ફિલ્મસંગીતના નકશીકારો (૫) – મનોહારી સિન્હ

પીયૂષ મ. પંડ્યા

આપણે શરૂઆતની કડીઓમાં જાણ્યું કે ફિલ્મી ગીતનું સ્વરનિયોજન કરનારા સંગીતકાર એની ધૂન બનાવી લે પછી એમાં રંગપૂરણીનું કામ જે તે સંગીતકારના સહાયક નિર્દેશક કરે છે. વચ્ચે વાગતા ઈન્ટરલ્યુડ્સ અને ગાયકીની સમાંતરે ચાલતા ઓબ્લીગેટોસ/કાઉન્ટર મેલોડીના નિર્માણમાં આ સહાયકો અતિશય મહત્વનો ભાગ ભજવતા આવ્યા છે. રેકોર્ડીંગના સમયે કયા વાદ્યકારે પોતાનું સાજ ક્યારે છેડવું અને ધ્વનીમુદ્રકે જે તે વાદ્યને કેટલું પ્રાધાન્ય આપવું એ નક્કી કરવાની જવાબદારી એરેન્જરની હોય છે. વાદકોએ તૈયાર સ્વરલીપિ/નોટેશન્સના આધારે પોતાને ભાગે આવેલા ટૂકડાઓ પૂરી ક્ષમતાથી વગાડી ને ગાયકીને ભરીભરી બનાવી દેવાની હોય છે.

આટલું યાદ કર્યા પછી આજે એક એવા વ્યક્તિત્વને યાદ કરીએ, જેણે સંગીતકાર, સહાયક સંગીતકાર, એરેન્જર તેમ જ વાદક તરીકે ફિલ્મી સંગીતને રળીયાત કર્યું છે. વાદક તરીકે એમણે એક કરતાં વધુ વાદ્યો અનેરી કુશળતાથી વગાડી ને અનેક ગીતોમાં જાણે પ્રાણ પૂરી દીધા છે. આપણે વાત કરી રહ્યા છીએ મનોહારીસિંહ ઉર્ફે ‘મનોહારી દા’ ઉર્ફે ‘દાદા’ની. માત્ર પાંચ દિવસ પહેલાં (૧૩/૦૭/૨૦૨૦) એમની દસમી પૂણ્યતીથિ ગઈ. મનોહારીસિંહનું નામ આવે એટલે રસિકોને સૌથી પહેલાં એમનો અને સેક્સોફોનનો નાતો યાદ આવે. એમાં પણ ફિલ્મ ‘આરાધના’ના ગીત ‘રૂપ તેરા મસ્તાના’માં અને ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ના ગીત ‘યે દુનિયા ઉસી કી’માં વાગતું સેક્સોફોન સામાન્યથી સામાન્ય રસિકને પણ ખ્યાલમાં હોય હોય અને હોય જ. એ યાદીમાં ઉમેરો કરતાં અહીં ‘ફિલ્મ ‘માય લવ’નું એક ગીત સાંભળીએ, જેમાં એમની કમાલ સતત કાને પડ્યા કરે છે. આ ગીત અગાઉની કડીમાં ઓબ્લીગેટોના ઉત્તમ ઉદાહરણ તરીકે મૂકેલું, આજે મનોહારીસિંહની કમાલ માણવા માટે પુનરાવર્તિત કર્યું છે. ઈન્ટરલ્યુડમાં તેમ જ ગાયકીને સમાંતર વાગ્યા કરતું સેક્સોફોન આગવી અસર ઉભી કરે છે.

આગળ વધતાં આ વાદ્યનો પણ ટૂંકો પરિચય કેળવી લઈએ. એડૉલ્ફ સેક્સ નામના બેલ્જિયન કલાકારે સને ૧૮૪૦માં એનો ઢાંચો બનાવ્યો અને એમાં સુધારા વધારા કરતે છેવટે સને ૧૮૪૬માં એની પેટન્ટ નોંધાવી, આ વાજિંત્ર બજારમાં મૂક્યું. સમય વિતતે એનામાં ફેરફારો થતા રહ્યા અને આજે તો સેક્સોફોન અનેકવિધ પ્રકારોમાં મળે છે.

