-વલીભાઈ મુસા
મારા અગાઉના આર્ટિકલ “દેખીતા દીવાના, પણ શાણા એવા એક માણસની સાચી કહાની!”માં વચનબદ્ધ થયા મુજબ, હું આજે બહલૂલ દાના (શાણા) વિષે વાત કરી રહ્યો છું. બહલૂલ (જેમનું મૂળ નામ વહાબ બિન અમ્ર હતું) ઈરાકના અબ્બાસી ખલીફા હારૂન અલ રશીદ (ઈ.સ. 786-809)ના સમયમાં થઈ ગએલા ધનિક પરિવારમાંથી આવતા એક વિખ્યાત ન્યાયાધીશ અને વિદ્વાન પુરુષ પણ હતા. તેઓ શીઆ મુસ્લીમોના છઠ્ઠા ઈમામ હજરત જાફર સાદિક (અ.સ.) ના શિષ્ય હતા અને સાતમા ઈમામ હજરત મુસા કાઝિમ (અ.સ.)ના ઈમામતકાળમાં પણ હયાત હતા. હારૂન અલ રશીદ પોતાની ખિલાફત અને રાજગાદીની સલામતી માટે ચિંતિત રહેતો હતો અને હજરત મુસા કાઝિમ (અ.સ.) ના પ્રભાવથી ડરતો હતો. તેણે હજરત મુસા કાઝિમ (અ.સ.)ને ખતમ કરી દેવા માટેની યોજના બનાવી. તેણે ઈમામ ઉપર રાજ્ય સામે બંડ પોકારવાનો આરોપ મૂકીને રાજધાનીના આગેવાનોમાંથી ન્યાયપંચપીઠિકા (Jury) ની નિયુક્તિ કરી કે જેમણે ઈમામ ઉપર લગાવાયેલા આરોપને સાચો સાબિત કરવાનો હતો. બહલૂલ દાના સિવાયના બાકીના તમામ જ્યુરી સભ્યો ખલીફાના જીહજુરિયાઓ હતા. બહલૂલે ઈમામની વિરુદ્ધ પોતાનો મત ન આપ્યો અને આમ તેઓ ખલીફાના દુશ્મન બની બેઠા. ઈમામને જ્યુરીના બહુમતી મતોના આધાર હેઠળ કેદ કરી દેવામાં આવ્યા.
અહીં, બહલૂલ ખલીફાની સજાથી ડર અનુભવવા માંડ્યા અને તેમણે હવે શું કરવું તેનું માર્ગદર્શન મેળવવા ઈમામનો જેલમાં સંપર્ક સાધ્યો. ઈમામે તેમને આદેશ આપ્યો કે તેમણે જીવનભર દીવાના તરીકે વર્તવું અને લોકોમાં દીવાના તરીકે જ ઓળખાવું. વળી તેમને એ પણ કહેવામાં આવ્યું કે તેઓ દીવાનાપણાના ઓથા હેઠળ લોકોને સત્યના માર્ગને અનુસરવા માટે તેમને પ્રોત્સાહિત કરવાનું અને તેમને પ્રશિક્ષિત કરવા માટેનું પોતાનું મિશનકાર્ય ચાલુ રાખશે. આમ દીવાના જાહેર થવાથી જાણે કે તેમને આખાબોલા બનવાનો અધિકાર મળી ગયો હોય તેમ તેઓ ખુદ ખલીફા અને તેમના દરબારીજનોનો પણ ઊધડો લઈ શકતા હતા. આમ લોકો તેમને શ્રેષ્ઠતા અને શાણપણમાં ખૂબ જ ઊંચો દરજ્જો ધરાવતા માણસ તરીકે ઓળખવા માંડ્યા. આજે પણ ઘણી સભાઓમાં બહલૂલની વાતોને ટાંકવામાં આવે છે અને શ્રોતાઓને જીવનના મૂલ્યવાન પાઠો શીખવવામાં આવે છે.
બહલૂલ દાના વિષેની કેટલીક વાતો રજૂ કરવા પહેલાં, હું તમને એક કાવ્યનો ભાવાનુવાદ આપવાનું પસંદ કરીશ કે જે બહલૂલના આધ્યાત્મિક વિચારો અને તેમના મહામાનવ તરીકેના વ્યક્તિત્વ સાથે સંપૂર્ણ બંધબેસતો છે, જે નીચે પ્રમાણે છે : –
“બાદશાહ જેવો લહેરી મિજાજ ધરાવતા એવા લોકો રાજ્યના આગળ પડતા મહાનુભાવોનાં પણ માનસન્માનના અધિકારી છે.
