વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : દક્ષિણ કોરીઆમાં હ્યુમિડિફાયરને કારણે થતા મરણ

જગદીશ પટેલ

દક્ષિણ કોરીઆમાં લોકો પોતાના ઘરમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરતા હોય છે. વાતાવરણમાં ભેજ ન હોય ત્યારે ભેજ વધારવા આ યંત્રનો ઉપયોગ થતો હોય છે. આ યંત્રમાં પાણી ભરવાનું હોય અને પાણીમાંથી વરાળ બનાવી વાતાવરણમાં ઉમેરે એટલે ભેજ વધે. કોરીઆમાં વસંત, પાનખર અને શિયાળામાં વાતાવરણ સુકું હોય છે. ડોકટરો આ યંત્ર વાપરવાની સુચના આપતા હોય છે. સામાન્ય રીતે નાના બાળકની પથારી પાસે એ  મુકવામાં આવે છે જેથી બાળકની તબીયત બગડે નહી.
યંત્રમાં અગાઉ જણાવ્યું તેમ પાણી ભરવાનું હોય છે. આપણે ત્યાં કુલરમાં પાણીની ટાંકી હોય છે અને તેમાં આપણે પાણી ભરીએ તેમ હ્યુમિડિફાયરની ટાંકીમાં પણ પાણી ભરવું પડે. હવે પાણી ભરાઇ રહે અને પડી રહે એટલે એમાં અમુક જાતની ફુગ થાય. એ ફુગ પછી વરાળ સાથે વાતાવરણમાં ભળે અને માણસના શ્વાસોચ્છવાસ દ્બારા શરીરમાં પ્રવેશે અને તબીયતને નુકસાન કરે. એને અટકાવવા માટે અમુક કંપનીઓેએ જંતુનાશક વિકસાવ્યા અને એવા દાવા સાથે બજારમાં મુકયા કે આના થોડાં ટીપાં હ્યુમિડિફાયરની ટાંકીમાં નાખી દો એટલે તમારે નિરાંત, ફુગ જોવા જ નહી મળે!

હમણાં વિશાખાપટ્ટનમમાં એલ.જી. કંપનીના પ્લાન્ટમાંથી સ્ટાયરીન નામના વાયુનું ગળતર થયું અને એક ડઝન લોકોના મરણ રાતોરાત થયા તે એલજી કંપની કોરીઆની મોટી કંપની છે જે રસાયણોનું ઉત્પાદન કરે છે. આ એલજી ઉપરાંત સેમસંગ, એસકે જેવી કોરીઅન કંપનીઓ અને ટેસ્કો, રેકીટ બેન્કીસર(આરબી – આ કંપનીનું ડેટોલ ભારતમાં મોટા પાયે વેચાય છે) જેવી બ્રિટીશ કંપનીઓ અને જાપાન, ડેનમાર્ક, આયર્લેન્ડની હોય તેવી ૪૮ બ્રાન્ડ કોરીઅન બજારમાં ઉપલબ્ધ હતી. તેમણે ૧૯૯૪થી ૨૦૧૧ સુધીના ૧૮ વર્ષ દરમ્યાન તેનું ધુમ વેચાણ કર્યું. જંતુનાશક ઉપરાંત સુગંધ માટેના દ્રવ્યો પણ વેચાય અને લોકો તે પણ પાણીમાં ઉમેરે જેથી વાતાવરણ સુગંધિત થાય.

