કૃષિ ક્રાંતિ માટે જરૂર છે – ખેડૂતોએ પોતાનો “ધો” -[ દિશા] બદલવાની !

હીરજી ભીંગરાડિયા

ખેતી એટલે નિત્ય નવા પડકારો અને તેના ઉપાયો યોજ્યા કરવાનો સંગ્રામ ! એક પ્રશ્ન ઉપર જીત મેળવી લઈએ એટલે કામ પૂર્ણ થતું નથી ખેતીમાં. ખેતી તો જીવંતો સાથે જોડાયેલ વ્યવસાય હોઇ, તેની પર અસર કરનારા વાતાવરણીય અને બીજા ફેરફારો નવા પ્રશ્નો ઊભા કરતા જ રહેવાના. જેમ અફાટ સાગરમાં હોકાયંત્ર ઉપર જ દ્રષ્ટિ કેંદ્રિત કરી નાવિક માર્ગ શોધતો હોય છે, તેમ આપણે ખેડૂતોએ “મુશ્કેલીમાં માર્ગશોધન” માટે કેટલાંક હોકાયંત્રો ગોઠવવા પડે છે. પ્રશ્નો આવે એટલે હરેરી જઈ, હલેસાં હેઠાં નથી મૂકી દેવાતાં. પડકાર ઝીલે ઇ ભાઈડા !

એક વખત ઓબેબુલ નામના વિશ્વ વિખ્યાત વાયોલીન વાદકના સંગીતથી ટાઉનહોલમાંની હકડેઠઠ મેદની ઝૂમી રહી હતી. અચાનક વાયોલીનનો એક તાર તૂટ્યો અને સંગીત પડ્યું બંધ ! શ્રોતાઓમાં વ્યાપી ગયો સન્નાટો ! પણ પરિસ્થિતિ પારખી લઈ, નિષ્ણાત ઓબેબુલે એ જ રાગની એક નવી તરહની હલક વહેતી કરી. જે અદભુત બની રહી અને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધો !

તૂટેલા તારે વાદકની આંગળી પર ઘસરકો મારી દીધેલો અને લોહી વહેવાનું શરૂ થઈ ગયેલું, છતાં ન તે અટક્યો કે ન વાયોલીન બદલ્યું ! પછી એણે કહ્યું : “ચારેય તાર સલામત હોય અને સૂરોની મનોહર સૃષ્ટિ રચી જાણે એવા કલાકારો તો જગતમાં ઘણા છે. પણ તૂટેલા એક તારે અને ચિરાઇ ગયેલ આંગળી છતાં શ્રોતાઓનો રસ જાળવી રાખવા જેવી અસાધારણ તક મને મળી હોય,એને હું કેમ કરીને જતી કરું ? એ તકને ફળીભૂત કરવા જ આ સફળ સંઘર્ષ કરી શક્યો છું.

બસ તેમ જ : આપણે ખેતીમાં અણધારી મુશ્કેલીઓ આવે, આવે ને આવે જ, આ એ પ્રકારનો વ્યવસાય છે ભાઇ ! બધું સમુ-સુતરું હોય- જમીન ફળદ્રુપ હોય, વરસાદ સમયે સમયે હાજર થઈ જતો હોય, રોગ-જીવાતની હરફર ઓછી હોય, ઉત્પાદિત માલના બજાર માગ્યા મળતા હોય તો તો ખેડૂત રળે જ ! પણ કોઇ અણધારી આફત આવી જાય, જેમકે જીવડાનો ઉપદ્રવ અત્યાધિક હોય, વરસાદની હેલી મંડાણી હોય કે વાવાઝોડું ત્રાટક્યું હોય એવા વખતે પણ હિંમત હાર્યા વિના બધું સમુ-સુતરું ગોઠવી લે તે જ ખેડૂત ખરો કહેવાય ને ! “કસોટીઓ આપણા હીરને બહાર પ્રગટાવવા જ આવે છે” એવું અજેય નેપોલિયનનું કથન છે. કસોટીઓ જ આપણે મીણના છીએ કે પોલાદના એનું પારખું લે છે.

પ્રભુએ આપેલી સંપતિને પારખીએ :

“ બાપજી ! હું બહુ ગરીબ છું. મારાથી કશું બની શકે તેમ નથી. મને કંઇક ઉપાય બતાવો જેથી હું સુખી થઇ શકું.”

“ તું ભલા ગરીબ નથી. કુદરતે બીજા બધાને જેટલો ખજાનો આપ્યો છે, તેટલો જ તને પણ આપ્યો છે. બોલ તારી પાસે પગ તો બે છે, બરાબર ને ?”

