લુત્ફ–એ–શેર : મણકો # ૮

ભગવાન થાવરાણી

જેમને જૂના હિંદી ફિલ્મ સંગીતમાં ઊંડો રસ છે એમણે કિશોર કુમારે ગાયેલું આ ગીત જરુર સાંભળ્યું હશે :

મરને  કી  દુઆએં  ક્યોં  માંગું, જીને  કી  તમન્ના  કૌન  કરે
યે દુનિયા હો યા વો દુનિયા, અબ ખ્વાહિશે – દુનિયા કૌન કરે

૧૯૪૮ ની ફિલ્મ  ‘ ઝિદ્દી ‘ માં દેવ આનંદ પર ફિલ્માવાયેલું આ ગીત, હિંદી ફિલ્મોમાં કિશોર કુમારે ગાયેલું પહેલું ગીત હતું. એ એક ગઝલ હતી અને એના રચનાકાર હતા મુઈન અહસાન  જઝ્બી ‘. આ ગઝલના મારા પસંદીદા શેરની ચર્ચા કરીએ એ પહેલાં જઝ્બી વિષે થોડીક વાત. જઝ્બી સાચા અર્થમાં એક વિદ્વાન હતા અને અન્ય એક મહાન ઉર્દૂ શાયર અલ્તાફ હુસૈન  હાલી ‘ ની રચનાધર્મિતા પર એમણે પી.એચ.ડી. કરેલું. એમની દ્રષ્ટિને ઉજાગર કરતો આ શેર જુઓ :

યહી ઝિંદગી મુસીબત યહી ઝિંદગી મસર્રત
યહી ઝિંદગી હકીકત યહી ઝિંદગી ફસાના

                   ( કેટલું બધું સમાવ્યું છે પરવરદિગારે માત્ર આ એક જ જિંદગીમાં ! )

અને આ બેફિકરાઈ !

અલ્લાહ રે બેખુદી  કિ ચલા  જા  રહા હું મૈં
મંઝિલ કો દેખતા હુઆ કુછ સોચતા હુઆ ..

              ( આ તે કેવી લાપરવાહી કે ચાલતાં – ચાલતાં નજર સામે જ ગંતવ્ય આવ્યું અને હું એને વટાવીને ચાલતો જ રહ્યો, ચાલતો જ રહ્યો ! )

હવે આજનો શેર. એ શેર, જેની શરુઆતમાં વાત કરી એ ગઝલનો જ હિસ્સો છે :

જબ કશ્તી સાબિત-ઓ-સાલિમ થી, સાહિલ કી તમન્ના કિસકો થી
અબ  ઐસી  શિકસ્તા  કશ્તી  પર, સાહિલ  કી  તમન્ના  કૌન  કરે ..

‘ જઝ્બી ‘ સાહેબને કિનારાની ખ્વાહેશ ત્યારે પણ નહોતી, અત્યારે પણ નથી. પણ કારણો અલગ-અલગ છે. ત્યારે એટલે કે યુવાનીમાં એ તમન્ના એટલા માટે નહોતી કે જીવન-નૈયા પુરબહારમાં હતી. એ સાબૂત અને અખંડિત હતી. મઝધાર એ જ નશો હતો. કિનારે પહોંચવાની તમા જ કોને હતી ? અને હવે ? હવે ઘડપણમાં એ જ નાવડી એટલી હદે જર્જર, ભંગૂર અને પરાસ્ત બની ચુકી છે કે કિનારે પહોંચીએ કે ન પહોંચીએ, કોઈ ફરક પડતો નથી ! એ મઝધારે જળસમાધિ લે એમાં જ ભલાઈ છે !

આ જ જમીન એટલે કે આ જ છંદ અને રદીફ સાથે આપણા શાયર  ‘ સૈફ ‘ પાલનપુરીએ પણ એક ગઝલ રચેલી. અલબત, વિષય અલગ છે. એ ગઝલનો ઉપાડ :

‘ નિસબત છે અમોને ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે
ઘર-દીપ  બુઝાવી  નાંખીને, નભ-દીપને  રોશન  કોણ  કરે ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.