બંદિશ એક, રુપ અનેક (૬૮) : “ઓચિંતું કોઈ મને રસ્તે મળે”

નીતિન વ્યાસ

(શ્રીમતિ દિવ્યા બેન અને ધ્રુવભાઈ ભટ્ટ)

લગ્ન તિથિએ શું આપવું ? અગાઉ તૈયારી ન હતી તેથી ધ્રુવભાઈએ કાગળ એક કવિતા લખી દિવ્યાબેન ને આપી :

“મારામાં આરપાર સાત સાત દરિયા
દરિયાની આરપાર તું,
પળ માં પળ ગૂંથીને તું વારતા વણે
તો એને જીવતર નું નામ દઉં હું”

એક દિવસ ટપાલ માં એક છાપેલું પોસ્ટ કાર્ડ મળ્યું . મોકલનાર માં નામ હતું “માનભાઈ ભટ્ટ, શિશુ વિહાર,, પ્લોટ નંબર  507, ક્રષ્ણનગર, ભાવ નગર 364001, ગુજરાત। પોસ્ટકાર્ડ માં એક કવિતા છાપેલી હતી, “ઓચિંતું કોઈ મને રસ્તે મળે”- ધ્રુવ ભટ્ટ

આ તો લગભગ ચાર દાયકા પહેલાની વાત.

“ઓચિંતુ કોઇ મને રસ્તે મળે
ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?”

અને ધ્રુવભાઈ જવાબ આપે

“હાંકલા છે ભાઈ “

એક મજાના દિલદાર કવિ ની કવિતા માણીયે

(શ્રી ધ્રુવ ભટ્ટ )


કવિતા અને તેનું રસદર્શનઃ

ગુજરાતી સાહિત્ય-વિશ્વના જાણીતા અને વિવિધ એવોર્ડથી નવાજાયેલા સાહિત્યકાર શ્રી ધ્રુવભાઈ ભટ્ટનો પરિચય હવે આપવાનો હોય નહિ. આમ તો ‘તત્વમસિ’, ‘સમુદ્રાન્તિકે’ અને ‘તિમીરપંથી’ તથા ‘ખોવાયેલું નગર’ જેવી નવલકથાઓ થકી ઘણા સુપ્રસિધ્ધ થયાં છે પણ ‘ગાય તેના ગીત’ અને ’શ્રુવન્તુ’ જેવાં કાવ્યસંગ્રહોમાં અદભૂત ગીતો લખ્યાં છે. તેમનું એકદમ મઝાનું ગીત અત્રે પ્રસ્તૂત છે.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?

આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું

લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં

આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ

નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય

મારી ઉપર આકાશ એમનેમ છે….

રસદર્શનઃ

અતિશય મૃદુતાથી ‘ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?’ દ્વારા શરૂ થયેલો કાવ્યનો ઉઘાડ તેના અંત સુધી કોમળ કોમળ સંવેદનાઓથી છલછલ છે. ‘દરિયા શી મોજ’ દ્વારા ભીતરનો ખળભળાટ અને ભરતી ઓટ ગોપાયાં છે.પણ કેટલી સાહજિકતાથી! કુદરતની રહેમ કહી નિયતિનો સ્વાભાવિક સ્વીકાર અને તે પણ ખુશી ખુશી!

આગળના અંતરાઓમાં ‘ફાટેલા  ખિસ્સાં’ અને ‘એકલો ઊભું તો ય’  અજંપાનો અને એકલતાનો અછડતો અણસાર આપી કેવાં મસ્તીથી જણાવે છેઃ  “એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ… મુફલિસી અને ખુમારી સાથોસાથ સ્પર્શે છે. એટલું જ નહિ, ભરચક ખજાનાનું ઉભું થતું ચિત્ર તો જુઓ!
“તાળું વસાય નહીં એવડી પટારીમાં

આપણો ખજાનો હેમખેમ છે….

દરેકની પાસે જાતજાતનો ખજાનો હોય છે. જગતના તમામ રંગ,રસ અને ભાવોથી ભરપૂર પણ પટારામાં જે કંઈ હોય છે તે, કવિ તો  એને ખજાનો જ કહી મહાલે છે.

છેલ્લા અંતરામાં તો અદભૂત કવિકર્મ નીખરી રહ્યું છે. વિષયના ક્રમિક વિકાસ સાથે ઉભરી આવતી સંવેદનાઓને સંતાડી એની ઉપર આત્મવિશ્વાસ અને શ્રધ્ધાનું મસમોટું ‘કમ્ફર્ટર’ ખૂબ ખૂબીથી ઓઢાડ્યું છે.

આંખોમાં પાણી તો આવે ને જાય,

નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, 

નથી પરવા સમંદરને હોતી..

વાહ..મનની સમજણની  કેવી વિશાળતા? શબ્દે શબ્દ અર્થપૂર્ણ છે અને કોઈ શબ્દ ક્યાંય ઓછો/વધારે થાય તેમ નથી. તેમાંથી દરિયા અને કાંઠાનું એક ચિત્ર ઉભું થાય છે અને તેનો લય પણ ધીરેથી વહેતા મોજાંઓ જેવો.

સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે….

કેવી બિન્દાસ મસ્તી છે અહીં ! વારંવાર વાંચવાનું મન થાય, કોઈને વંચાવવાનો ઉમળકો થાય અને મૌનપણે ગણગણતા જ રહેવાય એવી આ કવિતા છે. કાવ્યત્વની ટોચ છે, આનંદની ચરમ સીમા છે.

સાદ્યંત સુંદર આ ગીતમાં જીંદગીની ફિલસૂફી છે, સુંદર રૂપકો, સરળતાથી વહેતો લય, વર્ણાનુપ્રાસની મધુરતા, ભાવોની મૃદુતા,ચિત્રાત્મક્તા અને ફકીરી અનન્ય છે. આ ગીત સ્વરબધ્ધ થઈ ગવાયું પણ છે. ફિકરને ફાકી કરી ફરતા ફકીર જેવી આ લયબધ્ધ શાબ્દિક અદાને, કવિકર્મને સલામ.

શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ

શ્રી માનભાઈએ આપેલું પોસ્ટકાર્ડ અને આ ૧૦ વરસ ની દીકરી પ્રકૃતિ પ્રજાપતિ એ ગયેલાં આ ગીતની એક ખૂબી એ છે કે નાના મોટા સઘળા ને જેવી વાંચવાની મજા આવે એવો જ ગાવા અને સાંભળવા નો આનંદ આવે.

ગુજરાત વિદ્યાપીઠના ઉપક્રમે ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાનીએ લીધેલ શ્રી ધ્રુવ ભાઈ ની મુલાકાત માં, ધ્રુવ ભાઈ વિષે ભદ્રાયુભાઈ લખે છે કે ” હા, ધ્રુવ ભટ્ટ શિક્ષક છે, કવિ છે, લેખક છે, ટ્રેકર છે, રખડપટ્ટીના માસ્ટર છે, કોમ્પ્યુટર ટાઇપિંગમાં માહેર છે, ચિત્રકાર છે… જ્યારે જે થવાની ઇચ્છા થાય તે થઇ જવાની તત્પરતા અને તૈયારીવાળા સરળ અને સહજ છે ધ્રુવ ભટ્ટ… એ ભણીને આવી મસ્તી પામ્યા નથી. ફોર્મલ એજ્યુકેશન તો તેના મનમાં બેસતું જ નથી. તેઓ માને છે કે: ‘તું આમ કર’ એવું હું કહું ત્યાં જ શિક્ષણ પૂરું થઇ જાય છે… સ્કૂલ ખોલવી એ શિક્ષણનું કામ છે મજા એવું ધ્રુવભાઇ સ્વીકારવા તૈયાર નથી. સાવ જુદી માટીના ધ્રુવ ભટ્ટ.”

ગુજરાતી સાહિત્યના શોખીનો માટે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રસ્તુત શ્રેણી  “મુઠ્ઠી ઉંચેરો માનવી” યૂટ્યૂબ ઉપર માણવા જેવીછે. આ વિડીઓ રેકોર્ડિંગ 30 મિનિટના ચાર ભાગમાં છે. તેમાં સૌરાષ્ટ્ર નાં દરિયા કાંઠા ની પોતાની રખડપટ્ટી વિષે ઘણી રસપ્રદ વાતો ધ્રુવભાઈએ કહી છે. શ્રી ભદ્રાયુભાઈના એક પ્રશ્નના ઉત્તરમાં  “ઓચિંતું કોઈ મને રસ્તામાં મળે” કવિતાનાં બીજ ક્યાંથી રોપાયાં તેની વાત કરી છે:

“મુઠ્ઠી ઉંચેરો માનવી” ભાગ -3, કવિના શબ્દોમાં આ રચના

ડો. શબનમ વિરમાણી, TRFS, દિલ્હી અને અમેરિકાની કોરનેલ યુનિવર્સિટીમાં ભણેલાં, અનેક પુરસ્કારોથી પૃરુસ્ક્રુત, ડોક્યુમેન્ટરી ફિલ્મોનાં નિર્માતા , રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે ‘કબીરા ખાડા બાઝારમેં, કોઈ સુનતા હૈ’ વગેરે પ્રોજેક્ટસ અને અનેક સામાજિક સદ્કાર્યોથી નામના મેળવનાર શબનમબેનને આ ગીતને અંગ્રેજી ભાષામાં સમજાવતાં ગુજરાતીમાં એકતારા અને મંજીરા સાથે ગાતાં સાંભળવાનો એક અનોરો આનંદ છે:

શિવાંગી તેના ગીટાર સાથે

આ કવિતાનું પ્રથમ વખત સ્વરાંકન શ્રી અનંત વ્યાસના સ્વરમાં “ટહૂકો” ની વેબસાઈટ પર સાંભળેલું:

શ્રી ધ્રુવ ભટ્ટની કવિતાઓ અને શ્રી રાસબિહારી દેસાઈનું સ્વરાંકન,  આલબમ “અનહદ નાં અજવાળાં” – ગાયક શ્રી સોનિક સોની

