ફિર દેખો યારોં : ઓ સમિતિ! હજી તું આપીશ અકસ્માતના અહેવાલ કેટલા?

-બીરેન કોઠારી

વિશાખાપટણમમાં વીતેલા મે મહિના દરમિયાન ‘એલ.જી.પોલિમર્સ’ ફેક્ટરીમાં થયેલા ઝેરી વાયુના ચૂવાકની દુર્ઘટના અંગે આ કટારમાં લખવામાં આવ્યું હતું. દુર્ઘટનાને પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આ અકસ્માતની તપાસાર્થે નિવૃત્ત ન્યાયમૂર્તિ બી.સેશાયન રેડ્ડીના વડપણ હેઠળ એક તપાસસમિતિ નીમવામાં આવેલી. આ સમિતિએ મે મહિનાની 28મીએ પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. આ અહેવાલમાં પ્લાન્ટના મેનેજિંગ ડિરેક્ટર, સેફ્ટી ઑફિસર, સુરક્ષા વિભાગ, તેમજ પ્રોડક્શન વિભાગને તેમજ સમયાંતરે નીરિક્ષણ કામગીરી કરતા આંધ્ર પ્રદેશના ‘ડિપાર્ટમેન્‍ટ ઑફ ઈન્‍ડસ્ટ્રીઝ, ફેક્ટરીઝ એન્‍‍ડ બૉઈલર્સ’ને જવાબદાર ઠેરવવામાં આવ્યા. સાથે સાથે આવા જોખમી રસાયણ ધરાવતી ફેક્ટરીની આસપાસ રહેણાક વિસ્તાર વિકસાવવા બદલ વિશાખાપટણમ શહેરી વિકાસ સત્તામંડળ (વુડા)ને કસૂરવાર ઠેરવવામાં આવેલું.

આ અહેવાલ પછી તાજેતરમાં અન્ય એક ઉચ્ચ કક્ષાની સમિતિએ પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. પર્યાવરણ, વન, વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિશેષ મુખ્ય સેક્રેટરી નીરબ કુમારના વડપણ હેઠળ રચાયેલી સમિતિએ કુલ ચાર હજાર પૃષ્ઠોનો અહેવાલ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન રેડ્ડીને સુપ્રત કર્યો છે. એ અપેક્ષા રાખવી સહેજે અસ્થાને નથી કે આટલા દળદાર અહેવાલમાં આ દુર્ઘટનાનું કોઈ પણ પાસું છોડવામાં આવ્યું નહીં હોય. સંબંધિત સરકારી વિભાગોના વિવિધ અધિકારીઓને આ સમિતિમાં સમાવવામાં આવ્યા હતા, તેમ નાગરિકો પાસેથી પણ સવાલો અને સૂચન મંગાવવામાં આવ્યા હતા. બારસો જેટલી પૃચ્છા, 180 ફોનકૉલ અને 250 ઈમેલ આ સમિતિને મળ્યા હતા.

સમાચાર અનુસાર આ અહેવાલમાં બેદરકારી અને વ્યવસ્થાપનની નિષ્ફળતાની 21 બાબતો તેમ જ નિયમભંગના 19 કિસ્સાઓ જણાવીને રાજ્ય અને કેન્‍દ્ર સરકારના વિવિધ કાનૂન અંતર્ગત કંપનીને કસૂરવાર ઠેરવવામાં આવી છે. પર્યાવરણ અને વન મંત્રાલય, આંધ્ર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ અને ડાયરેક્ટર ઑફ ફેક્ટરીઝ દ્વારા આ કંપની પર પગલાં લેવાની ભલામણ અહેવાલમાં સૂચવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા રચાયેલી અગાઉની સમિતિએ કંપનીના વિવિધ અધિકારીઓની સાથોસાથ સંબંધિત સરકારી વિભાગોને પણ કસૂરવાર ઠેરવ્યા હતા, જ્યારે આ સમિતિએ દોષનો આખો ટોપલો કંપનીના શિરે ઠાલવ્યો છે. શી ભૂલ હતી, કેવી બેદરકારી હતી અને વિવિધ બાબતોની કેવી અવગણના કરવામાં આવી છે તેના અનેક પુરાવા અહેવાલમાં સામેલ છે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ પછી શાં પગલાં લેવામાં આવે છે. પગલાં બે પ્રકારનાં હોઈ શકે. એક તો જે થયું છે, તેનું વળતર. આ વળતર મુખ્યત્વે આર્થિક સ્વરૂપે જ હોઈ શકે, કેમ કે, જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું છે. બીજા પ્રકારનાં પગલાંમાં આવી દુર્ઘટના ટળે એ માટેની સાવચેતી અને સલામતિની જોગવાઈનાં છે.

