મોજ કર મનવા – પારાયણ : ‘પ્રકારો’ની

કિશોરચંદ્ર ઠાકર

કોઇપણ વિષયમાં મારી થોડી પણ જાણકારી નથી એ ઉપરથી વાચકો એમ ના માને કે મેં કોઇ વિદ્યાશાખાનું જ્ઞાન મેળવવા પ્રયત્નો નથી કર્યા. ભાષા, વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ ભૂગોળ, ખગોળ ઉપરાંત જેમાં આપણે ભારતીયો ગૌરવ લઈએ છીએ એવા આધ્યાત્મિક કે દર્શનશાસ્ત્ર વગેરે દરેક વિષયમાં નિપૂણ બનવા મેં પ્રયત્નો કર્યા છે. પરંતુ દરેક વખતે જે તે વિષયમાં થોડું અંતર કાપ્યા પછી આવતા ‘પ્રકારો’ નામનાં મહાવિઘ્નથી ડરીને પાછા ફરવું પડ્યું છે. કોઈપણ જ્ઞાન મેળવવા પ્રયાસ કરીએ તો આ ‘પ્રકારો’ આવીને ઊભા જ રહે છે. અરે આ જ્ઞાનના પોતાના પણ અનેક પ્રકારો છે. એમ લાગે છે કે અમદાવાદ જેવા શહેરની પોળમાં કોઇ મહેમાન અમદાવાદીના ઘરે સહેલાઈથી પહોંચી ના શકે તે માટે ‘પોળમાં પોળ અને એમાંય પોળ’ બનાવવામાં આવી છે તેમ સામાન્ય માણસ જ્ઞાન મેળવી જ ના શકે તે માટે પંડિતોએ દરેક વિષયમાં “પ્રકારો ‘ ઊભા કર્યા હશે.

બાળપણમાં શરૂઆતમાં આપણને આ પ્રકારોનો અનુભવ થતો નથી. બેત્રણ વર્ષ બધુ સરળતાથી ચાલ્યા કરે છે. મૂળાક્ષરોથી પરિચિત થઈ ગયા પછી વાર્તાઓ અને કવિતા વાંચવાનો આનંદ લેવા લાગીએ છીએ. પરંતુ જેમ સમાજમાં કેટલાક વિઘ્નસંતોષીઓ કે ઈર્ષ્યાળુઓથી અન્યનું સુખ સહન થતું નથી અને તેનો આનંદ છીનવી લેવા વિઘ્નો નાખે છે તેમ ભાષાવિદો દ્વારા આ મૂળાક્ષરોમાં પણ સ્વર અને વ્યંજન એવા ભેદ ઊભા કરીને બાળકોનો આનંદ છીનવી લેવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ બે પ્રકારોથી આપણને ખાસ તકલીફ થઈ નથી એવું જાણ્યા પછી તેઓ સ્વર અને વ્યંજનોના પણ પેટા પ્રકારો પાડીને આપણને હતોત્સાહ કરી નાખે છે. આગળ ઉપર વ્યાકરણમાં તો પ્રકારોનું દુર્ગમ જંગલ આવે છે. શબ્દોનાં નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, વગેરે પ્રકારો જાણ્યા પછી તેમાં પણ પેટા પ્રકારો સામે આવીને ઊભા જ રહે છે. વિભક્તિની તો વાત જ છોડો.