જો કે એના મુખ્ય ત્રણ પ્રકાર છે….આલ્ટો, સોપ્રાનો અને ટેનર. . એ દરેક અલગ અલગ પ્રકારના વાદન માટે ઉપયોગે લેવાય છે અને એને માટેના ખાસ કલાકારો પણ હોય છે. આલ્ટો અને ટેનર પ્રકારનાં સેક્સોફોન દેખાવે લગભગ સરખાં હોય છે, જ્યાં ખુલ્લે છેડે વળાંક જોવા મળે છે. સામાન્ય રીતે સોપ્રાનો પ્રકારનાં સેક્સોફોન શરણાઈ કે ક્લેરીનેટ જેવાં સીધાં હોય છે. મનોહારીસિંહ સેક્સોફોનના એકેએક પ્રકાર ઉપર સરખી કુશળતા ધરાવતા હતા. વળી ફૂંકથી વાગતાં વાદ્યો જેવાં કે ક્લેરીનેટ, વાંસળી, ધાતુની પાઈપ, ટ્રમ્પેટ પણ વ્યવસાયિક કુશળતાથી વગાડી જાણતા હતા. આટલું ઓછું હોય એમ મોઢેથી સીટી વગાડવામાં પણ એમની મહારત હતી. ફિલ્મ ‘કટી પતંગ’નું ગીત સાંભળીએ, જેમાં શરૂઆતમાં સાંભળવા મળતું સીટીવાદન કિશોરકુમારની ગાયકી જેટલું જ મશહૂર છે. જો કે બહુ ઓછા લોકો સુધી એ મનોહારી સિંહની કમાલ હોવાની માહીતિ પહોંચી છે.

એ ઉપરાંત તાર/તંતુવાદ્યો ઉપર પણ એમનો અસાધારણ કાબુ હતો. આપણે આ શૃંખલાની ત્રીજી કડીમાં મેન્ડોલીનવાદક કિશોર દેસાઈ વિશે વાત કરતી વેળાએ ફિલ્મ ‘પ્યાર કા મૌસમના ‘ગીત તુમ બિન જાઉં કહાં’માં વગાડાયેલા મેન્ડોલીનનો ઉલ્લેખ કરેલો. કિશોરકુમારે ગાયેલા એ ગીતની સાથે જે કાને પડે છે તે મેન્ડોલીનવાદન મનોહારીજીનું છે. પોતે રાહુલ દેવ બર્મનના વાદ્યવૃંદના સર્વેસર્વા હોવા છતાં એમણે મહંમદ રફીએ ગાયેલા ગીતમાં મેન્ડોલીન વગાડવાની તક કિશોર દેસાઈને આપી એને ખેલદિલીનું ઉજળું ઉદાહરણ ગણાવવું રહ્યું.

કલકત્તા મુકામે એક નેપાળી મૂળના કુટુંબમાં ૧૯૩૧ના માર્ચ મહિનાની આઠમી તારીખે જન્મેલા આ કલાકારને સંગીત ગળથૂથીમાં મળ્યું હતું. એમના દાદા, પિતા અને મામા વિવિધ પ્રકારનાં ફૂંકવાદ્યો વ્યવસાયિક ધોરણે વગાડતા હતા. આમ હોવાથી બાળવય વટાવતાં સુધીમાં તો મનોહારીસિંહ ટ્રમ્પેટ, ફ્લ્યુટ અને ક્લેરીનેટ જેવાં ફૂંકવાદ્યો ઉપરાંત મેન્ડોલીન પણ કુશળતાથી વગાડતા થઈ ગયા. સાથેસાથે એ સ્વરલીપિ વાંચતાં-લખતાં પણ શીખી ગયા. એ વયે કલકત્તામાં રહેતા હોવાનો ફાયદો એ થયો કે એ સમયે ત્યાં પંકજ મલ્લિક, રાયચંદ બોરાલ, કમલ દાસગુપ્તા અને તીમિર બરન જેવા ધૂરંધર સંગીતકારો કાર્યરત હતા. વળી રેકોર્ડીગ કંપની ‘હીઝ માસ્ટર્સ વોઈસ’નો સ્ટુડીઓ પણ હતો. આથી ક્ષમતાવાન પ્રતિભાઓને બહાર આવવાની મબલખ તકો ઉપલબ્ધ હતી. અને આવી તકો યુવાવસ્થામાં પ્રવેશતાં સુધીમાં મનોહારીસિંહને મળતી રહી.

વિવિધ વાદ્યવૃંદોમાં વગાડતા રહેતા આ યુવાનની ખ્યાતિ કલકત્તાનાં સાંગીતિક વર્તૂળોમાં ફેલાઈ રહી હતી. એકવાર એ સલિલ ચૌધરીની નજરે ચડી ગયા. પોતે મુંબઈમાં કાર્યરત હોવાથી સલિલે મનોહારી સિંહને મુંબઈમાં નસીબ અજમાવવાનું સૂચન કર્યું.

તેને પગલે એ સને ૧૯૫૮માં મુંબઈ પહોંચી ગયા. ત્યાં એમને સૌ પ્રથમ તક સચીન દેવ બર્મને આપી અને ઝડપથી આ યુવા કલાકારને લગભગ બધા જ પ્રતિષ્ઠીત સંગીતકારો તરફથી આમંત્રણો આવવા લાગ્યાં.