બીજા એક સમાચારને પણ સાથોસાથ યાદ કરી લેવા જેવા છે. વિશાખાપટણમની દુર્ઘટના થઈ એ પછીના દિવસે તામિલનાડુના નૈવેલી લિગ્નાઈટ કોર્પોરેશનના થર્મલ પાવર પ્લાન્‍ટમાં બૉઈલર ફાટતાં બે કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. એ પછી એકાદ મહિને આ સ્થળે ફરી એક વાર બૉઈલર ફાટ્યું અને તેર વ્યક્તિઓનાં મૃત્યુ થયાં તેમ જ દસ જણ ગંભીર રીતે ઘાયલ થયા. મૃતકાંકની સરખામણી કરીએ તો નૈવેલીનો અકસ્માત અને વિશાખાપટણના અકસ્માતમાં લગભગ એટલા જ લોકો મૃત્યુ પામ્યા છે. એટલે કે નૈવેલીના અકસ્માતની ગંભીરતાને ઓછી આંકી ન શકાય. અલબત્ત, વિશાખાપટણમના અકસ્માતની અસર વ્યાપક હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નૈવેલી લિગ્નાઈટ કોર્પોરેશનને પાંચ કરોડનો વચગાળાનો દંડ ફટકાર્યો છે. ઘાયલોની સારવારનો ખર્ચ પણ કંપનીએ ભોગવવો એમ સૂચવાયું છે.

સરવાળે આખો મામલો આર્થિક વળતર કે દંડ પર આવીને પૂરો થઈ જતો હોય એમ લાગ્યા વિના રહે નહીં. એ ખરું કે ઉદ્યોગો દેશ માટે જરૂરી છે, પણ એ ઉદ્યોગોની સામાજિક, નૈતિક જવાબદારી હોય છે, જેના માટે વિવિધ માર્ગદર્શિકાઓ અને કાનૂની જોગવાઈઓ બનાવાયેલી છે. સંબંધિત વિભાગો આ જોગવાઈને ચકાસે એવી ગોઠવણ પણ છે. ક્યાંય તેનો ભંગ થતો જોવા મળે તો દંડની જોગવાઈ છે. આમ છતાં, આવા જીવલેણ અકસ્માતો થતા રહે છે. સમિતિઓ અકસ્માતના કારણ-નિવારણ માટે રચાય છે, પણ તેના અહેવાલ અને તેમાં કરાયેલી ભલામણોનો અમલ ક્યાં, કેવો અને કેટલો થાય છે એ જાણી શકાતું નથી. ભોપાલ દુર્ઘટના જેવી, સીમાચિહ્નરૂપ દુર્ઘટના બન્યા પછી પણ આપણે કુંભકર્ણનિદ્રામાં સરી પડતા હોઈએ તો આવા નાના નાના અકસ્માતોની શી અસર થવાની?

આર્થિક વળતર ગમે એટલું તગડું હોય, માનવજીવનનો કે પર્યાવરણના પ્રદૂષણનો તે વિકલ્પ ન હોઈ શકે. અલબત્ત, વળતરની ઘોષણા કરવી, વળતર ચૂકવવું અને તે યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચવું એ ત્રણે અલગ અલગ બાબતો છે. ચાર હજાર પૃષ્ઠોનો અહેવાલ કોણ વાંચશે, તેની પર શો અમલ કરશે, ક્યારે અને કેટલી કડકાઈથી કરશે એ તો સમય કહેશે.

જે રીતે લૉકડાઉન દરમિયાન વિવિધ રાજ્યોમાં અનેકવિધ અકસ્માતોની શૃંખલા ચાલી એ દર્શાવે છે કે સલામતી પ્રત્યે સૌની કાળજી કેટલી છે. આનો અર્થ એ પણ ઘટાવી શકાય કે સરવાળે એ બેદરકારી અને ઉપેક્ષા કાનૂનપાલન પ્રત્યેની છે. ઉદ્યોગના ક્ષેત્રે કાનૂનનું પાલન કરવું જ પડે, અને તેનો ભંગ કરતાં ડર લાગે એવું વાતાવરણ આટલા વરસોમાં આપણે હજી સુધી પેદા કરી શક્યા નથી, એ વિચાર જ કંપાવી નાખનારો છે. ત્યાં સુધી વધુ અકસ્માતો, વધુ સમિતિઓ, વધુ અહેવાલો વેઠતા રહેવા સિવાય કોઈ વિકલ્પ જ ક્યાં છે !


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬-૭-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.