વ્યાકરણમાં આવતા આ પ્રકારોના ત્રાસથી મુકત થવા માટે તે શીખવાનું જ માંડી વાળીને આપણે સાહિત્ય તરફ વળીએ છીએ. પરંતુ ત્યાં પણ ગદ્ય અને પદ્ય આવીને ઊભા રહે છે. ગદ્યમાં પણ નવલકથા, નવલિકા, લઘુકથા, નાટક, ચિંતનાત્મક , નિબંધ વગેરે પ્રકારો હાજર થઈ જાય છે. એ જ રીતે પદ્યમાં કવિતા, ગીત, ગજલ, દુહા, છંદ વગેરે પ્રકારો દેખા દે છે. ઉત્ક્રાંતિવાદમાં માણસ અને વાનર વચ્ચેની ખૂટતી કડી જેવો ચિમ્પાજી છે તે જાણ્યા પછી પોતાને મહાકવિનું બિરુદ મળે એ માટે ન્હાનાલાલ નામના એક કવિએ ગદ્ય અને પદ્ય વચ્ચેની ખૂટતી કડી જેવો અગદ્યાપદ્ય નામનો પ્રકાર ઊભો કર્યો! આ ઉપરાંત સમાજમાં જેમ કેટલાક લોકો કશું જ લોકોપયોગી કામ કરતા નથી અને ગામના ચોરે બેસી નિંદાકૂથલી કર્યા કરે છે તેમ સાહિત્યમાં પણ ચોવટ જેવા વિવેચનનો પ્રકાર પણ હોય છે. આ રીતે સાહિત્યનો પંથ પણ દુર્ગમ બનાવવામાં આવ્યો.

જૂના વખતમાં ગણિતશાસ્ત્રમાં અંકો શીખ્યા પછી મોટે રાગે ‘એક કેમ થાય, એકડે એક’ એમ લાંબા રાગે ગાવાની મજા આવતી. પછી સરવાળા, બાદબાકી, ગુણાકાર ભાગાકાર જેમ તેમ કરીને શીખી જઈએ અને આગળ ઉપર ગણિતના કોયડા ભલે અઘરા લાગતા હોય પરંતુ તે ઉકેલવામાં આનંદ આવતો. શૂન્યથી નવ સુઘીના આંકડાઓ એકબીજાનો સહકાર સાધીને સંખ્યાઓ બનાવતા. પરંતુ આ અંકો સંપીને રહે તે ગણિતશાસ્ત્રીઓને પસંદ ના આવ્યું. આથી તેમણે સંખ્યાઓમાં પણ ભેદ ઊભા કર્યા. ભલે માણસે શોધી હોય પરંતુ કુદરતને યશ આપવા માટે તેમણે 1, 2, 3, 4, ……….ને પ્રાક્રુતિક સંખ્યા(natural numbers) એવું નામ આપ્યું. પરંતુ આ પ્રાકૃતિક સંખ્યાઓ ઉપરાંત, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક ,સંમેય અને અસંમેય એવા પ્રકારો પાડ્યા. ગણિતશાસ્ત્રીમાં ક્યારેક કોઈ કવિએ પ્રવેશ કર્યો હશે તેથી તેણે કાલ્પનિક સંખ્યાઓ(imaginary numbers)નો પ્રકાર પણ ઊભો કરી દીધો!

આ જ પ્રમાણે વિજ્ઞાનમાં પણ રસાયણશાસ્ત્ર , ભૌતિકશાસ્ત્ર, જીવશાસ્ત્ર વગેરે પ્રકારો ભણવામાં આવે છે. અહીં આ દરેક શાખાના પેટા પ્રકારો અને ત્યાર પછી જે તે શાખામાં આગળ વધ્યા પછી સતત આવે જતા પ્રકારોનું વર્ણન કરીને વાચકોને ત્રાસ આપવાનો ઉપક્રમ નથી. પરંતુ હકીકત તો એ જ છે કે પ્રકારોનો પહાડ ઓળંગ્યા પછી જ માણસ વિદ્વાન બની શકે છે. અને વિદ્વાન બન્યા પછી ક્યારેક પોતાના વિષયમાં નવા પ્રકારો પણ ઉમેરતા હોય છે!