આ એક એવો ચીંથરેહાલ રાજા છે કે જેના ગુલામો તરીકે મહાન અને શક્તિશાળી જમશેદ અને ખાકન જેવા રાજાઓ પણ આવવા તૈયાર થઈ જાય!
આજે તો તેઓ આ દુનિયાની સુંદરતાને નજરઅંદાજ કરી લે છે, પણ કાલે તો, તેઓ જન્નત(સ્વર્ગ)ને પણ કોઈ જ મહત્ત્વ નહિ આપે!
આવા મસ્ત ફકીરો કે જેમના પગમાં જૂતાં સુદ્ધાં નથી એવાઓ સામે તિરસ્કારપૂર્વક ન જુઓ, તેઓ તો અલ્લાહ (ઈશ્વર) ના ખૌફમાં આંસુ વહાવનારી આંખો કરતાં પણ શાણપણને વધુ પ્રિય છે.
જો આદમે ઘઉંના બે દાણા માટે જન્નતને વેચી દીધું (જતું કર્યું) હોય તો, ખરે જ જાણી લ્યો કે, આ લોકો ઘઉંનો એક જ દાણો ચૂકવીને પણ તે જન્નતને ખરીદશે નહિ! ”
અહીં બહલૂલના વ્યક્તિત્વને વર્ણવતું એક કથન આપવામાં આવે છે કે જેની સરખામણી ઉપરના પદ્ય સાથે કરવાથી જ બહલૂલને યોગ્ય રીતે ઓળખી શકાશે. તો એ કથનના શબ્દો છે : “દીવાના તરીકે જાહેર થવા પહેલાં બહલૂલ એક વગદાર અને સત્તાધીશ માણસ તરીકેની જિંદગી જીવતા હતા, પણ ઈમામના હૂકમને અનુસરીને તેમણે દુનિયાની એ સાહ્યબી અને દમામ તરફથી પોતાનું મોઢું ફેરવી લીધું હતું. વાસ્તવમાં જ તેઓ અલ્લાહ ઉપર આફરીન થઈ જવાના કારણે મસ્ત બની ગયા હતા. તેમણે ફાટેલાં વસ્ત્ર પરિધાન કર્યાં અને હારૂનના મહેલોમાં રહેવાના બદલે એકાકી જગ્યાઓમાં જ રહેવાનું અપનાવી લીધું. તેમણે લૂખાસૂકા રોટલા ખાઈને જીવવાનું પસંદ કરી લીધું અને હારૂનના કોઈપણ જાતના અહેસાનો કે મહેરબાનીઓ સ્વીકારવાનું પરહેજ કરી લીધું. તેમણે હારૂન કે તેના જેવા કોઈનોય કોઈપણ જાતનો આધાર કે સહારો લેવાનુ મુનાસિબ ન ગણ્યું. બહલૂલે પોતાના જીવનનો જે રાહ પસંદ કરી લીધો હતો તેના કારણે તેઓ ખલીફા કે તેના દરબારીઓ કરતાં પણ પોતાની જાતને શ્રેષ્ઠ માનતા હતા.”
હવે હું મારા વાચકોની જિજ્ઞાસાનો અંત લાવું છું અને બહલૂલ દાનાના જીવનમાં ઘટેલી અસંખ્ય ઘટનાઓ પૈકીની માત્ર ત્રણને જ નીચે રજૂ કરું છું.
(૧)
એક વાર એક મૌલવી (ધાર્મિક શિક્ષક) પોતાના વિદ્યાર્થીઓને ઈસ્લામિક માન્યતાઓ અને સિદ્ધાંતો શીખવી રહ્યો હતો. ઈમામ જાફર સાદિક (અ.સ.) દ્વારા જાહેર કરાયેલાં કેટલાંક વિધાનો સામે પોતે પડકાર ફેંકી રહ્યો હતો અને તેમના વિરુદ્ધની દલીલો કરી રહ્યો હતો. આ વખતે બહલૂલ પણ ત્યાં હાજર હતા. પેલો મૌલવી એવો દાવો કરી રહ્યો હતો કે તે નીચે દર્શાવેલાં ઈમામનાં ત્રણ વિધાનો સાથે બિલકુલ સંમત થતો નથી.