આ કંપનીઓએ પોતાના ઉત્પાદન બજારમાં મુકતાં પહેલાં માનવ આરોગ્ય પર થતી તેની અસરના કોઇ પરીક્ષણ કર્યા ન હતા. આ જંતુનાશકને કારણે ગર્ભના બાળકને ઇજા પહોંચી શકે, ફેફસાંનું કેન્સર થઇ શકે, બીજી બીમારીઓ હોય તો તે વકરે, નવજાત શીશુને અસર થાય વગેરે. પણ કંપનીઓ પોતાના ઉત્પાદનોની જાહેરાતમાં જોખમોની કોઇ માહિતી આપતા ન હતા. એનાથી ઉંધું, આ સલામત છે, બાળકોને નુકસાન નહી થાય તેવી જાહેરાત કરતા. ૨૦૦૭માં ૧૫ મહિનાના એક બાળકનું, રેકીટ બેન્કીસર નિર્મિત “ઓકસી સાક સાક” નામનું જંતુનાશક વાપરવાને કારણે મૃત્યુ થયું.
૨૦૧૧માં ૪ સગર્ભા મહિલાઓના ફેફસાંના રોગને કારણે મૃત્યુ થયા. રોગ થવાનું કારણ શું જતું તે કોઇને સમજાયું નહી. અજાણ્યા કારણોસર થયેલા આ મૃત્યુ બાદ આ બાબતે ચર્ચા શરુ થઇ.

૧૩ વર્ષ પહેલાં— ૨૦૦૮માં— સુન મી ચો નામના મહિલા બજારમાં ગયાં અને બે જુદી જુદી બ્રાન્ડના હ્યુમિડિફાયર જંતુનાશક ખરીદી આવ્યા. ૨૦૦૮થી ૨૦૧૦ દરમિયાન તેમણે આ બે બ્રાન્ડના હ્યુમિડિફાયર જંતુનાશકનો ઉપયોગ કર્યો. તેઓ હ્યુમિડિફાયર એ રીતે ગોઠવતાં કે એની વરાળ સીધી એમના મોં પર આવે. ૨૦૦૯માં એમને ખાંસીથી શરુઆત થઇ અને ધીમે ધીમે શ્વાસ લેવાની તકલીફ થવા માંડી. તેમના ડોક્ટરે ડિસેમ્બરમાં તેમને કહ્યું કે તેમના ફેફસાંની કાર્યશક્તિ હવે માત્ર ૨૭% જ રહી છે. ડોક્ટરે તેમનો જીવ બચાવવા જે દવાની જરુર પડે તે આપી. (સ્ટીરોઇડની વાત કરતા હશે  લે.). તે પછી તેમને અવારનવાર હોસ્પિટલમાં દાખલ થવું પડયું.

પોતાની વાત કરતાં તેમણે જણાવ્યું,“મારો તાવ ચડતો ગયો. ૧૦૪ સુધી પહોંચ્યો અને હું મૃત્યુના દ્વાર સુધી પહોંચી. મને અસ્થમા શા કારણે થયો અને તે જાણી શકાયું નહી. મને લીવરની બીમારી થઇ  હિપેટાઇટીસ (યકૃતનો સોજો). મારી કિડની (મૂત્રપિંડ) પણ નકામી થઇ ગઇ અને મારે ડાયાલીસીસ કરાવવું પડયું. મારે માટે હવે દુખાવાનું ભાન ઓછું કરવા માટે મોર્ફીન પર રહેવાનો જ ઉપાય રહ્યો હતો.

મારી જીભ પર ગાંઠો ઉપસી આવી. મારા યકૃતમાં પણ ગાંઠ હોવાનું તબીબે જણાવ્યું. મારા સ્નાયુઓ નબળા પડયા (માયેસ્થેનીયા), છાતીમાં ગાંઠ થઇ (થાયમોમા), મારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઇ, કિડની ખરાબ થઇ ગઇ, ઉંઘની તકલીફ થઇ ગઇ, ખાવાનું ખાઇ ન શકું, હાયપોગામાગ્લોબ્યુલોનેમીઆ, કરોડરજ્જુમાં સ્ટેનોસીસ થયું આમ મારું શરીર જુદા જુદા ૧૦ રોગનું ઘર બની ગયું. દિવસમાં ૧૧ વાર મારે દવાઓ લેવી પડે છે. ડોકટરોને સમજાતું નથી કે દર્દીને ફરક કેમ પડતો નથી. મને પોતાને એ સમજાતું નથી કે મને જીવનમાં કયારેય ન્યુમોનિયા થયો ન હતો અને હવે વર્ષમાં ૬—૭ વાર થઇ જાય છે!”

“૨૦૧૧માં કોરીઅન સરકારે જાહેર કર્યું કે હ્યુમિડિફાયરમાં ઉમેરવામાં આવતું જંતુનાશક સગર્ભા મહીલાઓ અને બાળકો માટે હાનીકારક હોઇ શકે. તે સમાચાર જાણી મને થોડી શંકા ગઇ કે મારી તકલીફ પણ તેને કારણે હોઇ શકે પણ મેં ઝાઝું ધ્યાન આપ્યું નહી કારણ સરકારે માત્ર ફેફસાંના તંતુપેશીકરણની બીમારી (ફાઇબ્રોસીસ)થી પીડાતા દર્દીઓની જ તપાસ કરી હતી અને મને તો એ રોગ હતો નહી. વળી મારી સારવાર કરતા એક પણ તબીબને પણ એમ લાગ્યું નહી કે મારી તકલીફ તેને કારણે હોઇ શકે.
તે પછી જો કે મેં સરકારને અરજી કરીને મને હ્યુમિડિફાયરના જંતુનાશકની પીડિત ગણવામાં આવે તેવી માગણી કરી પણ મારી અરજી કાઢી નાખવામાં આવી. મેં ફરી અરજી કરી તો મને કહેવામાં આવ્યું કે મારી તકલીફ એને કારણે થયેલી નથી. સરકારે માત્ર એવા લોકોના દાવા સ્વીકાર્યા જેમને ફેફસાંની તકલીફ થઇ હતી.

૨૦૧૭માં દક્ષિણ કોરીઆમાં નવા પ્રમુખ મુન જે—ઇન ચુંટાયા. તેમણે હ્યુમિડિફાયર જંતુનાશક પીડિતોને પોતાના બંગલે નોતર્યા અને સહાનુભૂતિ દર્શાવી. આ જંતુનશાકોનું જે પ્રમાણમાં વેચાણ થાય છે તે જોતાં કોરીઆમાં પીડિતોની સંખ્યા ઘણી વધુ હશે તેમ તેઓ સમજયા. ૨૦૧૭માં હ્યુમિડિફાયરને કારણે ૪ લાખ કોરીઅનો બીમાર પડયા હોવાનો કોરીઅન સરકારનો અંદાજ હતો.

એક બાજુ જંતુનાશકનું ઉત્પાદન કરી વેચાણ કરતી કંપનીઓ પોતાને માથે કશું લેવા માગતી નથી  અને બીજી બાજુ સરકાર કશું ધ્યાન આપતી ન હોવાને કારણે દર્દીઓની મુશ્કેલીઓનો કોઇ અંત નથી. અત્યાર સુધી ૬૫૭૮ દર્દીઓની નોંધણી થઇ છે તેમાંથી ૧૪૪૯ના મૃત્યુ થઇ ગયા છે અને માત્ર ૬૬૯ને જ સરકારે પીડિત તરીકે સ્વીકાર્યા છે.”

ઓકટોબર, ૨૦૧૯ના અંતમાં દક્ષિણ કોરીઆની રાજધાની સીઓલમાં “એશિયન નેટવર્ક ઓફ રાઇટસ ઓફ ઓકયુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટલ વીક્ટિમ્સ” સંસ્થાની દ્વિવાર્ષિક બેઠકમાં હાજરી આપી. તેમાં આ બહેન પોતાની વ્યથા વર્ણવી રહ્યાં હતાં. એ દિવસે સાંજે બેઠક બાદ પરિષદમાં હાજરી આપી રહેલા અમે સૌ રેકીટ બેન્કીસરના મુખ્યાલય પર જઇ દેખાવોમાં ભાગ લીધો અને ઇલેક્ટ્રૉનિક મીણબત્તીથી મૃતકોને અંજલિ આપી.