“ હા, સૌની પેઠે બે છે.”

“ તો એમ કર ! તારો એક પગ કાપીને મને આપી દે તો 25000 અને બન્ને પગ આપે તો 50000 રુપિયા આપું, બોલ !”

“ ના બાપજી, એ તો હું કેમ આપી શકું ?”

“ પગની વાત જવા દે., તારા બન્ને હાથ કાપી દે- 60000 રુપિયા આપું.”

“ ના, ના ! એ તો મારા દેહનું ઘરેણું કહેવાય.”

“ તો એમ કર. હાથ-પગ રહેવા દે તારી પાસે. બે આંખો કુદરતે તને આપી છે ને ? એકના 35000 અને બન્ને આપે તો એક લાખ રોકડા આપી દઉં, બોલ છે વિચાર ?”

યાચક મુંઝાઈ ગયો. કશો જવાબ ન આપી શક્યો. ત્યારે સંતે કહ્યું :

“ જો ભાઇ ! તું ગરીબ છે જ નહીં. દસ લાખ દીધેય ન મળે તેવા પગ, કાન, આંખ, મગજ, હૈયું અને હાથ જેવી મિલ્કત હોવા છતાં તારી જાતને તું ગરીબ કેવીરીતે કહેવડાવે છે ?”

“ ગરીબાઈ દૂર કરવા શું કરવું તે મને કંઇ સૂઝતું નથી.”

“ તને એ સૂઝવા માંડશે- જો તારી પાસેની આ મિલ્કતોનો આત્મવિશ્વાસ પૂર્વક ઉપયોગ કરવાની તારી દ્ર્ષ્ટિ ખીલશે તો.”

કુદરત સાથે બાથ ભીડનારા ખેડુતોમાં આ શક્તિ કેટલી બધી ખીલેલી છે ગણાવું ?

ખેડૂતની ક્ષમતાઓ :

[1] શારીરિક ખડતલપણું : ‘ભાડું’ કરવા ગયેલ ગાડાનો બળદ રસ્તામાં ડૂલી પડતાં,એને ‘ધર’માંથી કાઢી, પોતાની કાંધે ધૂંસરી ધરી ભરતિયું ગાડું વેપારીની દુકાને પહોંચાડવાનું એક બળદિયા જેટલું બળ બાજુના ગામ માંડવાના શામજીદાદા પટેલે કરેલું, [તે દિવસથી તેનું ઉપનામ શામજીભાઈ કુંઢા પડી ગયેલું] આડા ઓઇલ એંજીનને હેંડલે હાથ દીધા વિના ફ્રાયવ્હીલના આરા પકડીને ચાલુ કરી દેનારા, અને કૂવો ગાળતી વખતે એકીશ્વાસે બસો બસો ઘણના ઘાવ ઊલળી ઊલળીને ઝીંકનારા ઘણા ખેડૂતો મારા પરિચયમાં છે. ન જૂએ રાત કે દિવસ, કે ના જૂએ ટાઢ કે તાપ ! કોઇ કામ તેને થકવી શકતું નથી.-પછી તે કામ ધૂળ-ખાતરનું ગાડું ભરવાનું હોય કે કૂવામાંથી લાઈન ખેંચવાનું હોય, માંદા ઢોરને ડીંગડા ભરાવી ઊભું કરવાનું હોય કે બપોર સુધીમાં દવાના 16 લીટરિયા 24 પંપ 12 વીઘામાં છાંટી દેવાના હોય ! કોઇ શારીરિક કઠ્ઠણ કામમાં ખેડૂત પાછો પડતો નથી.

[2] અંતરની કોઠાસૂઝ ; અગાઉ કોઇએ ન વાપરી હોય તેવી કોઠાસૂઝ આપણા ખેડૂતોમાં બહુ વેળા બહાર આવતી દેખાઈ છે. કેટલાયે ખેતઓજારો ખેડૂતોએ સુથાર-લુહાર જેવા કારીગરો પાસે તૈયાર કરાવ્યા છે. દવા છાંટવાનું કામ બહુ મહેનતવાળું છતાં બહુ ધીમું લાગ્યું, તો કોઇએ સાયકલના ગીયરચક્કરમાં ફેરફાર કરી સ્પ્રેપંપ એવીરીતે ગોઠવી દીધો કે સાયકલને પાટલામાં માત્ર દોરતાં રહેવાથી કોઠીમાં હવા ભરાતી જાય અને દવાના ફુવારા આપોઆપ ઊડતા જાય ! કોઇએ આવી ગોઠવણ બળદગાડા સાથે ફીટ કરી તો કોઇએ સવારી કરાવી મોટરસાયકલ ઉપર ! પીઠ પર દવાનું દ્રાવણ ભરેલા પંપનું વજન ન ઉપાડવું પડે અને કામ કરવાની ઝડપ વધી જાય અનેકગણી. ઠેર ઠેર દેખાઈ રહેલા આવા ફેરફારો કોઇ એન્જિનયરોના નહીં, ખેડૂતોની કોઠાસૂઝના સંશોધનો છે.