ઈમામનું પહેલું કથન એ હતું કે ‘અલ્લાહને કદીય જોઈ શકાય નહિ.’ આ કથન સામે પેલા મૌલવીની દલીલ હતી કે ‘એ સાવ અશક્ય છે કે કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી હોય અને છતાંય અદૃશ્ય રહેતી હોય!’
ઈમામનું બીજું કથન એ હતું કે ‘શયતાનને જહન્નમની ભડભડતી આગમાં નાખવામાં આવશે અને તે બળીને ભડથું થઈ જશે.’ આના સામે મૌલવીની દલીલ હતી કે ‘એ કેવી રીતે બની શકે આગ આગને બાળે, જ્યારે કે શયતાન પોતે જ આગમાંથી બનેલો હોય! ’
ઈમામનું ત્રીજું કથન હતું કે ‘મનુષ્ય પોતે જ પોતાનાં કર્મો માટે જવાબદાર છે અને સર્વશક્તિમાન અલ્લાહની તેનાં કાર્યો અંગે કોઈ જવાબદારી રહેતી નથી.’ આના સામે મૌલવીનો ત્રીજો પડકાર એ હતો કે ‘એ કેવી રીતે શક્ય બને કે અલ્લાહની કોઈ જવાબદારી ન રહે, જ્યારે કે અલ્લાહ પોતે જ બંદાના ભાગ્યનો ઘડવૈયો હોય અને તેની મરજી વિરુદ્ધ કશું જ બની ન શકતું હોય! ’
પેલા મૌલવીએ ઈમામની ત્રણેય દલીલોનું ખંડન કરતી પોતાની ટીકાટિપ્પણી જેવી પૂરી કરી કે તરત જ બહલૂલે ઊભા થઈને એક ઈંટનો ટુકડો લઈને બરાબર નિશાન તાકીને પેલા મૌલવીના માથા ઉપર એવી રીતે માર્યો કે પેલા મૌલવીના માથામાં ઘા પડી ગયો.
બહલૂલને પકડી લેવામાં આવ્યા અને તેમણે કરેલા આ અપરાધ સામે તેમને સજા કરવા માટે ખલીફા સામે ઊભા કરી દેવામાં આવ્યા. બહલૂલે પોતાના બચાવમાં દલીલ કરતાં કહ્યું કે તેમણે તો ઈમામનાં ત્રણ વિધાનો વિરુદ્ધમાં મૌલવીએ જે દલીલો કરી છે તેનો માત્ર જવાબ જ આપ્યો છે, કોઈ અપરાધ નથી કર્યો.
ખલીફાએ બહલૂલને કહ્યું કે તેણે કેવી રીતે અને શા માટે પેલા મૌલવીને આમ ઢેખાળો મારવાનું અને તેને ઈજા પહોંચાડવાનું પસંદ કર્યું. બહલૂલે જવાબ વાળ્યો, ‘આ માણસ એવો દાવો કરે છે કે જો અલ્લાહ ખરેખર અસ્તિત્વ ધરાવતો જ હોય તો તે દેખાવો પણ જોઈએ. હવે એ માણસ ફરિયાદ કરે છે કે તેને ઢેખાળાના પ્રહારના કારણે માથામાં જે ઈજા થઈ છે તેનાથી તે વેદના અનુભવે છે. હવે જો ખરેખર જ તેને વેદના થતી હોય તો તે મને બતાવી શકશે કે એ વેદના ક્યાં છે? આમ જો વેદના દેખાતી ન હોવા છતાં મોજુદ હોય તો અલ્લાહ પણ દેખાતો ન હોવા છતાં પણ મોજુદ છે એમ સમજવું જ રહ્યું.’