આ બહેને માગણી કરી કે કંપનીઓએ જે નફો કર્યો હોય તે કરતાં દસ ગણો વધુ દંડ તેમને થવો જોઇએ. સરકારે કાયદા કડક બનાવવા જોઇએ અને તેનો અમલ કરવો જોઇએ. દેશમાં આરોગ્ય વ્યવસ્થા સારી હોવી જોઇએ. સરકાર જે સહાય ચુકવે તેના ધોરણોમાં સુધારો કરવો જોઇએ જેથી સૌ પીડિતોને તેમની જરુરીયાત અનુસાર ન્યાય મળે.

હ્યુમિડિફાયર જંતુનાશક પીડિતોએ ઠેરઠેર દેખાવોનું આયોજન કરી સમાજનું ધ્યાન ખેંચ્યું. તેઓ ૨૦૧૮માં બ્રિટન પણ ગયા અને ત્યાં રેકીટ બેન્કીસરના કાર્યાલય સમક્ષ પણ ધરણા કર્યા. કોરીઆના આ જંતુનાશકના બજારમાં આ કંપનીનો વેચાણનો હીસ્સો ૬૦—૭૦% જેટલો હતો.

આ જંતુનાશકના સંપર્ક અને તેના ગ્રાહકોને થયેલી ફેફસાંની બીમારી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થતાં ૨૦૧૧માં રેકીટ બેન્કીસર દ્વારા તેના ઉત્પાદનો બજારમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા. ઓગષ્ટ,૨૦૧૨માં પીડિતોએ આ જંતુનાશકના ઉત્પાદકો સામે માનવવધ માટે દાવો દાખલ કર્યો. તે પછી ચાર વર્ષે સરકારે આ આરોપોમાં તથ્ય છે કે કેમ તેની તપાસ માટે ટાસ્ક ફોર્સની રચના કરી. આ ટાસ્ક ફોર્સે એ તપાસ કરવાની હતી કે આ કંપનીઓને જોખમોની જાણ હતી કે કેમ. તપાસમાં બહાર આવ્યું કે શ્વાસમાં જવાને કારણે શી અસરો થાય છે તેના ટેસ્ટ આ કંપનીઓએ કર્યા ન હતા. તેમને ખબર હતી કે ઉત્પાદનને બજારમાં વેચાણ માટે મુકતાં પહેલાં આવા ટેસ્ટ કરવા જરુરી છે.

તે પછી કંપનીઓએ એક યુનિવર્સિટી ને સંશોધન કરવા માટેનું કામ સોંપ્યું કે આ જંતુનાશકને કારણે ફેફસાંનો રોગ થઇ શકે કે કેમ. યુનિવર્સિટી એ જે તારણ કાઢયા તેમાંથી પોતાને જે અનુકુળ હતા તેવા તારણોનો તેમણે ઉપયોગ કર્યો અને સંશોધનના પરીણામો ને વીકૃત કર્યા. ૧૯૯૧થી ૨૦૦૫ દરમીયાન એ કંપનીના કોરીઆમાં જે વડા હતા તે શીન હ્યુન—વુ ને જાન્યુઆરી, ૨૦૧૭માં કોર્ટે ૭ વર્ષની જેલની સજા ફરમાવી. પાછળથી સુપ્રીમ કોર્ટે સજા ઘટાડીને ૬ વર્ષની કરી હતી. કંપનીએ મૃતકોને તેમજ ઇજા પહોંચી હોય તેવા સૌને વળતર ચુકવ્યું અને પીડીત કુટુંબોના કલ્યાણ માટે લાખો ડોલરના અલાયદા ફંડની જાહેરાત કરી. ૨૦૧૬માં કંપનીના અધીકારી અતા સફદરે સીઓલની એક હોટલમાં પ્રેસ કોન્ફરન્સનું અયોજન કરી જાહેરમાં માફી માગી અને વળતરની દરખાસ્ત કરી. તે સમય હાજર પીડીત કુટુંબોએ આ માફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો અને કેટલાકે સફદર પર હુમલો કર્યો.

૧૮૧૯થી ૧૮૨૩ વચ્ચે સ્થપાયેલી આ કંપનીએ ૨૦૧૫માં કંપનીએ ૩.૨ અબજ ડોલરનો નફો રળ્યો હતો. ૬૦ દેશમાં તેના ૩૭૦૦૦ કર્મચારી છે. ભારતમાં “ડેટોલ” નામનું તેનું ઉત્પાદન ઘણું લોકપ્રિય છે. કંપની ન્યુરોફેન નામની દર્દનાશક દવા પણ બનાવે છે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાના આરોપ સબબ ઓસ્ટ્રેલીયામાં ૨૦૧૬માં દંડ કરવામાં આવ્યો.

કંપનીના અધિકારી ઉપરાંત લોટે માર્ટ, હોમપ્લસ અને બીજા વેપારીઓ જે આ ઉત્પાદનોનું વેચાણ કરતા હતા તેમને પણ ૫થી ૭ વર્ષની જેલી સજા કોર્ટે ફટકારી. જો કે એથી પીડીતોને સંતોષ થયો ન હતો. એ લોકો વધુ કડક સજા ઇચ્છતા હતા.

સેફુ નામની એક કંપની તો એવી હતી કે જેણે આ કેવી રીતે બનાવાય તે ઓનલાઇન શીખીને ઉત્પાદન શરુ કર્યું. કોઇ વૈજ્ઞાનિક અભ્યાસનો આધાર નહી. માલીકની ૧૧ મહીનાની દીકરી પણ તેની આ બેદરકારીનો ભોગ બનીને મૃત્યુ પામી. ટ્રાફિક અકસ્મતોમાં જે મૃત્યુ પામે છે તેને જે આધારે વળતર ચુકવાય છે તેને આધારે ગણતરી કરી પીડીતોને વળતર ચુકવાયા અને તે માટે કોર્ટ બહાર કરાર કર્યા અને તે ગુપ્ત રાખવામાં આવ્યા.

ત્યાંના કાયદા મુજબ પીડીતોને માથે પુરવાર કરવાની જવાબદારી આવે જયારે કંપનીઓ પાસે તમામ જરુરી માહિતી હોય પણ પીડીત પાસે ન હોય છતાં પુરાવા એણે પુરા પાડવાના! પીડિતોએ એક નિષ્ણાતને સાક્ષી તરીકે લાવવા પડે જે ઘણું મુશ્કેલ બને અને મોંઘું પણ પડે. કંપનીઓ પણ સામે પોતાના નિષ્ણાતો ઉભા કરે, જાત જાતના અહેવાલો રજુ કરે અને તેથી ગભરાઇને પીડિત દાવો પરત ખેંચી કોર્ટ બહાર સમાધાન કરવા તૈયાર થઇ જાય.

ડિસેમ્બર ૨૦૧૬ સુધીમાં ૫૦૦૦ લોકોએ સરકારમાં દર્દી તરીકે નોંધણી કરાવી હતી જેમાં ૧૦૦૦ મૃતકોનો સમાવેશ થતો હતો. મે,૨૦૧૬ સુધીમાં ૪૦૦ પીડિતોએ ૯૦ લાખ ડોલરનો દાવો રેકીટ બેન્કીસર કંપની સામે કર્યો હતો. તેમાં ૨૩૫ જીવીત અને ૫૧ મૃતકના સગા હતા. દરેક પીડીતે ૪૫૦૦૦ ડોલરના વળતરની માગણી જુદી જુદી ૨૨ કંપનીઓ સામે કરી હતી. બધી કંપનીઓએ કોઇ ચકાસની કર્યા વગર જ પોતાના ઉત્પાદન પર મારેલા લેબલમાં માહિતી આપી હતી એ ઉત્પાદન સલામત છે.

આ બાબતે તપાસ માટે નીમાયેલા વિશેષ તપાસ પંચની સુચનાથી કોરીઅન સોસાયટી ઓફ એપીડેમીઓલોજી દ્વારા પીડિતોના શારીરીક, માનસીક અને આર્થીક સામાજીક નુકસાનનો અભ્યાસ કરાયો. આ અભ્યાસના તારણો મુજબ  ફેફસાંની તકલીફ ઉપરાંત આ પીડિતોમાં સામાન્ય લોકો કરતાં ગુસ્સાનું પ્રમાણ ૨.૨૭ ગણું વધુ જોવા મળ્યું. ૪૧૨૭ કુટુંબોના ૫૨૫૩ પીડિત નાગરિકોમાંથી યાદચ્છીકપણે (અં .રેન્ડમલી  .) પસંદ કરાયેલ ૧૦૦ વ્યક્તિઓનો અભ્યાસ કરાયો હતો. ૫૭%ને અવસાદ (ડીપ્રેશન)ની ફરીયાદ હતી તો ૫૫% પોતાની જાતને દોષિત માનવાની ભાવનાથી પીડાતા હતા, ૫૪.૩%ને ચીંતા હતી, ૨૭%ને આત્મહત્યાના વીચાર આવતા હતા અને ૧૧%એ તો આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. ફેફસા ઉપરાંત ૪૮.૮%ને આંખના રોગ હતા અને ૨૯.૬%ને હ્રદયની તકલીફ હતી. સરકારમાં નોંધણી કરાવ્યા બાદ સરકાર દ્વાર જંતુનાશક પીડીત તરીકે સ્વીકાર થવામાં સરેરાશ એક વર્ષ જેટલો સમયગાળો થયો હતો. આટલો લાંબો સમય લાગવા માટેના કારણો સરકારે તેમને આપ્યા ન હતા. સરકારી આંકડા મુજબ ૬૩૦૯ લોકો અસર પામ્યા હતા અને તે પૈકી ૧૩૮૬ના મોત થયા હતા. જો કે સ્વૈચ્છિક સંસ્થાઓનું કહેવું છે કે પીડિત તરીકે ગણવાના માપદંડોને કારણે છે તે કરતાં ઓછી સંખ્યા દેખાય છે.

કોરીઆની બીજી એક કંપની એસકે ડીસ્કવરી સામે પણ ૨૦૧૯માં તપાસ કરવામાં આવી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આ જંતુનાશકમાં ૫—કલોરો—૨—મીથાઇલ—૪—આઇસોથીઆઝોલીન—૧  જેને ટુંકમાં સીએમઆઇટી કહે છે તે અને ૨—મીથાઇલ—૪—આઇસોથીઆઝોલીન—૧ (એમઆઇટી)નો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત પોલીહેકઝામીથીલીન ગ્વાનીડીન (પીએચએમજી) અને પીજીએચ નામના રસાયણો પણ આ બીમારી માટે કારણભુત હોવાનું તપાસી રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું. એસ કે દ્બારા પુરાવાનો નાશ કરાયો હોવાના આક્ષેપ પણ થયા હતા.૧૮ માર્ચ, ૨૦૧૯ને દિવસે તેના અધિકારીની આ આરોપસર ધરપકડ કરવામાં આવી.

આ હોબાળા પછી કોરીઅન સરકારે જાન્યુઆરી ૨૦૧૯માં કેબીપીઆર નામનો બાયોસાાઇડ (જંતુનાશકો) અંગે નવો કાયદો બનાવી અમલમાં મુકયો. ડીસઇન્ફેકટન્ટ અને પ્રીઝરવેટીવમાં વપરાતા રસાયણો પર નિયંત્રણ માટે આ કાયદો ઘડવામાં આવ્યો. જો કે આંદોલનકારીઓને આ કાયદામાં કાયદાભંગ માટે જે સજાની જોગવાઇ છે તે બાબત અસંતોષ છે.

છેલ્લા અહેવાલ મુજબ (૩ જુલાઇ, ૨૦૨૦ સુધીના) ૬૮૦૪ લોકોએ સરકાર સમક્ષ પીડીત તરીકે નોંધણી કરાવી છે અને તે પૈકીના ૩૨% બનાવ  ૧૫૫૨  મૃત્યુના છે. તબીબી તપાસને આધારે આ પૈકીના ૮૩૫ દાવા સ્વીકારવામાં આવ્યા છે. જે દાવા સ્વીકારાયા છે તેમાં અસ્થમા સહીતના શ્વસનતંત્રના રોગો અને ગર્ભને થયેલ નુકસાનના છે. જેમના દાવા સ્વીકારાય છે તેમને સરકાર સહાયને નામે સારવારનો ખર્ચ અને બીજો થોડો ખર્ચ ચુકવે છે. કંપનીઓએ માત્ર ૪૫૦ દાવેદારોને વળતર ચુકાવ્યા છે જે તમામ શ્વસનતંત્રના રોગોના છે. કાનુની જોગવાઇને આધારે કંપનીઓ ઉભા કરેલ એક અલાયદા ભંડોળમાંથી બીજા ૨૮૦૦ને સારવારનો ખર્ચ ચુકવાય છે. ૧૯૯૪થી ૨૦૦૧ દરમિયાન ૧૮ વર્ષ સુધી જુદી જુદી ૪૦ બ્રાન્ડની એક કરોડ વસ્તુઓ વેચાઇ. કર્મશીલોએ તેને આધારે બાંધેલા અંદાજ મુજબ ૫૫ લાખ ગ્રાહકો સંપર્કમાં આવ્યા હોય. સરકારી સમિતિનો અંદાજ છે કે આ રસાયણોના ૬૫ લાખ ગ્રાહકો હતા અને તે પૈકીના ૧૦%નું આરોગ્ય જોખમાયું છે.

સવાલ એ છે કે આ ઉત્પાદનો બીજા દેશોમાં વેચાયા છે કે કેમ અને ત્યાં શી સ્થિતી છે? કોરીઆના જે લોકો અમેરિકા કે ચીનમાં રહે છે તેમનામાં લક્ષણો જોવા મળ્યા છે પણ એ સિવાય બીજા કોઇ દેશમાંથી કોઇ અહેવાલ નથી. વળી જયાં ઉત્પાદન થતું હતું તે કારખાનાના કામદારો પણ સંપર્કમાં આવ્યા હોય તો તેમને કોઇ તકલીફ થઇ કે કેમ? કર્મશીલ યે યોંગ ચોઇ જણાવે છે કે કોઇ કામદાર અસર પામ્યો હોય તેવા અહેવાલ મળ્યા નથી. હાલ રેકીટ બેન્કીસરના જે વડા છે તે ભારતીય છે અને તે ભાગેડુ છે અને ઇન્ટરપોલની યાદીમાં છે. તેનું નામ ગૌરવ જાને (કે જેન કે જાની?) છે. કોરીઆની આ સૌથી વધુ ઘાતક પર્યાવરણીય આફતના આ ભારતીય અનુસંધાન સાથે પુરું કરું.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855


Author: admin

2 thoughts on “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : દક્ષિણ કોરીઆમાં હ્યુમિડિફાયરને કારણે થતા મરણ

  1. Thank you for posting such an interesting article. In fact more than 5,000 cases believed to be related to the disinfectant products had been reported to the South Korean government as of December 2016, including about a thousand deaths. The main culprit, the former chief of a South Korean subsidiary of the British consumer goods company Reckitt Benckiser was sentenced to seven years in prison. The Bhopal Gas Tragedy was 100 times more serious the this. On December 3, 1984, about 45 tons of the dangerous gas methyl isocyanate escaped from an insecticide plant that was owned by the Indian subsidiary of the American firm Union Carbide Corporation.In the early 21st century more than 400 tons of industrial waste were still present on the site. The Word most serious industrial disaster very badly handled by the Indian Government.

Leave a Reply

Your email address will not be published.