જુઓને ! ખેતીનું યુનિટ નાનું થતું જાય છે. બે બળદોનું પોસાણ નથી રહ્યું તો એક બળદથી ચાલતાં સાંતી શોધી કાઢ્યાં. બૂલેટના એન્જિન સાથે રિક્ષાની બોડી લગાડીને બનાવ્યો “સનેડો” ! સનેડો આંતરખેડ પણ કરે અને વજન ખેંચવાનુંયે કરે બોલો ! છે બુદ્ધી કોઇના બાપની ? ઓછામાં ઓછ બળતણે બે જોડી બળદનું કામ એકલો ‘સનેડો’ કરે કહો !

ઊભડા એન્જિનથી ચાલતાં મીની ટ્રેક્ટર –જેની જેવી જરૂરિયાત, પોતપોતાની રીતના સુધારા અને ફેરફારોવાળા ખેડૂતોની કોઠાસૂઝની જ પેદાશ છે. જીરુ પાકના બીજને ઉગાવો લેવડાવવા ત્રણ-ચાર પાણ પાવા માટે કેટલું બધું પાણી જોઇએ ? આટલું બધું પાણી બગાડાય ? તો શું કર્યું, કહું ! આવા બીજને 3-4 દિવસ ભીના કંતાનમાં ભીનુંને ભીનું રાખી, પછી ક્યારામાં છાંટી, પાછળો પાછળ પાઇ દીધું પાણી. માત્ર બે જ પિયતે ઉગાવો લઈ લે ખરેખરો ! કોઇ ખેડૂતે આપસૂઝથી મોલાતોમાં છાંટવાની દવાઓ બનાવી છે, તો કોઇએ વળી માલઢોરની માંદગીમાં ભેર કરે એવાં ઓસડિયાં શોધી કાઢ્યાં છે. આ બધી કોઠાસૂઝ એ ખેડૂતોની મૂડી ગણાય. હરકોઇ કામમાં નિરીક્ષણશક્તિ અને બુદ્ધી ભળે તો રસ્તાઓ નીકળી આવે છે. કોણે કોણે, કેવા કેવા કોઠાસૂઝના કીમિયા શોધ્યા છે અને કેવા ઉપયોગી બની રહ્યા છે એ બધા શોધનારા ખેડૂતોને પ્રોત્સાહિત કરનારા અમદાવાદની “સૃષ્ટિ” સસ્થાનની મુલાકાત લેશો તો આશ્ચર્યમાં ગરકાવ થઈ જશો !

[3] કેટલીક નોંધપાત્ર પાવરધાઇ : વાહનોમાં પસાર થતાં રોડ સાઈડના ખેતર-વાડીઓ તરહ નજર માંડી જોજો જરા ! ઉગેલા મોલનો ઉભારો તો નીરખજો ક્યારેક ! વાવેતરના ચાસની સીધાણ, મૂઠીમાંથી ઝરેલાં બિયારણની કરામત-નહીં ઘાટું, નહીં પારવું, જોખ્યા-માપ્યા વિના વાવણી કરનાર ખેડૂતના હાથમાંથી માપે જ સરકે ! બળદ જેવા ખુંખાર જનાવર સાથે, ચાબુક વિના બસ પીઠ પર હાથ થબથબાવીને, રાશના ઇશારે-મોંના બુચકારે=પોતાની ઇચ્છા મુજબ ચલાવે, વાંક વળાવે, બળ કરાવે અને ઊભા પણ રાખે ! ક્યો ડ્રાઇવર આવો મળવાનો કે જે નહીં એક્ઝીલેટર કે નહીં ક્લચ ! અરે, અનબ્રેકેબલ જીવંત વાહનને પ્રેમથી પલોટી, ડોકે ટોકરા ને ઘૂઘરમાળ લટકાવી વર-જાનૈયાના રથનેય પવનવેગે વેવાઈના માંડવે પહોંચાડે !

