીતે શક્ય છે …પ્રક્ષાલ..?

” બધું જ શક્ય છે …”

“મારા માટે નથી ….અને જો પ્રક્ષાલ હવે હું અહીં સેટલ થઇ ગઈ છું ….એ પણ બહુજ ખુશ છે અને હું પણ ખુશ છું…બહુજ સારો માણસ છે …કેવી રીતે હું એને અન્યાય કરું …? પ્રક્ષાલ તું પરણી જા …મારે પ્રામાણીક્તાથી જીવન જીવવું છે ….”

**** **** ****

પ્રક્ષાલના હાથમાંથી કોફીનો ગ્લાસ છટકી ગયો ….કોફી અને મનમાં એક સાથેજ કડવાશ પ્રસરી ગઈ….કુર્તા પર કોફી ઢોળાઈ…બોનેટ પરથી નીચે ઉતર્યો અને ગાડીમાંથી પેપર રોલ અને જગમાંથી થોડું પાણી કાઢીને કપડા સાફ કર્યા…ગાડી ફરી લોક કરીને બોનેટ પર બેસી ગયો સિગરેટ સળગાવી અને તેના ધુમાડા હવામાં ઓગળતા રહ્યા અને તેનું મન પણ ભૂતકાળની એ ઘટનામાં વળીવળીને પાછું ફેલાતું ગયું. વિચારતો રહ્યો…. દુનિયાની તમામ સ્ત્રીઓ પ્રેમમાં પડે છે ….ભરપુર પ્રેમ કરે છે …..અને પામે છે….પણ …પણ …..પછી અન્ય કોઈકને પરણે છે…..શરૂઆતની ખુબજ છટપટાહટ…. પણ પછી સંબંધ-વિચ્છેદ… ધીમેધીમે સમાધાન, મનની સમજાવટ…વર્તમાનનો સ્વીકાર અને મનનાજ એક અભેદ્ય અને ગોપનીય ભંડકિયામાં ભૂતકાળ દફન ….અને પોતેજ વણેલા માળામાં કેદ થઇ જાવું…અને કેદ પણ પોતેજ બનાવેલી….સમયના એક પટમાં હતું પાગલપન …વિરહ…તડપ…છટપટાહટ અને બીજા પટમાં સમજાવટ…સમાધાન… અને સ્વીકાર..!! આજ છે સ્ત્રી…

**** **** ****

ખમ્મા સાથેનો સમ્પર્ક તૂટી ગયો….સારો એવો સમય વ્યતીત થઇ ગયો…ક્યાંકથી સાંભળવામાં આવેલું કે ખમ્મા અને એનો પરિવાર અમેરિકા શિફ્ટ થઇ ગયો છે …પ્રક્ષાલે પણ અત્યંત ખુબસુરત ચૌલા સાથે લગ્ન કરી લીધા… જીવનમાં સ્થિર થઇ ગયો…ચૌલાનો સમગ્ર પરિવાર કેલીફોર્નીયામાં હતો…. સમયાંતરે ચૌલા અને પ્રક્ષાલ અમેરિકા સેટલ થવાના ઈરાદે ગયા પરંતુ પ્રક્ષાલનો ખૂબ મોટો બીઝનેસ અને સ્ટેટસ અમેરિકામાં મળવું સહેલું ન હતું. બંનેએ સમાધાનપૂર્વક સ્વીકાર્યુ કે ચૌલા બાળકો સાથે અમેરિકામાં રહેશે અને આમ પણ પ્રક્ષાલને વર્ષમાં બે-ત્રણ ટ્રીપ અમેરિકાની હોય જ છે તો એ ઈન્ડિયા રહેશે. વર્ષો વીતી ગયાં આમ અલગ અલગ જીવતાં….રેલ્વે ટ્રેકની જેમ…આમ જુઓ તો સાથેજ અને પાછા એમ છતાય અલગ.

**** **** ****

પ્રક્ષાલ ઓફિસમાં કામમાં વ્યસ્ત હતો અને ફોનની રીંગ વાગી..

” સર…સમવન કોલ્ડ મિસ્ટર નિલય ઇસ ઓન ધ લાઈન ….

” ઓ કે…” ફોન લેતા સુધીમાં મનમાં વિચારોનું ઝૂંડ ધસી આવ્યું. …શું થયું હશે…? મીની મઝામાં તો હશે ને ? અને ફોન રીસીવ કર્યો ….