રાયચંદ બોરાલ અને પંકજ મલ્લિક જેવા વરિષ્ઠ સંગીતનિર્દેશકોથી શરૂ થયેલી અને લગભગ ચાર દાયકા સુધીની લંબાયેલી કારકિર્દીમાં મનોહારી સિંહે અનિલ બિશ્વાસ, નૌશાદ, સી. રામચન્દ્ર, રોશન, ઓ.પી. નૈયર, સલિલ ચૌધરી, શંકર-જયકિશન, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, મદનમોહન, જયદેવ, ચિત્રગુપ્ત અને ઉષા ખન્ના જેવા જાણીતા નિર્દેશકો સાથે કામ કર્યું. તે ઉપરાંત દાનસિંહ જેવા પ્રમાણમાં ઓછા વ્યસ્ત એવા નિર્દેશકને પણ સાથ આપ્યો. આનાથી ન અટકતાં એ બપ્પી લાહીરી અને હેમંત ભોંસલે જેવા જે તે સમયે ઉગી ને ઉભા થતા સંગીતકારોની સાથે પણ સંકળાયા. એમનું સૌથી ફળદાયી જોડાણ રાહુલ દેવ બર્મન સાથેનું બની રહ્યું. સ્વતંત્ર સંગીતનિર્દેશક તરીકેની એમની પહેલી ફિલ્મ ‘છોટે નવાબ’માં રાહુલ દેવ સાથે જોડાયેલા સિંહે છેક ‘૧૯૪૨, અ લવ સ્ટોરી’ સુધી સહાયક, એરેન્જર અને વાદક તરીકેની ત્રેવડી ભૂમિકા નિભાવી.

આટલી વૈવિધ્યપૂર્ણ કુશળતાને લઈને સિંહને ગાયકો સાથે પણ સારા સંબંધો વિકસ્યા.લતા મંગેશકર, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે સાથે તો ખરા જ, કિશોરકુમાર સાથે પણ એમને ખાસ્સા મૈત્રીપૂર્ણ સંબંધો બંધાયા અને ટકી પણ રહ્યા

એમણે સ્વતંત્ર સંગીત નિર્દેશક તરીકે પણ કામ કર્યું. પોતાના અનન્ય મિત્ર અને ગીટાર, વાયોલીન તેમ જ ચેલોના હોનહાર વાદક એવા બાસુ ચક્રવર્તી સાથે જોડી બનાવી અને બાસુ-મનોહારી નામથી કેટલીક ફિલ્મોમાં સંગીત આપ્યું.

એ પૈકીની મહેમૂદની ‘સબ સે બડા રૂપૈયા’નાં ગીતો ખુબ જ જાણીતાં થયેલાં એમાંનું એક સાંભળીએ. આ ગીત ધ્યાનથી સાંભળતાં ખ્યાલ આવે છે કે સંગીતમાં મનોહારી સિંહનાં પ્રાથમિક પસંદગીનાં ફૂંકવાદ્યોનું ખાસ્સું પ્રાધાન્ય છે.

શંકર-જયકિશનના નિર્દેશનમાં તૈયાર થયેલી એક પ્રયોગશીલ વાદ્યવૃંદ રજૂઆત_ ‘રાગ જાઝ સ્ટાઈલ’ અત્યંત લોકપ્રિય થયેલી. એમાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય સંગીતનો સમન્વય કરવામાં આવેલો. આ રજૂઆતમાં મનોહારીસિંહનો નોંધનીય ફાળો છે. પ્રસ્તુત તસવીરમાં તેઓ જયકિશન અને સુખ્યાત સિતારવાદક રઈસખાન સાથે એના રેકોર્ડીંગ દરમિયાન ચર્ચા કરતા જોઈ શકાય છે.

જયકિશન અને સુખ્યાત સિતારવાદક રઈસખાન સાથે

સામાન્ય રીતે ગીતોને પરદા ઉપર હોઠ ફફડાવીને રજૂ કરનારા કલાકારો મોટા ભાગની દાદ લઈ જાય છે. સંગીતના રસિયાઓ એથી આગળ વધીને ગાયક અને સંગીતકાર સુધી પહોંચી શકે, પણ વાદકો મોટે ભાગે ગુમનામ રહી જતા હોય છે. મનોહારીસિંહ આમાં સુખદ અપવાદ હતા એમ કહી શકાય. ઢળતી ઉમરે તેમણે સ્ટેજ કાર્યક્રમો આપવાનું શરૂ કર્યુંઅને પોતાની કળાને મંચ ઉપરથી રજૂકરી, આગવો ચાહક્વર્ગ ઉભો કર્યો. તેને પરિણામે તેમનું જીવંત વાદન અત્યારના સમયમાં નેટ પર સુલભ બની શક્યું છે.