નહીં નિસરણી કે નહીં પગથિયાં, ઉપરથી નજર કરીએ તો આંખે અંધારા આવી જાય એટલા ઊંડા કૂવામાં માત્ર દોરડાની મદદથી ચડ-ઉતરનું મલ-બદાણિયાનું કામ કરવું કે કશાય માપ વિના અંદાજના ઓઠા હેઠળ જ મગફળી, ઘાસ, નીરણ કે પરાળ-સાંઠીના ઓળિંભાના ગણિત સાથે આરહે આરહે ભરોટાભરવા, એ તો ખેડૂત જ કરી શકે !

અનુભવનું ભાથું : આપણે ઊંડા ઉતરી વિચારશું તો ખ્યાલ આવ્યા વિના નહીં રહે કે આપણો પનારો કેવડા મોટા વિશાળ ફલક સાથે પડ્યો છે ! ધરતી, પવન, પ્રકાશ, વાયુ, પાણી, પશુઓ તથા પંખીઓ અને ઝીણી –મોટી વનસ્પતિઓની વચ્ચે કાયમી વસવાટ હોવાથી બધાનાં સાન-ઇશારા-ફેરફારો ઉઘાડી આંખે પારખીએ તો પર્યાવરણમાં આવનારાફેરફારો અગાઉથી ઓળખી લેવામાં માસ્ટરી આવી જતી હોય છે. જેમ કે વેધશાળાનાં મોંઘા અને અટપટાં સાધનોથી કરાતી વરસાદની આગાહી માંડ 60 % સાચી પડે – પણ ખેડૂત આકાશમાં વાદળોની થતી હરફર, પવન ‘સૂરિયો’ વાય છે કે ‘સળી’ ? અરે, કકણહાર જેવા પક્ષીનું બોલવું, ગાય-બળદ જેવા જાનવરનું ઝોલે ચડવું, કે સવારમાં આવેલા ઝાકળનું વધતું-ઓછું પ્રમાણ કે વનસ્પતિનાં પાંદડાંના ખૂલવા-બિડાવા પરથી વરસાદની આગાહી કરે છે અને 80-90 %સાચી ઠરે છે !

જમીનના તળમાં ક્યાં કેટલું પાણી છે, તે તપાસવાનું વૈજ્ઞાનિક સાધન- તળમીટરે કરેલી તપાસ ઘણી વાર ખોટી પડે છે. પણ જમીન પરના કાંકરાના પ્રકાર, ધરતી પર ઉગેલ ઝાળાં-ઝાંખરાંના રૂપ-રંગનો દિદાર અને જમીનનો ઢાળ-ઢોળ જોઇ કરેલ અનુમાન વધુ સારું પરિણામ બતાવે છે. મોલાતમાં સવા રહેશે કે કવા વરતાશે એનું આગમ અષાઢી બીજ કેવીક દેખાય છે એના પરથી ખેડૂત ભાખતા હોય છે. આવા અનુભવનું એકઠું થયેલ ભાથું કંઇ જેવી તેવી મિલ્કત ન ગણાય મિત્રો !

આ તે કેવું કહેવાય ? તો ભાઇઓ ! આ ઉપરાંત બીજી કેટલીય શારીરિક આવડતો અને ખડતલતા આપણી કોઇ રીતે કમ નથી. સમય ઓળખી લઈ, કોણી મારી કૂરડું કરવાની કોઠાસૂઝ આપણી ખેડૂતોની જેવી તેવી નથી. જાત જાતના અનુભવોનો ભંડાર પૂરો ભરેલો છે, અને નોખનોખી વિશિષ્ટ પાવરધાઇઓનો પણ પાર નથી. આવી આટલી બધી બાબતોમાં આપણે કાઠું કાઢ્યું હોય, અને આપણી ખેતીમાંથી પોરહ ચડે એવું અને એટલું સારું ઉત્પાદન જો ન મેળવી શકતા હોઇએ તો તપાસવું પડે કે આપણામાં હવે શું ખૂટે છે ? ઊણપ હવે રહી ગઈ છે કઈ બાબતની ? શું આપણી ઢીલપની ? લાંબું-ઊંડું નહીં વિચારવાની ? હિસાબી બેદરકારીની ? કે પછી દિલના રંગ સાથે હૈયું ને હાથ આપવાના આપણા નકારાત્મક વલણની ?