આપણા મહાન હાસ્યલેખક જ્યોતી‌ન્દ્ર દવેએ લખ્યું છે કે ડોક્ટરો અનેક પ્રકારના હોય છે, જેવા કે આંખના, કાનના, હાડકાના, ચામડીના વગેરે. પરંતુ વૈદો તો બે જ પ્રકારના હોય છે, રાજવૈદ અને વૈદરાજ! કેટલાક વૈદો પોતાને નાડીવૈદ તરીકે ઓળખાવે છે, તે પરથી લાગે છે કે વૈદનો આ ત્રીજો પ્રકાર પણ હોવો જોઈએ. વળી આ નાડીવૈદોએ તો નાડીના પણ પ્રકારો ઊભા કર્યા છે. હંસની, મુરઘાની, દેડકાની એમ ભિન્ન ભિન્ન પ્રકારના પ્રાણીઓની જેમ ચાલતી નાડી વડે દર્દનું નિદાન કરે છે! જ્યોતિષીઓના પણ અનેક પ્રકારો હોય છે, કુંડળી શાસ્ત્રી અને હસ્તરેખા શાસ્ત્રી છાયા શાસ્ત્રી વગેરે.

જે ઈશ્વરને કદી કોઈએ જોયો જ નથી, તેના નામે પણ ધર્મપ્રવર્તકોએ સંપ્રદાયો ઊભા કરીને અનેક પ્રકાર પાડ્યા છે. અને આ ‘પ્રકારો’એ લોહિયાળ જંગો ખેલ્યા છે. ‘પ્રકારો’ની આ સંહારકતા અને નિરર્થકતા જોયા પછી પણ બીજા નવા પ્રકારના સંપ્રદાયો ઊભા કરીને માનવજાતને દુ:ખી કરવાના પ્રયાસો સતત થતા જ રહે છે.

સંસારની માયાજાળથી છૂટવા માટે કરીએ છીએ તેમ પ્રકારોની માયાજાળમાંથી છૂટવા ભગવાનની ભક્તિ કરવાનો સંકલ્પ કરીએ તો આ ભક્તિ પણ નવ પ્રકારની(નવધા ભક્તિ) જોવા મળે છે.

આખરે આ પ્રકારો એ માણસમાં વિભાજન કરવાની વૃતિ કે ભેદબુદ્ધિનું જ પરિણામ છે. આ ભેદ પાડવાની ક્ષમતા જેનામાં વધારે તેને આપણે વિદ્વાન કે પંડિત કહીએ છીએ. આ વિદ્વાનો ભલે સર્વત્ર પૂજાતા હોય પરંતુ તેમની સતત વિભાજન કરવાની વૃતિ અને પ્રવૃતિને કારણે જ કદાચ કબીર સાહેબે કહ્યું હશે કે ”કબીરા, પંડિત બડો કસાઇ “. સાચો જ્ઞાની તો તેને જ કહી શકાય કે જે વસ્તુનું સમગ્રતાથી દર્શન કરે. જેમને આપણે અજ્ઞાની કે અભણ માનીએ છીએ તે અરણ્યવાસીઓ મનુષ્યોમાં તો ભેદ જોતા નથી , ઉપરાંત વનસ્પતિ, અને નિર્જીવ દેખાતા પહાડો અને નદીઓ અને આસપાસના સમગ્ર જગત સાથે તાદાત્મ્ય અનુભવે છે.

આમ ‘પ્રકારો’ દુન્યવી જ્ઞાનને દુરાધ્ય બનાવે છે અને આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન પુરવાર થાય છે, ઇતિ મે મતિ.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: admin

1 thought on “મોજ કર મનવા – પારાયણ : ‘પ્રકારો’ની

  1. ખુબ સરસ વાત .
    આપણે સંસ્કૃત માં પહેલા વ્યાકરણ શીખાવી ને તે ભાષા ખુબ અઘરી હોવા નો એવો હાઉ કર્યો કે લોકો સંસ્કૃત નું નામ લેતા પણ ડરે છે !
    જેમ આગળ જઈએ એટલે પેટા પ્રકારો તો અનિવાર્ય છે પણ તેનાથી ભણવાની મજા મારી જાય છે તે પણ વાત એટલી જ સાચી .
    ખુબ આભાર, કિશોરભાઈ !

Leave a Reply to Samir Padmakant Dholakia Cancel reply

Your email address will not be published.