હવે એમણે જાહેર કાર્યક્રમોમાં વગાડેલાં કેટલાંક ગીતો માણીએ. સ્ટેજ ઉપર વગાડતા કલાકાર પાસે માત્ર અને માત્ર એક જ તક હોય છે. રેકોર્ડીંગમાં મળી રહે એવો રીટેકનો વૈભવ એને નથી મળતો. આથી કોઈ પણ વાદ્યકારને જીવંત વગાડતા હોય ત્યારે માણવાનો આનંદ અનોખો છે. શરૂઆત કરીએ ફિલ્મ ‘આરાધના’ના ગીતથી.

મનોહારીસિંહના કસબથી ભરપૂર અન્ય રજૂઆત એટલે ફિલ્મ ‘ધ ટ્રેન’નું ગીત.

પ્રસ્તુત ક્લિપમાં મનોહારી સિંહના માર્ગદર્શનમાં થઈ રહેલી એક શૉની તૈયારી તેમ જ એમાં એમણે વગાડેલી પાઈપ ફ્લ્યુટ માણી શકાય છે. એ સિવાય સેક્સોફોનની કમાલ તો ખરી જ.

એક વધુ ક્લિપ માણીને આ સિલસીલો પૂરો કરીએ. અહીં સિંહના સાંગીતિક વ્યક્તિત્વનાં વિવિધ પાસાંનો સમન્વય સુપેરે જાણી/માણી શકાય છે.

આ કલાકારનો પનો એટલો તો વિસ્તૃત છે કે જેમાં એમણે સાથે પોતાનું વાદ્ય વગાડ્યું હોય એવાં યાદગાર ફિલ્મી ગીતોની યાદી બનાવવા બેસીએ તો પૂરા લેખને બદલે એ યાદી જ મૂકવી પડે અને તેના પણ ત્રણેક હપ્તા સુધી મૂકીએ ત્યારે પાર પડે! તો પણ કેટલાંક ચૂનંદાં ગીતો કે જે નેટ ઉપર આસાનીથી સાંભળવા મળે છે, તેની યાદી નીચે છે.

અચ્છા જી મૈં હારી

કાલા પાની’

(મેન્ડોલીન)

સચ હુએ સપને મેરે

કાલા બાઝાર

(સેક્સોફોન અને ક્લેરીનેટ)

તુમ્હેં યાદ હોગા કભી

સટ્ટા બાઝાર

(સેક્સોફોન)

બેદર્દી બાલમા તુઝ કો

આરઝૂ

(સેક્સોફોન)

જા રે ઉડ જા રે પંછી

માયા

(સેક્સોફોન અને પાઈપ ફ્લ્યુટ)

આગે ભી જાને ના તૂ

વક્ત

(સેક્સોફોન)

ગા મેરે મન ગા

લાજવંતી

(સેક્સોફોન)

યે દુનીયા ઉસી કી જમાના ઉસીકા

કાશ્મીર કી કલી

(સેક્સોફોન)

દુનીયા કરે સવાલ તો હમ

બહુ બેગમ

(સેક્સોફોન)

૧૦

મૈં આયા હૂં લે કે સાઝ હાથોં મેં

અમીર ગરીબ

(સેક્સોફોન)

આ ગીતો ઉપરાંત સી. રામચન્દ્રના નિર્દેશનમાં બનેલા દેશપ્રેમના અમર ગીત ‘એ મેરે વતન કે લોગોં’માં હવાની હળવી લહેરખીઓ માફક જે ફ્લ્યુટના સ્વર વહેતા રહે છે એ પણ મનોહારીસિંહની કમાલ છે.

જીવનનાં છેલ્લાં બે વર્ષ પેરેલીસિસનો ભોગ બની ગયા હોવા છતાં એમણે સંગીતની દુનીયા સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. ખરા અર્થમાં હરફનમૌલા __ ઓલ રાઉન્ડર એવા આ કલાકાર ફિલ્મી સંગીતની દુનીયામાં અનોખી ભાત પાડી ગયા છે.


નોંધ…… માહીતિ અને તસવીરો નેટ ઉપરથી સાભાર.

વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.

લેખમાંની મોટા ભાગની સામગ્રી બીરેન કોઠારીના બ્લોગ ‘પેલેટ’માં મૂકાયેલા લેખ ઉપરથી સાભાર.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: admin

1 thought on “ફિલ્મસંગીતના નકશીકારો (૫) – મનોહારી સિન્હ

  1. Piyushbhai you have written Manohari Sing’s biography excellently & you have highlighted his talent in such a good way by giving examples of his work through videos of songs in which he has played Saxophone,flue,mendolin & whistling & the photographs of great musicians & renowned singers with whom he’s worked.Hatts off to you for gathering so much information,videos & photographs.you are a great writer.Congratulations & Best Wishes ?.

Leave a Reply

Your email address will not be published.