શ્રી અમિત ખેતરીયા અને મિત્રો

શ્રી કેવલ તેમનું રાઇઝીંગ બેન્ડ

https://youtu.be/zYg3hjDXC_0

શ્રી હિતાશ્વ નાણાવટી, સ્વરાંકન શ્રી ભાર્ગવ

શ્રી હેતલ પટેલ – ગીત શીખવાડતાં

શ્રી વિપુલ અને ક્રિશ ધામી, સાથે શ્રી દીપ શાહ

https://youtu.be/m9d8lIZmbQQ

શ્રી પ્રિયંકા તેજસ્વીની સંપત

આ ગીત ગરબાના ઢાળમાં શ્રી રુચીબેન જસાણી

એક એનિમેટેડ સંસ્કરણ

શ્રી ધ્રુવભાઈની આ કવિતાનો બંગાળી ભાવાનુવાદ શ્રી નીલાન્દ્ર મુખર્જીના સ્વરમાં

મરાઠી ભાષામાં ગાયક અને સંગીતકાર શ્રી હેમંત જોશી

ભાવાનુવાદ સુરેશ લેલે સ્વર સોહિણી ભટ્ટ

આવાં જ સરસ ધ્રુવભાઈના બીજાં ગીતો ની હારમાળા યુટ્યુબની વેબ સાઈટ પર જોવા- છે. શ્રેણી છે “ધ્રુવ ગીત”. આ ગીતમાળાનાં ગીતો સીધા સાદા અને સહેલાઇથી ગાઈ શકાય તેવાં છે. આ ગીતો ગાવાવાળા કોઈ નામી ગાયકો નથી, અને ગીત સાથે માત્ર લય જાળવવા પુરતું જ વાદ્યો સંગત કરે છે. કવિતા વાંચતા જાઓ અને સાથે ગીત માણતા જાઓ.

આ “ગાય તેના ગીત” ની થોડી કડીઓ સાંભળીયે:

દરિયો મારો દોસ્ત છે હો…

                   -શાળા માં ભણતા બાળકોના સ્વર માં

ચાલ પંખી ની ભાષા કંઈ જાણીયે

કવિઓ તો અઘરું અને ઝાઝું બાલોછે

ચાલ સહેલું થોડું કંઈ માણીયે

                               -ગાયીકા સોહિણી ભટ્ટ અને સ્વરાંકન પારુલ મનીષ

બાર બાય બાર જેવી બાથરૂમો હોય

અને પચ્ચી બાય ચોંવીના ઓરડા

એવી મોટી મહેલતુને ટક્કર મારે

તે મારા ચાર પાંચ નળિયાનાં ખોરડાં

                             -શ્રી જન્મેજય વૈદ્ય

ઓરે બેલી સમદરિયા કરવા છે પાર રે

પળમાં તું હોંડા ઉતાર

કે જળ પાછું ઉતરી જશે હોજી

                                 – સ્વર શ્રી શ્યામલ ભટ્ટ

દરિયા ની છાતી પર ઢોળાતું જાય

યાયાવર ગાન છીએ આપણે

                             -સ્વર રચના શ્રી કેદાર અને ભાર્ગવ

ચાલ ને વાદળ થઈ અને જોઈએ કે

ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કાંઈ આપણા વિષે

આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા

જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતાં વાવણી મિષે

                               – શ્રી શબનમ વિરમાણી અને સાથીદારો

“મારામાં આરપાર સાત સાત દરિયા”

સાંભળીયે શ્રી જન્મેજય વૈદ્યનાં સુરીલા અવાજમાં

“કદી તું ઘર તજી રે
કદી તું ઘર તજી રે।….
વગાડે લીલા ઘાસ માં ઉગ્યા ફૂલ ઉડેલી
ધૂળમાં તારી જાતને ખોને રે”

સંગીત શ્રી કે. સામંત અને શ્રી શ્યામલ ભટ્ટ
ગાયિકા : શ્રી મેઘા ભટ્ટ

અંતમાં:

આવી સરસ રચનાઓનો અંત ન હોય. આવતા મહિને કોઈ સુંદર બંદિશ સાથે ફરી મળીશું…


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: admin

7 thoughts on “બંદિશ એક, રુપ અનેક (૬૮) : “ઓચિંતું કોઈ મને રસ્તે મળે”

 1. Vyas bhai
  My heartiest congrats to put the songs by Sri Dhuv Bhatt by different artists and in different languages and the efforts you have done to find these artists singing the same song in different સુર
  અને લય

 2. અદ્ભુત અદ્ભુત અદ્ભુત સિવાય કોઈ શબ્દ નથી આના માટે.. કદાચ કોઈ પાસે નહી હોય…. અને બસ નતમસ્તક…

 3. Niitin Bhai
  Thank you very much. Your present to us in the form of some great creations in different forms is like receiving a bouquet of flowers with different shapes, sizes and gorgeous colors.
  Keep them coming……
  Stay safe.

 4. સરસ સંકલન નીતિન ભાઈ. અનેક રૂપમાં આ ગીત ગવાયુ અને માણ્યું.
  સાંભળ્યું નહિ પણ માંણ્યુ.

Leave a Reply

Your email address will not be published.