જીવ વિજ્ઞાન કહે છે, “મેળવણ માં દૂધનું દહીંમાં રૂપાંતર કરવાની તાકાત જોરદાર છે. પણ દૂધ નહીં ઠંડું-નહીં ગરમ-હુંફાળું હોવું જરૂરી છે.” એમ “ ખેતી વિજ્ઞાન” માં ખેતીને ઊંચે ઉઠાવવાની તાકાત તો રહેલી છે જ, પણ ખેડૂતોની રૂઢ માન્યતાઓ છોડીને નવી વાતોને પકડી-અમલમાં મુકાવનારા મનની તૈયારી કેટલી ? આપણી કુદરત દીધી શક્તિઓ અને વિજ્ઞાને આપેલાં શાસ્ત્રોનો સુમેળ થાય તો આપણે ખેડૂતો ધાર્યું નિશાન વીંધી શકીએ કે નહીં ?

જરૂર છે આપણો ધો બદલવાની ! : હા, કોઇ વાર આપણો કાર્યક્રમ સફળ ન પણ થાય, પણ તો તે વખતે આમ કેમ થયું ? આપણાથી શું ફેર પડી ગયો ? શી ઉણપ રહી ગઈ આપણી ચીવટમાં ? એવું વિચારી, આપણી ખામી શોધી કાઢી તેના નિવારણનું વિચારવાને બદલે “આ આપણાથી ન થાય”, “આ આપણું કામ નહીં” એમ કરી કાર્યક્રમ પડતો કરી દઈએ છીએ પણ એ કાર્યક્રમ સાચો લાગતો હોય તો તેને બધી બાજુથી પૂરતો ચકાસ્યા વિના નેવકો પડતો કરી ન દઈએ. એમ જ કર્યા કરીએ તો તો આપણી પ્રગતિનો માર્ગ બંધ જ થઈ જાય ને !

ભૂલો થવાનાં કારણો થોડાં નથી હોતાં. પાયાના અને પૂર્તિ ખાતરો આપવાની બાબત, પાક અને તેની વિવિધ જાતોની પસંદગીની બાબત, પર્યાવરણ, હવામાન અને સિંચાઇના પાણીની બાબત ઘણી સમજણ માગે છે. અરે ! આંતરખેડ બાબતે ઊંડી પાંહ અને વારંવારની થતી રહેતી સાંતીની હરફર શું જરૂરી ખરી ? વગર વરાપે સાંતી ઢસડ્યે રાખવું કેટલું વ્યાજબી ? નાના મોલને આટલા બધા રેળિયારપટ પિયતની જરૂર ખરી ? આપણા પાણીનો પ્રકાર અને સ્થિતિ પ્રમાણે પિયતની પદ્ધતિ કઈ યોગ્ય ગણાય ? અરે, માલ પકાવ્યે થોડા રાજા થઈ જવાય છે ? માર્કેટીંગ કે મૂલ્યવૃદ્ધિમાં ધ્યાન નહીં આપવાનું ? મિત્રો ! આ બધું કરવાની જરૂર છે – નહીં કે દેખાદેખીની. પાણીની સોઇ વાળા ખેડૂતો પપૈયા અને કેળ ચોપે. પણ આપણે ઓછું પાણી હોય એમણે “ધણ વાંહે ઢાંઢી” કરવાને બદલે બોરડી, આમળી, જામફળી, સીતાફળી ચોપાય. બીજાનો વદાડ પદતો કરાય. હા, એનું સારું જરૂર જોઇએ-પણ એની જમીન, એનું પાણી, એનું પર્યાવરણ, એના બજાર અને એનું સ્થળ-બધાનો અભ્યાસ કર્યા પછી,આપણને લાગુ થશે તેમ લાગે તો જરૂર કરીએ. નહીં તો પડતો કરીએ-એ કાર્યક્રમ ભલે રહ્યો એમને મુબારક !

વગર હિસાબ માંડ્યે ડગલુંયે આગળ ન વધીએ. ઉત્પાદનની ગણતરી પણ તરતની નહીં, લાંબી રાખવાની. જમીન એતો જીંદગીભર રળવાનું ભાથું છે ભાઇ ! એનું જતન કરતાં કરતાં નરવ્યું અને નમતું ઉત્પાદન લેવું હોય તો મગજ, હૈયું અને હાથ-બધાનો સુમેળ સાધતા રહેવો જોઇએ.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: admin

1 thought on “કૃષિ ક્રાંતિ માટે જરૂર છે – ખેડૂતોએ પોતાનો “ધો” -[ દિશા] બદલવાની !

Leave a Reply

Your email address will not be published.