“હેલ્લો..”

“પ્રક્ષાલભાઈ હું નિલય ….”

” બોલો નિલયભાઈ ” સાવ ઠંડો પ્રતિભાવ આપ્યો ….

” મીની અમેરિકાથી આવે છે …આ ૩જી તારીખે….”

” કેમ…?”

” પ્રક્ષાલભાઈ એના ડિવોર્સ થઇ ગયા…!!!!”

” ઓહ માય ગોડ…! આઈ’મ સોરી ….”

” પ્રક્ષાલભાઈ તમને ખાસ જણાવવા માટે મીની એ મને કહેલું…”

“સારું નિલયભાઈ …”

” તમે આવશો એરપોર્ટ..??? મીની બહુજ ખુશ થશે.”

“જોઇશ ….” પંદરેક દિવસ થયા એ વાતને …અને પ્રક્ષાલ આજે એરપોર્ટ આવ્યો…પ્લેન આકાશમાં બે-ચાર ચક્કર મારીને લેન્ડ થયું…

રિસીવ કરવા આવેલા લોકો બને એટલા દરવાજાની નજીક છેક બેરીકેટ સુધી પહોચી ગયા ….

પેસેન્જર્સ લગેજ લઈને કસ્ટમ ક્લીયર કરાવી ધીમે ધીમે લાઉન્જમાંથી ગેટ તરફ આવતા હતાં ..નિલય અને તેનો પરિવાર લાઉન્જમાં દૂર ક્યાંક ઉભેલી મીનીને શોધવા એમની નજર લંબાવી રહ્યા હતાં …પ્રક્ષાલ પણ એક ખૂણામાં ઉભો હતો…અને ત્યાંજ મીની દેખાઈ, લગેજની ટ્રોલીને ધકેલતી અને જોડે એક દસ-બાર વર્ષનાં છોકરાને લઈને લાઉન્જમાંથી બહાર આવી …નીલયે સામે જઈને છોકરાને તેડી લીધો…મીનીએ ટ્રોલીને ધક્કો મારતા મારતા પૂછી લીધું …” ભાઈ …પ્રક્ષાલ આવ્યા છે …?”

” હા જો સામે ખૂણામાં ઉભા છે…” પ્રક્ષાલ અને એની નજર એક થઇ ….દોડતી એ તરફ ગઈ

” પ્રક્ષ….તું આવ્યો ? મને ચોક્કસ વિશ્વાસ હતો કે તું આવીશ જ ….”

” કેમ છે તું….?” વાત કરતા પણ એની નજર લાઉન્જ તરફ જ હતી..

” કઈ નાં પૂછ …હું બધુજ કહીશ તને …હું આવું મમ્મી-પપ્પાને મળીને …તું અહીજ છે ને?”

” હા “

એટલામાંજ લાઉન્જમાંથી એક સ્ત્રી ટ્રોલીને ધક્કો મારતી ઝડપથી આ તરફ આવતી હતી….પ્રક્ષાલે એને હાથનાં ઇશારાથી તેના તરફ બોલાવી ….પ્રક્ષાલે ટ્રોલી લઇ લીધી અને ગાડી તરફ દોરવા માંડ્યો. સામે મીની એના પરિવાર સાથે ઉભી હતી.. પ્રક્ષાલે મીની ને બોલાવી..

“મીની …! આ ચૌલા છે મારી વાઈફ ….એ ત્યાં સેન્ડીઆગોમાં જ છે…આ જ ફ્લાઈટમાં આવી..”

બંને વચ્ચે હાય હેલ્લો થયું …

પ્રક્ષાલ ચૌલાને લઈને ગાડી તરફ વળ્યો..

મીની જોતીજ રહી બંનેને જતાં..ક્યાય સુધી …જાણે જમીન સાથે જડાઈ ગઈ …હાથની મુઠ્ઠીઓ વળી ગઈ….

———-*******———-

શ્રી વિજય ઠક્કરનો સંપર્ક vijaythakkar55@gmail.com અથવા vijaythakkar55@hotmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “શી ઈઝ ધ બોસ……

  1. સરસ કથા ! વાર્તા કહેવાની રીત બહુ ગમી .
    ખુબ આભાર વિજયભાઈ !

Leave a Reply

Your email address will not be published.