‘હવે, બીજી વાત એ કે આગ આગને બાળી ન શકે, તો હકીકત આપણી સામે છે જ કે માનવીને માટીમાંથી સર્જવામાં આવેલો છે અને જે ઢેખાળાથી તેના માથાને ઈજા પહોંચાડવામાં આવી, તે પણ માટીમાંથી બનેલો છે. હવે જો માટી માટીને ઈજા પહોંચાડી શકતી હોય તો શા માટે આગ આગને ન બાળી શકે? ’
‘છેલ્લે તે એમ કહે છે તે મુજબ મનુષ્ય પોતાનાં કર્મો માટે જવાબદાર નથી, પણ તે જે કંઈ કરે છે તે પરોક્ષ રીતે અલ્લાહ જ કરે છે; હવે જો એમ જ હોય તો તે શા માટે પોતાને ઈજા થયા બદલ તમારી પાસે ન્યાય માગે છે અને મને સજા કરાવવા માગે છે? તેણે સજાને અલ્લાહ તરફ તબદીલ કરાવવી જોઈએ કેમ કે તેના મતે તો માનવીનાં સઘળાં કાર્યો માટે અલ્લાહ જ જવાબદાર છે.’
દરબારમાં બધા જ સ્તબ્ધ બની ગયા અને મૌલવીને કશું જ કહેવાપણું ન રહેતાં ખામોશ રહી ગયો અને બહલૂલને કોઈ પણ સજા કર્યા વગર છોડી દેવામાં આવ્યા.
(૨)
એક દિવસે બહલૂલ જાહેર હમામખાને સ્નાન કરવા ગયા. ખાદિમોએ તેમની સાથે ખરાબ વર્તાવ કર્યો અને સ્પોન્જ વડે તેમને બરાબર માલિસ પણ કરી નહિ. હવે સ્નાન પતી ગયા પછી તેઓ જ્યારે હમામમાંથી બહાર આવ્યા ત્યારે પોતાની પાસેના તમામે તમામ દસ દિનાર તેમને આપી દીધા. ખાદિમોએ જ્યારે બહલૂલની આ ઉદારતા જોઈ, ત્યારે તેઓ મનોમન શરમાઈ ગયા એમ વિચારતાં કે તેમણે શા માટે બહલૂલ સાથે દુર્વ્યવહાર કર્યો.
પછીના અઠવાડિયે બહલૂલ એ જ ગરમ પાણીના હમામે ફરી નહાવા ગયા. આ વખતે બધા જ ખાદિમોએ ખૂબ જ માનસન્માન સાથે તેમને સ્નાન કરાવ્યું અને તેમના પ્રત્યે અમર્યાદ સ્નેહ પણ બતાવ્યો. આટલી બધી સરસ ખિદમત થઈ હોવા છતાં બહલૂલે હમામની બહાર આવીને પેલાઓને માત્ર એક જ દિનાર આપ્યો.
હમામના ખાદિમોએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું, ‘ગયા અઠવાડિયે તમે બિનજરૂરી મોટી બક્ષિસ આપી હતી અને આજે આમ કરવાનું કોઈ કારણ ખરું? ’
બહલૂલે જવાબ વાળ્યો, ‘મેં મારા આજના સ્નાન માટે ગયા અઠવાડિયે હું જ્યારે આવ્યો હતો ત્યારે નાણાં ચૂકવ્યાં હતાં અને આજે તે દિવસે મને જે સ્નાન કરાવવામાં આવ્યું હતું તેનાં નાણાં ચૂકવું છું!’ આમ બહલૂલે પેલા ખદિમોને તેમની ફરજનું ભાન કરાવ્યું.
(૩)
એક દિવસે હારૂન અલ રશીદ બહલૂલ દાના સાથે ગરમ પાણીના હમામ ઉપર સ્નાન કરવા ગયો હતો. ખલીફાએ ગમ્મતમાં બહલૂલને પૂછ્યું, ‘હું ગુલામ હોઉં તો મારી કિંમત શું ઉપજે?’
બહલૂલે જવાબ આપ્યો, ‘ પચાસ દિનાર! ’
ખલીફાએ ગુસ્સો કરતાં કહ્યું, ‘ અરે, ઓ પાગલ! મેં જે કમર નીચેનું વસ્ત્ર પહેર્યું છે તે જ પચાસ દિનારનું છે!’
‘મેં એ વસ્ત્રની જ કિંમત મૂકી છે, કારણ કે ખલીફાની કોઈ જ કિંમત નથી! ’ બહલૂલે કહ્યું.
* * *
આશા રાખું છું કે મારા મોંઘેરા વાચકોએ બહલૂલ દાના ઉપરની આ ત્રણેય વાર્તાઓ કે જે પેલા મૌલવી, હમામના ખાદિમો અને ખુદ ખલીફાને સ્પર્શતી હતી તે સઘળી માણી હશે જ.
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com | મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977
નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો